Wednesday, 9 December 2015

[amdavadis4ever] શ્ર્વેતશ્યામ , ધૂપછાંવ અને પૂનમઅમાસ સાથ ે જીવવાની કળા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




પોતાનો દરેક અભિપ્રાય આખરી છે અને પોતાની અપેક્ષાઓ અંગે બાંધછોડ કરવી બિલકુલ શક્ય નથી એવું ધારીને ચાલનારને આવી નકારાત્મક લાગણીઓ વધારે પજવે. આની સામે, દરેક અંતિમના સામા છેડે બીજો પણ એક અંતિમ હોઈ શકે એવું સ્વીકારનારને અને પોતાનું જ ધાર્યું દર વખતે થાય એવું કોઈ કાળે શક્ય નથી એવું સમજનારને આવી નકારાત્મક લાગણીઓ ઓછી કનડે.

નકારાત્મક લાગણીઓ ક્યારેક ને ક્યારેક તો સર્જાવાની જ. જગત આખું શ્ર્વેતશ્યામ, પૂનમઅમાસ કે ધૂપછાંવ જેવા કરોડો વિરોધાભાસો થકી સર્જાયું છે અને આવા વિરોધાભાસો જીવનનું એક અભિન્ન અંગ

છે - તમને ગમે કે ના ગમે તો પણ જે છે એ તો છે જ - એવું સ્વીકારી લીધા પછી આ નકારાત્મક લાગણીઓની તીવ્રતા ઓછી, સાવ ઓછી, સમજોને કે નહિવત્ થઈ જવાની.

આ વિરોધાભાસોને અથવા અણગમતી પરિસ્થિતિઓમાંથી સર્જાતી નકારાત્મક લાગણીઓને ત્રણ રીતે સ્વીકારતાં શીખી શકાય: કેટલીકને તાત્કાલિક જડમૂળમાંથી ઉખેડી શકાય. ચાની સખત તલપ લાગી છે પણ પ્યૂન ભૂલમાં કૉફી લઈને આવ્યો. ઠીક છે. કૉફી પાછી મોકલો, કૉફીને બદલે ચા લઈ આવવાનું કહો. આ પહેલી રીત. બીજી રીત - તમે જે પ્રદેશમાં છો ત્યાં આસપાસના સો કિલોમીટરના વિસ્તારમાં ક્યાંય ચા નથી મળતી, કૉફી પ્રદેશ છે, શું કરશો? વિચારશો કે ભલે, તો પછી કૉફીથી ચલાવી લઈશ. આખરે કંઈક ગરમ પ્રવાહી જ પેટમાં પધરાવવું છે જેથી સુસ્તી ઊડે અને ત્રીજી રીત - કૉફીનો પ્રદેશ ભલે રહ્યો પણ કૉફી પીવાની બાધા છે અથવા તો તમે માની લીધું છે કે ખુદ ભગવાન પણ આવીને કૉફીનો પ્યાલો ધરે તોય હું એમને કહું કે તમારે મને ઝેર આપવું હોય તો આપો પણ કૉફીનો તો ઘૂંટડોય મારે ગળે ઊતરે એમ નથી, પછી મને ક્યારેય એનો સ્વાદ ગમ્યો નથી, હું કૉફી માત્ર જોઉંને તોય મને ઊબકા આવવા માંડે છે. તો હવે શું કરશો? ચલાવી લો. આખરે આમાં કોઈ જીવનમરણનો તો સવાલ છે નહીં. સ્વીકારી લો કે ચા નથી તો નથી અને જે મળે છે તે કૉફી તમને ચાલે એમ નથી. તો પછી આ બાબતમાં વધુ પડતા સંવેદનશીલ બન્યા વિના ચલાવી લો અને લાઈફમાં આગળ વધો.

આ ત્રણમાંની કોઈ પણ પદ્ધતિએ વિરોધાભાસોને કે નકારાત્મક લાગણીઓને સ્વીકારી લેતાં શીખી ગયા પછી માણસે મગજને ઠંડું પાડવા ન તો માથું ફ્રીઝમાંના બરફના ખાનામાં મૂકવાની જરૂર પડે છે કે ન ઈગતપુરી જઈને ગોએન્કાજીના ધમ્મપુરીમાં વિપશ્યના કરવાની જરૂર પડે છે. તમારી વિપશ્યના સાધના ઘરમેળે થઈ જાય છે. ધ્યાનમાં બેસવાથી મળતી કૃત્રિમ શાંતિ તમને ધ્યાનમાં બેસ્યા વિના કુદરતીરૂપે ચોવીસે કલાક અવિરત મગજમાં વહેતી હોવાનો અનુભવ થાય છે. તમારું માનસિક વાતાવરણ ખુલ્લા પહાડો કે અફાટ દરિયાકિનારાઓનાં સ્થળો પાસે મળતી નૈસર્ગિક નિરાંત અનુભવતું થઈ જાય છે.

વિરોધાભાસો કે નકારાત્મક લાગણીઓને ઓગાળવાની આ ત્રણ રીતને અમલમાં મૂકવા માટે કેટલાક પાયાના વિચારો સ્વીકારવા પડે. કોઈક બાબતમાં હું જે મત ધરાવું છું એ વિશે બીજાઓ તદ્દન વિરુદ્ધ મત ધરાવે ત્યારે કે પછી મેં જે બાબતની ધારણા રાખી હતી તેના કરતાં તદ્દન વિપરીત બની રહ્યું હોય ત્યારે બે સામસામા કે વિરુદ્ધ ધ્રુવના છેડા ટકરાવાથી ઝરતા તણખાઓ, વિશ્ર્વમાં કાયમી વસવાટ કરવાને આવી ગયેલા વિરોધાભાસોનું જ પરિણામ છે એવું માની લેવાનું. પૂર્વ હોય ત્યાં પશ્ર્ચિમ પણ હશે જ. આટલું માની લીધા વિના કોઈનોય છૂટકો નથી. પણ વિશ્ર્વમાં જેટલા વિરોધાભાસો કે અંતિમો હોય તે બધા જ મારી જિંદગીમાં પણ હોય તે જરૂરી નથી. દુનિયામાં બર્ફીલા પર્વતો અને ધગધગતા રણપ્રદેશો છે. આ બેમાંથી કોઈ જગ્યાએ, જિંદગીમાં ક્યારેય હું ન જાઉં એ શક્ય છે. દુનિયામાં જે કંઈ છે તેમાંથી મારી જિંદગીમાં કેટકેટલું અને શું હશે અને શું નહીં હોય એનો આધાર અન્ય ઘણી બધી બાબતો ઉપરાંત મારા પર પણ ખાસ્સો એવો છે. વિરોધાભાસોના કે નકારાત્મક લાગણીઓના આ જગતમાંથી મારે મારામાં કેટલું પ્રવેશવા દેવું છે અને કેટલાને નો એન્ટ્રી કહેવું છે તેનો ઘણો મોટો આધાર મારી પોતાની માનસિકતા પર છે. પ્રવેશબંધી માટે ઓછામાં ઓછું આટલું તો કરી શકાય.

૧. ચિંતાઓ હોવા છતાં એને કારણે આંતરિક સલામતીનું પડ ન તૂટે એની કાળજી. એક ભરોસો, એક વિશ્ર્વાસ કે છેવટે તો બધું સમુસૂતરું પાર ઊતરવાનું જ છે અને અત્યારે જેને નસીબની લાત માની લીધી છે એ લાત મને વધુ ઊંચા શિખરે લઈ જવા માટેની જ છે એવી શ્રદ્ધા અકબંધ હોય તો જ અંદરની સલામતી અખંડ રહે.

૨. બહારની તમામ અનિશ્ર્ચિતતા વડે ઘેરાયેલા હોવા છતાં મારામાં રહેલી દીવાદાંડીના કાચ હું ચોખ્ખા રાખીશ જેથી ધુમ્મસ વચ્ચે પણ એનો પ્રકાશ દૂરદૂરથી દિશાભાન કરાવી શકે. મારા સુધી જે સારા વિચારો, સારી લાગણીઓ આવવા માગે છે તેમને એમનું સુકાન ફેરવવા માટે અંતે તો આ દીવાદાંડીનો પ્રકાશ જ કામ આવવાનો છે. વાતાવરણની અનિશ્ર્ચિતતા કપરા સંજોગોમાં પણ મને અકળાવી નહીં મૂકે.

૩. મારે જ્યાં પહોંચવું છે ત્યાં સુધી પહોંચવાના મારા માર્ગમાં ખૂબ બધી અણગમતી વાતો આવવાની છે. એને જો ટ્રેનનો પ્રવાસ માનીએ તો પ્લેટફોર્મ પાસેના પાટાઓ વચ્ચેની ગંદકી છે, ખૂબ બધા લોકોની ભીડ છે, કાનમાં વાગતો કોલાહલ છે, ક્યાંક ખાવાનાં તો ક્યાંક ચોખ્ખા પાણીનાય ઠેકાણા નથી. કબૂલ. પણ થોડાક કલાક કે એક-બે દિવસની આ અગવડો કે આ ત્રાસ પછી મારે જ્યાં જવું છે ત્યાં હું પહોંચીશ એ નક્કી છે. તો પછી શા માટે આ યાત્રા દરમિયાન હું મારા મનમાં મેં સર્જેલું કવિતાનું વાતાવરણ ડહોળાઈ જવા દઉં? મારું ભાવવિશ્ર્વ મારી સૌથી મોટી મૂડી છે. હું જે કંઈ છું તે એને પ્રતાપે છું. જે કંઈ કરવા ધારું છું તે પણ એના આધારે જ શક્ય બનવાનું છે. પસંદગી મારે કરવાની છે. મારા મખમલી ભાવવિશ્ર્વ પર આસપાસના અનેક લોકો દ્વારા ઉકરડાની જાજમ બિછાવી દેવામાં આવે ત્યારે મારે એ કુરૂપ કાર્પેટનું જતન કરવું કે એની હેઠળ રહેલી મારી સૌંદર્યભરી સૃષ્ટિનું? જાજમનો તો વીંટો વાળી શકાય એમ છે, પેલું ભાવવિશ્ર્વ કાયમ રહેવાનું છે મારી સાથે.

૪. મને હીણો ચીતરીને પોતાનું ગૌરવ વધી રહ્યું છે એવું માનનારા લોકો ટીકાનાં તીર વરસાવ્યા કરતા હશે ત્યારે મારું આત્મગૌરવ, મારી સેલ્ફ એસ્ટીમ જ મારું બખ્તર બની રહેશે. કોઈક કંઈક કહી જાય તેને કારણે હું મારી જાતને નીચી કે ઊતરતી નહીં માની લઉં. મને ખબર છે કે મારામાં શું શું છે. શું શું નથી એની પણ જાણ છે. પરંતુ એ ખોટ ભરપાઈ કરવાના મારા પ્રયત્નોમાં આ તીર છોડનારાઓમાંથી કોઈનોય સાથ મને મળવાનો નથી. એ કામ મારે એકલાએ જ કરવું પડશે. મારી ટેકણ લાકડી નીચે પડી ગઈ હશે તો હું જાતે જ નીચો વળીને એને ઉઠાવી લઈશ, એ માટે પેલા તીરંદાજોની મદદ નહીં લઉં, કારણ કે હું જાણું છું કે મદદ કરવાને બહાને જો તેઓ પોતે નીચે વળીને એ લાકડી ઊંચકશે તો એને મારા હાથમાં મૂકવાને બદલે કચકચાવીને મારા માથા પર ફટકારશે અને હું તમ્મર ખાઈને ભોંયભેગો થઈ જઈશ. પછી ફરી ઊભાં થતાં વધારે વાર લાગશે અને તે વખતે આ મદદિયાઓ મારી આધારલાકડી લઈને ભાગી છૂટ્યા હશે. માટે કોઈપણ ભોગે મારા આત્મસન્માનના સુરક્ષાચક્રનો કોઠો હું કોઈનેય નહીં ભેદવા દઉં. કોઈનેય નહીં.

૫. અવરોધો તથા બંધનો મને નડવાનાં જ છે. માણસ વ્યક્તિ મટીને સામાજિક પ્રાણી બની જાય એમાં જ સમાજને રસ છે અને એટલે જ એ મને ક્યારેય સામે ચાલીને મુક્તિનો અહેસાસ નહીં કરાવે. દરેક વ્યક્તિએ પોતાની માનસિક સ્વતંત્રતા ઝૂંટવીને લેવી પડે, એને ચાંદીની તાસક પર મૂકીને કોઈ તમને આપવા નથી આવવાનું.

આટલું નક્કી કર્યા પછી જીવનના વિરોધાભાસોનો સામનો કરતાં, મારામાં સર્જાતી નકારાત્મક લાગણીઓની સાથે ડીલ કરતાં મને આવડી જશે. કારણ કે હવે મારી પાસે દરેક પરિસ્થિતિને જોવા માટે ત્રણ દૃષ્ટિકોણ છે: કાં તો હું આગ્રહપૂર્વક મારું જ ધાર્યું કરું, એ શક્ય ન હોય તો એના વિકલ્પથી ચલાવી લઉં અને એ પણ શક્ય ન હોય તો જે છે તેને ઉદારતાથી સ્વીકારી લઉં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment