Saturday, 5 December 2015

[amdavadis4ever] પિચનો પક્ ષપાત માથા નો દુખાવો : સર્વત્ર સ્પોર્ટિ ંગ વિકેટ જ હવે એકમ ાત્ર ઉપાય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટેસ્ટ-મૅચ અઢીથી ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ હોય એવા અગાઉ કિસ્સા ઘણા બની ચૂક્યા હતા, પણ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ-મૅચમાં એવું બન્યું એને પગલે બધાને ટેસ્ટ-ક્રિકેટની ઓચિંતી ચિંતા થવા લાગી છે. સ્વાભાવિક છે કે લોકપ્રિયતા ગુમાવી રહેલી ૧૩૮ વર્ષ જૂની આ ફૉર્મેટને જરા સરખો પણ ઘસરકો પહોંચે તો એને બચાવવા માટેની વાતો થયા વિના રહે નહીં, પરંતુ પરંપરા મુજબ તમામ ક્રિકેટ બોર્ડોમાં સૌથી શ્રીમંત બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની વાત આવે ત્યારે શ્ર્વેત પ્રજાના 'લાડલા' પ્લેયરો તરત ભારતને વખોડવા અને ભારતીય પ્લેયરોની ખામીઓ કાઢવામાં કોઈ કસર બાકી રાખે નહીં.

ભારતની સાઉથ આફ્રિકા સામેની મોહાલીની પ્રથમ ટેસ્ટ ભારતના વિજય સાથે અઢી દિવસમાં પૂરી થઈ ગઈ, બેંગલુરુની બીજી ટેસ્ટ વરસાદને કારણે સાવ ખોરવાઈ ગયા બાદ અનિર્ણીત રહી અને પછી નાગપુરમાં ચરમસીમા આવી ગઈ. નાગપુરના જામ્થા નામના સ્થળે વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ સાઉથ આફ્રિકાના પ્રથમ દાવના વિક્રમજનક ૭૯ રનના ટોટલ બાદ ત્રણ જ દિવસમાં ભારતના શ્રેણીવિજય સાથે પૂરી થઈ એટલે હોબાળો મચી ગયો. નાગપુરની પિચને લક્ષ્યાંક બનાવવાની સાથે કેટલાક દેશોએ ભારતને ટાર્ગેટ બનાવવાની શરૂઆત કરી અને પછી તો આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ પણ નિશાન તાકી દીધું.

વાત આટલેથી અટકી ગઈ હોય તો ઠીક હતું, પરંતુ વ્યક્તિગત રીતે તીર છૂટવાના શરૂ થયા છે. ખુદ સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ ટીકાઓનો વરસાદ વરસાવ્યો હોત તો સમજી શકાત, પરંતુ એ દેશ ઉપરાંત મોટા ભાગે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના પ્લેયરો કમેન્ટ્સ કરવા લાગ્યા છે. ટ્વિટર પર જાણે શાબ્દિક યુદ્ધ મંડાયું છે. ડેમિયન માર્ટિન, મૅથ્યૂ હેટન, રૉડની હૉગ, માઇકલ વૉન, જૅક કૅલિસ, ડેવિડ મિલર અને ગ્લેન મૅક્સવેલે પ્રત્યાઘાતો આપ્યા છે. સિરીઝના સુપરસ્ટાર રવિચન્દ્રન અશ્ર્વિને રૉડની હૉગને વળતો જવાબ આપ્યો છે, જ્યારે ટીમ ઇન્ડિયાના ડિરેકટર રવિ શાસ્ત્રીએ કાઢેલી ઝાટકણીનો હેડને જવાબ આપ્યો છે. આઇસીસીએ નાગપુરની વિકેટને 'નબળું' રેટિંગ આપ્યું એટલે તરત કૅપ્ટન વિરાટ કોહલીએ સણસણતો જવાબ આપ્યો છે. તેણે કહ્યું છે કે 'સાઉથ આફ્રિકાની પિચ પર ઇનિંગ્સ ૫૦ રનની અંદર પૂરી થઈ ગઈ હોય એવા ત્રણ કિસ્સા અગાઉ બની ચૂક્યા છે ત્યારે કેમ કોઈ બૂમાબૂમ નહોતું કરતું? નાગપુરની પિચમાં ખામી કાઢવાનો કોઈ મતલબ જ નથી.'

વાસ્તવિકતા એ છે કે ભારત જીતે એટલે અમુક દેશોને અને ખાસ કરીને કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોને પેટમાં દુખવા લાગે છે. તેમનો અહમ ઘવાય છે અને અદેખાઈ થવા લાગે છે એવું કહીએ તો પણ ખોટું નથી. પોતાને ત્યાં રમવા આવતી ભારતીય ટીમ માટે તેઓ લીલા ઘાસવાળી અને ફાસ્ટ બોલરો માટે સ્વર્ગ બની રહેતી પિચ તૈયાર કરે એ તેમને માટે રુટિન કહેવાય, પણ ભારત સ્પિનરોને વધુ માફક આવે એવી વિકેટ તૈયાર કરે તો તેમને ખટકે છે. આખરે તો પિચની સ્થિતિ બન્ને હરીફ ટીમ માટે એકસરખી જ હતી. એના પર સાઉથ આફ્રિકાના સ્પિનરો (ઇમરાન તાહિર, સાયમન હાર્મર, જે.પી. ડુમિની અને ડીન એલ્ગર) ફ્લૉપ ગયા અને ભારતીય સ્પિનરો સુપરહિટ સાબિત થયા.

વર્લ્ડ નંબર વન સાઉથ આફ્રિકા નવ વર્ષે વિદેશી ટીમ સામે ટેસ્ટ-સિરીઝ હાર્યું એ ભારત માટે બહુ મોટી સિદ્ધિ કહેવાય, પરંતુ 'કહેવાતા નિષ્ણાતોએ' પિચ વિશે એવી બૂમરાણ મચાવી કે એને કારણે રવિચન્દ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા તથા અમિત મિશ્રાની બનેલી ભારતની નવી સ્પિન ત્રિપુટીને સિરીઝની જીતનો જોઈએ એટલો શ્રેય મળી જ ન શક્યો.

આ સમગ્ર બાબતને નિષ્પક્ષ રીતે અને ક્રિકેટના હિત માટેના દૃષ્ટિકોણથી જોઈએ તો ક્રિકેટ બોર્ડો વચ્ચે તથા હરીફ દેશોના જૂના અને વર્તમાન ખેલાડીઓ વચ્ચે પિચના મુદ્દે થતા ઘર્ષણ સારી વાત ન કહેવાય. ક્રિકેટની રમતના મોવડીઓ દ્વારા એવો પ્રયત્ન થવો જોઈએ જેમાં ક્યારેય કોઈ સિરીઝમાં પિચના મુદ્દે અથડામણ ન થાય. બીજી રીતે કહીએ તો પેસ બોલિંગને કે સ્પિન બોલિંગને વધુ માફક આવે અને મૅચ વન-સાઇડેડ બની જાય એવી પિચ બનવી જ ન જોઈએ. પિચ હંમેશાં 'સ્પોર્ટિંગ' હોવી જોઈએ. આ સંબંધમાં આઇસીસીએ પોતે આગેવાની લઈને એક એવી કમિટી બનાવવી જોઈએ જેનો એક મેમ્બર જે દેશમાં પણ સિરીઝ કે ટુર્નામેન્ટ રમાવાની હોય ત્યાં જઈને પિચનું અવલોકન કરે અને એ સ્પોર્ટિંગ છે કે કેમ એનો અભ્યાસ કરીને રિપોર્ટ આપે. આ કામ ઘણું અઘરું અને માથાઝીંકવાળું છે, પરંતુ પિચના મુદ્દે વધી રહેલા ઘર્ષણો ટાળવા હોય અને મામલો કાબૂ-બહાર જતો રોકવો હોય તો આ ઉપાય અજમાવવા જેવો છે. આ સૂચનમાં કેટલાક નવા પરિબળો જોડી શકાય અને એને અસરકારક બનાવવા શું કરી શકાય એ ચર્ચાનો વિષય છે, પણ પ્રાથમિક રીતે આવું કંઈક કરવામાં આવે તો ખોટું તો નથી જ.

ભારતીય ક્રિકેટ બોર્ડની શ્રીમંતાઈ તો ઘણા દેશોને હજમ થતી જ નથી, ૨૦૦૮ની સાલથી આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભારત સાથેનો દ્વેષ વધી ગયો છે. જે દેશેાના ખેલાડીઓ ભારતની પિચના મુદ્દે બૂમરાણ મચાવે છે એ જ રાષ્ટ્રોના ખેલાડીઓ દર વર્ષે આઇપીએલમાં રમે છે ત્યારે પિચને લગતો કોઈ વિવાદ નથી થતો. કારણ સીધું છે. ચિક્કાર પૈસા મળતા હોય ત્યાં ખામી શું કામ કાઢવી! ખેલાડીઓને પૈસાના વરસાદમાં નહાવા મળે અને તેમના ક્રિકેટ બોર્ડને પણ ભારતીય બોર્ડ તરફથી દર વર્ષે આઇપીએલમાંથી અમુક હિસ્સો મળે તો ખોળખાપણ કાઢવાનો વિચાર સુધ્ધાં ક્યાંથી આવે. ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય પ્રાઇવેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિદેશી ખેલાડીઓ મોઢું સીવીને જ રમવામાં પોતાનું હિત જોતા હોય છે. બીજી તરફ, ટેસ્ટમાં પોતાના દેશની આબરૂનો સવાલ હોય છે એટલે એ જ દેશોના ખોટી બૂમાબૂમ કરવા માટે જાણીતા પ્લેયરો મોઢું ખોલવા માંડે છે. તેમને ટેસ્ટ-ક્રિકેટની ખરેખર ચિંતા હોય તો પોતાને ત્યાં બે, ત્રણ અને ચાર દિવસમાં ટેસ્ટ પૂરી થઈ જાય ત્યારે કેમ કાગારોળ નથી મચાવતા? મોટા ભાગે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાના જ જૂના ખેલાડીઓ ભારતને નિશાન બનાવતા હોય છે. વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે જેવા દેશોના ખેલાડીઓ કેમ ભારત વિશે ટિપ્પણો નથી કરતા? કારણ એ છે કે તેમને પેલા ગોરી ચામડીના પ્લેયરોની જેમ વારંવાર રડવાની આદત નથી.

ભારતની આંતરિક સમસ્યાની વાત કરીએ તો પિચ-પ્રૉબ્લેમ માત્ર આંતરરાષ્ટ્રીય સ્તર પૂરતો સીમિત નથી. થોડા દિવસથી રણજી મૅચોમાં અને અન્ડર-૧૬ ટુર્નામેન્ટોની મૅચોમાં પણ બે દિવસમાં પરિણામ આવી રહ્યું છે. સમગ્ર ક્રિકેટની રમત માટે આ બહુ ખોટા સંકેતો કહેવાય. ટી-ટ્વેન્ટીના અતિરેકને કારણે ક્રિકેટને ઘસારો ૧૦ વર્ષથી પહોંચી જ રહ્યો છે એવામાં હવે પિચનો મુદ્દો ચિંતા કરાવી રહ્યો છે. સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે હવે પછી ભારતીય ટીમ અમારે ત્યાં રમવા આવશે ત્યારે અમે પેસ બોલરોને વધુ અનુકૂળ પડે એવી પિચો બનાવીશું અને હિસાબ બરોબર કરી લઈશું.

જ્યાં સુધી ક્રિકેટના હિત માટે ખરેખર ચિંતિત હોય અને નિષ્પક્ષ બનીને નિર્ણયો લેવામાં માનતા હોય એવા પીઢ ખેલાડીઓ જ્યાં સુધી એક મંચ પર આવીને ટેસ્ટ-ક્રિકેટને અને પિચના મુદ્દે સમગ્ર ક્રિકેટની જાળવણી માટે પગલાં નહીં લે ત્યાં સુધી સામસામે તીર ફેંકવાનો આ શિરસ્તો ચાલ્યા જ કરશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment