Sunday, 6 December 2015

[amdavadis4ever] વિજ્ઞાન અને અધ્યાત્મ: અબ્ દુલ કલામ અને પ્રમુખ સ્વામી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા સમય પહેલાં ઈસરોએ મંગળયાન અવકાશમાં સફળતાપૂર્વક છોડ્યું ત્યારે આ સફળતાના યશભાગી એવા ઈસરોના વૈજ્ઞાનિકો આ યાન છોડવાની પૂર્વસંધ્યાએ તિરુપતિ ગયા હતા. તિરુપતિમાં ભગવાન બાલાજીને મસ્તક ટેકવીને એમણે સફળતા માટે આશીર્વાદ માગ્યા હતા. ઉચ્ચકક્ષાના આવા વૈજ્ઞાનિકોએ એક મંદિરમાં જઈને પ્રતિમાને પ્રણામ કર્યા એનાથી દેશના કેટલાક કોમવાદી સેક્યુલરિસ્ટો અથવા તો બુદ્ધિહીન બુદ્ધિમાનો ભડકી ગયા હતા. આમાં એમને હિંદુત્વની વાસ આવી હતી. કેન્દ્ર સરકાર પ્રેરિત આ કૃત્ય હતું એવું એમણે આરોપિત કર્યું. વૈજ્ઞાનિકોએ વળી હિંદુ મંદિરે જવાની શી જરૂર?

વિજ્ઞાન માનવજીવનનાં રહસ્યો પામવા માટે વધુ અને વધુ ઊંચાઈ ઉપર પગ મૂકીને બ્રહ્માંડદર્શન કરે છે. એ તો દેખિતું જ છે કે સાતમા માળની બાલ્કનીમાંથી જે દેખાય એનાથી ચૌદમા કે ચોવીસમા માળેથી વધુ વ્યાપક દર્શન થાય. દર્શન જેમ જેમ વધુ વ્યાપક થતું જાય એમ એમ દર્શકને એવી પ્રતીતિ થતી જાય કે પોતે જે જાણે છે એ નગણ્ય છે, પણ જે નથી જાણતો એ અપાર અને અફાટ છે.

અધ્યાત્મ પણ આ જ કામ કરે છે. અધ્યાત્મ માનવરહસ્યને પામવા માટે આત્મામાં જ ઊંડે ઊતરે છે. આત્માની આ ઊંડાઈનો પણ કોઈ પાર નથી. માણસને જેમ જેમ આધ્યાત્મિક ઊંડાઈનું દર્શન થતું જાય છે એમ એમ એને ખાતરી થતી જાય છે કે પોતે જે પ્રાપ્ત કર્યું છે એ નગણ્ય છે, પણ જે પામવાનું બાકી છે એ અસીમ અને અપાર છે.

આમ વિજ્ઞાન અને અધ્યાત્મ બે વિરોધી તત્ત્વો નથી, પણ આનું દર્શન, આની અનુભૂતિ કોઈક મુઠ્ઠીઊંચેરા માણસને જ થાય. ડૉ. એપીજે અબ્દુલ કલામ આવા મુઠ્ઠીઊંચેરા માણસ હતા એની પ્રતીતિ તાજેતરમાં પ્રગટ થયેલા એમના એક પુસ્તક 'ટ્રાન્સેન્ડન્સ' વાંચવાથી આપણને થાય છે.

અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ નહોતા બન્યા એ પહેલાં જ સ્વામીનારાયણ સંપ્રદાયના અક્ષર પુરુષોત્તમ સંસ્થાનના વડા ધર્મગુરુ પ્રમુખ સ્વામીને ૩૦ જૂન, ૨૦૦૧ના રોજ મળ્યા હતા. આ પહેલી જ મુલાકાતમાં અબ્દુલ કલામે સ્વામીજી સમક્ષ પોતાના વિઝન ૨૦૨૦ વિશેના સપનાની વિગતે વાત કરી અને એ માટે પોતે વિચારેલા પાંચ મુદ્દાઓ એમને સમજાવ્યા. સ્વામીજીએ બધું શાંતિપૂર્વક સાંભળ્યા પછી કહ્યું - "એક છઠ્ઠો મુદ્દો ઉમેરો. માણસનો વિકાસ, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખીને આધ્યાત્મિકતાથી જ થઈ શકે.

અબ્દુલ કલામ લખે છે - આ એક વાક્ય સાંભળતાવેંત તેઓ હેબતાઈ ગયા. આ વાક્યના શબ્દેશબ્દમાં સ્પષ્ટતા, શ્રદ્ધા અને સામર્થ્ય હતાં. આ બંને વચ્ચેની છેલ્લી મુલાકાત ૧૧ માર્ચ ૨૦૧૪ના રોજ સાળંગપુર ખાતે થઈ. અબ્દુલ કલામ ત્યારે રાષ્ટ્રપતિ નહોતા.

સ્વામીજી બીમાર છે અને કોઈને હળીમળી શકતા નથી એ જાણ્યા પછી અબ્દુલ કલામ સાળંગપુર ગયા. 

સ્વામીજીએ અબ્દુલ કલામનો હાથ પોતાના હાથમાં લીધો. એક શબ્દ બોલ્યા નહિ. હજારો સાધુઓ અને દર્શનાર્થીઓ ટગર ટગર જોઈ રહ્યા. સ્વામીજી પૂરી દસ મિનિટ અબ્દુલ કલામ સામે જોઈ રહ્યા અને અબ્દુલ કલામ આંખ ઢાળીને નીચે બેસી રહ્યા. કેવું હશે આ દૃશ્ય?

ગાંધીનગરના અક્ષરધામ મંદિર ઉપર ત્રાસવાદી હુમલો થયો. સંખ્યાબંધ નિર્દોષ ભક્તજનો હત્યાનો ભોગ બન્યા. રાજ્યના પોલીસ દળે પ્રતિહુમલો કરીને મંદિરના પરિસરમાં જ બે ત્રાસવાદીઓનાં ઢીમ ઢાળી દીધાં. વળતે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ સ્થળે મૃતાત્માઓની શાંતિ અર્થે જલાભિષેક કર્યો. આ જલાભિષેક સમયે પેલા બે ત્રાસવાદીઓને જે જગ્યાએ મારી નાખવામાં આવ્યા હતા એ જગ્યા કોઈએ એમને બતાડી. સ્વામીજી એક ક્ષણ રોકાયા અને પછી પેલા હત્યારાઓની જ્યાં હત્યા થઈ હતી ત્યાં જઈને જલાભિષેક કર્યો. એમના આત્માની શાંતિ અર્થે એમણે મૌન સેવ્યું.

અબ્દુલ કલામ લખે છે - 'હું જ્યારે આ મંદિરે ગયો અને આ વાત સાંભળી ત્યારે મારા મનમાં ઝબકારો થયો. આવું કોણ કરી શકે? આ આધ્યાત્મિક ઊંચાઈ છે અને એ જ ક્ષણે મેં સ્વામીજી સાથેના મારા સંપર્કથી જે અનુભૂતિ થઈ હતી એના વિશે પુસ્તક લખવાનું નક્કી કર્યું. પણ અબ્દુલ કલામ મુસલમાન હતા. એક મુસલમાન તરીકે તેઓ જો સ્વામીજીના સ્પર્શથી જે આધ્યાત્મિક અનુભૂતિ થઈ હતી એની વાત લખે તો ઈસ્લામના કોઈ ધારાધોરણ કે અન્ય કોઈ પ્રતિક્રિયાએ વિઘ્નરૂપ તો નહિ થાય એવો એમને વહેમ આવ્યો. પોતે દેશના સર્વોચ્ચ વડા રહી ચૂક્યા હતા.

વીસમી સદીના સર્વોત્તમ વૈશ્ર્વિક વૈજ્ઞાનિકો પૈકીના એક હતા અને છતાં આવો નિર્ણય કરતાં પહેલાં, તમિળનાડુમાં વસતા પોતાના વયોવૃદ્ધ મોટા ભાઈને આદર્શ સલાહકાર માનીને એમની પાસે ગયા. અબ્દુલ કલામ લખે છે - આ મોટા ભાઈના શાણપણ વિશે મને સહેજેય શંકા નહોતી. મોટા ભાઈએ નાના ભાઈને લીલી ઝંડી દેખાડી - ઈસ્લામ બીજા કોઈ ધર્મ વિશે સારું લખવાની મનાઈ કરતો નથી અને આમ આ પુસ્તક લખાયું.

૨૦૦૭માં રાષ્ટ્રપતિ તરીકેની મુદત પૂરી થઈ અને અબ્દુલ કલામ બીજી વાર રાષ્ટ્રપતિ બને એવો એક વિચાર પણ સામે આવ્યો. પ્રમુખ સ્વામી ત્યારે અમેરિકા હતા. રાષ્ટ્રપતિએ એમને ટેલિફોન કરીને પૂછ્યું - "સ્વામીજી, આપને શું લાગે છે? મારે ઊભા રહેવું જોઈએ કે નહીં? સ્વામીજીએ કહ્યું, "કલામસાહેબ, બીજીવાર ઊભા નહિ રહેતા. હવે કોઈ પણ હોદ્દા વિનાની જ જનસેવા કરો. પ્રમુખ સ્વામીની આ સલાહ કેટલી સાર્થક નીવડી હશે એ આપણે જાણતા નથી, પણ કલામસાહેબ બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા નહિ એ આપણે જાણીએ છીએ.

કલામસાહેબ ડૉક્ટર વિક્રમ સારાભાઈને પોતાના ગુરુ માને છે. વિક્રમ સારાભાઈની એક ઘટના એમણે આલેખી છે એ રૂંવાડાં ઊભાં કરી દે એવી છે. ૧૯૬૨માં અવકાશ વિજ્ઞાનના વિકાસ માટે ડૉક્ટર સારાભાઈ દેશભરમાં ઘૂમીને કોઈક યોગ્ય સ્થાનની શોધ કરી રહ્યા હતા. આવી જગ્યા ભૌગોલિક, ચુંબકીય તથા ભૂમિગત કેટલાક નિયમોમાં બંધબેસતી હોય એ જરૂરી હતું. આખરે એમણે કેરળમાં આવેલા થુંબા ગામ ઉપર પસંદગી ઉતારી. પણ અહીં મુશ્કેલી એ ઊભી થઈ કે ખ્રિસ્તીઓનું એક પવિત્ર પ્રાચીન ચર્ચ ખસેડવું પડે એમ હતું. રાજકારણી નેતાઓએ ડૉક્ટર સારાભાઈને કહ્યું કે આ ચર્ચ ખસેડવાની વાતથી ખ્રિસ્તીઓમાં અકારણ વૈમનસ્ય પેદા થશે અને કોમવાદ પ્રસરી જશે. ડૉક્ટર સારાભાઈએ એમને કહ્યું, "ચર્ચનો ઉપયોગ કરવાની આ વાતમાં તમે કોઈ વચ્ચે પડશો નહિ. હું એને સંભાળી લઈશ.

બીજે દિવસે સારાભાઈ ચર્ચના બિશપને મળ્યા. તે દિવસે શનિવાર હતો. સારાભાઈએ બિશપને આ જગ્યા વૈજ્ઞાનિક રીતે કેટલી ઉપયોગી છે એ સમજાવ્યું. બિશપ સમજી ગયા. માત્ર આટલું જ બોલ્યા - આવતી કાલની પ્રાર્થનામાં તમે આવજો.

રવિવારની પ્રાર્થનામાં છલોછલ ભરાયેલા સભાખંડમાં બિશપે ગંભીરતાથી કહ્યું - "મારાં બાળકો, અહીં આ પવિત્ર ભૂમિ ઉપર મારી બાજુમાં દેશના એક સર્વોચ્ચ વૈજ્ઞાનિક ઊભા છે. તેઓ વિજ્ઞાન દ્વારા સત્યને અને પરમાત્માને પામવાનો પ્રયત્ન કરે છે અને મારા વહાલાં બાળકો, આપણે શું કરીએ છીએ? વરસોથી આપણે પણ એ જ કરી રહ્યા છીએ. તો શું એમને સાથ આપવાથી પરમાત્માના આશીર્વાદ આપણને નહિ મળે? હે બાળકો, એમના પરમાત્મા અને શું આપણા પરમાત્મા જુદા છે?

બિશપે જ્યારે પોતાની વાત પૂરી કરી ત્યારે આખા સભાખંડે ચર્ચની આ જગ્યા ઈસરોને આપવાની એકસૂરે સંમતિ આપી દીધી.

૨૦૦૮માં ઈઝરાયલની મુલાકાતે ગયેલા કલામસાહેબ જેરુસલામને જોઈને લખે છે - યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ આ ત્રણેય ધર્મોએ જે ભૂમિને આસ્થાપૂર્વક પવિત્ર યાત્રાધામ માને છે એ ભૂમિ ઉપરનું આ શહેર બે વાર સાવ નાશ પામ્યું છે. ત્રેવીસ વાર એનો ઘેરો ઘાલીને હુમલાઓ થયા છે. બાવન વાર અહીં યુદ્ધો થયાં છે અને ચુમ્માળીસ વાર ધર્મના નામે સત્તાપલટો થયા છે.

'ટ્રાન્સેન્ડન્સ' આ પુસ્તકમાં વિજ્ઞાન છે, અધ્યાત્મ છે, ઈતિહાસ છે, માનસશાસ્ત્ર છે, સમાજકથા છે અને સહુથી ઉપર હૈયું હલાવી મૂકે એવી એક માણસની વાત છે. પુસ્તકના સહલેખક કલામના સાથી અરુણ તિવારી છે. સવાલ એક જ થાય છે - આ પુસ્તક કલામે લખાવ્યું અને તિવારીએ લખ્યું કે પછી કલામ પાસેથી વાતો સાંભળીને તિવારીએ પોતે લખ્યું અને કલામને વંચાવ્યું.

ગુજરાતી ભાષામાં આ પુસ્તક જેટલું મોડું પ્રકાશિત થશે એટલું વધુ નુકસાન ગુજરાતી વાચકોને થશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment