Tuesday, 8 December 2015

[amdavadis4ever] કુરકુરિયાં અને કૂતરાં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોઢામાં આંગળા નાખીને એક ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીને જુલાઈ, ૨૦૧૩માં જ્યારે પૂછવામાં આવ્યું કે ૨૦૦૨ના ગુજરાત રમખાણો બદલ તમને અફસોસ છે કે નહીં ત્યારે એમણે કહ્યું હતું: 'ગાડી આપણે ચલાવતા હોઈએ કે બીજું કોઈ ચલાવતું હોય ને આપણે પાછળની સીટ પર બેઠા હોઈએ, પૈડાં નીચે કુરકુરિયું (પપી) પણ ચગદાઈ જાય તો આપણા માટે એ દર્દજનક હોય છે કે નહીં? જરૂર હોય છે. હું ચીફ મિનિસ્ટર હોઉં કે ન હોઉં, એક માણસ તો છું જ. ક્યાંય કશું પણ ખરાબ બને તો સ્વાભાવિક રીતે દુ:ખ થવાનું જ છે.'

સમાચાર સંસ્થા રોઈટરને આપેલી મુલાકાતમાં ૧૨ જુલાઈ, ૨૦૧૩ના રોજ મોદીએ આ જવાબ આપ્યો ને તરત જ કૉન્ગ્રેસીઓ મોદી પર તૂટી પડ્યા: 'મોદીને મુસ્લિમો કો કુત્તે કા પિલ્લા કહા'. 'મોદીના મનમાં રહેલી ગંદકી બહાર આવી ગઈ. અમને સમજાતું નથી કે ઈલેકશન સર પર છે ત્યારે જ મોદી કેમ આવા મુદ્દા ઉઠાવે છે.' કૉન્ગ્રેસના પ્રવક્તા અજય માકને નિવેદન કર્યું. 

સાથે જ સમાજવાદી પાર્ટી,

માર્ક્સવાદીઓ, જનતાદળ વગેરે તમામ લોકો મંડી પડ્યા કે મોદીએ મુસ્લિમોને કૂતરા કહ્યા.

તમે જોઈ શકો છો કે મોદીના વિધાનમાં એવો કોઈ ઈશારો પણ નથી.

મોદીએ માફી માગવી જોઈએ, મોદીએ આમ કરવું જોઈએ, મોદીને તેમ કરી નાખવું જોઈએ એવી ભસાભસ અઠવાડિયાઓ સુધી ચાલી હતી. જનતાદળના એક નેતા નામે શિવાનંદ તિવારીએ તો ત્યાં સુધી કહી નાખેલું કે, 'આ માણસનું સાયકો એનેલિસીસ કરાવવું જોઈએ અને આ માણસને જો વડા પ્રધાન બનવા દીધો તો દેશમાં અત્યંત ભયજનક પરિસ્થિતિ ઊભી થવાની.'

પ્રિસાઈસલી આ જ કારણ હતું વિવાદ પાછળ. આ માણસ કોઈ કાળે પ્રાઈમ મિનિસ્ટર બનવો ન જોઈએ. બાકી, તમે ને હું જેમ જોઈ શકીએ છીએ કે મોદીએ મુસ્લિમોને તો શું કોઈનેય કૂતરા નથી કહ્યા તો શું આ વિપક્ષી નેતાઓ એટલા મૂરખ છે કે એમને ખબર નહીં પડતી હોય કે મોદી જ નહીં કોઈપણ નાનામાં નાનો આદમી પણ પ્રેસને ઈન્ટરવ્યૂ આપતી વખતે ક્યારેય કોઈપણ ધર્મના અનુયાયીઓની સરખામણી કોઈપણ પ્રાણી સાથે ન કરે.

બિહાર વિધાનસભાની ચૂંટણી માથે હતી ત્યારે બે ઘટના દેશમાં બની અને ભારત જેવા મોટા દેશમાં (કે ફૉર ધૅટ મેટર) અમેરિકા જેવા મોટા દેશમાં આવી કે આના જેવી દુર્ઘટનાઓ અવારનવાર બનતી રહે છે જે કોઈના પણ માટે દુ:ખદ હોવાની. એક ઘટના હતી હરિયાણાના ફરીદાબાદમાં બે દલિત બાળકોના મૃત્યુની અને બીજી ઘટના હતી યુ.પી.ના દાદરીમાં એક મુસ્લિમ યુવકના મૃત્યુની.

ફરીદાબાદ ચૌદેક લાખની વસતિ ધરાવતું રાજકોટ કરતાં મોટું, વડોદરા જેટલું, શહેર છે. ઓક્ટોબરમાં દલિત બાળકોવાળી ઘટના બની ત્યારે બિહારમાં હજુ છેલ્લા ત્રણ તબક્કામાં મતદાન થવાનું બાકી હતું, પ્રથમ બે તબક્કાનું થઈ ગયું હતું. ૨૩મી ઓક્ટોબરે ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ અને વર્તમાન કેન્દ્રિય વિદેશમંત્રી (રાજ્યકક્ષા) જનરલ વિજય કુમાર સિંહને પત્રકારો તરફથી ફરીદાબાદમાં બે દલિત બાળકોની હત્યાના મામલામાં કેન્દ્ર સરકાર શું કહેવા માગે છે તેવું પૂછવામાં આવ્યું. ('પહેલી વાત તો એ કે વિદેશ મંત્રીને શું કામ આવો સવાલ પૂછવો જોઈએ? ગૃહ મંત્રીને પુછાય. બીજી વાત એ કે કેન્દ્રના ગૃહ મંત્રીને પણ ન પુછાય કારણ કે હત્યા વગેરે ગુનાઓ રાજ્યનો વિષય છે, પોલીસ રાજ્યના તાબામાં હોય છે - કેન્દ્રના નહીં. બાય ધ વે, આપણા કેેજરીવાલને આ જ વાંધો છે. દિલ્હીમાં, અગાઉ એ કેન્દ્રશાસિત પ્રદેશ હતું એટલે તેમ જ દિલ્હી દેશની રાજધાની હોવાને લીધે વિશિષ્ટ દરજ્જો ધરાવે છે એટલે ત્યાં પોલીસ પર રાજ્યની સત્તા નથી, કેન્દ્રની છે. દિલ્હીમાં ગુનાખોરી અટકાવવામાં તેમ જ સ્ત્રીઓને સુરક્ષિત મહેસૂસ કરાવવામાં મળેલી નિષ્ફળતાના દોષનો ટોપલો કેજરીવાલ પોલીસના માથે ઢોળે છે, એમ કહીને કે પોલીસ ક્યાં અમારા તાબામાં છે? અને જ્યારે શિવસેનાને લીધે ગુલામ અલીની કૉન્સર્ટ મુંબઈમાંથી કેન્સલ થાય છે ત્યારે આ જ કેજરીવાલ જાહેર આમંત્રણ આપીને ગુલામ અલીને દિલ્હી બોલાવે છે, એમ કહીને કે તમારી સુરક્ષાનો ઈન્તેજામ અમે કરીશું! વાહ રે ભૈ, સ્ત્રીઓ સુરક્ષાની માગણી કરતી આવે તો એમને કેન્દ્રનો રસ્તો દેખાડવાનો અને ગુલામ અલીને સામે ચાલીને સુરક્ષાની બાંહેધરી આપવાની.)

પરમ વિશિષ્ટ સેવાચક્ર પ્રાપ્ત કરનાર જનરલ વી.કે. સિંહે પત્રકારોને હિંદીમાં જવાબ આપતાં કહ્યું: 'કભી સ્થાનીય ઘટનાઓં કા સરકાર (મીન્સ કે કેન્દ્ર સરકાર) સે તાલ્લુક મત રખિયે. ઉસ કે ઉપર ઈન્કવાયરી ચલ રહી હૈ. પરિવારો કે બીચ મતભેદ થા... વો મતભેદ કિસ રૂપ મેં પરિવર્તિત હુઆ, કહાં પર ઈન્તઝામિયાં કા ફેઈલ્યોર હૈ, એડમિનિસ્ટ્રેશન કા? ઉસ કે બાદ વો સરકાર કે ઉપર આતા હૈ.'

વી. કે. સિંહે આટલું કહીને ઉમેર્યું, 'તો હર ચીઝ પે, કિ વહાં પર પથ્થર માર દિયા કુત્તે કો, તો સરકાર જિમ્મેવાર હૈ. ઐસા નહીં હૈ...'

હવે આમાં કયાં દલિતોને કૂતરા કહેવાની વાત આવી. વી. કે. સિંહ બોલ્યા શું અને એમના શબ્દોનો માયાવતી, રાહુલ ગાંધી વગેરે જેવા લેભાગુઓએ અર્થ શું કાઢયો? રાજ્યસભામાં પ્રશ્ર્ન ઉઠાવીને કલાકો બરબાદ કર્યા. ગઈ કાલે રાહુલબાબાએ પોતાના પિઠ્ઠુઓ સાથે સંસદની બહાર દેખાવો કર્યા. વી. કે. સિંહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી... ત્યાં સુધી શું? બસ, ધમકીઓ આપતા રહો.

મોદી સરકારનો વિરોધ કરવા માટે કોઈ ઈશ્યૂ ના હોય ત્યારે ઑપોઝિશને ચૂપચાપ સરકાર જે સારાં કાર્યો કરે છે તેમાં સાથ આપવાનો હોય. વિપક્ષમાં બેસવાનો મતલબ કંઈ એ નથી કે બધી વાતે સરકારની સામે પડવાનું હોય. અને એમાંય વી. કે. સિંહ જેવા મુદ્દે તો નહીં જ. રાજનાથ સિંહે બિહાર ઈલેકશનની ગરમી હતી એટલે વી. કે. સિંહનું નામ લીધા વિના મોઘમ રહીને કહ્યું હતું કે આપણા શબ્દોને કોઈ તોડીમોડીને એનો ફાયદો ઉઠાવી શકે એવાં વિધાનો કરવાનાં નહીં. રાજનાથ સિંહે કહ્યું ખરું પણ બોલનારને કંઈ થોડી ખબર હોવાની કે પેલા લોકોની વિકૃત મનોદશા ઈનોસન્ટ શબ્દોના પણ કેવા કેવા મનઘડંત અર્થો કાઢીને વહેતા કરશે. એ તો તમે ચૂપ રહેશો તો તમારા મૌનના પણ વિકૃત અર્થો કાઢીને તમને બદનામ કરશે.

ઉત્તર પ્રદેશના ઉત્તર છેવાડે આવેલા સીમાડાના ગામ દાદરીની વસ્તી પચાસ-સાઠ હજાર જેટલી છે. બિહાર ઈલેક્શન પહેલાં 'દાદરી કાંડ'ને લીધે આ ગામ રાષ્ટ્રીય કક્ષાએ કુખ્યાત બન્યું. મોહમ્મદ અખલાક નામના પચાસ વર્ષના એક માણસનું કોઈ ઝઘડામાં મોત થઈ ગયું. પોલીસના કહેવા મુજબ યુ.પી.ની હોમગાર્ડના કોઈ લોકોએ અફવા ફેલાવી કે આ મોત મોહમ્મદ અખલાક અને એના દીકરાએ ઘરમાં ગૌમાંસ (બીફ) રાખીને ખાધું એને કારણે ઉશ્કેરાયેલા લોકોએ એ બંને પર હુમલો કરીને મોહમ્મદને મારી નાખ્યો. કોઈકે તો ત્યાં સુધી અફવા ફેલાવી કે આ બીફ હિન્દુ મંદિરમાં રાંધવામાં આવ્યું હતું (તમે જોઈ શકો છો કે મીડિયાને હકીકતોનું રિપોર્ટિંગ કરવાને બદલે અફવાઓનું પ્રસારણ કરવાની કેટલી મઝા આવે છે.)

દાદરીના આ કિસ્સાને 'દાદરી કાંડ' બનાવીને આખા રાષ્ટ્રમાં ચગાવવામાં આવ્યો.

ગૃહ મંત્રી રાજનાથ સિંહે ગયા અઠવાડિયે સંસદમાં કહ્યું કે આ કિસ્સાને લગતી પોલીસ તપાસના રિપોર્ટમાં યુ. પી. પોલીસે ક્યાંય બીફનો કે કોમવાદનો ઉલ્લેખ કર્યો નથી. રાજનાથના આ નિવેદન પછી, પરમ દિવસે, મોહમ્મદ અખલના ફૅમિલીએ યુપીના સમાજવાદી ચીફ મિનિસ્ટર અખિલેશ સિંહને અપીલ કરી છે કે વાત પડતી મૂકો, આગળ તપાસ કરવાનું માંડી વાળો.

મારે હિસાબે યુ. પી. પોલીસ આ કિસ્સામાં તપાસ માંડી વાળવાનો નિર્ણય લે તો કેન્દ્ર સરકારે વચ્ચે પડીને મામલો સીબીઆઈને સોંપવો જોઈએ જેથી આ કિસ્સો બીફને કારણે કે કોમવાદને લીધે સર્જાયો નથી એવી પૂરેપૂરી હકીકતો બહાર આવે.

મોદીના મુસ્લિમ કુરકુરિયાવાળા વિધાનમાં, વી. કે. સિંહના દલિત-કૂતરાવાળા વિધાનમાં કે પછી ગૌમાંસ ભક્ષણને કારણે દાદરીમાં થયેલી મુસ્લિમની હત્યાવાળા પ્રચારમાં- આ દરેક બાબતે સત્ય શું છે એ તાત્કાલિક લોકો સુધી પહોંચાડવાની ફરજ ભાજપની કે સરકારની છે. રાજનાથ સિંહે છેક ગયા અઠવાડિયે સંસદમાં સ્પષ્ટતા કરી એને બદલે તાત્કાલિક આ વિષયમાં તપાસ કરાવીને ખુલાસો કરવાની જરૂર હતી. પેલા લોકો જેટલી વાર, જેટલી ઈન્ટેન્સિટીથી જુઠ્ઠાણું બોલે એના કરતાં વધારે વાર, એના કરતાં વધારે તીવ્રતાથી તમારે તમારો પક્ષ રજૂ કરવો જોઈએ જેથી એ લોકોનાં જુઠ્ઠાણાની બૂમાબૂમમાં તમારા સત્યનો અવાજ ખોવાઈ ન જાય.

કમનસીબે, જેઓ સાચા હોય છે તેઓ લાપરવાહ હોવાના અમે સાચા છીએ પછી શું કામ વારંવાર ખુલાસો કરતાં રહીએ કે અમે સાચા છીએ, એવી એમની માનસિકતા હોય છે. અને એટલે જ જુઠ્ઠાડાઓ એમના પર ચડી બેસતા હોય છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment