Monday, 8 February 2016

[amdavadis4ever] ગુડ મોર્નિંગ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રવિવારની સાંજ હોય. અને મુંબઈ જેવું શહેર હોય તો થોડાક યંગસ્ટર્સ ભેગા થઈને શું કરે? ના. તમે ખોટા પડશો. શુદ્ધ લિટરેચરનો પ્રોગ્રામ કરે. જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા હિંદી લેખક નિર્મલ વર્માની વાર્તાઓનું જાહેર પઠન કરે અને એ પણ આવો એકલદોકલ કાર્યક્રમ ન કરે. છેલ્લા સવા-દોઢ વર્ષથી દર અઠવાડિયે કે પખવાડિયે 'જશ્ન-એ-કલમ' ગ્રુપના યંગસ્ટર્સ વિવિધ નામી સાહિત્યકારોની કૃતિઓના પઠનનો કાર્યક્રમ કરે છે - આ મુંબઈ જેવા આઉટ ઍન્ડ આઉટ કમર્શ્યલ ગણાતા શહેરમાં.

ન્યૂ યોર્કમાં કમર્શ્યલ નાટકો પર બ્રૉડવેના નામે જાણીતા થયેલા એરિયાના થિયેટરોમાં ભજવાય. ઑફ બીટ કે પ્રયોગાત્મક નાટકોને બ્રૉડવેનું સેટઅપ પોસાય નહીં એટલે એ નાટકો નાની જગ્યાઓમાં ભજવાય જે ઑફ બ્રૉડવે તરીકે પ્રચલિત થઈ. અને વિખ્યાત નાટ્યકાર નીલ સાયમનની ઑટોબાયોગ્રાફી પરથી ખબર પડી કે ઑફ બ્રૉડવેનું સેટઅપ પણ જેમના માટે મોટું અને મોંઘું ગણાય એ નાટ્યકારો એથીય નાની જગ્યામાં ભજવણી કરે એ ઑફ-ઑફ બ્રૉડવે ગણાય!

મુંબઈમાં બ્રૉડવે જેવો કોઈ એક ચોક્કસ વિસ્તાર નથી જ્યાં લાઈનબંધ ભાઈદાસ, તેજપાલ, ભવન્સ, તાતા, નેહરુ, પ્રબોધનકાર, એસ્પી જેવાં થિયેટરો હોય. એટલે પ્રતીકાત્મક રીતે આપણે બ્રૉડવેને બદલે ભાઈદાસનું નામ વાપરીએ તો ઑફ - ભાઈદાસમાં પૃથ્વી કે પછી એનસીપીએનું એક્સપરિમેન્ટલ કે માયસોર (માટુંગા સે.રે.) કે કર્ણાટક સંઘ (માટુંગા વે.રે.) કે પ્રબોધનકાર - મિનિનો સમાવેશ કરી શકીએ. એક જમાનામાં દાદરની છબિલદાસ સ્કૂલનો ત્રીજો માળ ઑફ-બ્રૉડવે (આઈ મીન ઑફ - ભાઈદાસ) હતો.

અને હવે કલ્ચરલ પ્રવૃત્તિઓ માટે ઑફ ભાઈદાસ ઉપરાંત ઑફ-ઑફ ભાઈદાસના વિકલ્પો ખુલી ગયા છે. સુનીલ શાનબાગના લગ્નવિષયક નાટકોની શૃંખલા વિશે વરસ પહેલાં લખ્યું હતું જે સાંતાક્રુઝ વેસ્ટના

પોલીસ સ્ટેશન પાસે આવેલા એક ઑફિસ કૉમ્પ્લેક્સ (જ્યાં અનિલ કપૂરની પણ ઑફિસ છે)માં એક ગાળામાં કામચલાઉ થિયેટર જેવું બનાવીને ભજવાયું હતું. ક્યારેક મુંબઈમાં ચર્ચગેટના 'એ' રોડ અને 'બી' રોડની વચ્ચે, મરીન ડ્રાઈવ પર આવેલી હૉટેલ નટરાજના સ્ટુડિયો ટ્વેન્ટી નાઈનમાં પ્રયોગાત્મક નાટકો ભજવાતાં. અંધેરીમાં સુભાષ ઘઈની 'વ્હિસલિંગ વુડ્સ' યુનિવર્સિટીની એક જગ્યામાં પણ ઑફ-ઑફ ભાઈદાસ જેવી પ્રવૃત્તિઓ થાય છે. (ઘઈનો ફિલ્મ સિટીનો કૅમ્પસ તો જુદો - એ ઘણી મોટી જગ્યા). હમણાં થોડા સપ્તાહ પહેલાં સોમૈયા કૉલેજના તોતિંગ કૅમ્પસમાં આવેલા એક નાનકડા હૉલમાં મનોજ શાહનું પ્રયોગાત્મક નાટક 'મોહનનો મસાલો' જોયું જેમાં પ્રતીક ગાંધીએ યંગ ગાંધીજીનો રોલ કર્યો છે.

મુંબઈ ભલે કમર્શ્યલ સિટી હોય પણ અહીંની કલ્ચરલ એક્ટિવિટી દેશમાં ભલે પહેલા નંબરે નહીં તોય ફર્સ્ટ થ્રીમાં તો આવતી જ હશે. દિલ્હી અને બૅન્ગલોરવાળા બહુ પોતાને કલ્ચરલ પ્રવૃત્તિવાળા માને છે. કલકત્તાવાળાઓને પણ હોંશ હોવાની. પણ મુંબઈ જેવી અને જેટલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ભારતમાં બધે નહીં જોવા મળે. કૅન યુ ઈમેજીન કે કોઈ શહેરમાં સવારના છ વાગ્યાથી રાત્રે દોઢ વાગ્યા સુધી સળંગ શાસ્ત્રીય સંગીતનો જલસો થાય જેમાં હરિપ્રસાદ ચૌરસિયાથી માંડીને કિશોરી આમોનકર સુધીના અનેક નામી - સહેજ ઓછા નામી - બધા જ સામેલ થાય. 'આઠ પ્રહર' નામનો આ લાં...બો કાર્યક્રમ સાયનના ષણમુખાનંદ હૉલમાં થવાનો છે. જવાનો વિચાર છે.

આવા લાંબાચૌડા કાર્યક્રમથી લઈને (જેમાં ત્રણ હજારનું ઑડિયન્સ હોય), નિર્મલ વર્માની વાર્તાઓના પઠન જેવો કાર્યક્રમ (જેમાં ટોટલ કૅપેસિટી જ ૨૫ જણાની હોય અને હાજરી તો એથીય ઓછી હોય) થતા રહે છે.

ખારના લિંકિંગ રોડથી ખાર દાંડા જવાનો રસ્તો પકડો (જે ચિત્રકાર ધુરંધર માર્ગના નામે હવે ઓળખાય છે) તો સીધેસીધા તમે કાર્ટર રોડવાળા દરિયા કિનારે પહોંચી જાઓ. એટલે બધે લાંબા સુધી નહીં જવાનું. વચ્ચે હનુમાન મંદિર આવે છે. જાણીતું છે. ત્યાં ઉતરીને અહમદ બેકરી પૂછી લેવાનું. બેકરીની સામે જ હુમા મેન્શન નામનું બિલ્ડિંગ છે. આ કૉમ્પ્લેક્સમાં 'ધ હાઈવ'ના બ્રાન્ડનેમથી કલ્ચરલ પ્રવૃત્તિઓ નહીં નફો - નહીં નુકસાનના ધોરણે થાય છે. નામ પ્રમાણે ખરેખર જ આ જગ્યા મધપૂડા જેવી છે. રવિવારની સાંજે એક બાજુ નિર્મલ વર્માની વાર્તાઓના પઠનનો કાર્યક્રમ તો બીજી એક બાજુ કોઈ જુદો કાર્યક્રમ. બંને રાતે પહેલાં કેન્ટીનની ખુલ્લી જગ્યામાં એટલી ભીડ અને એ બધા જ પાછા યંગસ્ટર્સ, કે તમને ઘડીભર એઈટીઝના પૃથ્વી થિયેટર જેવી ફીલ આવે. એકદમ આર્ટીશાર્ટી અને બોહૅમિયન વાતાવરણ. મુંબઈના ખાર જેવા શ્રીમંત ઉપનગરના એક ખૂણે તમે ઊભા છો એવું લાગે પણ નહીં. ક્યાંથી લાગે? એ આખો વિસ્તાર કુહીમ વિલેજ તરીકે ઓળખાય છે અને વિલેજ જેવો જ છે. જેમ બાન્દ્રામાં પાલિ વિલેજ છે એવો જ - એકદમ ઓલ્ડ સ્ટાઈલ. ભવિષ્યમાં રિડેવલપમેન્ટમાં જશે ત્યારે અહીં પણ કુહીમ ટાવર્સ અને કુહીમ કંઈક - કંઈક બંધાઈ જશે.

આનંદ એ વાતનો થયો અને મઝા એમાં પડી કે જો તમારે ક્રિયેટિવ ઍક્ટિવિટી કરવી હોય અને બ્રૉડવે કે ભાઈદાસનું તમારું ગજું ન હોય (બધી રીતે) અને પૃથ્વી વગેરે પણ તમને ઊભા રહેવા માટે જગ્યા ન આપતું હોય તો 'જશ્ન-એ-કલમ'ની જેમ તમે નાનકડા મધપૂડામાં જઈને પણ કલમોત્સવ કરી શકો છો. આ બહાને સતત મારા વાચન-રડારની બહાર રહેલા નિર્મલ વર્માનો પરિચય થયો. એક દાયકા પહેલાં ૭૬ વર્ષની ઉંમરે ગુજરી ગયેલા નિર્મલ વર્માના સાહિત્યનો પરિચય દોઢેક દાયકા અગાઉ મને એક આખી રાતના ઉજાગરા માણીને કરેલાં સાહિત્યગપ્પાં દરમિયાન વીતેશ અંતાણીએ કરાવ્યો હતો. તે વખતે એમણે નિર્મલ વર્માની નવલકથા 'એક ચીથડા સુખ'નો અનુવાદ કર્યો હતો અને એમણે અનુવાદકની પ્રસ્તાવના તાજી જ લખીને પૂરી કરી હતી. પ્રસ્તાવનાનું પઠન પૂરું કર્યા પછી મેં ભાવાવેશમાં 'પ્રિયજન' વીનેશભાઈને મોટો ધબ્બો માર્યો હતો. નિર્મલ વર્મા વિશે કે નિર્મલ વર્માની પોતાની કૃતિ વાંચીને/ સાંભળીને તમારામાં રહેલો ખાલીપો ઉછળીને અચૂક બહાર આવી જાય. એ ધબ્બો કદાચ આ જ ઉછાળાની પ્રતિક્રિયા હતી. આ સ્તંભમાં અગાઉ મોહન રાકેશ વિશે અને ક્યારેક કમલેશ્ર્વર વિશે પણ લખ્યું છે. 
'માણસ જીવે છે એક જગ્યાએ, પણ મર્યા પછી એ બધી જ વ્યક્તિઓની ભીતરમાં પોતાનું સ્થાન બનાવી લે છે. એનું હોવું ધૂંધળું થઈ જાય છે, એનું ન હોવું ઉજાસભર્યું બની જાય છે - એટલું ઉજળું અને સાફ કે લાગે કે એ બધાની વચ્ચેજ બેઠો છે, પણ એકસરખો નહીં અલગ અલગ.'

નિર્મલ વર્માની 'અંતિમ અરણ્ય' નવલકથા વિશેનો ઉલ્લેખ કરતાં વીનેશ અંતાણીએ એમાંનું આ અવતરણ ઓરિજિનલ હિંદીમાં ટાંક્યું છે અને પછી તરત બીજું એક વાક્ય, એ જ નવલકથામાંથી ટાંકે છે: મરને કે બાદ આદમી અપને સે છૂટ કર કિતને લોગોં કે બીચ બંટ જાતા હૈ.

વીનેશ અંતાણી લખે છે: 'દરેક ભાવકનો પોતાનો એક નિર્મલ વર્મા છે. એ એવા સર્જક છે, જે આપણા સમયમાં માણસ - માણસ વચ્ચે તૂટી પડેલા સંબંધની કડી શોધવાના હતાશ પ્રયત્નોમાં વ્યસ્ત રહ્યા હતા. એમની લગભગ બધી જ રચનાઓમાં પોતાના મૂળ સ્થાનમાંથી ઊખડી ચૂકેલા માણસની વેદના પ્રગટ થતી રહી છે.'

'માયાદર્પણ' પુસ્તક નિર્મલ વર્માની સાત લાંબી વાર્તાઓનો સંગ્રહ છે. ગુજરાતી અનુવાદ વીનેશ અંતાણીએ કર્યો છે. એક દિગ્ગજ સાહિત્યકારની રચનાઓ બીજી એક ભાષાના એવા જ દિગ્ગજ સાહિત્યકાર દ્વારા થાય ત્યારે એનું કેવું ઉત્કૃષ્ટ પરિણામ સર્જાય તે માણવા 'માયાદર્પણ'માંથી પસાર થવું પડે. પુસ્તકનું અર્પણ અનુવાદકનું એકાંત, એમનો ખાલીપો અને 'મૂળ સ્થાનમાંથી ઊખડી ચૂકેલા માણસની વેદના' પ્રગટ કરે છે. મૂળ વડોદરાના વીનેશ અંતાણી આકાશવાણીની નોકરીને કારણે પ્રગતિ પામતાં પામતાં પ્રથમ મુંબઈ આવે છે અને છેવટે ચંદીગઢના સ્ટેશન ડાયરેકટર બને છે જ્યાંથી તેઓ સ્વેચ્છાનિવૃત્તિ લઈ લે છે. અર્પણ પંક્તિ છે: ચંડીગઢના મારા એકાન્તદ્વીપને, જ્યાં નિર્મલજીનું સર્જન મારો સધિયારો હતો.

'માયાદર્પણ'ની પ્રસ્તાવનામાં, ટેઈક ઑફ પહેલાંની રન-વે પરની દોડ આરંભાતી હોય એમ, વીનેશ અંતાણી આ એક પેરેગ્રાફમાં મૂળ લેખકનું અને અનુવાદકનું - બેઉનું ભાવજગત ખોલી આપે છે, જે એકબીજાથી જુદું નથી.

'નિર્મલ વર્માની વાર્તાઓ મને પ્રિય છે. એનું કારણ સાવ સાદું છે, મારી જેમ કેટલાય ભાવકોને એમની વાર્તાઓ સંવેદન, પીડા, (તથા) એકલતાના રહસ્યમય અને અગાધ ઊંડાણમાં ખેંચી જાય છે. ખાસ કરીને નિર્મલજી જે રીતે એમની લાંબી વાર્તાઓમાં સ્પેસ શોધે છે અને એ સ્પેસને જે રીતે કલાત્મકતા અર્પે છે એ મારા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હું એમની વાર્તાઓને મારા ચંડીગઢનિવાસ દરમિયાન ખૂબ જ ઘનિષ્ટતાથી પામી શક્યો. એનાં બે-ત્રણ કારણ હતાં. મારે ચંડીગઢમાં આકાશવાણીમાં મારા હોદ્દાને કારણે

આતંકવાદના પડકાર સામે સુરક્ષિત રહેવા માટે અકલ્પ્ય એવા એકાન્તમાં રહેવું પડતું હતું. (વીનેશભાઈએ ક્યાંક નોંધ્યું છે કે પંજાબમાં તે વખતે આતંકવાદી ઘટનાઓની ચરમસીમા હતી. ઉચ્ચ સરકારી અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવતા. એક દિવસ એમણે ચંપલની પટ્ટી સંધાવવાના બહાને પોતાના બંગલાની બહાર નીકળીને ચાલતાં આંટો મારવાનું નક્કી કર્યું તો એ વખતે પણ મોચીને ત્યાં બે મશીનગનધારી અંગરક્ષકો એમની સાથે સાથે આવ્યા.) સમય અને એકલતાથી બચવા માટે મારી પાસે સાહિત્યલેખન અને વાંચન સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. હું મારા જીવનના એ પડકારભર્યા સમયને સાહિત્યસર્જન - ભાવનના આધારે જ પાર કરી શક્યો હતો. એ વખતે મેં નિર્મલ વર્માની તે સમયે ઉપલબ્ધ બધી જ રચનાઓ મેળવી હતી અને સતત એની નિકટ રહ્યો હતો. વળી, ચંડીગઢની બાજુમાં આવેલા શિવાલિકના પહાડો અને સિમલા જેવાં સ્થળોનું સાન્નિધ્ય પણ મને નિર્મલજીની વાર્તાઓની ખૂબ નજીક લઈ ગયું હતું. જીવનના એવા વિકટ સમયે જે અનુભવ્યું હોય, જે સંવેદન - પીડા - એકલતામાંથી પસાર થવાનું બન્યું હોય એની સ્મૃતિ ક્યારેય લુપ્ત થતી નથી અને એની સાથે જોડાયેલું બધું જ એની બધી જ અર્થછાયાઓ સાથે મનમાં સચવાયેલું રહે છે. નિર્મલ વર્માની વાર્તાઓ એ કારણે મારા ભાવજગતનું અવિભાજ્ય અંગ બની ગયું છે.'

નિર્મલ વર્માના જુદા જુદા વાર્તાસંગ્રહોમાં પ્રગટ થયેલી 'માયાદર્પણ'માં સમાવાયેલી સાત વાર્તાઓ અનુવાદકને નિર્મલ વર્માની ખૂબ જ ગમતી વાર્તાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

૧૯૨૯માં જન્મેલા નિર્મલ વર્માએ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ઈતિહાસના વિષય સાથે એમ.એ. કર્યું. પછી થોડાં વરસ અધ્યાપનકાર્ય કર્યું. એ વખતના ચેકોસ્લોવાકિયા દેશના પ્રાચ્યવિદ્યા સંસ્થાન (ઓરિએન્ટલ સ્ટડીઝ, ભારત ઈત્યાદિ દેશોને લગતા સંશોધનકાર્યના વિભાગ)ના આમંત્રણથી ૧૯૫૯માં પ્રાગ ગયા. ત્યાં સાત વરસ રહ્યા. ભારત આવીને વિવિધ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયા. છ વાર્તાસંગ્રહ: 'પરિન્દે', 'જલતી ઝાડી', 'પિછલી ગર્મિયોં મેં', 'બીચ બહસ મેં', 'કવ્વે ઔર કાલાપાની', 'સૂખા તથા અન્ય કહાનિયાં' અને આ વાર્તા સંગ્રહોમાં પ્રગટ થયેલી કેટલીક વાર્તાઓમાં ચયનસંગ્રહો - 'પ્રતિનિધિ કહાનિયાં' તથા 'મેરી પ્રિય કહાનિયાં'. આ ઉપરાંત પાંચ નવલકથાઓ: 'વે દિન', 'લાલ ટીન કી છત', 'એક ચિથડા સુખ', 'રાત કા રિપોર્ટર' અને 'અંતિમ અરણ્ય.'

'કવ્વે ઔર કાલાપાની' વાર્તાસંગ્રહને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કાર મળ્યો છે અને આ વાર્તાસંગ્રહનો ગુજરાતી અનુવાદ વીનેશ અંતાણીએ કર્યો છે. 'એક ચિથડા સુખ' નવલકથા પણ વીનેશભાઈ જ ગુજરાતીમાં લઈ આવ્યા તે તમે ગઈ કાલે વાંચી ગયા. નિર્મલ વર્માએ બે પ્રવાસ સંસ્મરણો, સાત નિબંધ સંગ્રહ/લેખ સંગ્રહ, એક નાટક અને અનેક ચેક વાર્તાઓ/ નવલકથાઓના હિંદીમાં અનુવાદ કર્યા. અકાદમી અવૉર્ડ એમને ૧૯૮૫માં મળ્યો, જ્ઞાનપીઠ ૧૯૯૯માં. ૨૦૦૫માં ૭૬ વર્ષે દિલ્હીમાં અવસાન.

આ બધી સ્થૂળ માહિતી. એમના જીવનની સૂક્ષ્મ માહિતીઓ, એમના સ્વભાવની બારીકીઓ વિશે એમનાં પત્ની ગગન ગિલે એક સુંદર લેખ લખ્યો છે. ગગન ગિલ સ્વયં હિન્દીનાં સુપ્રસિદ્ધ કવયિત્રી છે. ૨૦૦૫માં નિર્મલ વર્માના અવસાન બાદ, એમના વિશે લખાયેલા લેખોનું મધુકર ઉપાધ્યાયે સંપાદન કર્યું જે બે વર્ષ પછી 'નિર્મલમાયા' નામે પુસ્તકાકારે પ્રગટ થયું. પુસ્તકમાં મધુકર ઉપાધ્યાયે લખ્યું છે: 'નિર્મલ વર્મા પરનું આ પુસ્તક એમના નિધન પછી તત્કાળ લખાયેલા લેખોનું સંકલન છે, નિર્મલ વર્માને વ્યક્તિ અને સર્જક તરીકે જોવાની જુદી જ રીતે. હિન્દી સાહિત્યના ઈતિહાસમાં કોઈ અન્ય સર્જક વિશે ભાગ્યે આટલું લખાયું હશે.'

આ પુસ્તકમાં 'નિર્મલ' શીર્ષક હેઠળ ગગન ગિલે લખેલા લેખનો સમાવેશ છે. 
સ્વર્ગસ્થ પતિ વિશે સંસ્મરણો લખતાં કવયિત્રી ગગન ગિલ કહે છે કે નિર્મલ (વર્મા) નિબવાળી પેનથી લખતા. ફાઉન્ટન પેનથી. બ્લ્યુ-બ્લૅક ઈન્કથી. લીટીવાળા કાગળનું પેડ એમને ગમતું. પેન એમની વારંવાર બગડી જતી. કદાચ વિચારતી વખતે વધારે દબાણથી લખતા હોય એટલે. એમને ભેટમાં ઘણી પેન મળતી. એ ખરાબ થયેલી પેન ફેંકી શકતા નહીં. એમના ટેબલ પર એક મગમાં પેન એકઠી થતી જતી. અમે વિદેશમાં જતાં ત્યારે પેનોનાં ઘણાં કાર્ટ્રિજ ખરીદતા. એ બહુ સસ્તી પેનથી લખી શકતા નહોતા, બહુ મોંઘી પેનથી પણ નહીં. મેં એમને શેફરની એક ચાંદી મઢેલી, સોનાની નિબવાળી પેન ભેટ આપી હતી જે એમણે ત્રણ દિવસમાં આઈઆઈસીની (દિલ્હીના ફેમસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર)ની લાઈબ્રેરીમાં ખોઈ નાખી હતી. એ વાતની ગ્લાનિમાં એ કેટલાય દિવસો સુધી કોઈ સારી પેનને અડકી શક્યા નહોતા. જોકે, પછીનાં વર્ષોમાં એમને બહુ સારી અને મોંઘી પેનો ભેટમાં મળી અને એમણે ભરપૂર ઉત્સાહ સાથે એનો ઉપયોગ પણ કર્યો. કેટલાંય વર્ષો પહેલાં જર્મનીના પ્રવાસ વખતે અનંતમૂર્તિએ એમની પાસે એક મોં બ્લાં પેનની ખરીદી કરાવી હતી. એ એમના માટે કશીક એવી રોમાંચભરી ક્ષણ હશે કે એમણે તે વિશે પોતાની ડાયરીમાં લખ્યું હતું: 'પહેલી વાર મોં બ્લાંથી મારી ડાયરીની શરૂઆત કરી રહ્યો છું. આ પેન મેં અનંતમૂર્તિના આગ્રહથી હાઈડલબર્ગમાં ખરીદી. હું એની મોંઘી કિંમત જોઈને ખચકાતો હતો, જાણે આટલી મોંઘી પેનથી લખવાનો મને કોઈ અધિકાર નથી. પછી મેં મારી જાતને ફોસલાવતાં અનંતાને કહ્યું કે આ કલમ ખરીદવાની સજા એ છે કે એનાથી કોઈ જૂઠો શબ્દ લખાવો ન જોઈએ.'
૧. પંખીઓ (પરિન્દે): પહાડના એકાન્તમાં જીવી રહેલાં પાત્રોની એકલતા અને પીડાની વાર્તા છે. આ વાર્તા નાયિકા લતિકાને કેન્દ્રમાં રાખીને વિકસે છે, પરંતુ એની સાથે ડૉ. મુખર્જી અને મિ. હ્યુબર્ટ જેવાં અન્ય પાત્રોની એકલતા અને પીડા પણ ગૂંથાતી રહે છે. હિન્દીમાં નવીન કહાનીના ઉદ્ભવમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવનાર 'પરિન્દે' વાર્તા વાંચી લીધા પછી લતિકા ભાવકોના મનમાંથી ખસતી નથી, એ સ્થિર થઈ જાય છે, આવતી કાલે ખાલી થઈ જનારી હૉસ્ટેલના ઠંડા એકાન્તમાં અને વાચકોની નજરે ચઢે છે પહાડો પરથી ઊડીને દૂર જઈ રહેલાં પક્ષીઓ, લતિકાનો અધૂરો રહી ગયેલો પ્રેમ અને સ્કૂલની એક વિદ્યાર્થીનીનો શરૂ થઈ રહેલો પ્રેમ. વાર્તામાં રચાયેલો પરિવેશ પાત્રોમાં સંવેદનો અને વેદનાને ચિત્રિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
૨. માયાદર્પણ (માયા દર્પણ): આ વાર્તાનો પરિવેશ પણ વાર્તાની સફળતાનો અગત્યનો હિસ્સો છે. વાર્તાની નાયિકા તરન ઊભી છે, રેતીથી મેલા થતા જતા અને સમયની થપાટો ખાઈને ભીતરથી ખોખલા થઈ ગયેલા જૂના ઘરની રવેશમાં અને એક એન્જિનિયરબાબુ પોતાનાં ચશ્માંના કાચ પરથી ધૂળ લૂછી રહ્યા છે. તરનને પોતાની સ્થગિત થઈ ગયેલી જિંદગીથી ભાગી છૂટવું છે - પણ વચ્ચે આવી જાય છે, પોતાના ભૂતકાળની જહોજલાલીમાંથી બહાર નીકળી ન શકતા એના બાબુજી. મર્માન્તક એકાન્તને વધારે ને વધારે ઘૂંટતું જતું વાતાવરણ પાત્રોને ભીંસતું રહે છે. ભૂતકાળની બેડીમાંથી છૂટી ન શકનાર પિતાની સાથે જોડાયેલી રહેવાનો શાપ ભોગવતી વાર્તાનાયિકા તરનની પીડા અને ગૂંગળામણ વાચકને અકળાવી નાખે છે. છુટકારાની શક્યતાનો લોપ કરતી રહેતી આ વાર્તા પરથી જાણીતા ફિલ્મ નિર્દેશક કુમાર શાહનીએ એ જ નામની ફિલ્મ બનાવી હતી જેને ૧૯૭૨ના વરસની શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
૩. કાગડા અને છુટકારો (કવ્વે ઔર કાલાપાની): આ વાર્તામાં પણ છુટકારાની વાસના છુપાયેલી છે. દસ વરસ પહેલાં અચાનક ઘર છોડીને પહાડના એકાન્તમાં આવી ગયેલો વાર્તાનાયકનો મોટો ભાઈ નથી તો રહ્યો ગૃહ-સ્થ, નથી બની શક્યો સંન્યાસી. દસ વરસ પછી એને મળવા આવેલા નાના ભાઈને એ પૂછે છે: 'શું ઘરના લોકો મને સંન્યાસી માને છે?' પછી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહે છે: 'હું તો અહીં એવી રીતે જ રહું છું, જેવી રીતે ઘરમાં રહેતો...' માત્ર જગ્યા બદલાઈ જાય છે... છોડી દીધા પછી પણ ન છોડી શકાતું સ્થળ અને ન ભૂલી શકાતાં પરિવારજનો - એ વાતની પીડા... શું એ શક્ય હોય છે, બીજા લોકોને છોડી દેવાં? કોઈ જવાબ નથી, ન તો પહાડની ગુફા જેવી સૂમસામ જગામાં રહેતા મોટા ભાઈ પાસે કે ન તો મેદાનમાં આવેલા ઘરની વસ્તીમાં વસી રહેલા નાના ભાઈ પાસે.
૬. તાવ (બુખાર): સંબંધોેની બહાર રહી ગયેલા નાયકની કથા છે. એ એવા સંબંધમાં મૂકાયો છે, જે એને માટે કશું જ બન્યો નહીં અને છતાં એ એને જિંદગીભર ભૂલી શકે તેમ નથી. વાર્તાનાયકનાં માતાપિતા એના માટે યોગ્ય ક્ધયા શોધવાની મથામણ કરતાં રહે છે, પરંતુ વાર્તાનાયકમાં જ એવું કશુંક પડેલું છે જેને કારણે એ કોઈની સાથે જોડાઈ શકે એવું લાગતું નથી. એક યુવતી એના જીવનમાં આવી, શક્યતા પૂરેપૂરી હતી કે બંને જણ સાથે જીવી શક્યાં હોત, છતાં જોડાઈ શકતાં નથી. મહાનગરની સીમા પર આવેલા નાનકડા કસબા જેવી જગ્યામાં આલેખાતી આ વાર્તામાં રચાતો પરિવેશ પ્રતીકાત્મક બની જાય છે. એવું લાગે છે, જાણે વાર્તાનાયક એક મધુર સંબંધરૂપી શહેરમાં પ્રવેશ કરી શક્યો નહીં અને એણે એ સંબંધની સીમા પર જ જીવવાનું બાકી રહે છે. નિરાંતે લખાયેલી આ વાર્તામાં પણ નિર્મલજીએ મુખ્ય પાત્રોનાં મનની ગૂંચો અને પીડાને સંવેદનાત્મક રીતે આલેખી છે.

સાતેસાત વાર્તાઓ વિશે વિગતે લખવાનું મન થાય એવું એનું વાતાવરણ, એવા એના વિષયો અને એવી એની રજૂઆત છે, પણ આમાંની એક વાર્તા વિશે સહેજ વિગતે જાણી.......

વરસોથી જે પોતાની પુત્રી અને પત્નીથી વિખૂટો પડી ગયો છે એ માણસ અચાનક ઘરે પાછો આવે છે. દીકરી તો બાપને જોઈને ખુશ થઈ જાય છે. મોટી થઈ ગઈ છે. દીકરી પિતાની આગતાસ્વાગતામાં વ્યસ્ત થઈ જાય છે. ચા, ગરમ નાસ્તો.

નિર્મલ વર્મા લખે છે (જેને વીનેશ અંતાણી ગુજરાતીમાં ઉતારે છે):

'... કિચનમાં કશુંક તળવાની સુગંધ આવતી હતી. છોકરી એના માટે કશુંક બનાવી રહી હતી - અને એ એને કશી પણ મદદ કરી શકતો નહોતો. એક વાર ઈચ્છા થઈ આવી કે એ કિચનમાં જઈને ના પાડી આવે કે કશું ખાવું નથી, પણ બીજી જ ક્ષણે ભૂખે એને જકડી લીધો. સવારથી કંઈ ખાધું નહોતું. હ્યુસ્ટન સ્ટેશનના કાફેટેરિયામાં એટલી લાંબી ક્યૂ હતી કે એ ટિકિટ લઈને સીધો ટ્રેનમાં ઘૂસી ગયો હતો. વિચાર્યું હતું, ડાઈનિંગકારમાં કંઈક પેટમાં નાખશે, પણ એ બપોર પહેલાં ખૂલતી નહોતી. ખરેખર તો એણે કાલ સાંજે ફ્રેન્કફર્ટના ઍરપોર્ટ પર ખાધું હતું અને રાતે લંડન પહોંચ્યો પછી એની હૉટેલના બારમાં પીતો રહ્યો હતો. ત્રીજા ગ્લાસ પછી એણે ગજવામાંથી નોટબુક કાઢી, નંબર જોેયો અને બારના ટેલિફોન બૂથમાં જઈને ફોન લગાવ્યો હતો... પહેલી વાર તો ખબર જ ન પડી કે એની પત્નીનો અવાજ હતો કે દીકરીનો. એની પત્નીએ ફોન ઉપાડ્યો હતો કારણ કે પછી થોડી વાર સન્નાટો એના કાનમાં સંભળાતો રહ્યો હતો, પછી એણે સાંભળ્યું, એ ઉપરથી દીકરીને બોલાવી રહી હતી. એ વખતે એણે ઘડિયાળમાં જોયું ત્યારે અચાનક ખ્યાલ આવ્યો કે આ સમયે તો એ ઊંઘતી હશે. એ ફોન મૂકવા જતો હતો એ વખતે જ દીકરીનો અવાજ સંભળાયો - એ અર્ધી ઊંઘમાં હતી. થોડી વાર તો દીકરીને ખબર પણ ન પડી કે એ ઈન્ડિયાથી બોલે છે કે ફ્રેન્કફર્ટથી કે લંડનથી... એ એને પોતાની પરિસ્થિતિ સમજાવી રહ્યો હતો તે દરમિયાન ત્રણ મિનિટ પૂરી થઈ ગઈ અને એની પાસે એટલું પરચુરણ નહોતું કે એ લાઈન કપાતી બચાવી શકે. એટલું આશ્ર્વાસન હતું કે ઊંઘ, ગભરાટ અને નશાની વચ્ચે પોતે આવતી કાલે એમના શહેરમાં પહોંચે છે એટલું જણાવી શક્યો હતો - આવતી કાલે એટલે આજ...'

આટલા ફ્લૅશબેક પછી 'એક દિવસનો મહેમાન' વાર્તા આગળ ચાલે છે. આ ઘર એનું નથી. એનું ઘર છોડીને એ જતો રહ્યો એ પછી પત્ની-પુત્રી બીજા ઘરે સ્થાયી થયાં. છતાં ખુરસીઓ, પડદા, સોફા, ટીવી - બધું એનું એ જ હતું, એ વર્ષો સુધી આ નિર્જીવ ચીજો સાથે રહ્યો હતો, એ દરેકના ઈતિહાસની એને જાણ હતી. ઘરથી છૂટા પડ્યા પછી દર બે-ત્રણ વરસે એ હિન્દુસ્તાનથી અહીં આવતો. પત્ની ઉપર જ છે, છતાં એને મળવા ઊતરી નથી.

દીકરી માટે ખૂબ બધી નાનીમોટી ભેટો યાદ કરીને સૂટકેસમાં ભરીને લઈ આવ્યો છે. એક પછી એક કાઢીને બતાવે છે. દીકરીને ડર છે ક્યાંક મા ઉપરથી આવી ન જાય.

મા નીચે આવે છે. પતિ-પત્ની વચ્ચેના ઠંડા સંવાદમાં પણ તણખા ઝરતા રહે છે. દીકરી પિતાને બગીચો જોવા લઈ જાય છે. બગીચામાં સસલાંને રમાડતાં દીકરી પૂછી બેસે છે, 'તમે ડે-રિટર્નની ટિકિટ લીધી છે?'

'ના, કેમ?'

'એમ જ... અહીં રિટર્ન ટિકિટ બહુ સસ્તામાં મળી જાય છે.'

પિતા સમજી જાય છે કે આ ઘરમાં પોતે 'એક દિવસનો મહેમાન' છે.

વાર્તા તો એથી ય આગળ વધે છે, પણ મૂડ એ જ છે. પત્ની સાથેના ભૂતકાળનું અનુસંધાન દીકરી છે. પિતા તરીકે એ અહીં આવે છે, પતિ તરીકે નહીં. પત્ની કદાચ પોતાનો આ પાવર જાણે છે. જ્યાં સુધી સંતાન પોતાની સાથે રહેશે ત્યાં સુધી પોતે પતિને ક્ધટ્રોલ કરી શકશે એવું દરેક સ્ત્રીને ખબર હોય છે. જોકે, ઉદાર દેખાવા માટે પત્ની કહે છે કે તારે દીકરીને મળવું હોય તો બહાર ક્યાંક મળી લે, ઘરે મળવા નહીં આવવાનું.

'બહાર ક્યાં?' પતિ પૂછી બેસે છે. જેનો કોઈ જવાબ નથી. કદાચ દીકરી એટલી મોટી નથી કે એ પોતે પોતાની મેળે કોઈક જગ્યાએ પિતાને મળવા જઈ શકે અથવા તો કદાચ એટલી મોટી થઈ ગઈ છે કે પિતાને એને બહાર એકલાં મળતાં સંકોચ થાય.

નિર્મલ વર્માની વાર્તાઓમાં વાચકને વિચારવા માટેની પૂરતી મોકળાશ મળે છે. પેન્સિલના થોડાક લસરકા જ, બસ. રંગો પૂરવા હોય તો ત્યારે તમારી પીંછી લઈને પૂરી દેવાના અને ચિત્ર બ્લેક એન્ડ વ્હાઈટ જ રાખવું હોય તો ડાર્કર પેન્સિલથી તમારે તમારા શૅડ્સ ઉમેરી લેવાના. સુરેશ જોશીના ગોત્રની આ વાર્તાઓ લાગે અને એ જ સ્કૂલની ગણાતી પ્રબોધ પરીખના 'કારણ વિનાના લોકો' વાર્તાસંગ્રહમાં વાંચેલી કે ઘનશ્યામ દેસાઈના 'ટોળું' વાર્તાસંગ્રહમાં વાંચેલી વાર્તાઓ યાદ આવે.

'જશ્ન-એ-કલામ'ના સંચાલકો સઆદત હસન મન્ટોથી લઈને કમલેશ્ર્વર અને મોહન રાકેશની વાર્તાઓ નિષ્ઠાપૂર્વક મુંબઈના ઑડિયન્સ સુધી પહોંચાડી રહ્યા છે. જોગાનુજોગ જુઓ કેવો થયો. રવિવારે નિર્મલ વર્માની વાર્તાઓનું પઠન સાંભળ્યું અને ચાર દિવસ પછી ગુરુવારે પૃથ્વીમાં ઓ હેન્રીની ચાર વાર્તાઓનું ગુલઝારસા'બે કરેલા નાટ્ય-રૂપાંતરનું પરફોર્મન્સ જોવા મળ્યું. અનાયાસ ટૂંકી વાર્તાઓનો સેમિનાર થઈ ગયો. નિર્મલ વર્મા કરતાં ઓ હેન્રીની વાર્તાઓ તદ્દન જુદી જ. નિર્મલ વર્માની વાર્તાઓમાં ટ્વિસ્ટ ઈન ધ ટેલ ભાગ્યે જ જોવા મળે જ્યારે ઓ હેન્રી ચમત્કૃતિવાળા અંત માટે જ જાણીતા. બેઉની પોતપોતાની મજા છે, બેઉના પોતપોતાના સ્વાદ છે. ભવિષ્યમાં ક્યારેક એ સ્વાદ પણ લઈશું.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment