Friday, 25 December 2015

[amdavadis4ever] ભારતીય સમાજ સ ર્વ સમાવેશક, ઉદાર રહ્યો છે Vidhyut Josh

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારતીય સમાજ સર્વ સમાવેશક, ઉદાર રહ્યો છે

બંગાળી ભાષામાં લખેલ પંક્તિ કોઈ પણ ભાષા ભાષી સહેલાઈથી સમજી શકે. આવા જ એક ઋષિતુલ્ય વિદ્વાન રામાંધારીસિંહ દિનકરે 'સંસ્કૃતિ કે ચાર અધ્યાય' નામના પ્રશિષ્ટ પુસ્તકમાં લખ્યું છે કે આજે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે આર્ય, અનાર્ય, મુસ્લિમ અને યુરોપિયન ચાર સંસ્કૃતિના સમન્વય થકી બનેલી છે. જો તમે કોઈ પણ ભારતીય ભાષાનું અધ્યયન કરશો તો તમને તેમાં સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી શબ્દો સ્વાભાવિક સ્વરૂપે ભળી ગયેલા જોવા મળશે. આ અંગે આપણા બહુશ્રુત વિદ્વાન સદ્્ગત પ્રબોધ પંડિતે લેંગ્વેજ ઇન એ પ્લુરલ સોસાયટીમાં લખ્યું છે કે ભાષા એ તો વહેતો પ્રવાહ છે. બજારમાં મળેલા એક પંડિત અને મૌલવી વાત કરવા લાગે છે. શરૂમાં પંડિત સંસ્કૃતમાં અને મૌલવી અરબીમાં બોલે છે. પરંતુ સંવાદ તો રચવો છે, માટે ધીમે ધીમે બન્ને હિન્દુસ્તાની પર ઉતરી આવે છે અને સંવાદ શક્ય બને છે.

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ પ્રમુખ સદ્્ગત કે.કા. શાસ્ત્રી સાથે આ લેખકને થયેલી ચર્ચામાં પૂજ્ય શાસ્ત્રીજીએ કહ્યું હતું કે તેમના કુટુંબમાં કોકેસોઈડ, મોન્ગેલોઈડ અને નિગ્રોઈડ પ્રજાતિનાં લક્ષણો છે. આવું લગભગ દરેક ભારતવાસી માટે કહી શકાય.હિંદુ પરંપરામાં ઋષિ કોને કહેવાય છે? આર્ષદૃષ્ટા હોય અને સત્ય સમજી ઉચ્ચારે તે ઋષિ. આથી ભારતીય દર્શનોમાં છમાંથી ચાર દર્શનો તો ઈશ્વરના અસ્તિત્વનાં છે અને નકાર કરનાર ચાર્વાક પણ ઋષિ ગણાય છે. અને જો કોઈ આચાર કે વિચાર વિષે મતફેર ઉદ્્ભવે તો વિદ્વાનો શાસ્ત્રાર્થ કરીને તેનો ઉકેલ લાવે, આવી બાબતમાં શસ્ત્રાર્થ નહોતો થતો. એક વખત સ્વામી દયાનંદ સરસ્વતીએ રાજસ્થાનના કોઈ રજવાડામાં વ્યાખ્યાન કર્યું ત્યારે તેમણે મૂર્તિપૂજાની ટીકા કરી. તે જોઇને સ્થાનિક રાજા ગુસ્સે થઇ હાથમાં તલવાર લઇ ધસી આવ્યા.દયાનંદે તેમને કહ્યું કે આ શાસ્ત્રાર્થનો વિષય છે, તમારા દરબારના પંડિતને મોકલો અને જો શસ્ત્રાર્થ કરવો હોય તો બાજુના ચિત્તોડના રાજા સાથે કરો. ભારતમાં એવા હિંદુ ધર્મમાં ત્રણ દેવો, દેવતાઓ, અનેક સંપ્રદાયો તથા અનેક ધાર્મિક રિવાજો અને ઉત્સવો સહઅસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત બૌદ્ધ, જૈન અને શીખ ધર્મોની પરંપરાઓ પણ સાથે અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત ભારતમાં મુસ્લિમ, યહૂદી,પારસી અને ખ્રિસ્તી ધર્મો પણ સહઅસ્તિત્વ ધરાવે છે.
જગતના કોઈ દેશમાં આટલા બધા ધર્મો એકસાથે અસ્તિત્વ ધરાવતા હોય એવી સ્થિતિ નથી. આ બહુલતાને અને સમન્વયને દિનકરે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગણાવ્યું છે.આ બધી વાતો તો શાસ્ત્રોની અને ઉપરની થઇ. વાસ્તવમાં ધરાતલ પર લોકોનું વર્તન કેવું છે? પંજાબના કોઈ ગામમાં જાઓ તો જોવા મળશે કે એક કુટુંબમાં એક શીખ હોય તો બીજો ભાઈ હિંદુ હોય. ગુજરાતમાં જૈન અને હિંદુ, બિહારમાં બૌદ્ધ અને હિંદુ વચ્ચે, કેરલા કે ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં ખ્રિસ્તી અને હિંદુ વચ્ચે વચ્ચે લગ્નસંબંધ સામાન્ય ગણાય છે. આ ઉપરાંત લગ્ન કર્યા પછી સ્ત્રી મૂળ ધર્મ પાળી શકે તેવું ઉદાર વાતાવરણ અહીં છે. લગ્નની પણ કેટલી બધી રીતો અને પ્રકારો? હિંદુ લગ્નના આઠ પ્રકારો છે. એટલે અમુક પ્રકારનાં લગ્નો ધર્મમાન્ય ગણાય એવી સ્થિતિ અહીં નથી.
ભારતની કોઈ એક વસાહતની વાત લો. ગામમાં દરેક કુટુંબને પોતાના કુળદેવ હશે, આદિવાસી ગામમાં ગામદેવ હશે. આ ઉપરાંત ગામમાં બે-ત્રણ મંદિરો હશે. લોકો રામ, કૃષ્ણ કે મહાદેવનાં દર્શને જશે. તહેવાર પણ મનાવશે. એટલું જ નહિ, મુસ્લિમો હનુમાનની માનતા માને અને દરગાહ પર શ્રદ્ધા રાખે એવાં દૃશ્યો સામાન્ય છે. આદિવાસી વિસ્તારોમાં જો ધર્મ પૂછશો તો કહેશે, ધર્મ હિંદુ, પંથ ખ્રિસ્તી. ઉત્સવો ભલે કોઈ ધર્મ વિશેષના હોય, લોકો સાથે મળીને ઊજવે છે. ઉતરાણમાં મુસ્લિમો પતંગ બનાવે છે, હિંદુઓ ઉડાડે છે. મુસલમાનોના તાજિયા નીકળે ત્યારે હિંદુ યુવાનો પણ તેમાં જોડતા જોવા મળે છે. બાબુભાઈ કે રાજુભાઈ નામો લગભગ તમામ ધર્મોમાં જોવા મળે છે. આ ઉપરાંત સમન્વયના ભાગ રૂપે જ કેટલાક સંપ્રદાયો ઉદ્્ભવ્યા છે.
તો પછી આ અસહિષ્ણુતાવાળી વાત કેમ દેખા દે છે? 'પ્યાસા' ફિલ્મમાં ગુરુદત્ત કહે છે, 'મુઝે કિસીસે કોઈ શિકાયત નહિ, શિકાયત હૈ તો સમાજ કે ઉસ ઢાંચે સે, જો ઇન્સાન સે અપની ઈન્સાનિયત મિટા દેતા હૈ'. બધા લોકો માનવો છે અને તેમને પોતપોતાની શ્રદ્ધા મુજબ વર્તન કરવાની છૂટ આ સંસ્કૃતિ આપે છે. પરંતુ જ્યારે જ્યારે કોઈ રાજા પોતાની સત્તા સ્થાપવા ઈચ્છતો હોય ત્યારે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ અત્યાર સુધી અપનાવી છે. આર્યો આવ્યા ત્યારે અનાર્યો સાથે યુદ્ધ થયાં, પછી સમન્વય થયો. બ્રાહ્મણ (સનાતન) ધર્મે અતિરેક કર્યો ત્યારે બૌદ્ધ અને જૈન ધર્મો ઉદ્્ભવ્યા. સમન્વય પછી થયો. મુસ્લિમો આવ્યા ત્યારે યુદ્ધો થયાં મુસ્લિમોએ પોતાની સત્તા વધારવા માટે ધર્મ પરિવર્તન કરાવ્યું. પછી અકબરને દિને ઈલાહી ધર્મ સ્થાપી સમન્વય કરવાની વાત યાદ આવી. અંગ્રેજો આવ્યા ત્યારે પોતાની સાથે ખ્રિસ્તી મિશનરીઓને સાથે લાવ્યા અને અનેક લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું, સમન્વયની વાત પછી આવી. જ્યારે કોઈ રાજા કે રાજકીય પક્ષ ઈન્સાનિયત (અહીં નાગરિકતા) સિવાયની ઓળખ (ધર્મ, પ્રદેશ કે અમુક જ્ઞાતિ) પર રાજ્ય કરવા માગે છે ત્યારે અસહિષ્ણુતાની ફરિયાદ ઊભી થાય છે, અત્યારે ભારતના રાજકારણમાં એ બદલાવનો સમય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment