Friday, 15 April 2016

[amdavadis4ever] આ ફિલ્મ ભારતને ઓસ્કર અપાવી શકે એવી છે - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 
Dipak Soliya
 

જગતમાં સૌથી વધુ ફિલ્મ બનાવનાર ભારત દેશની એક પણ ફિલ્મને આજ સુધી ઓસ્કર એવોર્ડ નથી મળ્યો. એનાથી ઝાઝો ફરક નથી પડતો એ જુદી વાત છે, પણ 'મધર ઇન્ડિયા', 'સલામ બોમ્બે' અને 'લગાન' જેવી ફિલ્મો ઓસ્કરની રેસમાં અંતિમ પાંચ ફિલ્મો સુધી પહોંચીને છેવટે હાંફી ચૂકી હોય ત્યારે એ જાણવા જેવું છે કે હવે એક ફિલ્મ એવી બની છે, જે વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર જીતી શકે તેમ છે. ફિલ્મનું નામ છે, 'કોર્ટ'. અત્યાર સુધીમાં એ ૧૮ આંતરરાષ્ટ્રીય એવોડ્ર્સ ઉપરાંત ભારતનો પોતાનો શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકી છે.

'પૈસા' અનુભૂતિના છે. આ ફિલ્મ અત્યંત નિરાળી અનુભૂતિ કરાવે છે. ફિલ્મ જોવી એ એક અનુભવ છે અને મોટા ભાગની ભારતીય પ્રજા ફિલ્મ જોવાની ખાસ્સી અનુભવી છે, પણ 'કોર્ટ' જોઈને તરત સમજાય કે આવી ફિલ્માનુભૂતિ તો અગાઉ ક્યારેય નથી થઈ. દાદાગીરી શબ્દ કોઈ ફિલ્મ માટે વપરાય એ સહેજ વિચિત્ર લાગી શકે, પણ આ ફિલ્મ માટે એક જ શબ્દમાં વર્ણન કરવું હોય તો 'દાદાગીરી' શબ્દ વાપરી શકાય, કારણ કે નિર્દેશક ચૈતન્ય તામ્હણેને જાણે કોઈ ડર જ નથી. એક જગ્યાએ કેમેરા ગોઠવી દીધા પછી સળંગ બે-ચાર મિનિટ સુધી કેમેરાની સામે જે કંઈ પણ થાય એ બધું રેકોર્ડ થાય અને કશી જ કાપકૂપ વિના એ ફિલ્મમાં રજૂ થાય. કોર્ટમાં ત્રીસ જણ બેઠાં હોય તો એ ત્રીસેત્રીસ જણ શું કરી રહ્યા છે એ બધું તમને શાંતિથી દેખાડવામાં આવે. કોઈ ઝોકાં ખાતું હોય, વકીલ દલીલ કરતો હોય, જજસાહેબ સાંભળી રહ્યા હોય. આખા દૃશ્ય સાથે ઓતપ્રોત થવાની તમને તક મળે. કેમેરા ઘડીકમાં એક જણના ચહેરા પર તો ઘડીકમાં બીજાના અને પછી ત્રીજાના ચહેરા પર મંડાય એવું કશું નહીં. અહીં તો કેમેરા મંડાયો એટલે મંડાયો, ખોડાયો એટલે ખોડાયો.

એક પ્રિન્ટિંગ પ્રેસમાં પોલીસ આવીને એક જણને અટકાયતમાં લે છે એવું એક દૃશ્ય છે. એ દૃશ્યમાં પોલીસ આવે, આરોપી સાથે વાત કરે, એને લઈ જાય, ગાડીમાં બેસાડે એ બધા સમય દરમિયાન કેમેરા એક જ જગ્યાએ 'શાંતિથી ઊભો રહે'. પ્રેસનાં માણસો-મશીનો કામ કરતાં રહે. એક જણ બેઠો બેઠો નિર્લેપભાવે ફોર્મની ભરણી કરતો રહે (એકમાં, બીજામાં, ત્રીજામાં, ચોથા પૃષ્ઠગુચ્છ ગોઠવ્યા કરે). ટૂંકમાં, તમે જાણે પ્રેસમાં એક જગ્યાએ ઊભા રહીને આખી ઘટના જોઈ રહ્યા છો એવો અનુભવ થાય. પ્રત્યેક દૃશ્ય જાણે તમારી આંખોમાં, મનમાં, હૃદયમાં, ત્વચામાં ઉતરીને તમને પલાળે, તમને તરબતર કરે.
અગાઉ તારકોવ્સ્કી અને ફેલિની જેવા જગતના મહાન ગણાતા નિર્દેશકો પણ આવા લાંબા શોટ્સના અખતરા કરી ચૂક્યા છે, પણ એ શોટ્સમાં કાવ્યાત્મકતા અને સૌંદર્ય અને એવું કશુંક વિશિષ્ટ હોય, જ્યારે 'કોર્ટ' બનાવનાર જુવાનિયો ચૈતન્ય (ઉંમરઃ ૨૮) તો એવી પણ 'માથાકૂટ'માં નથી પડતો. એ તો સાવ જ સીધાસાદા દૃશ્યો દેખાડીને અગાઉના દિગ્ગજોનું પણ માથું ભાંગે છે. આ બહુ મોટી સિદ્ધિ છે. વાસ્તવિકતા જ દેખાડવા છતાં જોનારને કંટાળો ન આવે એનું ચૈતન્યએ ધ્યાન રાખ્યું છે. આર્ટ ફિલ્મ જોનારા બૌદ્ધિકો જ નહીં, સામાન્ય મજૂર પણ મરાઠી-હિન્દી-અંગ્રેજી-ગુજરાતી સંવાદો છતાં આખી ફિલ્મને પામી શકે, માણી શકે, રમૂજી દૃશ્ય જોઈને હસી શકે એટલી સીધી-સાદી-સહેલી રજૂઆત છે.
સામાન્ય દર્શક બે ઘડી બહારનું જગત ભૂલવા થિયેટરમાં ઘૂસતો હોય છે, જ્યારે અહીં તો બહારનું અદ્દલોઅદ્દલ જગત જ થિયેટરની અંદર જોવા મળે છે. છતાં પૈસા ખર્ચીને બહારનું જગત જોવા થિયેટરની અંદર જવા જેવું છે, કારણ કે અહીં નીચલી અદાલતોનું તંત્ર કેવું છે, એ એ તંત્ર કોણ ચલાવે છે, તંત્ર ચલાવનારાઓનું અને તંત્ર સાથે પનારો પાડનારાઓનું જીવન કેવું છે એ બધું અહીં એકસાથે જોવા મળે છે. મહિલા સરકારી વકીલ રવિવારે પતિ-બાળકો સાથે રેસ્ટારાંમાં જમે અને મરાઠી નાટક જુએ, જજસાહેબ વેકેશનમાં બહુ મોંઘા નહીં એવા રિસોર્ટમાં જઈને સરકારી અને ખાનગી કંપનીના પગારોમાં કેટલો બધો ફરક છે એની વાતો કરે, ગરીબ-પીડિત-શોષિત માટે લડતો વકીલ સાંજ પડયે મોંઘી હોટેલમાં મિત્રો સાથે મહાલે, ક્રાંતિકારી ગીતો ગાતો લોકગાયક ઇન્જેક્શન ન લેવાની જીદ કરતી વખતે એવી દલીલ કરે કે એમાં મજા નથી આવતી...
ટૂંકમાં, નિર્દેશક ચૈતન્ય ભારતીય જીવનના એક હિસ્સા તરફ એકદમ પ્રેમાળ નજરે, સેન્સ ઓફ હ્યુમર સાથે જુએ છે અને એ બધું તમને દેખાડે છે. ફિલ્મ અચાનક પૂરી થાય ત્યારે આપણે સમજાય કે પછી શું થયું? કોણ સારું હતું? કોણ ખરાબ હતું? એ બધી વાતનું મહત્ત્વ નથી. બસ, આ બધું આવું છે અને આ લોકો આવા છે, એટલી જ વાત છે. નિર્દેશકે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ ફિલ્મ સમાજપરિવર્તનના હેતુથી નહીં, તંત્રની કામગીરીના ચિત્રણના હેતુથી જ બનાવી છે. ફિલ્મમાં આપણને તંત્રની મર્યાદા જોવા મળે ખરી, પણ ચિત્રણમાં કડવાશ ક્યાંય ન જોવા મળે.
કદાચ કશી સભાનતા વિના આ ફિલ્મ સેતુનું કામ પણ કરે છે. એ અમીર ઇન્ડિયા અને ગરીબ ભારતને જોડે છે. મલ્ટિપ્લેક્સમાં જઈને આ ફિલ્મ જોનારાઓને ગટરમાં ઉતરનારા દલિતનું જીવન જોવા મળે છે તો બીજી તરફ મહારાષ્ટ્રના સસ્તા થિયેટરમાં જનાર દર્શક એ પણ જોઈ શકે કે અમીરોની જિંદગી ફુલોની પથારી જ નથી હોતી. ગરીબો સારા જ અને અમીરો ખરાબ જ એવા કોઈ લેબલિંગમાં આ ફિલ્મ પડતી નથી.

 

ફિલ્મનું નામ 'કોર્ટ' છે અને ફિલ્મ ન્યાયતંત્ર વિશે છે, છતાં ફિલ્મ પોતે કોઈનો ન્યાય નથી તોળતી. જગતને જોવાની એક પ્રેમાળ, રમૂજસભર, વિસ્મયસભર દૃષ્ટિ કેળવવામાં માત્ર ભારતીયોને જ નહીં, જગતની કોઈ પણ વ્યક્તિને ઉપયોગી બની શકે એવી આ ફિલ્મ છે. એ ઓસ્કર મેળવે કે ન મેળવે, ફિલ્મોમાં સહેજ પણ રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિએ આ ફિલ્મની અનુભૂતિ કરવા જેવી ખરી.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment