Tuesday, 8 December 2015

[amdavadis4ever] બાતોં બાતોં મેં પ્યાર હો જાએગા...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"મમ્મીઈઈઈઈઈઈ... આરોહી ઘરમાં દાખલ થઈ ત્યારે સખત એક્સાઇટેડ હતી, "ક્યાં છે તું ? મમ્મીઈઈઈઈ...

"શું છે ? ભાર્ગવીબહેને બહાર આવીને સ્નેહથી પૂછ્યું, "કેમ આટલી બૂમો પાડે છે?

"મને રોહિતે પ્રપોઝ કર્યું. જો... આરોહીએ હાથ લંબાવીને આંગળીમાં પહેરેલો સોલિટેર બતાવ્યો. ઓછામાં ઓછો દોઢ લાખ રૂપિયાનો હીરો હશે એવું ભાર્ગવીબહેનને સમજાયું.

"ને તેં શું કહ્યું? ભાર્ગવીબહેને હીરાથી ઇમ્પ્રેસ થયા વગર એકદમ ગંભીરતાથી આરોહીની આંખમાં જોયું.

"શું કહેવાનું હોય, રોહિત જેવા છોકરાને? આરોહીની આંખો અહોભાવથી ચમક્તી હતી, "એની પાસે મર્સિડિઝ છે - એસ ક્લાસ... મલબાર હિલ પર બંગલો છે... એકનો એક દીકરો છે. મારી કૉલેજની બધી જ છોકરીઓ મરતી હતી એના પર. એ ખાલી લિફ્ટ આપેેને એમાં પણ છોકરીઓ ધન્ય થઈ જતી, સ્માઇલ કરેને તો પણ...

"હં... ભાર્ગવીબહેને ડોકું ધુણાવ્યું, વચ્ચે જ પૂછ્યું, "શું ભણ્યો છે?

"એનાથી શો ફેર પડે છે? એના બાપ પાસે સ્ટીલની ફેક્ટરીઝ છે. આરોહી એટલી વ્યસ્ત હતી કે ભાર્ગવીબહેનનો કોઈ સવાલ એને સમજાતો જ નહોતો, "તને ખબર છે મમ્મી? આરોહીએ ઉમેર્યું, "એની મમ્મીએ અત્યારથી વિલંદીના ને જડતરના સેટ્સ કરાવીને મૂકી દીધાં છે આવનારી વહુ માટે!

"તો? ભાર્ગવીબહેને અદબ વાળી, ભવાં ઉલાળીને પૂછ્યું, "તો શું?

"તો... આરોહી શરમાઈ ગઈ, "હું એને પરણી જઈશ.

"પછી?

"પછી શું ? મજા કરીશ, એના પૈસા વાપરીશ, મર્સિડિસમાં ફરીશ, બંગલામાં રહીશ...

"ને એની સાથે વાત શું કરીશ? ભાર્ગવીબહેને એક તમાચો મારતાં હોય એવી રીતે પૂછ્યું. આરોહી મા સામે જોઈ રહી. હવે એને સવાલ બરાબર સમજાયો. આરોહીનો ઉછેર પુસ્તકોની વચ્ચે, સંગીત અને કલાઓની વચ્ચે કરવામાં આવ્યો હતો. એ ખૂબ સારા સ્કેચિસ કરતી, એને વાંચવાનો ખૂબ શોખ હતો, સંગીતમાં વિશારદની પરીક્ષા એણે હજી ગયા વર્ષે જ આપી... સામે રોહિત ક્લબ, પાર્ટીઝ, મૂવીઝની બહાર કશું જાણતો કે સમજતો નહીં. એને ગુજરાતી પુસ્તકો 'લૉડ' લાગતાં ને મ્યુઝિક 'બોરિંગ'... એ આ બધું જ આરોહીના ઘરમાં બેસીને જ, ભાર્ગવીબહેનની સામે વારંવાર બોલી ચૂક્યો હતો. માના સવાલની સાથે જ ત્રેવીસ વર્ષની આરોહીનો આખો અભિગમ બદલાઈ ગયો. હાથમાં પહેરેલા હીરા સામે એ ઘડીભર જોઈ રહી, પછી એણે પોતાના બે હાથ માના ગળામાં નાખ્યા - ભીના અવાજે એણે ધીમેથી ભાર્ગવીબહેનના કાનમાં કહ્યું, "થેન્ક યુ મમ્મી.

* * *

વાત નાનકડી છે, પણ એની પાછળ બે આખી જિંદગીઓનો મોટો સવાલ ઊભો છે. આજનાં માતાપિતા બેન્ક બેલેન્સ જોઈને લગ્ન કરાવે છે, પણ બે વ્યક્તિઓ વચ્ચે બેલેન્સ જળવાઈ શકશે કે નહીં એનો વિચાર કરવાનું એમને સૂઝતું નથી. ઘરમાં કેટલાં એ.સી. છે એ ગણીએ ત્યારે બે જણાંને એક જ ટેમ્પરેચરમાં સૂવાનું ફાવશે કે નહીં એ વિશે વિચારવાનું આપણને સૂઝતું નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં મટિરિયાલિસ્ટિક સગવડો અથવા સંપત્તિ અને ઇન્વેસ્ટમેન્ટનું મહત્ત્વ બહુ વધી ગયું છે. લગભગ દરેક માણસને લાગે છે કે ભૌતિક સગવડોમાં સુખ છે, સંપત્તિ સાથે જ સલામતી જોડાયેલી છે. ખરેખર આવું જ હોય તો મોટા ગણાતા સંભ્રાંત પરિવારોનાં લગ્નજીવન અત્યંત સુખી હોવાં જોઈએ, પરંતુ સામાન્ય રીતે એવું હોતું નથી. સૌથી વધુ એક્સ્ટ્રા મેરિટલ - લગ્નેતર સંબંધો ઉચ્ચ મયમ વર્ગનાં કુટુંબોમાં થતા જોવા મળે છે.

'દસ કહાનિયાં' નામની એક ફિલ્મમાં અનુપમ ખેર, આફતાબ શિવદાસાની અને અનુરાધા પટેલના અભિનયમાં કહેવાયેલી એક વાર્તા આ જ સંબંધોની વાત કહે છે. પિતાએ નક્કી કરેલાં લગ્નમાં દીકરી તૈયાર તો થઈ જાય છે, પણ એનું મન માનતું નથી. ટ્રેનમાં અચાનક મળી ગયેલી એક અજાણી સ્ત્રી એને એક બુટ્ટી આપી જાય છે, અજાણ્યા સ્ટેશન પર ઊતરી ગયેલી એ સ્ત્રીને બુટ્ટી પાછી આપવા માટે એ સ્ટેશન પર ઊતરેલી છોકરી એક છોકરાને મળે છે... પ્રેમ થઈ જાય છે ને પછી એનાં લગ્ન તો જ્યાં નક્કી થવાનાં હતાં ત્યાં જ નક્કી થાય છે. લગ્નની આગલી રાત્રે પિતા પોતાની દીકરીને એના દિલની વાત સાંભળવાનું કહે છે. હિન્દી સિનેમામાં આવો નિર્ણય હીરોઇને કેટલીયે વાર કર્યો હશે. લગ્નની છેલ્લી મિનિટે ભાગી છૂટતી કેટલીયે હીરોઇનને હિન્દી સિનેમાના પ્રેક્ષકો જોઈ ચૂક્યા છે, પણ સાચા અર્થમાં પોતાના દિલનું માનીને પરણતી કેટલી છોકરીઓને આપણે ઓળખીએ છીએ? પોતાના ભાવિ જીવનસાથીમાં એને શું જોઈએ છે એવું કેટલા યુવાન કે યુવતીઓને ખબર છે? 'રાસ્તે ઔર ભી હૈ જીવનસાથી પાને કે' આવી જાહેરાતમાં દીકરી માટે ચિંતિત પિતાને બતાવવામાં આવ્યા છે. દીકરા માટે કોઈ ચિંતા કરતું નથી એવું આ જાહેરાતમાંથી ફલિત થાય છે.

છોકરીઓ તો કદાચ હજી પણ ટોલ, હાર્ડ, હેન્ડસમ અને રીચમાં ફસાઈ જાય... પરંતુ છોકરાઓ - યુવાનોને મોટા ભાગે ખબર નથી પડતી કે એને એની ભાવિ પત્ની મોર્ડન જોઈએ છે કે ટ્રેડિશનલ, બહુ બડબડ કરે એવી જોઈએ છે કે શાંત, બેકલેસ પહેરે એવી જોઈએ છે કે સલવાર-કમીઝ પહેરે એવી બહેનજી! લગભગ દરેક યુવાનને એવી ઇચ્છા છે કે એની પત્ની એની સાથે પાર્ટીમાં આવે, અંગ્રેજીમાં બોલે અને એના મિત્રોને ઇન્પ્રેસ કરી નાખે... તો બીજી તરફ એ જ છોકરી એનાં મા-બાપનું યાન રાખે, એનાં સંતાનોને સંસ્કાર આપે એવી પણ જોઈએ છે. મોટા ભાગના યુવાનો માને છે કે એ સારું કમાય છે અથવા દેખાવડા છે. આ બે જ ક્વૉલિટી ઉપર એને જેવી જોઈએ તેવી છોકરી મળી જશે. આજે પણ 'નિર્દોષ ડિવોર્સી'ની જાહેરાતમાં 'કુંવારી છોકરીઓને પહેલી પસંદ' લખવામાં આવે છે. આપણે મેટ્રિમોનિયલની જાહેરખબર જોઈએ ત્યારે 'ક્ધયા'ના મથાળા હેઠળ લખવામાં આવતી જાહેરાતો કોમેડી સિરિયલના ડાયલોગ કરતાંય વધુ ફની અને બેવકૂફીભરી હોય છે. 'ગોરી' છોકરી બધાને જોઈએ છે, પાતળી, સંસ્કારી અને ભણેલી પણ મુખ્ય જરૂરિયાતોમાં આવે છે... એની સામે છોકરીઓ પણ જ્યારે જાહેરાતમાં 'વર'ના મથાળા હેઠળ પોતાની જરૂરિયાતો જણાવે છે ત્યારે કમાતો, ભણેલો, સમજદાર વગેરે વગેરે લખે છે, પરંતુ કોઈ છોકરી સારી સેન્સ ઑફ હ્યુમર ધરાવતો, સારું વાંચતો, વાતો કરી શકાય એવો પતિ શોધતી હોય એવું જોવા મળતું નથી! હનીમૂન પર ગયેલાં બે જણાં કેટલીક વાર 'એકલાં' પડી જાય છે, માટે આજકાલ બે-ચાર કપલ 'કંપની'માં હનીમૂન પર જાય છે!

નવાઈની વાત એ છે કે જે બાબતો આખી જિંદગી ચાલવાની છે અથવા મહત્ત્વની છે એના વિશે પુરુષો વિચારતા જ નથી, અથવા એમને વિચારતા શીખવવામાં આવતું જ નથી. મોટા ભાગની મમ્મીઓ એમ જ માને છે કે એના દીકરાને શો કેસમાં મૂકશે કે તરત જ એનો છોકરો પ્રીમિયમ ભાવના શૅરની જેમ ટપોટપ વેચાઈ જશે! દેખાવડા - પૈસાવાળા છોકરાઓને પટ દઈને હા પાડી દેતી છોકરીઓને થોડાક જ દિવસમાં સમજાય છે કે અહીં રોમાન્સ નથી, કોમ્યુનિકેશન નથી, સહિષ્ણુતા કે સહનશીલતાનો મૂળેય અભાવ છે, ફ્રીડમ નથી, સેન્સ ઑફ હ્યુમર નામના શબ્દ સાથે એેને કોઈ લેવાદેવા જ નથી... ત્યારે એ છોકરીને સમજાય છે કે બેન્ક બેલેન્સ, બંગલા, ગાડી કે તિજોરીમાં ઠાંસોઠાંસ ભરેલા ડાયમંડના દાગીનાથી કદાચ સલામતી કે સગવડ આવતી હશે, પણ સુખ તો નથી જ મળતું.

આજના યુવાને પોતાની જાતને એના હાથમાં રમતા લેટેસ્ટ મોબાઇલની જેમ અપગ્રેડ કરવાની જરૂર છે. એક યુવતી શું ઇચ્છે છે અથવા એક પત્ની કઈ વાતે ખુશ થઈ શકે, સુખી રહી શકે એ બાબતો હવે પતિએ પણ સમજવી પડશે. ગઈ કાલ સુધી ઘરની બહાર નહોતી નીકળતી એવી છોકરીઓ - સ્ત્રીઓ હવે બજાર, વ્યવસાય અને નોકરીમાં એક્સ્પોઝ થઈ છે, એને શું ગમે છે ને શું નહીં એ કદાચ મોડું સમજાય તો પણ એની ચોઇસનો 'માલ' બજારમાં છે એવી એને ખબર પડવામાં બહુ વાર નથી લાગતી. લગ્નેતર સંબંધો, છૂટાછેડા અને લગ્નમાં ઊભી થતી વિસંવાદિતા - ઝઘડાનું કારણ બીજું કશું જ નથી, પરંતુ મોડે મોડે સમજાયેલો અસંતોષ છે...

પત્નીને સુખી, સંતુષ્ટ કે સ્નેહથી તર-બ-તર રાખવાનું કામ પતિનું પણ છે જ. લગ્ન નિભાવવાની જવાબદારી પુરુષની એટલી જ છે, જેટલી સ્ત્રીની. હવે પ્રયાસ બંને પક્ષે કરવો પડશે. હવે પુરુષે પણ સ્ત્રીને રીઝવવાની કળાઓ કેળવ્યા વિના ચાલવાનું નથી, જેમાં વાત કરવાની આવડત કદાચ સૌથી જરૂરી અને સૌથી પહેલી બાબત છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment