Thursday, 31 December 2015

[amdavadis4ever] કુદરતી કહેર નો કારમો ઘા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ વરસની વિદાય સાથે આમ તો અનેક નાની-મોટી, સારી-નરસી ઘટનાઓ બની છે, પરંતુ આખીય દુનિયાને જેની અસર થઈ છે તેવી બે મુખ્ય અને વિચાર કરવા લાયક બાબત છે તે માનવ સર્જિત આતંકવાદ અને કુદરતી આફતો. આમ તો આ બન્ને બાબત માનવ સર્જિત જ છે. ફિલોસોફીકલ રીતે કહીએ તો બન્નેના મૂળમાં લોભ છે. સ્વાર્થ છે. ઈસ્લામિક સ્ટેટનો જન્મ ભલે આ વરસે ન થયો હોય તો પણ તેની ગંભીરતા આ વરસે એટલે કે ૨૦૧૫માં વર્તાઈ રહી છે. લાખો લોકો બે ઘર થયા અને હજારો લોકો મર્યા. ધર્મના નામે વેરઝેરનું વૃક્ષ મોટું થયું. આવતા વરસમાં દરેક દેશે એના વિશે ગંભીરતાથી વિચારવું જ પડશે. તો કુદરતી આફતોના બીજ આપણે વરસોથી વાવી રહ્યા હતા. પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધારીને મોસમની ચાલ બદલવા માટે આપણે જ જવાબદાર છીએ એવું દરેક વ્યક્તિને અહેસાસ છે. અને તેના પરિણામો દરેક દેશ ભોગવી રહ્યો છે. પેરિસમાં જ આ મહિને યોજાયેલ ક્લાઈમેટ સમિટમાં પણ દુનિયાના દરેક દેશના નેતાઓએ આ બાબતને સ્વીકારી છે. જો કે, આ બાબતે વરસોથી પર્યાવરણવાદી આપણને ચેતવી રહ્યા હતા, પણ તેની ગંભીરતા સમજાતી નહોતી. ૨૦૧૫માં આખાય જગતમાં જે કુદરતી આફતોએ કહેર મચાવ્યો છે કે સફાળા જાગવાની નોબત આવી ગઈ છે. રાજકીય ક્ષેત્રે કે ફિલ્મી ક્ષેત્રે કે પછી રમતગમતના ક્ષેત્રે ૨૦૧૫માં જે પણ યાદગાર ઘટનાઓ બની તેનું મહત્ત્વ આ કુદરતી આફતોની સામે કશું જ નથી, કારણ કે તેની સામે માનવી લાચાર બની રહી જાય છે. પૈસા કે કોઈપણ સિદ્ધિ કુદરતની સામે કામ નથી આવતી. ૨૦૧૬ના આગમનની ખુશીથી વધાવતી વખતે કુદરતી જીવન પ્રણાલી અપનાવવાનો સંકલ્પ કરવાની ઘડી આવી ગઈ છે એ વિસરી ન જઈએ. ૨૦૧૫ની સાલના બાર મહિનામાં દુનિયાભરમાં બાર કરતાં પણ વધુ સંખ્યામાં કુદરતી પ્રકોપ અનુભવાયો છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે પણ ઈંગ્લેંડમાં અતિવૃષ્ટિને કારણે વિનાશક પૂરના પાણી કેટલાય શહેરોમાં ફરી વળ્યા છે. કાશ્મીરમાં ચિલાઈ કોલ્ડવેવની શરૂઆત થઈ ચૂકી છે તો ફ્રાન્સમાં સ્કિઈંગ કરી શકાય એટલો બરફ નથી પડ્યો. આ વરસની સૌથી મોટી કુદરતી ઘટનાઓ પર એક નજર નાખીએ. 

હીટ વેવ - ૨૦૧૫ની સાલના મે મહિનામાં ભારતના કેટલાક પ્રદેશોમાં ગરમીનો સખત પ્રકોપ હતો. ગરમીને કારણે જનજીવન લગભગ ઠપ્પ થઈ ગયું હતું અને ૩ જૂન સુધીમાં લગભગ ૨૫૦૦ લોકો મૃત્યુ પામ્યા. ગરમી એટલી હતી કે સડકો પીગળવા લાગી હતી. દર વરસે ગરમીની ઋતુમાં લુ લાગવાથી ઘણી વ્યક્તિઓ મૃત્યુ પામતી હોય છે, પણ ૨૦૧૫માં સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા. તેલંગણા, આન્ધ્ર પ્રદેશ, દક્ષિણ ભારત, બંગાળ, પંજાબ, દિલ્હી, રાજસ્થાન સહિત અનેક પર્વતીય પ્રદેશોમાં પણ ઉષ્ણતામાનનો પારો ત્રાહિમામ્ પોકારાવી ગયો. 

દક્ષિણ ભારતમાં પૂર - તમિળનાડુ અને આન્ધ્ર પ્રદેશમાં આવેલા નવેમ્બર-ડિસેમ્બરમાં કમોસમી વરસાદે પૂર આવ્યા હતા. તેમાં પણ માનવસર્જિત શહેરોમાં તો પાણીમાં ડૂબી જ ગયા હતા. નાના મોટા પૂર દર વરસે આવતા હોય છે, પરંતુ ચેન્નાઈમાં આવેલા પૂરને કારણે માનવસર્જિત સંપત્તિ કે પૈસા, લોકોને કામ ન આવ્યા. પૂરમાં લગભગ ૧ લાખ કરોડ સંપત્તિનું નુકસાન થયું તો લગભગ ૩૫૦ લોકો મૃત્યુ પામ્યા. આ તો અંદાજિત સંખ્યા છે. સાચો આંકડો મળવો મુશ્કેલ છે, પણ તેની ભયાનકતાનો અનુભવ હજી આપણા મનમાં તાજો જ છે.

બિજિંગમાં રેડ ઍલર્ટ સિગ્નલ - ટોક્સિક પોલ્યુશનને કારણે ચાઈનામાં હજી રેડ ઍલર્ટનું સિગ્નલ છે. ત્યાંની હવામાં ઑક્સિજન કરતાં ઝેરી પ્રદૂષણ એટલી હદે છે કે તે માણસને માટે નકામી છે. હવા વિના જીવવું અઘરું છે ત્યાં હવામાં કેમિકલનું ઝેરનું પ્રમાણ વધારે હોય તો તે ગૂંગળાવી નાખનારું હોય છે. હાલમાં બિજિંગમાં શાળાઓ બંધ છે અને કાર ચલાવવા પર પાબંદી છે. રેડ એલર્ટ સિગ્નલ ૭૨ કલાક માટે આ મહિનામાં બે વાર સરકાર દ્વારા આપવામાં આવ્યું. દિલ્હી અને મુંબઈમાં પણ હવાની ગુણવત્તા એટલી હદે કથળી નથી, પણ સારી ય નથી. 

અફઘાનિસ્તાન હિમપ્રપાત - ફેબ્રુઆરી ૨૪ થી ૨૮ તારીખ સુધીમાં અફઘાનિસ્તાનના પંજસિર પ્રદેશમાં ૪૦ વખત હિમપ્રપાત થયો. હિમપ્રપાતમાં બરફના પહાડ પરથી મોટા પ્રમાણમાં બરફ ધસીને નીચે પડે. તેમાં અનેક ગામો દબાઈ ગયા. ખૂબ બરફ

પડવાને કારણે હિમપ્રપાતની સ્થિતિ સર્જાતી હોય છે. આ પ્રપાતમાં લગભગ ૫૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા.

નેપાળનો ધરતીકંપ - એપ્રિલ ૨૦૧૫માં આવેલ વિનાશક ધરતીકંપ ભારતમાં પણ અનુભવાયો હતો. નેપાળમાં ધરતીકંપમાં લગભગ દશ હજાર લોકોએ જાન ગુમાવ્યા હતા. એવરેસ્ટમાં ધરતીકંપના કારણે હિમપ્રપાત સર્જાતા લગભગ ૨૫૦ માણસો લાપતા હતા. 

માલાવીમાં પૂર - સાઉથ આફ્રિકાના માલાવી વિસ્તારમાં જાન્યુઆરી મહિનામાં અધધધ ૪૦૦ ટકા વધુ અતિવૃષ્ટિ થઈ હતી. આ આંકડો વાંચતા જ ભયંકર પરિસ્થિતિની કલ્પના જ કરવી રહી. તેને કારણે આવેલા પૂરમાં હજારો ગામ લગભગ નષ્ટ થઈ ગયા. તો લાખો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું. અને હજારો લોકો મૃત્યુ પામ્યા તેમાં પૂરમાં તણાઈ જવાનું કારણ તો ખરું જ પણ પાણીજન્ય રોગચાળો કોલેરાના ફેલાવાથી પણ અનેક લોકોએ જાન ગુમાવ્યા હતા.

ઈંગ્લેંડમાં ડેસ્મોન્ડ વાવાઝોડું- આ બાજુ ચેન્નાઈ પૂરમાં ફસાયેલું હતું ત્યારે ઉત્તર ઈંગ્લેંડમાં ડેસ્મોન્ડ નામનું વાવાઝોડું ત્રાટક્યું જેને કારણે પવન અને વરસાદથી જનજીવન ખોરંભે ચડ્યું હતું. જાનહાનિ તો બહુ નહોતી થઈ, પરંતુ પ૦ હજારથી વધુ ઘર અને માલમતાને નુકસાન થયું હતું. હજારો લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. ચેન્નાઈ જેવી જ સ્થિતિ ઉત્તર ઈંગ્લેંડના વિસ્તારોની થઈ હતી. 

સ્નો સ્ટ્રોમ અને હીટ વેવ અમેરિકામાં - ફેબ્રુઆરી ૨૦૧૫ની સાલમાં યુએસમાં બરફનું તોફાન એટલું ભયંકર હતું કે ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, કનાટીકટ, પેનિસેલ્વિયા વગેરે શહેરો બરફની ચાદર નીચે ઢંકાઈ ગયા હતા. ધબકતા શહેરોએ સ્થિર થઈ જવાની ફરજ પડી હતી. તેવામાં વીજળીની સપ્લાયને પણ અસર થઈ હતી. જાણે કે શીતયુગ આવી ગયો હોય તેવી અસર દેખાતી હતી. આ ડિસેમ્બરમાં સૌથી ગરમ ક્રિસમસ અમેરિકનોએ ઉજવી. ઑક્ટોબરથી પશ્ચિમી અમેરિકન વિસ્તારમાં રેકોર્ડ બ્રેકિંગ ઉષ્ણતામાન વધી રહ્યું છે. કેલિફોર્નિયામાં તો દુષ્કાળની પરિસ્થિતિ એકવાર આ વરસે જ સર્જાઈ ગઈ હતી. મેક્સિકો, વોશિંગ્ટન, કોલેરાડો વગેરે વિસ્તારોમાં ઉષ્ણાતામાન ૫૬ વરસમાં પહેલીવાર આટલું ઊંચુ રહ્યું હતું. લગભગ ૪૨ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. એક તરફ શીત લહેર અને બીજી તરફ ઊંચું ઊષ્ણતામાન દરેક રીતે અમેરિકન અને બ્રિટન સાથે અતિવૃષ્ટિને કારણે પીડાઈ રહ્યું છે. ગરમીને કારણે કેલિફોર્નિયામાં જંગલમાં આગ લાગવાથી ૬૫ હજાર એકર જંગલ નાશ પામ્યું સાથે જ અનેક ગામોમાં પણ નુકસાન થયું. 

આ સિવાય પેટ્રિસિયા વાવાઝોડાને લીધે અમેરિકામાં ૨૬૬ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ઓસ્ટ્રેલિયામાં પણ હીટવેવને કારણે જંગલોમાં આગ લાગી રહી છે. તો ફિલિપાઈન્સમાં ઑક્ટોબરમાં વાવાઝોડું કોપ્પુ ત્રાટક્યું ત્યારે દશ હજાર લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. ભારે વરસાદને કારણે મ્યાનમાર, ફિલિપાઈન્સ, ચીન વગેરે જગ્યાએ લેન્ડસ સ્લાઈડની ઘટનાઓ પણ સતત બનતી રહી છે. હજી પાંચેક દિવસ પહેલાં જ એટલે કે ક્રિસમસના દિવસે અફઘાનિસ્તાનમાં અને ભારતમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ગરમી, ઠંડી અને વરસાદની મોસમ ક્યારે ક્યાં કહેર મચાવશે તે કહી શકાતું નથી. વાતાવારણમાં પલ્ટાઓ પર્યાવરણને કાર્બન ડાયોક્સાઈડને લીધે થયેલા નુકસાનથી આવી રહ્યા છે. પર્યાવરણવાદીઓનું કહેવું છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં ગરમીને કારણે લોકોમાં મૃત્યુની સંખ્યા ત્રણગણી થઈ શકે એમ છે. જો આપણે અત્યારથી નહીં જાગીએ તો ૨૦૫૦ સુધીમાં આપણે કુદરતને નષ્ટ કરી ચૂક્યા હોઈશું અને તેને કારણે આપણે પણ નુકસાનીમાં જ રહીશું. ગ્રીન ૨૦૧૬ની શુભકામના અને સંકલ્પ સાથે હેપ્પી ન્યૂ યર

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment