Friday, 25 December 2015

[amdavadis4ever] એક પગે પગભર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવનમાં મોટા સંદેશ નાની નાની વાતમાંથી મળતા હોય છે. મહાનુભાવોની મોટી વાતો નાના લોકોને પ્રેરણા આપી જાય એ તો બહુ જ સ્વાભાવિક છે, પણ નાના લોકો, સાવ સામાન્ય માનવી પોતાની આપવીતીમાંથી પોતે કરેલા સંઘર્ષોમાંથી અન્યોને આશાવાદી બનીને જીવન જીવવાની પ્રેરણારૂપી સુવાસ પ્રસરાવે છે એની વાતો ભાગ્યે જ જોવા - સાંભળવા - વાંચવા મળે છે.

રાજસ્થાનના ગંગાનગરના સાવ નાનકડા ગામ નીમ્મવાડીના દૃઢ મનોબળ ધરાવતા આશાવાદી રામચંદ્ર જાખડની સંઘર્ષગાથા પણ કંઈક આવી જ છે. ગરીબ મા-બાપને ત્યાં જન્મેલા રામચંદ્રએ મા-બાપનું છત્ર ગુમાવ્યું ત્યારથી મુસીબતોના પહાડ તૂટવાનો આરંભ થયો. યાતનાઓ પીછો કરતી રહી. નાના ગામમાં ઓળખે બધા, પણ સધિયારો કોઈનો નહીં. નોકરી-ધંધાના કોઈ ચાન્સ નહીં, કોઈ તક નહીં, કામ મળે નહીં.

પોતાના નાનકડા ગામમાંથી ફોન પર વાત કરતા તેઓ 'મુંબઈ સમાચાર'ને માહિતી આપે છે કે 'હું મજૂરી કરીને પેટિયું રળતો. નીમ્મગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ગંગાનગરમાં કામ મળશે એવી આશાએ કામ શોધતો. દર દર ભટકવા છતાં એક પણ પૈસો કમાયા વિના સાંજે ગામ પાછો ફરતો.' રામચંદ્ર વિચારતો ભગવાન રામચંદ્રએ ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો... મારી આ સજા કેટલાં વર્ષની હશે? કોઈના ખેતરમાં ખેતમજૂર તરીકે કામ મળે તો એ પણ કરે.

સામાન્ય રીતે ખેતીની સિઝનમાં ખેતમજૂરોની જરૂર વધુ પડતી હોવાથી સિઝનમાં રામને ખેતમજૂરીનું કામ મળવા માંડ્યું. ખેતમજૂર તરીકે કામ કરતા કરતા ખેતી કઈ રીતે થાય છે એની ખબર પડવા લાગી. ઈશ્ર્વરે પૃથ્વી પરના આ રામચંદ્રના ધૈર્યની કસોટી લેવાનો નિર્ધાર કર્યો હોય એમ એની પર એક પછી એક મુસીબતોના તીર ચલાવવાનું ચાલુ જ રાખ્યું.

લગભગ ૧૮-૨૦ વર્ષ પહેલાં ટ્રેક્ટર ચલાવતી વખતે રામે પગ ગુમાવ્યો. અકસ્માતના વિચિત્ર બનાવમાં ટ્રેક્ટરનું આગળનું ટાયર નીકળી ગયું અને ટ્રેક્ટર રસ્તાની બાજુના ભાગમાં પલટી ખાઈને પડ્યું. જેમાં રામચંદ્રનો પગ કપાઈ ગયો.

આ સાથે રામચંદ્ર હતાશાની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયો. હવે જીવન જીવવું સાવ અશક્ય હોય એવું લાગ્યું. પત્ની અને બન્ને બાળકીઓનું શું થશે એવો વિચાર મનમાં વંટોળની જેમ ચકરાવા લાગ્યો. હૉસ્પિટલમાંથી એક પગ અને કાખઘોડી સાથે બહાર આવતા જ રામચંદ્રએ નિસાસો નાખતા ભગવાનને પૂછ્યું: 'ભગવાન આ બધી તકલીફ મને જ કેમ?' આવા કપરા જીવનથી ત્રાસી ગયેલા રામચંદ્રએ આત્મહત્યા કરવાનો નિર્ધાર કરી લીધો. આત્મહત્યાનો વિચાર અજગરની જેમ મનને ભરડો લઈને બેઠો હતો. આખી રાત વિચાર્યું, પરંતુ પરોઢિયે તંદ્રાવસ્થામાં જાગીને વિચાર્યું. હું તો આત્મહત્યાનું અંતિમ પગલું ભરીને છૂટી જઈશ, પરંતુ નાની ફૂલ જેવી બાળકીઓ સરોદ અને કૌશલ્યાનું શું થશે? પત્ની જીવનનિર્વાહ કઈ રીતે ચલાવશે? એ ગોઝારી, એ કારમી રાતની સવારે સૂર્યના પહેલાં કિરણે રામના જીવનમાં આશાના કિરણોનો ઉજાસ પાથર્યો. રામે એક પગ પર પગભર થવાનો દૃઢ નિર્ધાર કરી લીધો. રામે એક પગે ખેતી કરવાનો નિશ્ર્ચય કર્યો.

રામ ત્યાર બાદ સિમેન્ટની દુકાનમાં કામ કરવા લાગ્યો.

હવે રામ પોઝિટિવ વિચાર કરવા માંડ્યો. એણે ખેતી ઠેકા પર લેવાનો વિચાર કર્યો. ગામના જમીનદારોની નાની જમીન કોન્ટ્રાક્ટ પર લઈને ખેતી કરવા માંડ્યો. શરૂઆતમાં જમીનદારો એની શારીરિક સ્થિતિ જોઈને ના પાડતા. અને તું એક પગે ખેતી કઈ રીતે કરીશ એવું પૂછતાં. તને ખેતી કરતાય આવડતું નથી, પણ રામે એમને વિશ્ર્વાસમાં લીધા. રામ એના ચહેરા સામે દીકરીઓ અને પત્નીને રાખીને બમણી મહેનત કરવા લાગ્યો, ખેતીકામ શીખ્યો. આજે રામ સિઝનમાં ઘઉં, સરસો, મકાઈ જેવા પાક લણવા માંડ્યો છે. હૅન્ડગિયર ધરાવતી મોટરસાઈકલ ચલાવે છે.

માત્ર આઠ ધોરણ સુધી અભ્યાસ કરનારા રામચંદ્રને પોતાની બન્ને બાળકીઓને અભ્યાસ નહીં કરાવી શકવાનો વસવસો છે. રામચંદ્ર કહે છે કે હું જાણું છું આજના યુગમાં છોકરીઓને સુશિક્ષિત કરવી બહુ જ જરૂરી છે. એમાંય હું મારા માતા-પિતાની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ભણી શક્યો નથી ત્યારે મારી દીકરીઓને ભણાવવાની મારી ઈચ્છા વધુ હતી.

હું પગ ગુમાવીને લાચાર બની ગયો. એટલે કદાચ મારી દીકરીઓએ ભણતર ગુમાવ્યું જેનો મને જીવનભર રંજ રહેશે. જોકે ૪૫ વર્ષના રામને એની બન્ને દીકરીઓને સારા કુટુંબમાં પરણાવી હોવાનો આનંદ છે.

રામચંદ્ર માને છે કે જીવનમાં સંઘર્ષ તો ચાલુ જ રહેવાનો. આજેય મને ખેતીમાં ઘણી અડચણો નડે છે. સમયસર વરસાદ ન પડે તો આખા વર્ષની મહેનત પાણીમાં જાય. વરસાદ ક્યારે પડશે એ જોવા હથેળીની છાજલી કરી નેણ પર મૂકીને આકાશ સામે જોયા કરવું પડે.

રામચંદ્રને ખબર છે કે વરસાદ ન પડવાથી અને અતિવૃષ્ટિથી કેવી કેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જોકે હવે રામચંદ્રને ખેતીના કામમાં રોજેરોજ કે અવારનવાર આવતી મુશ્કેલીઓ કોઠે પડીગઈ છે.

અનાજ વેચવા માટે મંડીમાં જઈને સોદાબાજી કરવાની સૂઝ રામચંદ્ર ધરાવતો થઈ ગયો છે. વેપારીઓ અને વચેટિયાઓ ખેડૂતોનું લોહી ચૂસીને પોતાના પેટ અને ગોદામો ભરતા હોવાની હકીકતથી વાકેફ રામચંદ્ર કહે છે:- 'સિસ્ટમ બદલવી બહુ અઘરી છે, પણ ખેડૂતોમાં સંપ હોય તો સિસ્ટમ બદલી શકાય.'

રામચંદ્ર બહુ ભણ્યો નથી, પણ ગણ્યો છે બહુ. એવું એના કોઠાસૂઝ ધરાવતા વિચારો પરથી જરૂર લાગે. હું મારા ગામના કે આસપાસના સીમાડાઓની બહાર નથી નીકળ્યો, પણ એ રાજકીય પરિસ્થિતિથી પણ વાકેફ છે. બેટી બચાઓ, બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન કે ભ્રષ્ટાચાર નિર્મૂલનની પેટછૂટી વાતો એ સહજ રીતે કરી શકે છે. સ્વચ્છતાની શરૂઆત આપણે આપણા આંગણામાંથી કરવી જોઈએ એવું એ સ્પષ્ટપણે માને છે.

ભ્રષ્ટાચાર વરસોથી ઘર કરી ગયો છે જે થોડેઘણે અંશે દરેકમાં જોવા મળે, પણ કોઈ વ્યક્તિને પોતાનું કામ કરાવવા મજબૂર બનાવીને લાંચ લેવાય ત્યારે એ માણસ લાચારી સાથે ભ્રષ્ટાચારનો હિસ્સો બને તો વાંક કોનો એવો સવાલ રામચંદ્રએ કર્યો. રામચંદ્ર પણ ઘણીવાર આવી ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ બન્યો છે.

હતાશાનિરાશાના ઓછાયામાંથી બહાર આવી ગયેલો રામચંદ્ર જીવનમાં ક્યારેય સંઘર્ષમાં પીછેહઠ નહીં કરવાની પ્રેરણા આપતા કહે છે કે અનુભવ અને સંઘર્ષ તમને જે શીખવી જશે એ કોઈ યુનિવર્સિટી નહીં શીખવી શકે. હું અનુભવની પાઠશાળામાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર આવ્યો છું. આજે ઘણા લોકો મારી પાસે ખેતીવિષયક સલાહ લેવા આવે છે. ઘણા લોકોને હું નિરાશ થયા વિના પોતાનાં ધાર્યાં કાર્યો પાર પાડવાનું કહું છું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment