Thursday, 31 December 2015

[amdavadis4ever] પેટ ‘ભરેલાં ’ અને મન ‘ભ ણેલાં’ હોય એ દેશ ટકશે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: અમુક લેખકો નાનપણમાં જે રાજાનો ડ્રેસ પહેર્યો હોય છે એને પછી આખી જિંદગી ઉતારતાં જ નથી (ચેખોવ)

'જો મારી પાસે ખૂબ પૈસા આવે તો ખબર છે હું શું કરૂં? હું એક સેનેટોરિયમ કે વિશ્રામગૃહ બનાવું જ્યાં ગામડાંના ગરીબ-ઉપેક્ષિત શિક્ષકોને રાખું. મોટાં રૂમ-બારીઓ, હવા ઉજાસવાળાં મકાનમાં થાકેલા હારેલા સમાજમાં નક્કામા ગણાતા ટીચર્સને પ્રેમથી સાચવું. એમાં દર લાઇબ્રેરી, મ્યુઝિક રૂમ, બગીચો હોય. શિક્ષકોને ખુશહાલ જીવન શું છે એની ખબર હોવી જોઇએ. ઉદાસ બોરિંગ ટીચર, આપણાં બાળકોને શું ભવિષ્ય આપી શકે?' આ શબ્દો રશિયાના જ નહીં પણ વિશ્ર્વસાહિત્યના અદ્ભુત લેખક ડૉ. એન્ટોન ચેખોવના (કે 'ચેહોફ'ના) છે!

૧૯૦૦માં ચેખોવે જે વાત ત્યારના ગરીબ રશિયન પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કહેલી એ આજે પણ આપણા ટીચર્સ માટે લાગુ નથી પડતી? ચેખોવ કહે છે, "શિક્ષક તો કલાકાર હોવો જોઇએ જે પોતાનાં કામને પ્રેમ કરતો હોય. આપણે ત્યાં શિક્ષક એટલે થાકેલો, હારેલો માણસ છે જેને જીવતરમાંથી જ જાણે દેશવટો મળ્યો હોય! માસ્તર-માસ્તર કહીને બધા ઓર્ડરો કરે... મજાક કરે... શા માટે? ખખડધજ મકાનોમાં ટાઢ-તડકો-વરસાદમાં ભણાવતો શિક્ષક, દુર્બળ અને મરિયલ કેમ? એ શું દેશનું ભાવિ બનાવશે?

હવામાં પીછું તરતાં તરતાં આકાર સર્જે એ રીતે ચેખોવની કલમ, સામાન્ય માણસોનાં જીવનનાં દુ:ખદર્દ, હાસ્ય-વિસ્મયની નાની નાની વાર્તાઓ લખતી. સમાજમાં અમીર-ગરીબની વિષમતા માટે ચેખોવ કહેતો, "કેટલી શરમની વાત છે કે આપણા સમાજમાં ઘણા લાચાર લોકો, પાલતુ કૂતરાંઓનાં કિસ્મતની ઇર્ષ્યા કરતા હોય છે!

ચેખોવ સાદગીને શૃંગારની કક્ષાએ લઇ જતો અને ચમકદમકમાં છુપાયેલી વલ્ગેરિટીને પરખતો. એક વાર નવાસવા લેખકે પોતાની વાર્તા બતાડી જેમાં શહેરના ભપકા, ઝાકઝમાળ અને ગ્લેમરનાં વર્ણનો હતાં. આપણે ત્યાં પણ દેશી લેખકો કૉફી શોપ, શોપિંગ મોલ કે હવાઇયાત્રાઓથી અંજાઇને ચટપટાં વર્ણનો કરી હરખાતાં હોય છે. એજ રીતે ગરીબ રશિયાના પેલા લેખકે પણ શબ્દોના સાથિયા પાડેલા. ચેખોવે કહ્યું, "વાર્તા સારી છે પણ આમાં સમંદર કિનારે આવેલી રેસ્ટોરંટનું લાંબું વર્ણન છે, ઝળાહળાં લાઇટ્સ અને સંગીતના ચટાકા છે. એમ લાગે છે કે લેખક અંજાયેલી આંખે દુનિયા જોઇ રહ્યો છે. લેખકે આ ભભકાં-ગ્લેમરને જાણવું જરૂર જોઇએ પણ એને પગથી માથાં સુધી નીરખીને એનાં પર હસી નાખવાનું કારણકે આ બધાંની પેલે પાર જે છે એ જ માણસ નામની સાચી વાર્તા છે! ઝાકઝમાળ ભૂલાઇ જશે એની જગ્યાએ બીજી ચમકદમક આવી જશે પણ જીવતાં માણસની વાત સદા જીવશે.

ચેખોવ સ્ટાર લેખક હતો પણ વ્યવસાયે ડૉકટર હતો એટલે પેશન્ટો પણ સતત મળતાં રહેતાં પણ સૌ સાથે પ્રેમથી વાતો કરતો. "હું સૌથી વધુ વંચાતો-મહાન લેખક છું, હોં! એવી ફિશિયારી નહીં. ચાહકો અંજાઇને-ડરીને વાતો કરે ત્યારે ચેખોવ સાહિત્યનાં ગંભીર શબ્દો પેક કરીને ખૂણાંમાં મૂકી દેતો. એક સાંજે બે અમીર સ્ત્રીઓ સિલ્કનાં કપડાં-દાગીનાં પહેરીને ચેખોવને મળી. પોતાને રાજકારણમાં બહુ ખબર પડે છે એવું દેખાડવાં ચર્ચા ચલાવી: 'સર, શું લાગે છે યુદ્ધનો અંત કઇ રીતે થશે?'

'આઇ થીંક યુદ્ધનાં અંતે શાંતિ હશે!' ચેખોવે પંચ માર્યો..

'હા પણ ટર્કી અને ગ્રીસમાંથી કયો દેશ જીતશે?'

'આઇ થીંક, જે શક્તિશાળી હશે એ જીતશે' ચેખોવે શાંતિથી કહ્યું. પેલાં બૈરાંઓને હજુય સમજાયું નહોતું કે ચેખોવ સ્માર્ટ જવાબો આપે છે એટલે ચલાવ્યું, 'એ બેમાંથી કયો દેશ તમારી દૃષ્ટિએ શક્તિશાળી છે?'

'જે દેશનાં પેટ 'ભરેલાં' હશે અને મન 'ભણેલાં' હશે એ શક્તિશાળી', ચેખોવે ઊંડી વાત કરી પણ પેલીને માથેથી બંપર ગઇ એટલે ફરી પૂછયું, 'પણ બેઉમાં તમારી ચોઇસ શું છે?'

ચેખોવે હસીને કહ્યું, 'મારી ચોઇસ તો ફ્રૂટ્સ છે.તમને ભાવે ફ્રૂટસ?' પછી ચેખોવે આખી ચર્ચા, સીઝનનાં ફ્રૂટ્સ પર ફેરવી નાખી. પેલી સ્ત્રીઓ મૂડમાં આવી ગઇ કારણકે હવે એમણે કદિ અઘરી-અઘરી વાતો નહોતી કરવી પડતીને? જતાં જતાં કહ્યું, 'હું તમને અમારા ગામનાં ફ્રૂટ્સ મોકલીશ.'

ત્યાં બેઠેલાં બીજા મહાન રશિયન લેખક ગોર્કીએ ચેખોવને શાબાશી આપી, 'તેં બૈરાંઓને સારી રીતે હેંડલ કર્યાં.'

ચેખોવ ત્યારે ગુરુમંત્ર આપ્યો 'દરેક માણસે પોતાની ભાષામાં જ વાત કરવી જોઇએ!'

ઇન્ટરવલ: કિસને ઇસ બાગસે આવાઝોં કે ફૂલ તોડ લિયે?

(રાહીમાસૂમ રઝા)

લેખક ચેખોવે કયારેય પરીકથા, ફેન્ટસી, વિશાળ ફલકની નકલી વાર્તાઓ લખી નહીં. ગરીબ કલાર્ક, અપરણીત નોકરડી, કોઇ દારૂડિયો, ઉદાસ પાદરી... આ બધાં એનાં પાત્રો હતાં. જે લોકોને રોજ એ મળતો એમાંથી પાત્રો એને મળી આવતાં. પાનખર મોસમની ઉદાસ બપોરે, ઝાંખાં તડકામાં પલળતાં નાનકડાં ઘરો, એમાંના ભૂખરા થાકેલા માણસો, શાંત પણ પ્રેમાળ પત્ની, માબાપ સામે આશાની નજરે જોતાં બાળકો આ બધાં પર ચેખોવની દૃષ્ટિ સૂર્યનાં કિરણોની જેમ પડતી અને એ પાત્રો ચમકી ઊઠતાં! એની એક વાર્તામાં ગામમાં એક કલેક્ટર આવે છે અને એનું સ્વાગત કરતી વખતે સરકારી ઑફિસના ક્લાર્કના મોંમાંથી સ્હેજ થૂંક ઊડે છે. કલેક્ટર કંઇ નથી કહેતાં, સમારંભ પતી યે જાય છે પણ પેલો ક્લાર્ક મનમાંને મનમાં ડરે છે કે સાહેબ નારાજ થશે, મારી નોકરી જાશે, મારો પરિવાર રખડી જાશે અને અંતે એ ચિંતામાં ને ચિંતામાં એ આપઘાત કરે છે! 

ચેખોવને વલ્ગારિટી પર ભારોભાર નફરત હતી. મિડલ કલાસના યુવાનો માટે એ કહેતો. "માણસ જુવાન હોય ત્યારે એને જીવનની તુચ્છ વાતો ખૂબ વાહિયાત અને નકામી લાગે. સપનાં-આદર્શો મન પર સવાર હોય. પણ ધીમેધીમે એજ દાલ-રોટી-કપડાની ઘીસીપીટી વાતો એનાં જીવનનો કબ્જો લેવા માંડે. મન-મસ્તિષ્કમાં ઝેરની જેમ આ બધું ફેલાવા માંડે.. પછી એ જ જુવાન, દુકાનોનાં જર્જર પાટિયા કે જૂનાં સાઇન બોર્ડ જેવો થઇ જતો હોય છે.. એ પાટિયાંઓ પર કશુંક ચીતર્યું તો હોય છે પણ એ શું હોય છે એ તમને વંચાય નહીં!' આ આપણા સમાજને આજેય લાગુ નથી પડતું?

ચેખોવે માનવમનની અદ્ભુત વાત કરેલી કે આપણે હંમેશાં એવી આશા રાખીએ છીએ કે હવે સારો વરસાદ આવશે, જીવન સુધરશે, પૈસા આવશે.. પણ ક્યારેય એવી ઇચ્છા કરી છે કે આવનારાં સમયમાં આપણે આજ કરતાં વધુ સમજદાર બનીશું? 

ટૂંકી વારતાનો સુપરસ્ટાર ચેખોવ, નવા લેખકોને ખૂબ પ્રોત્સાહન આપતો. એ કહેતો કે લેખકે પોતાની વાર્તા કોઇને બતાડવી નહીં, જેવી છે એવી પણ પોતાની બનાવીને રાખવી. એક વાત ખાસ કહેતો: 'ટૂંકું લખો.. લાંબી લાંબી વાત લખવી એ લેખકનો વ્યભિચાર છે!'

ચેખોવને સરળતા ખૂબ ગમતી. એકવાર મિત્રએ પૂછયું, 'તને દરિયો ગમે?'

'હા પણ દરિયો બહુ એકલો એકલો મને લાગે છે!' ચેખવે કહ્યું.. પછી એકાકી દરિયાના વિચારોમાં ડૂબી ગયો.. અને બોલ્યો, 'કયારેક થાય છે કે હું લશ્કરમાં સૈનિક હોત કે કોઇક અભણ માણસ હોતે તો? ભીડમાં બેસીને બેંડબાજાવાળાંને સાંભળીને કેટલો સુખી હોત..' પછી હંમેશાંની જેમ ખોવાઇ જઇને કહે છે, 'સમુદ્રનું વર્ણન કરવું અઘરું છે! ખબર છે, સ્કૂલના એક વિદ્યાર્થીએ દરિયાની વ્યાખ્યા શું કરેલી? દરિયો-વિશાળ છે! બસ.. આને કહેવાય સરળતા!'

ચેખોવ શાંત સમંદર જેવો વિશાળ અને સરળ અને એકલો હતો. એ કહેતો કે લેખકે એકદમ શાંત અવસ્થામાં જ કલમ ઉપાડવી જોઇએ, ઉશ્કેરાટમાં નહીં. છેલ્લે એ બીમાર પડ્યો ત્યારે ચાંદની રાતે મિત્રો સાથે નીકળી પડતો અને કહેતો, 'વાર્તાની સરખામણીએ કવિતાઓ લાંબી જીવે છે, સમય વિતે એમ જૂની શરાબની જેમ એ વધુને વધુ મજેદાર બને પણ વાર્તાઓ બહુ ટકતી નથી. મારી વાર્તાઓ બહુ બહુ તો સાતેક વર્ષ ટકશે અને હું તો સાત વર્ષ પણ નહીં ટકુ.. કદાચ છ વર્ષ?' 

સાચો લેખક ચેખોવ પોતાની વાર્તામાં જ ખોટો પડ્યો. એ છ વર્ષ પણ ના ટકયો. પાંચેક વર્ષે ફેફસાંની બીમારીમાં મરી ગયો. છેલ્લે છેલ્લે એક એક વાર્તાનાં એક એક શબ્દ, કોમા, ફૂલસ્ટોપ્સને મઠાર્યાં કરતો. કફમાં લોહી પડતું પણ વિચારો અટકતાં નહીં. ચુમ્માલીસ વર્ષે જ ગુજરી ગયો પણ એની વાર્તાઓ અમર થઇ ગઇ.. સાત વર્ષ નહીં પણ સાતસો સદીઓ સુધી જીવે એવી અમર વાર્તાઓમાં સામાન્ય માણસોની વેદનામાં ડૉ. એન્ટોન ચેખોવ (કે ચેહોફ) હજુયે ધબકે છે. વિધિની વક્રતા જુઓ, આખી જિંદગી ચેખોવ જીવનની તુચ્છતાઓ અને બીભત્સતા કે વલ્ગારિટીનો વિરોધી રહ્યો પણ એ સરકારનો ટીકાકાર હતો એટલે રશિયન સરકારે મૌત બાદ લાશને ઓયસ્ટર (કાળુ માછલી) લઇ જતા ગંદા લીલા રંગનાં ટેમ્પોમાં નાખીને મોસ્કો મોકલી દીધી. જાણે સાક્ષાત બીભત્સતા એનાં દુશ્મન ચેખોવ પર વલ્ગર રીતે હસી રહી હતી! 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment