Friday, 4 December 2015

[amdavadis4ever] હું વિધિવત્ ‘હ ીજડો’ બન્યો.... ...હીજડામાંથી ટ્રાન્સજેન્ડર.. . સંઘર્ષ, સમજ અને સ્વીકાર.... કથા કોલાજ - કા જલ ઓઝા - વૈદ્ય.

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નામ : લક્ષ્મી નારાયણ ત્રિપાઠી
સ્થળ : મુંબઈ
સમય : ૧૯ ઑક્ટોબર, ૨૦૧૫
ઉંમર : શું ફેર પડે છે ?


આજે હું ચોટીલા ગામમાં છું...અહીં મોરારિબાપુની "રામકથા ચાલે છે. મારા પરિવારના-કમ્યુનિટીના અનેક લોકોને અહીં આમંત્રિત કરવામાં આવ્યા છે. અમે બાપુની સામે નૃત્ય કરી રહ્યા છીએ...મારા જેવી બીજી કેટલીયે છે અહીં. મોરારિબાપુની સામે એ બધા ફિલ્મી ગીતો પર લટકા-ઝટકા સાથેના નૃત્યો કરી રહ્યા છે. બાપુની આસપાસ બેઠેલા બધા શિયા-વિયા થઈ ગયા છે. જયંતિભાઈ ચાંદ્રાણી પણ સહેજ સંકોચમાં છે. એમને સમજાતું નથી કે એમણે અમને આમંત્રણ આપીને સારું કામ કર્યું કે ખરાબ...પણ બાપુ અમારી મંડળીનું નૃત્ય સસ્નેહ અને સંપૂર્ણ કરુણા સાથે જોઈ રહ્યા છે. એમના ચહેરા પર વિકાર, તિરસ્કાર કે કુતૂહલ પણ નથી. છે તો માત્ર સ્વીકાર !

આ સ્વીકાર અને આ સમજ અમને મળે એ માટે હું સંઘર્ષ કરી રહી છું.

મને પોતાને સમજાતું નથી કે મારામાં આ હિંમત ક્યારે આવી, હું બાળપણમાં આવી નહોતી. નાની હતી ત્યારે અમે થાણેના સિધેશ્ર્વર તળાવને કાંઠે માટીના ઘરમાં રહેતા હતા. મમ્મી-પપ્પા, મારી મોટી બહેન મીન્ટુ-રુક્મિણિ અને હું. મમ્મી-ડેડીનો હું પહેલો દીકરો. મારું નામ લક્ષ્મી નારાયણ. અમે એ જ ઘરમાં રહેતા હતા ત્યારે મારા નાના ભાઈ શશી નારાયણનો જન્મ થયો, મમ્મીની બાજુમાંથી મારી જગ્યા હવે પપ્પાની બાજુમાં ગોઠવાઈ ગઈ.

મારી તબિયત પ્રમાણમાં ખરાબ રહેતી. દર છ મહિને એક વાર એકાદ રોગનો હુમલો આવતો હતો. સાત વર્ષનો હતો ત્યારે ટાઈફોઈડ, મલેરિયા અને ન્યુમોનિયા એકસાથે થયા હતા. માંદગીમાંથી ઊઠ્યો પછી બહુ સમય અશક્ત રહ્યો. મમ્મી-પપ્પાએ મારી બહુ કાળજી કરી, પણ મારી નબળાઈ મને બાંધી રાખતી...મને નૃત્ય કરવું બહુ ગમતું, મારી ઉંમરના છોકરાઓ સાથે નાચવું, કૂદવું, રમવું ગમતું પણ એ બધું થઈ શક્યું નહીં...હું દુબળો અને પ્રમાણમાં નબળો જ રહ્યો. સ્વભાવે શાંત અને માંદગીને કારણે બધું સહન કરતા રહેવાની ટેવ પડી ગઈ. મારી પોતાની ફરિયાદથી ધીરે-ધીરે હું પોતે જ અકળાવા લાગ્યો એટલે મને એવું લાગવા માંડ્યું કે, મારે મારા માતા-પિતાને વધુ હેરાન ન કરવા જોઈએ.

મારા દાઢીભૈયા એટલે માસીનો દીકરો વિજયપ્રતાપ, એ અમારા ઘરે જ રહેતો અને અમને ત્રણે ભાઈ-બહેનને ખૂબ સાચવતો. એ દાઢી રાખતો એટલે અમે એને દાઢીભૈયા કહેતા. પછી એની પત્ની છાયા પણ અમારા ઘરે જ રહેવા આવી. અમારે માટે તો છાયાભાભી અને દાઢીભૈયા માતા-પિતાથી પણ વિશેષ હતા...એ એક જ હતા, જે મને સમજી શક્તા હતા. દાઢીભૈયાને કમળો થયો અને એમાં એ ગયો...એ પછી મારા માથેથી છત્ર ખસી ગયું. અમે ગામડે ગયા હતા, મારા પિતરાઈ ભાઈના લગ્ન હતા. ત્યારે પહેલી વાર મને જાતીય શોષણનો અનુભવ થયો. મારી દવાઓ ચાલુ હતી એમાં થોડું ઘેન રહેતું. એક દિવસ એક છોકરો મને અંધારી ઓરડીમાં લઈ ગયો એણે પોતાના પુરુષ અંગને મારી પાછળ ઘુસાડ્યો ત્યારે મને બહુ જ પીડા થઈ, ચક્કર આવ્યા...એણે મને પાણી છાંટીને જગાડ્યો અને પછી ધમકાવ્યો, "ખબરદાર જો કોઈને કીધું

છે તો...

એ પછી આ ઘટના વારંવાર બનતી ગઈ. મારી નબળાઈનો, શરમાળપણાનો બધા લાભ લેતા રહ્યા પણ એક દિવસ મારું મગજ છટક્યું. મેં બધાંને મારાથી દૂર ખસેડ્યા. અમારી બાજુમાં સંગીતા આંટી રહેતા, એ મને પહેલી વાર અશોક રાવકવિને મળવા લઈ ગયા. અશોકે મને બહુ સરસ રીતે સમજાવ્યો. માહેશ્ર્વરીબાગની માટી મારા કપાળ પર લગાડી, એણે કહ્યું, "વેલકમ ટુ ધ ગે કમ્યુનિટી ત્યારે મારી ચોથાની પરીક્ષા પૂરી થઈ હતી, પછી અમે સિધેશ્ર્વર તળાવ કાંઠાનું ઘર છોડીને ખોપટ રહેવા આવ્યા...

નવી શાળામાં મારી એક બહેનપણી બની, પ્રિયંકા મારવા. હું છઠ્ઠામાં આવ્યો ત્યારે અમારી સામેની બિલ્ડિંગમાં એક પરિવાર રહેવા આવ્યો. મારાથી સાત-આઠ વર્ષ મોટો એમનો એક દીકરો હતો, એનું નામ રોહન. રોહન સાથે મારું અફેર શરૂ થયું. રોહનનો સ્પર્શ, એનો આશ્ર્લેષ, એના ચુંબન મને પીગળાવી દેતા. આની પહેલાનું સેક્સ મારા પર લાદવામાં આવેલું બળાત્કાર હતું પણ હવે આ મારી "ચોઈસ હતી...રોહન સાથેના મારા સંબંધને નજર લાગી. એના ફોઈના દીકરાએ મારી સાથે ચેનચાળા કરવા માંડ્યા. રોહનને એક દિવસ મેં એ વાત કરી પણ એણે કશું ન કર્યું. મને સમજાયું, રોહન મને એક રમકડા તરીકે 

જુએ છે. 

રોહન એ સમયમાં એક યુવતીના પ્રેમમાં પડ્યો, એણે મને જ એની ચિઠ્ઠીચપાટી લાવવા-લઈ જવાનું કામ સોંપ્યું. હું તો પોતે જ રોહનને પ્રેમ કરતો હતો પણ મને સમજાયું કે રોહન મારો ઉપયોગ કરે છે. મેં રોહનને મળવાનું છોડી દીધું અને મારી જિંદગી એક નવી દિશામાં વળી ગઈ, પુરુષ બનવા અથવા પુરુષની કમ્યુનિટીમાં મારો સ્વીકાર થાય એમ વિચારીને મેં બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું. એ પછી મારી જિંદગીમાં એક બીજી વ્યક્તિ આવી. મારી સહેલી, ઓડ્રી. એનો બોયફ્રેન્ડ મને નાનો ભાઈ માનતો. મોટાભાઈની જેમ મારી સંભાળ લેતો. અસ્થમાની તકલીફ વધવા માંડી એટલે મેં બાસ્કેટબોલ રમવાનું છોડી દીધું. એ સમયે હું રાહુલ કાળેને મળ્યો. એ મારા જેવો જ હતો પણ બોલ્ડ અને અગ્રેસિવ. રાહુલે મારી ઓળખાણ મોહન સાથે કરાવી. મારા પ્રિય મિત્ર પ્રવીણને રાહુલ સાથેની દોસ્તી ગમતી નહીં પણ રાહુલ, મોહન અને હું-ત્રણ મિત્રો ભેગા થયા પછી અમે થાણે આખું માથે લીધું, પણ મને ઝડપથી સમજાઈ ગયું કે રાહુલ સાથેનો સંબંધ કોઈ દિવસ મને જેલમાં લઈ જશે! 

એ પછી નાસિર, મારા જીવનમાં આવ્યો. હું અને નાસિર એક શાળામાં, એક ક્લાસમાં ભણતા. હવે ધીરે-ધીરે મારી દોસ્તી બીજા લોકો સાથે થવા માંડી. નાસિર ફક્ત મિત્ર જ નહીં, પ્રોટેક્ટર-સંરક્ષક પણ બની ગયો. 

એ પછી સુફિયાન, ને એ પછી રાકેશ જયસ્વાલ...એક પછી એક છોકરાઓ મારા જીવનમાં આવતા રહ્યા ને જતા રહ્યા. આ બધા મારા કરતાં મોટા હતા. એમાંના કેટલાક ભણતર પૂરું કરીને નોકરી કરવા લાગ્યા હતા.

ત્યારે મને રવિ મળ્યો. રવિના પ્રેમમાં હું એવો ડૂબતો ગયો કે નાસિર ચીડાવા લાગ્યો. નાસિર સાથે પણ મારા સંબંધો હતા પણ રવિ માટે હું જે લાગણી અનુભવતો હતો એ આજે પણ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. નાસિર છૂટતો ગયો ને રવિ નજીક આવતો ગયો. હું રવિની અનસ્પોકન ગર્લફ્રેન્ડ બની ગયો. 

રવિને દિવસમાં એક વાર ન મળું તો મને ચેન ન પડતું. જોકે, મને એક સત્યની ખબર હતી કે રવિ સાથે જીવી નહીં શકાય. એ મારી સાથે લગ્ન નહીં કરી શકે અને હું એને ખોઈ બેસવા તૈયાર નહોતો. મારી એક સહેલી હતી નિશા એને રવિ બહુ ગમતો, એ મને વારંવાર રવિની ઓળખાણ કરાવવાનું કહેતી. એક દિવસ મેં એમને મેળવી આપ્યા. કહો કે, લગભગ પ્રેમમાં જ પાડ્યા. રવિ મને પ્રેમ કરતો હતો પણ એ નોર્મલ હતો એને નિશા ગમવા લાગી. એણે નિશા સાથે લગ્ન કર્યા. આજે એ એમના સંસારમાં ખુશ છે. એમને એક સુંદર પુત્ર પણ છે ! ધીમે-ધીમે એવી પરિસ્થિતિ આવી કે મારે મારા જીવનમાં કોઈ નિર્ણય લેવો પડશે. મેં મારી જાતે જ નક્કી કર્યું કે, હું હવે કંઈક કરીશ. અને બરાબર એ જ વખતે મને બેબી જોની મિસ મળ્યા. એમણે મને નૃત્ય શીખવ્યું, પ્રેઝન્ટેશન શીખવ્યું...એ જ વખતે હું દીપક સાળવીને મળી. એ પણ ડાન્સર હતો. મારો મિત્ર થયો અને પછી તો માનેલો દીકરો. 

અભ્યાસ ચાલુ હતો અને મીઠીબાઈ કૉલેજમાં એડમિશન મળ્યું. ત્યાં સુધીમાં તો હું "મહામાયા બની ગઈ હતી. ક્યારેક પુરુષના ક્યારેક સ્ત્રીના કપડાં પહેરતી. મને પ્રિય એવી "પરસોેની ૧૧૨ લિપસ્ટિક લગાડતી. કૉલેજની આસપાસ ભરપૂર પબ્ઝ હતા, મ્યુઝિક પાર્ટીઓ ચાલતી. મીઠીબાઈ કૉલેજનું વાતાવરણ જુદું હતું. અહીં કોઈ હસતું કે ચીડવતું નહીં, અહીં મારા અનેક મિત્રો બન્યા. મારા મોડેલ કોઓર્ડિનેશનનું કામ અહીંથી શરૂ થયું. એનાબેલ ત્યાં મળી મને. એનાબેલે મને કામ આપ્યું અને ધીમે-ધીમે હું ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગી. ટી.વી. સિરિયલ, મ્યુઝિક આલ્બમ માટે મોડેલ પૂરા પાડતી, ડાન્સ શો કરતી અને કલાકાર તરીકે એસ્ટાબ્લિશ થવા લાગી.

વૈશાલી સામંતનું આલ્બમ "લાવણી ઓન ફાયર આવ્યું અને એમાં વૈશાલીએ મને નૃત્ય કરાવ્યું, "બુગી-વુગી કાર્યક્રમમાં મારા ક્લાસના બાળકો ભાગ લેવા લાગ્યા.

સમય બદલાયો.

હવે પૈસા આવવા લાગ્યા હતા. એ વખતે મને જસપાલ મળ્યો. જસપાલે મારો ભરપૂર ઉપયોગ કર્યો. અમે લિવઈન રહેવા લાગ્યા. હું આખી આખી રાત ઘરે ન આવતી. જસપાલ સિવાય મને કંઈ દેખાતું નહીં. દીપકે ઘણીવાર સમજાવ્યું કે, જસપાલથી

દૂર રહે પણ ત્યારે તો હું પ્રેમમાં અંધ હતી. જસપાલે મારી સાથે બ્રેકઓફ કર્યું ત્યારે મને મારા અંગત લોકોનું મૂલ્ય સમજાયું. એ વખતે મને સ્વીટી મળી. સ્વીટી એક બારડાન્સર હતી, અને હીજડા પણ. એ ગ્રાન્ટ રોડના એક બારમાં લઈ ગઈ. મારો ડાન્સ લોકોને ગમ્યો અને બહુ જ પૈસા મળ્યા. બસ, પછી તો પૈસાનો ચસકો લાગ્યો.

હું બારમાં ડાન્સ કરવા લાગી. ઉલ્હાસનગરનો એક બાર મારે લીધે જ ચાલતો એમ કહું તો ખોટું નહીં. દિવસભરના કામો પતાવીને શાંતિથી સાંજે બારમાં જતી, મોડે સુધી નાચતી, ઢગલો પૈસા ભેગા કરીને પાછી આવતી. બારમાં કામ કરતી વખતે બારબાળાઓના જીવન બહુ નજીકથી જોઈ શકી. લોકો એની તરફ કુત્સિત નજરે જુએ છે પણ પોતાનું ઘર સંભાળવું, કુટુંબ સંભાળવું, ઘરાકો સાચવવા ને ઈજ્જત પણ સંભાળવી...અઘરું હતું. આ યુવતીઓ પોતાના દુ:ખને દારૂના પ્યાલામાં ડુબાડતી. મેં ફરી એક વાર બાર છોડી દીધો.

૧૯૯૮, એ વખતે મને સબીના મળી. હું હવે ગે કોમ્યુનિટીથી કંટાળી હતી. મને પરિવાર જોઈતો હતો પણ બધું છોડીને નીકળી શકું એમ નહોતી. ભાયખલ્લાના લક્કી કમ્પાઉન્ડમાં સર્વઘરાણાના મુખ્ય નાયક રહે છે. ત્યાં લતા નાયકને મળી. સબીનાનો રેફરન્સ આપ્યો. મેં કહ્યું, "મારે ચેલા થવું છે, કમ્યુનિટીમાં આવવું છે, કેટલી ફી છે ?

લતા નાયક હસ્યા, "નહીં બેટા અહીં ફી નથી, ડોનેશન પણ નથી, તને મનથી એવું લાગતું હોય તો તું ચેલો બની શકે છે. ત્યાં એક નાનકડો સમારંભ થયો, મને બે સાડીઓ આપવામાં આવી. દરેક હીજડાને આ સાડીઓ આપવામાં આવે છે એને જોગજનમ સાડી કહે છે. મારા માથા પર કમ્યુનિટીનો દુપટ્ટો આપવામાં આવ્યો. મારી "રીત થઈ અને હું હીજડો થયો. 
વિધિવત્ હીજડો બનવાનું એક સુખ છે. મારા માથા પરથી બોજો ઊતરી ગયો હતો. કમ્યુનિટીની ઓળખ, કમ્યુનિટીની તાકાત મારી પાછળ હતી. હવે હું એક પરિવારનો સભ્ય હતી. ભાયખલ્લામાં ચેલો કરી લીધા પછી મને ટાટા નગરમાં લતાગુરુ પાસે મોકલવામાં આવી. એ શબીનાના ગુરુ. લતાગુરુ ઉત્તર પ્રદેશનાં. હું અંગ્રેજી સારું બોલતી હતી. લતાગુરુને આશ્ર્ચર્ય થયું, આઘાત લાગ્યો. આવા ભણેલા- પરિવારનો આધાર હોય એવા છોકરાને હીજડો કેમ બનાવ્યો ? એમણે કહ્યું, "ઘરમાં બધાની સાથે રહે. પેન્ટ-શર્ટ પહેર. 'જોગ-જનમ' તરીકે મળેલી એ બંને સાડીઓ અહીં જ રાખ. થોડો વખત પછી શબીના સાથે પાછી આવ. આપણે જોઈએ, શું થઈ શકે છે તે... હું હજી સાડી પહેરતી થઈ નહોતી. મેં મારા વર્તન, રહેણીકરણીમાં કોઈ ફેરફાર કર્યા નહીં. ફક્ત નિકટના મિત્રોને મેં જણાવ્યું કે હું હીજડો થઈ ગઈ... એ વખતે મને બિગ બોસની ઑફર આવી.

બિગ બોસમાં હું સારા પૈસા કમાઈ, "મને આ પૈસામાંથી બે લાખ રૂપિયા આપ. લતાગુરુ મારી પાછળ પડી ગયા. એ દરમિયાનમાં અમદાવાદના સોનિયા નામના હીજડાનું ખૂન થયું, હીજડાઓની ઘણી વાતો બહાર આવી. અંદરોઅંદરના ઝઘડા અને બીજા કેટલાય ડંખ મીડિયાએ ઉછાળ્યા. 

એ વખતે હું લક્ષ્મીગુરુને મળી. કેરલાની યુવાન મેડિકલ સ્ટુડન્ટ ડૉક્ટરણી ગુરુ તરીકે પ્રસિદ્ધ હતાં. એના વિચારો જુદા હતા. એની સાથેના સંબંધો પછી મારામાં એક જુદા જ પ્રકારની હિંમત આવી. ઝઘડા કરીને લતાગુરુએ મારી પાસેથી બે લાખ રૂપિયા લીધા... મેં લક્ષ્મીગુરુના ચેલા થવાનો નિર્ણય કર્યો, હવે મેં લતાગુરુ સાથે છેડો ફાડી નાખ્યો.

૨૦૦૦ની સાલ હતી. મેં હિંમતથી ટીવી પર પહેલી વાર 'હીજડા' તરીકેની બાઇટ આપી. મારો ભાઈ અશોક ચિડાયો. મમ્મી-ડેડીને ખબર પડી ગઈ. હું ઘરે પહોંચી ત્યારે મમ્મીએ બુમરાણ શરૂ કરી, "ચૌદ પેઢીમાં આવું કોઈએ કર્યું નથી. બ્રાહ્મણનું ખાનદાન... તારી બહેનનાં સાસરિયાં શું કહેશે ? વગેરે વગેરે... મારાં માતાપિતા બહુ દુ:ખી થઈ ગયાં. એમના સમાજમાં એમને મોઢું બતાવવાનું અઘરું પડવાનું હતું એની મને ખબર હતી. અમે એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. મારી માનેલી બહેન છાયા મમ્મીને મળવા આવી અને એણે મને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને મારા વાળ કાપી નાખ્યા. 

એ જ વખતે મોહર્રમનો તહેવાર આવ્યો. મોહર્રમનો તાજિયો 'હીજડાઓ' માટે મહત્ત્વનો તહેવાર છે. એ દરમિયાન મેં જણને મારા ચેલા બનાવી લીધા. એમની 'ચટાઈ' કરી. સુભદ્રા સૌથી મોટી - મુખ્ય ચેલો. તુલસી, રાજશ્રી, કરિશ્મા, દામિની, નીતા, શાહિન, મૂર્ગી, કમલ, અંજુ, મુસ્કાન... મારો પરિવાર હવે ખૂબ જ વધતો જતો હતો. હું તેમની ગુરુ હતી - કુટુંબવડી. મમ્મી-પપ્પાનો રોષ ધીમે ધીમે શમી રહ્યો હતો. હું મોડલ કો-ઓર્ડિનેશનનું કામ કરતી. ડાન્સ ક્લાસીસ ચલાવતી. ઉલ્હાસનગરના બારમાં પણ જતી. બાકીના ચેલાઓ પણ પોતાનું કામ કરતા. એ સમયમાં કાણી સંગીતા, મર્દાના અને વડારણ - ત્રણ જણાં ધંધો કરતા. એ મારા ચેલા નહોતા, પણ પોલીસ એમની સાથે ખરાબ રીતે વર્તી. હું ત્યાં ગઈ. મારા 'હીજડાપણા'નો પૂરેપૂરો ઉપયોગ કર્યો. ત્રણેયને છોડાવી લાવી. આ મારું પહેલું એક્ટિવિઝમ.

પહેલી જાન્યુઆરીએ મારો હૈદરાબાદમાં શૉ હતો. અમારી સુભદ્રાએ મારો નવો ડ્રેસ પહેરવા માગ્યો, બીજી જાન્યુઆરીએ સવારે સુભદ્રા એ નવો ડ્રેસ પહેરીને ગઈ તે ગઈ... અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. દિવસો વીતી ગયા. એટલામાં પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો. સુભદ્રાનો મૃતદેહ કૂવામાં તરતો મળી આવ્યો છે. મેં મારા વકીલને ફોન કર્યો. વકીલે સલાહ આપી, "મૃતદેહનો કબજો પોલીસ પાસે માગશો નહીં. વધુ હેરાનગતિ થશે. મૃતદેહનો કબજો લીધો નહોતો છતાંય પોલીસ હેરાન કરતી... હવે મેં નક્કી કર્યું કે હું આ રીતે નહીં ચલાવું. અમે એક નાનકડા દાઇ વેલ્ફેર સોસાયટીનું કામ શરૂ કર્યું. અમે હીજડાઓની વસ્તીમાં જતાં. એમને એચઆઇવી - એઇડ્સ સંબંધી જાણકારી આપતાં, કોન્ડોમ વહેંચતા, એમની હેલ્થ અને ચોખ્ખાઈની ચિંતા કરતા. હીજડાઓને પણ સારું લાગવા માંડ્યું હતું. એ સમયે મારાં માતાપિતા લગ્નનું દબાણ કરવા લાગ્યાં હતાં. અમે દાઇનું પ્રેઝન્ટેશન અંગ્રેજીમાં તૈયાર કર્યું અને ધીમે ધીમે નક્કી કર્યું કે આપણે આનો જ વિસ્તાર કરીએ અને આનું જ કામ વધારવું જોઈએ. મારા સામાજિક કાર્યને નવી દિશા મળતી જતી હતી. એવામાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સનો અથર્વ મળ્યો. એણે દાઇની જવાબદારી ઉપાડી લીધી.

અમે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અનીતા ખેમકાએ એમાં રસ લેવા માંડ્યો, 'બિટવિન ધ લાઇન્સ' ફિલ્મનું નામ હતું. એ ફિલ્મ બની અને લોકોને ખૂબ ગમી... હવે બધું બદલાતું જતું હતું, પણ મુંઝાયે ચાલવાનું નહોતું. ટોરન્ટો જવાનું નક્કી થયું અને પાસપોર્ટની જરૂર પડી. સુરેશ મિસ્ત્રી પાસપોર્ટ ઑફિસર હતા. એમણે મારી સામે જ દિલ્હી ફોન જોડ્યો, "તમને પાસપોર્ટ મળશે, પણ તમે હીજડા છો એનો પુરાવો શું ? તમારે તમારું ક્ધવર્ઝનનું, પુરુષની સ્ત્રી થવાનું પ્રમાણપત્ર પુરાવારૂપે આપવું પડશે. મેં રેશનકાર્ડથી શરૂ કર્યું... ડૉ. હેમા જયરાજાની પાસેથી સર્ટિફિકેટ લીધું. એમણે મારી તબીબી તપાસ કરી. લિંગચ્છેદ કે હોર્મોન વગર સોશિયલ સાઇકોલોજિકલ આઇડેન્ટિફિકેશનનું સર્ટિફિકેટ મળ્યું. મિસ્ત્રી સાહેબે મારા પાસપોર્ટ માટે એક હજાર રૂપિયાની મદદ કરી અને અંતે મારો પાસપોર્ટ એક દિવસમાં હાથમાં આવી ગયો. હવે મારી પાસે એક અસ્તિત્વ હતું. મારા હોવાનો પુરાવો.

અહીંથી મારો પ્રવાસ શરૂ થયો, દેશ-વિદેશ ફરતી રહી, મારી કમ્યુનિટી માટે કામ કરતી રહી. વિશ્ર્વ આખામાં એક જ સમસ્યા છે. ટ્રાન્સજેન્ડરનો સ્વીકાર નથી. આપણે ત્યાં હીજડા બનવું એ એક આધ્યાત્મિક પ્રક્રિયા હોય છે, જ્યારે ત્યાં કેવળ તબીબી પ્રક્રિયા છે. પુરુષને સ્ત્રી કે સ્ત્રીને પુરુષ બનાવવા માટે હોર્મોનલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે - સર્જરી કરવામાં આવે છે... પણ બધું આટલાથી પૂરું થતું નથી. સમાજ નામનું પ્રાણી શિકાર કરવાના તાકમાં બેઠું હોય છે. વિદેશમાં પણ એમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ ત્યાંના સમાજની સમજદારી પ્રમાણમાં ઠીકઠાક છે. આપણે ત્યાં કેટલાક સવાલોનો કોઈ જવાબ નથી.

એ પછી રાતે - મધરાતે મારી પાસે સમસ્યાઓ આવતી રહી. હીજડા પર થયેલા ઘા, બળાત્કારની ફરિયાદ કોઈ લેતું નથી, પોલીસો પણ આવા પ્રસંગે મજાક કરે છે, કેસપેપર જોયા વગર પેશન્ટને હાથ નહીં લગાડનારા ખાનગી ડૉક્ટર્સ છે, એચઆઇવી પોઝિટિવ હીજડો સારવાર માટે જાય તો એની વાત કોઈ સાંભળતું નથી, ધંધા કરનારા હીજડાને પોલીસ પકડી જાય છે, પણ એની મદદ કરવાને બદલે એનું શારીરિક શોષણ કરે છે. આ બધા સમયે હું સતત લડતી રહી. મારી જ કમ્યુનિટીના લોકો માટે મહેનત કરતી રહી. પછી આવ્યું 'સચ કા સામના', રાજીવે પ્રામાણિક્તાપૂર્વક પ્રશ્ર્નો પૂછ્યા અને મારા પપ્પાએ પૂરા આત્મવિશ્ર્વાસથી અને લાગણીથી એ સમયે જવાબો આપ્યા. એ પછી બિગ બોસ. મને વધુ ને વધુ પ્રસિદ્ધિ મળતી ગઈ અને એ પ્રસિદ્ધિનો ઉપયોગ મેં મારા સમાજ માટે કર્યો. સંજય દત્ત અને સલમાન ખાન બંને મારી સાથે જે રીતે વર્ત્યા એની કલ્પનાયે નહોતી. બિગ બોસના ઘરમાંથી નીકળી એ દિવસે અમે સાથે લીધેલું લંચ મારા જીવનના ઉત્તમ અનુભવોમાંનો એક છે.

૨૦૦૬ પછી માનવેન્દ્રને મળી. માનવેન્દ્રએ લક્ષ્ય ટ્રસ્ટની સ્થાપના કરી હતી. એચઆઇવી એઇડ્સ પર કામ કરતી આ સંસ્થાએ મને બહુ જ હિંમત આપી. નવી દુનિયાના દરવાજા ખોલી આપ્યા. એ સજાતીય વ્યક્તિઓનાં લગ્ન કરાવી આપવાનો પ્રયાસ કરે છે. 

બધું સારું સારું નથી જ ચાલતું. મને લાગ્યું કે હું મારું કામ કરી રહી છું અને ધીમે ધીમે મારી આસપાસની દુનિયામાં બધું સ્થિર થઈ રહ્યું છે ત્યારે જ પપ્પાને કૅન્સર ડિટેક્ટ થયું, માનવેન્દ્ર અને ધનબહાદુરચંદ મારી પડખે ઊભા રહ્યા. સમયસર આર્થિક મદદ કરી, માનસિક આધાર આપ્યો ! મારા ઘરમાં ઘૂસી ગયેલા અને ઘરના જ એક વ્યક્તિને ઉઠાવી ગયેલા કેન્સરે મને વિશ્ર્વ તરફ અને માણસ તરફ, માણસની જિંદગી તરફ જોવાની એક અનોખી દૃષ્ટિ આપી. લોહીની સગાઈ હો કે માનેલા સંબંધો, અમારું ત્રિપાઠી કુટુંબ હોય કે લષ્કર ઘરાણાનો હીજડા પરિવાર... મારાં લતાગુરુ હોય કે મારાં મમ્મી-પપ્પા - આજે સમાજમાં મારું જે કંઈ અસ્તિત્વ છે એ એમના કારણે છે. અમારી વચ્ચે મતભેદ થયા છે, કજિયા થયા છે, પણ એ બધા પછી હું ઘણું શીખી છું... તે

વખતે હું હીજડો થઈ ન હોત તો આજે શું બની હોત... એનો વિચાર જ હું કરી શક્તી નથી, પણ એટલું ચોક્કસ કહી શકું આજે મારી પાસે જે કાંઈ છે એ બધું મેં મેળવ્યું જ હોત ! સાચ્ચે જ આજે મેં ઘણું બધું મેળવ્યું છે, પણ એ મેળવતી વખતે ઘણુંબધું ગુમાવ્યું પણ છે...

આજે હું કેવી દેખાઉં છું ? ગ્લૅમરસ... તડક-ભડક... હેવી મેકઅપ કરનારી... પોતાની છબીનું જતન કરનારી... કોઈનીય પર થનાર ગમે તે અન્યાય નહીં સહન કરનારી... તેની વિરુદ્ધ પાલવ ખોસીને ઊભી રહેનારી... જરૂર જણાય તો જોરશોરથી ગાળો પણ દેનારી ? પણ વાસ્તવમાં હું આવી ન હતી જ. હું સાદી હતી... શાંત હતી... વધુ બોલનારી ન હતી... અત્યંત લાગણીશીલ હતી... 'તે' લક્ષ્મીથી 'આ' લક્ષ્મી સુધીના આ પ્રવાસમાં હું શબ્દશ: મહોરું ધારણ કરીને જીવી. આ મહોરું જ ધીમે ધીમે મારો ચહેરો કેવી રીતે બન્યું, એ મને જ સમજાતું નથી. લોકોને હું જે દર્શાવું છું એ શરૂઆતમાં મને સાપની જેમ ડસતું હતું. હળવે હળવે એ વેદનાય ઓછી થઈ. 'આપણે આવાં જ છીએ, આપણે આવા જ થવું જોઈએ.' એમ હું પહેલા પોતાને સમજાવતી અને પછી અમલમાં મૂક્તી ગઈ. સર્વ લાગણીઓ હળાહળ ગટકાવીને ઊભી રહી. હું સહુ કોઈને જવાબદાર રહેતી ગઈ પણ હું 'હું તને જવાબદાર છું' એમ કહેનારું કોઈ પણ મને મળ્યું નહીં. હું મને પોતાને જ જવાબદાર રહેતી ગઈ. હસતાં હસતાં જીવતી ગઈ, અહીં સુધી પહોંચી... પણ સાચ્ચે જ એ જીવવું 'હસતા-હસતા' હતું?

મને ખબર છે. આમાંનું કાંઈ જ મને પાછું મળવાનું નથી, તે ન સમજાય એટલી ભોળી હું નથી અને તે સાથે જ મને એ પણ ખબર છે, સમય તો અવળી દિશામાં ફરતો નથી, પણ માણસોય ફરતા નથી. તેમણે તેમ ફરવાનું નથી હોતું. સતત આગળને આગળ વધવાનું હોય છે. હું પણ તેવી જ છું. જૂનું બધું જોઈએ કહેનારી, પણ છતાંય કેવળ આગળ જ રાખનારી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment