Friday, 25 December 2015

[amdavadis4ever] કેજરીવાલે મર ્યાદા ઓળંગી જ દીધી nagindash shanghvi

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેજરીવાલે મર્યાદા ઓળંગી જ દીધી

એક બીજાને ગાળો ભાંડવાની આદત અને સગવડ ભારતીય લોકશાહીનું આગવું લક્ષણ બનવા લાગ્યું છે. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ અને મહાગઠબંધન વચ્ચે થયેલી જીભાજોડી અતિશય હલકી કક્ષાની હતી તેવો ઉકળાટ તમામ નિરીક્ષકોએ ઠાલવ્યો હતો, પણ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બધી મર્યાદા વટાવી દીધી છે અને વડાપ્રધાન પદની ગરિમાને લાંછન લગાડ્યું છે. નરેન્દ્ર મોદી પોતાનો સીધો સામનો કરી શકે તેમ નથી, તેથી સીબીઆઇનો ઉપયોગ કરે છે. મોદી બાયલો છે અને વિકૃત મનોદશાનો રોગી છે તેવા શબ્દો તેમની હતાશા અને હલકાઈની નિશાની છે. શબ્દો બોલાય તેના આધારે માણસનું માપ નીકળે તેવું જૂનું સુભાષિત સંસ્કૃત ભાષામાં છે.

આ ફરિયાદો અને આ ગાળાગાળી વધવાની છે. પાર્લામેન્ટમાં સરકારી ધોરણે જાહેર કરવામાં આવ્યું છે કે મોદી સરકારે નોકરિયાતો પરનો કારસો સખત બનાવ્યો છે. છેલ્લા દોઢ વરસમાં ભ્રષ્ટાચાર, કામચોરી કે અણઆવડતના કારણે ભારત સરકારના 13 વરિષ્ઠ નોકરિયાતોને પાણીચું પકડાવવામાં આવ્યું છે અને 45 અમલદારોને નાની-મોટી સજાઓ અને પેન્શન કપાત કરવામાં આવી છે. ઠરાવેલા સમયે સરકારી નોકરિયાતોની સમીક્ષા કરવાનો નિયમ અત્યાર સુધી પાળવામાં આવતો નહોતો તેનો અમલ ચુસ્ત રીતે કરવાનો આદેશ દરેક ખાતાને અપાયાે છે. અમલદારશાહી મોદી વિરોધી બનશે, મોદીની લોકપ્રિયતા ઘટશે, પણ દેશને ફાયદો થશે. જેને સજા થશે તે બધા મોદીના કટ્ટર દુશ્મન બની જાય. આ બધા પહોંચેલી માયા છે, મીડિયાનો પૂરો લાભ-ગેરલાભ ઉઠાવવામાં હોશિયાર છે, તેથી આપણા જેવા સામાન્ય નાગરિકોએ તેમનાથી દોરવાઈ જવામાં સંભાળ રાખવી પડે.

મોદી વિરોધીઓના દોષ, પાપ ઉઘાડાં પડે, પણ પોતાના સાથીઓ-ટેકેદારોને છાવરે છે. તેમનો ઢાંકપિછોડો કરે છે તે ટીકા થાય છે અને સાચી છે, પણ આપણને લોકશાહીનો ફાયદો છે. પક્ષો, આગેવાનો, જૂથો વગેરે સત્તા ફેરવાતી રહે છે. એકનાં પાપ બીજો ઉઘાડાં પાડે તો છેવટે ફાયદો તો દેશને જ થવાનો છે. આપણી લોકશાહી કોંગ્રેસી રાજવંશના કારણે નબળી પડી છે અને પચાસ વરસ સુધી જે થયું તે આપણે જાણતા નથી. દોઢ વરસમાં ગાંધી કુટુંબની કેટલી વાતો જાણવા મળી? ઇન્દિરાએ નાખેલી કટોકટી તે ભૂલ હતી તેવું ચિંદમ્બરમે કહ્યું, બોફોર્સને છાવરવામાં રાજીવ ગાંધીએ ગોથું ખાધું તે જ્યોતિરાદિત્ય સીંધિયાએ કબૂલ કર્યું. સોનિયા ગાંધી દખલગીરી કરતાં હતાં, તેથી પોતે અને પ્રફુલ્લ પટેલે રાજીનામાં આપ્યાં તેવું શરદ પવારે જાહેર કર્યું. કબજામાં રહે તેવા નબળા મનમોહન સિંહને સોનિયાએ પસંદ કર્યા, પણ પ્રણવ મુખરજી હોત તો કોંગ્રેસ ટકી રહી હોત તેવું સલમાન ખુરશદે લખ્યું. સત્તાધારી વિશે સાચું જાણવા ન મળે. 'વાઘને કોણ કહેવા જાય કે તારું મોં ગંધાય છે?' પણ લોકશાહીમાં સત્તા ફેરવાતી રહે તે સાૈથી મોટો ફાયદો છે અને આપણા જેવા નાગરિકોએ તેનો લાભ ઉઠાવવો જોઈએ.

મોદી સીબીઆઇનો ગેરવપરાશ કરે છે. વિરોધીઓને ઉઘાડા પાડવામાં, ડરાવવા માટે વાપરે છે, રાજકીય સોદાબાજીનાં સોગઠાં તરીકે વાપરે છે તેવું કેજરીવાલ, સોનિયા ગાંધી કહે છે. વાત સાચી હોઈ શકે પણ સીબીઆઇનો રાજકીય વપરાશ પરાપૂર્વથી થતો આવ્યો છે. બોફોર્સ કૌભાંડની તપાસ વીસ વરસ ચાલી અને કરોડો રૂપિયા ખર્ચાયા. તપાસ રોકવાનો પ્રયાસ વિદેશપ્રધાન માધવસિંહ સોલંકીએ કર્યો અને છેવટે સીબીઆઇએ કેસ ભીનો સંકેલી લીધો. મુલાયમ સિંહ, માયાવતી વિરોધ કરે તો સીબીઆઇની તપાસ શરૂ થાય અને ટેકો આપે તો તપાસ અટકી જાય તેવું હજાર વખત થયું છે. દરેક સરકાર પોતાના દરેક સાધનનો વપરાશ અને ગેરવપરાશ હંમેશાં કરે છે, કરવાની છે. તેમાં કોઈનો અપવાદ નથી. સોનિયા ગાંધીના સત્તાકાળમાં રોબર્ટ વાડ્રાની તપાસ કેમ ન થઈ અને હરિયાણામાં ખેમકાજીને શા માટે બદલી કાઢ્યા? મહારાષ્ટ્રની કોંગ્રેસી સરકારે 48000 કરોડના સિંચાઈ કૌભાંડ ઉઘાડાં પડ્યાં છતાં તપાસ ન કરી. આદર્શ સોસાયટીના કૌભાંડને છાવરવામાં આવ્યું. આ બધું આગળ પાછળનું યાદ રાખવું જોઈએ.

લોકશાહીમાં આગેવાનોએ ટીકાઓની ભઠ્ઠીમાં સતત શેકાતા ભૂંજાતા રહેવું પડે છે. અમેરિકાના પ્રમુખ લીંડન જ્હોન્સન હંમેશાં કહેતાં કે જેનાથી ગરમી સહન ન થાય તેણે રસોયાનો ધંધો ન કરવો. ટીકા, બદનામી, આક્ષેપો, ગાળાગાળી સહન કરવાની ત્રેવડ ન હોય તેણે રાજકારણમાં આવવું નહીં. ચૂંટણી વખતે અપાયેલાં વચનો દોઢ વરસ સુધી પળાયાં નથી તેથી મોદીના માથે માછલાં ધોવાય છે, તે લોકશાહીને છાજે તેવું છે.મોદીનાં તટસ્થ લેખાંજોખાં પાંચ વરસે જ કાઢી શકાય. અત્યારે બોલનાર, લખનાર લોકો કાં તો ખુશામતખોરો છે, કાં તો ગાળો ભાંડનાર છે. પરદેશી બેન્કમાંથી નાણાં પાછાં લાવવાં, કાળાબજાર નાબૂદી, ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાતો સહેલાઈથી થઈ શકે છે, પણ આવાં કામ બે-પાંચ વરસે કે બે-પાંચ દાયકે થાય તો પણ મહાસિદ્ધિ ગણાય. 'તારા માટે જાન આપી દઉં', 'આકાશના તારા તોડી લાવું', 'ફના થઈ જાઉં' જેવી કવિતા બધા પ્રેમીઓ અને ચૂંટણીના ઉમેદવારો કરતા હોય છે, પણ કોઈ તેનો અમલ નહીં કરે, કારણ કે અમલ થઈ શકે તેમ નથી. મોદી સરકાર માટે જે કહેવું હોય તે કહીએ, પણ તેને 'નિષ્ક્રિય' કે 'નિર્જીવ' સરકાર કહી શકાય તેમ નથી. દોઢ વરસમાં મોટી નિષ્ફળતા મળી છે,

નોંધપાત્ર સિદ્ધિઓ પણ જમા પાસે છે. દોઢ વરસથી આ માણસ પગ વાળીને બેઠો નથી, પણ સરકારનો વહીવટ હજી સુધી ટકોરાબંધ ચાલે છે. બધું થયું છે તેમ કહેવું ખોટું છે, તેમ કશું જ નથી થયું તેમ કહેવું પણ ખોટું છે. ભ્રષ્ટાચાર, કામચોરી, ગંદકી, ગુનાખોરી, મોંઘવારી નાબૂદ થયાં નથી, ઘટ્યાં પણ નથી, પણ આવાં કામ કોઈથી થઈ શકે ખરાં? મોદી હજાર હાથવાળો ભગવાન નથી અને તાડ જેટલો લાંબો, મોં માથા વગરનો ઢંઢો રાક્ષસ પણ નથી. માણસ છે અને માણસ તરીકેના તમામ ગુણદોષ સાથે તેને માપવો જોઈએ. આજના તંત્રમાં નાગરિકો બીજું કશું કરી શકે તેમ નથી, પણ ત્રાજવું તો પકડી શકે અને બને તેટલા સમતોલ રહેવાની મહેનત કરી શકે. રાજકારણમાં કે રાજકારણના અભ્યાસ મૂલ્યાંકનમાં તટસ્થતાનો દાવો કરનાર માણસ કાં તો જુઠ્ઠો છે, કાં તો મૂરખ છે. ત્રીજો કોઈ વિકલ્પ નથી. આપણે તો બંને બાજુ જોવાની થોડી મથામણ કરી શકીએ, ચારે બાજુ નજર ફેરવી શકીએ અને આપણા પૂર્વગ્રહો અંગે થોડા સાવધાન રહી શકીએ. પૂર્વગ્રહોથી તદ્દન મુક્તિ મેળવીએ તેવી કલ્પના પણ વાહિયાત છે, પણ બિનજરૂરી કડવાશ અને ગંદી ગાળાગાળી અવશ્ય ટાળી શકાય. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment