Tuesday, 2 February 2016

[amdavadis4ever] આશ્ર્ચર્યચિ હ્નોનો વરસાદ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માણસને શા માટે વારંવાર પોતાની ખામીઓ પર બિલોરી કાચ મૂકીને જોવાનું મન થતું હશે? પોતે બધાથી વિખૂટો થઈ ગયો છે એવી લાગણીથી એ શા માટે વગર કારણે વહોરાતો હશે? આસપાસની વરુ જેવી દુનિયા પોતાને ફાડી ખાશે એવા ભયથી શા માટે એ ધ્રૂજતો હશે?

ગામ આખાને ન્યાયના ત્રાજવે તોળતા રહીએ છીએ પણ જાત વિશે મૂલ્યાંકન કરવું અઘરું છે. કોઈ વખત લાગે કે આપણો કોઈ વાંક નથી, સંજોગો જ ખરાબ છે અને નસીબ પણ ફૂટેલું છે. તો વળી કોઈ વખત તમામ અણગમતી ઘટનાઓના દોષનો ટોપલો જાતે જ માથા પર મૂકીને બેસી જઈએ. સચ્ચાઈનો અમલ બહારથી કરતાં પહેલાં અંદરથી કરવાનો હોય. તટસ્થતાથી ભરેલી સચ્ચાઈ આત્મનિંદા અને આત્મવંચનાના બે અંતિમોની વચ્ચેથી જડી આવે. પોતાની ખામીઓ વિશે સભાન થઈ ગયા પછી પોતે તરછોડાઈ ગયેલા હોવાની લાગણીનું રૂપાંતર પોતાના માટેના પ્રેમમાં થઈ શકે. શરત એટલી કે પોતાની ખામીઓને ઓળખવી, પછી સમજવી અને છેલ્લે એની હાજરીને સ્વીકારી લેવાની તૈયારી રાખવી. જેના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હોય એની સામે જ લડી શકાય અને લડવાનો પ્રયત્ન નિષ્ફળ ગયા પછી એની સાથે જ સંધિ કરીને રહી શકાય.

આત્મપ્રશંસા જેટલી જ હાનિકારક આત્મદયાની લાગણી છે. સેલ્ફપિટીમાં રચ્યાપચ્યા રહેતા લોકોને ચારે બાજુથી સહાનુભૂતિ મળતી રહે એવી અપેક્ષા હોય છેે. એક તબક્કો એવો આવી જાય કે સેલ્ફપિટિમાં રાચતી આવી વ્યક્તિ પોતાની આસપાસના સૌ કોઈ માટે હાંસીનું પાત્ર બની જાય. એવું થાય તે પહેલાં એણે પારખી લેવું જોઈએ કે પોતાનામાં ક્યાં, શું, કેટલું ખોટું છે. દુનિયા પાસેથી મનગમતું બધું જ મેળવી લેવાની લાહ્યમાં આપણે ભૂલી જઈએ છીએ કે જેમની પાસેથી કશુંક પામ્યા છીએ એમને ઊંડે ઊંડે તમારી પાસેથી પણ કશુંક મેળવવાની ઈચ્છા હોવાની. એમને આપવાનું નક્કી કરીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપવામાં ગરિમા હોવી જોઈએ. લેનારને એની લાચારીનો અહેસાસ કરાવીને અપાયેલી કિંમતીમાં કિંમતી ચીજ કે અમૂલ્યમાં અમૂલ્ય લાગણી ધૂળ બરાબરની થઈ જાય.

ડગલે ને પગલે જેને પ્રોત્સાહનની જરૂર ન પડે એ માણસ સંત કોટિએ પહોંચી ગયેલો જાણવો. હતાશા-ઉત્સાહથી જે પર છે એવી વ્યક્તિઓ સંસારમાં બહુ ઓછી જોવા મળે. સામાન્ય માણસને વારંવાર હતાશાની ખાઈમાં ઊંડે સુધી ઊતરી ગયાની લાગણી થઈ આવે. એને તીવ્ર ઈચ્છા થયા કરે કે હવે આશાભર્યા, હૂંફભર્યા, પ્રેમભર્યા બે બોલ કહીને કોઈક આમાંથી પોતાને બહાર કાઢે. નિરાશાજનક વિચારો જીવનમાં નિયમિત આવતા રહેવાના. એનો પ્રવેશ રોકવામાં દર વખતે સફળ ન પણ થઈએ. આવા સમયે માણસ ડેસ્પરેટ બનીને કેટલાક એવા નિર્ણયો લઈ બેસે જેને કારણે જિંદગી હોય એના કરતાં વધારે ગૂંચવાઈ જાય. એ નવી પડેલી ગૂંચ ઉકેલતાં કદાચ જીવન આખું પૂરું થઈ જાય. આવા સમયે કોઈકને ઊજાસભર્યાં શબ્દો કહીને એની આંગળી ઝાલીને એને મૂળ રસ્તે પાછા લાવવાનો પ્રયત્ન કરવા જેવું પુણ્યનું કામ બીજું એકેય નહીં.

ગૂંચ ઉકેલવા માટે અત્યાર સુધી કહેવામાં આવેલા તમામ માર્ગને છોડીને નવો રસ્તો લેવો પડે. કોઈએ કહ્યું છે કે 'અંતરમાં ન ડંખે તે જ મારું સત્ય અને માંહ્યલો જે કહે તે જ મારો મારગ.' તો બસ, મન તીવ્રતાથી જે દિશા ચિંધ્યા કરતું હોય તે જ જીવનનો સાચો માર્ગ. પણ એ માર્ગ શોધતાં પહેલાં ઘરેડમાં પડી ગયેલી વિચાસરણીને ખંખેરી નાખવી પડે. નવેસરથી એનો એક-એક ટુકડો જોડીને નવી ભાત ધરાવતી વિચારસરણી ઘડવી પડે.

વિચારોનો આ નવો અવતાર પણ કાયમી નથી એવું માનવું પડે. આગળ વધવા સતત પરિવર્તનશીલ રહેવું પડે, પણ પરિવર્તનનો ડર લાગે છે. નવાનો ભય લાગે એ સ્વાભાવિક છે. જે સદી ગયું છે, જેની ટેવ પડી ગઈ છે, જે પરિચિત વાતાવરણ છે એમાં જ રચ્યાપચ્યા રહેવું ગમતું હોય છે. એટલે જ નવી તક, નવા અનુભવો, નવા વિશ્ર્વથી વિમુખ થઈ જઈએ છીએ અને છેવટે અટવાઈએ છીએ. શું કરવું અને શું ન કરવું એ વિશે બીજાઓના અભિપ્રાયો પર આધાર રાખીને નકશો દોરવાનો થાય ત્યારે આવું જ બને. આવા નકશાનું છેવટનું સ્વરૂપ ગૂંચવાડાનું હોય.

ક્યારેક મન પણ પોતાના જ તમામ કાર્યોનો વિરોધ કરતું થઈ જાય. ક્યારેક બધું નકામું લાગે, ક્યારેક બધું કરવા જેવું લાગે. એક સાથે ઘણું બધું અને ક્યારેક બધું જ કરી નાખવાની હોંશમાં માણસ ભયંકર પછડાટ ખાઈ બેસે. દુનિયાની દોડમાં પાછળ રહી જવાના ભયથી મન સતત ફફડતું રહે ત્યારે આવી પછડાટો અચૂક આપવાની. આ પછડાટો દરમિયાન ક્યારેક કોઈએ સહૃદયતાપૂર્વક કહેલા કડવા પણ સાચા શબ્દો જીરવી શકાતા નથી અને જતનપૂર્વક ઉછેરલ તેવા સંબંધ પર પણ આપણે ઉઝરડા કરી નાખીએ છીએ.

જિંદગીમાં વિકલ્પો ક્યારેય ખૂટતા નથી. જે ઝડપી શકાઈ નથી એ તક ક્યારેય છેલ્લી હોતી નથી. ભૂલભરેલી ગઈકાલને છોડી દેવાની છે. ન જન્મેલી આવતી કાલ વિશેની લાંબી કલ્પનાઓ પણ છોડી દેવાની છે. જે સમય અદીઠ છે તેના પર કોઈનો કાબૂ નથી હોતો. શ્રદ્ધા એક જ છે કે જિંદગી આખી એક ચમત્કાર લાગે એ રીતે ઉપરવાળો ત્યાં બેઠાં બેઠાં આશ્ર્ચર્યચિહ્નનોનો વરસાદ વરસાવ્યા કરે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment