Friday, 12 February 2016

[amdavadis4ever] કચ્છ મુલકજી ગાલ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કચ્છના મહાવિનાશક ભૂકંપની ૧૫મી વરસી ૨૬મી જાન્યુઆરીએ આવી ગઇ. સ્થાનિક અખબારનાં પાનાઓ પર પોતાનાં સ્વજનોને યાદ કરીને અપાયેલી ૧૫મી પુણ્યતિથિની જાહેરખબરો અને વિશેષ પૂર્તિના ચારેક લેખને બાદ કરતાં પ્રચાર માધ્યમો પર ધરતી તાંડવની એ કુદરતી આફતનો ઉલ્લેખ સુધ્ધાં ભાગ્યે જ જોવા મળ્યો. સંભવત: આનું એકમાત્ર કારણ ભૂકંપ પછીના પંદર વર્ષમાં થયેલી કચ્છની કાયાપલટનું છે. કુદરતના અભિશાપને અવસર-તકમાં પલટી નાખીને કચ્છનું અજોડ પુનર્વસન થયું અને એની સાથે સાથે ટેક્સ હોલિડેના પગલે ઔદ્યોગિક હરણફાળે ઇતિહાસ સર્જ્યો તેને લીધે કચ્છની કાયાપલટ થઇ ગઇ છે. ધરતીકંપ વખતે કચ્છનું દૃશ્ય જોનાર વ્યક્તિ પંદર વર્ષે ભુજ આવે તો માથું ખંજવાળવા માંડે એટલી હદે પરિવર્તન આવી ગયું છે. સો વર્ષમાં જે નથી થયું તે એક દાયકામાં થયું છે.

છતાં આજે દોઢ દાયકાનાં વહાણાં વિત્યા પછીયે ભૂકંપના નાના-મોટા આંચકા વચ્ચે આપણે કચ્છીમાડુ કેટલા સલામત છીએ એ વિચારીએ તો પૂરેપૂરો સંતોષ લઇ શકાય એવું ચિત્ર દેખાતું નથી. ર૦૦૧ના ભૂકંપ વખતે એક એવી વાત ચાલી હતી કે કચ્છ સંભવિત ભૂકંપગ્રસ્ત ઝોન પાંચમા આવે છે તેની કોઇને જાણ નહોતી. પણ આ માન્યતા તદ્દન ખોટી હતી. છેક ૧૯૮૮માં ભૂકંપની શક્યતાના ઉલ્લેખ સાથે બહુમાળી ઇમારત પ્રશ્ર્ને ઊહાપોહ થયો હતો. તો ૧૯૯૬ના જુલાઇ મહિનાની ૮મી તારીખે 'કચ્છમિત્ર'ના પ્રથમ પાને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી પ્રો. શ્રીંગારપુરેના હવાલા સાથે 'સાવધાન, કચ્છમાં ગમે ત્યારે મોટો ધરતીકંપ' શીર્ષક હેઠળ વિગતવાર સમાચાર પ્રસિદ્ધ થયા હતા એની ખાસ નોંધ લેવા જેવી છે. માત્ર કચ્છ નહીં ગુજરાતભરનાં અખબારોમાં ચમકી ગયેલા આ હેવાલનો ટૂંકસાર એ હતો કે કચ્છમાં ગમે ત્યારે ૧૮૧૯ જેવો મોટો ધરતીકંપ આવી શકે છે. એ સમયે 'અલ્લાહબંધ' ઊપસી આવતાં સિંધુની શાખા કચ્છમાં આવતી બંધ થઇ હતી એનો ઇતિહાસ જાણીતો છે. આવો જ ધરતીકંપ ફરી આવી શકે છે એવું અનુમાન ૧૯૯૬માં કરવામાં આવ્યું ત્યારેય સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભૂગર્ભીય હિલચાલનો સંકેત મોટા ધરતીકંપની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવે જરૂર છે પણ એ ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે. '૯૭માં આવે અને ન પણ આવે. બે-ચાર વર્ષે આવે કે એથીયે વધુ સમય લાગે કારણ કે આખરે તો કુદરત એ કુદરત છે. પણ એ આગાહીમાં મુખ્ય મુદ્દો એ હતો કે જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે જાગૃતિ કેળવવી જરૂરી છે. આ સંદર્ભે આપણે આજે વાત કરવી છે.

એ સમયે એટલે કે મોટાપાયે સમાચાર ચમક્યા પછી પ્રો. શ્રીંગારપુરે જાતે ભુજ આવ્યા હતા અને કલેકટર સાથે બેકઠ યોજાયા બાદ એવું નક્કી થયું હતું કે કચ્છમાં બે માળથી વધુ ઊંચા મકાન બાંધવાની મંજૂરી જ આપવી નહીં. આ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. પણ અફસોસ કે રાજકારણીઓ અને બિલ્ડરોની લોબીએ આખરે તો પોતાનું ધાર્યું જ કર્યું અને ભુજ તેમજ કચ્છમાં બહુમાળી મકાનોનો યુગ ધમધમતો થઇ ગયો અને એનું પરિણામ આપણે ર૦૦૧માં ભોગવ્યું. સેંકડો લોકો આવાં મકાનોમાં ચગદાઇ જવાથી મરણ-શરણ થયા.

આ અંગેના આંકડા તપાસીએ તો ભુજમાં ધરતીકંપ વખતે ૪૩૦ જેટલાં બહુમાળી મકાનો હતાં. આ પૈકી ૮૯ ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશયી થઇ જતાં ૫૯૪ જણ કાળનો કોળિયો બન્યા. ૧૧૨ ઇમારતો એટલી હદે ક્ષતિગ્રસ્ત હતી કે તેમાં રહી જ શકાય નહીં. ૮૧ મકાન જી-૩ શ્રેણીમાં સમારકામ યોગ્ય જણાયા તો ૮૭ માત્ર તિરાડવાળા હતા. માત્ર આઠ એપાર્ટમેન્ટ એવા હતા જેમાં બિલકુલ નુકસાની થઇ નહોતી. સંખ્યાબંધ મકાનોનાં બાંધકામ નબળાં હતાં એટલું જ નહીં બે માળની મંજૂરી લીધી હોય ને પાંચ-છ માળ બંધાયા હોય એવુંયે બન્યું હતું. બાંધકામના નિયમોની ઐસીતૈસી અને થોકબંધ ગેરરીતિઓ થઇ હતી.

ભૂકંપ પછીના મહિનાઓમાં એવી ચર્ચા ચાલેલી કે હવેથી કચ્છમાં બેમાળથી વધુ ઊંચા મકાનની પરવાનગી આપવી જ નહીં. ઉપરાંત જે બહુમાળી મકાન બચી ગયા છે, એના બે માળથી ઉપરના તમામ મજલા દૂર કરવા. પણ મજલા દૂર કરવાનું સૂચન વ્યવહારુ નહોતું એટલે વાત આગળ વધી નહીં. તો જી-૫ શ્રેણીમાં એટલે કે પડવાના વાંકે ઊભા હોય એવાં બહુમાળી મકાનો પૈકી કેટલાંક બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવ્યાં. કેટલાક તોડી પાડવાના હુકમ થયા. નોટિસો અપાઇ પણ અમલ થયો નહીં. એક અંદાજ અનુસાર આજે એકલા ભુજમાં જોખમી જાહેર કરાયા હોય એવાં ૧૦૦થી વધુ બહુમાળી મકાનોમાં લોકો વસવાટ કરી રહ્યા છે. ઉપરાંત જી-૩ શ્રેણીનાં મકાનો રિપેર થયા છે એ ભૂકંપ પ્રતિરોધક નિયમાનુસાર થયા છે કે કેમ એની કોઇ ચકાસણી થઇ નથી.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભુજની આ ઓછામાં ઓછી એક્સો ઉપરાંત ગાંધીધામ સહિતનાં શહેરોની અન્ય ઇમારતો ખરા અર્થમાં જોખમી હોવા છતાં લોકો તેમાં વસવાટ કરે છે એટલું જ નહીં ઘણાં વર્ષોથી કહોને કે ભુજમાં તો ભૂકંપ પછીના ચોથા વર્ષથી બહુમાળી મકાનોના ફ્લેટોના લે-વેચના સોદાયે થવા લાગ્યા છે. આજકાલ તો ત્રીજા, ચોથા કે પાંચમા માળના ફ્લેટ ૨૦થી ૩૦ લાખ સુધીની કિંમતે વેચાઇ રહ્યા છે.

ભાવિ પેઢીની સલામતીના મુદ્દે નબળી બહુમાળી ઇમારતોનો પ્રશ્ર્ન અગ્રક્રમે હાથ ધરવા જેવો છે. આવાં જોખમી મકાનોના ફલેટ વેચાવા માંડ્યા છે એના મૂળમાં માનવીય મજબૂરી છે. મધ્યમવર્ગનો માનવી આજે 'ઘરનું ઘર'ના માત્ર સપનાં જ જુએ છે. ખરેખર તો આવી ઇમારતોમાં જેમના ફલેટ છે તેમને ઘરથાળના પ્લોટ રાજ્ય સરકાર આપે તો પ્રશ્ર્ન હલ થઇ શકે તેમ છે અને કચ્છમાં પડતર સરકારી જમીનનો ક્યાં તોટો છે ? ઉદ્યોગોને ૨૫-૩૦ રૂપિયે મીટરના ભાવે જમીન અપાય પણ પ્રજાને જંત્રીના ભાવે પણ જમીન ન મળે એ ક્યાંનો ન્યાય ? સાચું પૂછો તો માત્ર બહુમાળી ઇમારતો જ નહીં, કચ્છના ભૂકંપ પછીના જે પણ કામ બાકી છે એની સમીક્ષા કરવી હિતાવહ છે. દા.ત. અંજારના લીઝધારકો, અંજારનું સ્મારક, ભચાઉની સહાયના ચુકવણા, શાક માર્કેટ, શહેરી સત્તામંડળોમાં ચાલતો ભ્રષ્ટાચાર અને સ્ટાફની તંગીનો પ્રશ્ર્ન વિગેરે. ગુજરાતે ઉત્તમ આપત્તિ વ્યવસ્થાપન માટે અનેક આંતરરાષ્ટ્રીય એવૉર્ડ મેળવ્યા છે. કચ્છે અદ્વિતીય પ્રગતિ હાંસલ કરી છે. એક સમયે વિકાસ માટે તડપતો જિલ્લો આજે ઓડકાર ખાય છે અને ગુજરાતના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે એને ગણવામાં આવે છે. છતાં એ એક હકીકત છે કે ઐતિહાસિક નવસર્જન પછીયે ૧૦ ટકા જેટલું કામ બાકી છે એની સરકારે છેલ્લાં આઠ-નવ વર્ષથી કોઇ કહેતાં કોઇ ચિંતા કરી નથી. ભુજના પુનર્વસનમાં અગ્ર ભાગ ભજવનાર કલેકટર પ્રદીપ શર્માની બદલી થયા પછી જે કોઇ અધિકારી આવ્યા છે એમણે ક્યારેય બાકી રહેલા પુનર્વસનના પ્રશ્ર્નો હલ કરવામાં રસ દાખવ્યો નથી.

સમજણ નથી પડતી કે કચ્છના વિકાસ માટે યશ લેતી ગુજરાત સરકાર શા માટે ભૂકંપ પુન:વસનની સોનાની થાળીમાં દેખાતી લોઢાની મેખ દૂર કરવામાં નિષ્ક્રિય છે ? કચ્છના શાસકપક્ષના પ્રતિનિધિઓની એ ફરજ છે કે ભૂકંપની પીડા સહન કરીનેય પોતાની ભાવિ પેઢીની સલામતી માટે જૂના ફળિયા, ચોક છોડીને બહાર રિલોકેશન સાઇટ પર જનાર પ્રજા અને ટાઉનપ્લાનિંગમાં યજ્ઞમાં કાપની આહુતિ આપનાર લોકોના પ્રશ્ર્નોનો ઉકેલ આણે. કોર્ટમાં જ્યારે કેસોનો ભરાવો થાય છે ત્યારે ન્યાય માટે વધારાની ખાસ અદાલતો જેમ સ્થપાય છે તેમ ધરતીકંપના બાકી રહેતા પ્રશ્ર્નો-કેસોની સુનાવણી માટે અલાયદી વ્યવસ્થા અનિવાર્ય બની છે.

અને છેલ્લે ફરી વાત બહુમાળી મકાનોની. એક હેવાલ અનુસાર કચ્છમાં અત્યારે માત્ર ગ્રાઉન્ડ પ્લસ ટુ એટલે કે બે માળનું મકાન બનાવવાની મંજૂરી અપાય છે તેના બદલે ત્રણ માળની મંજૂરી માટે છૂટ આપવાની રજૂઆતો બિલ્ડર લોબીએ કરી છે. દલીલ એવી થાય છે કે બાંધકામ ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન સાથેનું હોય તો કોઇ વાંધો આવે તેમ નથી. પણ, ખાટલે મોટી ખોટ એ છે કે બાંધકામ મજબૂત થયું છે એની ખરાઇ કરશે કોણ ? આજની ઘડીએ પણ બાંધકામના નિયમો ક્યાં કોઇ પાળે છે ? એટલે બહેતર તો એ છે કે બે માળ જ બરાબર છે, ૧૯૯૬ના ઇતિહાસનું પુનરાવર્તન નથી ખપતું.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment