Saturday, 5 December 2015

[amdavadis4ever] લગ્ન : આઈ લવ યૂ... કહેવું પડતું નથી...ચ ંદ્રકાંત બક્ષી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લગ્ન: આઈ લવ યૂ... કહેવું પડતું નથી

લગ્ન પૃથ્વી પરની દરેક જનજાતિમાં છે પણ લગ્નની કોઈ સર્વસંમત વ્યાખ્યા નથી. એક જ્યોર્જીઅન કહેવત છે : પત્ની જો આટલી સારી હોત તો ઈશ્વરને પત્ની કેમ નથી? બે સદીઓ પહેલાં વ્યાખ્યાઓના નિષ્ણાત ડૉ. સેમ્યુઅલ જ્હોનસને કહી દીધું હતું : લગ્ન એટલે બીજી વ્યક્તિનો સંપૂર્ણ સ્વીકાર! એની સારાઈઓ અને ખરાબીઓનો સંપૂર્ણ સ્વીકાર. આજે 21મી સદીના આરંભ પછીના પંદરમે વર્ષે લગ્નની વ્યાખ્યા જે પણ હોય પણ લગ્નવિચ્છેદ અથવા તલાકની વ્યાખ્યા સ્પષ્ટ છે : સંપૂર્ણ અસ્વીકાર! સારાઈઓ, ખરાબીઓ બધાને સંપૂર્ણ અસ્વીકાર. લગ્ન ધીરેધીરે પ્રગતિશીલ સમાજોમાં જૂનવાણી થતું જાય છે. પતિ અને પત્નીને સ્થાને 'કમ્પેનિઅન' (સુ-મિત્ર કે સુ-મિત્રા) અને લગ્નને સ્થાને 'લિવ-ઈન' જેવા શબ્દો વપરાતા થઈ ગયા છે.
લગ્નો મોડાં થાય છે અને સ્ત્રીની રજસ્વલા થવાની ઉંમરો અને મેનોપોઝ અથવા રજોમુક્તિની ઉંમરો પણ બદલાતી જાય છે. ડૉક્ટર મુકેશ બાવીસી આ પરિવર્તન સમજાવે છે. પહેલાં છોકરી 16 વર્ષે રજસ્વલા થતી હતી અને 35 વર્ષની આસપાસ મેનોપોઝ આવી જતું હતું. સાંસ્કૃતિક બદલાવની સાથેસાથે આ અંતરાલ વધતો ગયો. પછી 14 વર્ષ અને 40-42નું કોષ્ટક ગોઠવાતું ગયું. આજે 11 વર્ષે છોકરી રજસ્વલા થાય છે અને 50-52ની ઉંમરે મેનોપોઝ આવી રહ્યું છે. પશ્ચિમમાં સ્ત્રી કારકિર્દીને પ્રાથમિકતા આપે છે, 30-35 આસપાસ 'હિટ્સ ધ ગ્લાસ સિલિંગ' એટલે કે પોતાના ક્ષેત્રમાં શીર્ષસ્થ સ્થાન પ્રાપ્ત કરે છે. પછી એ ગર્ભવતી થવાનું વિચારે છે. મનોપોઝ લંબાવાને કારણે હવે મોટી વયે પણ ગર્ભાધાન થઈ શકે છે.
'હેપી મેરેજ' વિશે ટિપ્પણી કરતાં મહાન સેક્સ-વિશેષજ્ઞ હેવલોક એલિસ એક વિધાન કરે છે : હેપીનેસ મે બી ધ એન્ડ ઑફ મેરેજ! સુખ કદાચ લગ્નનો અંત છે! પુરૂષ પોતાના કામમાં, કારકિર્દીના ચડી રહેલા ગ્રાફમાં ખોવાતો જાય છે, વચ્ચે થોડો પરસ્ત્રી-સહવાસ, તક મળે તો, કરી લેતો હોય છે, જે એના એકવિધ જીવનમાં વીરત્વની અંતિમ સીમા છે. સ્ત્રીનું અંતિમ અને પ્રથમ અવલંબન એનાં સંતાનો બની જાય છે, એનું સુખદુઃખ એનાં મોટાં થઈ રહેલાં સંતાનોની આસપાસ ચકરાયા કરે છે, એને આજીવન કંઈક ન કરી શકવાનો અસંતોષ કુરેદતો રહે છે અને ત્યાં સુધીમાં શરીર અંકુશની બહાર ફેલાતું જાય છે. લગ્ન કરવું અને એની ઉષ્મા ટકાવી રાખવી એ એક અત્યંત કઠિન કલા છે. બેડરૂમની બહાર આર્થિક, સામાજિક, દૈહિક, માનસિક પ્રેતોના તાંડવનો ખખડાટ સંભળાવા માંડે છે. એ વખતે ખલિલ જિબ્રાને 'ધ પ્રોફેટ'માં લખેલી વાત યાદ આવી જાય છે : સાથે ઊભા રહેજો, પણ બહુ પાસે પાસે નહીં / મંદિરના સ્થંભો ઊભા રહે છે પણ દૂરદૂર ઊભા રહે છે...!
એક મંતવ્ય છે કે જન્મ ભૂતકાળ છે, લગ્ન વર્તમાનકાળ છે, મૃત્યુ ભવિષ્યકાળ છે. ભૂત પર અંકુશ ન હતો, ભવિષ્ય પર અંકુશ નહીં હોય અને વર્તમાન નામની કોઈ વસ્તુ નથી. અસ્તિત્વ અને અન-અસ્તિત્વની વચ્ચે ઝબકતી એક ક્ષણ, એક પલ એ વર્તમાન છે. આજે આપણે જેને ભાવિ કહીએ છીએ એ આવતી કાલે અતીત બની જશે. વર્તમાનનું કોઈ અસ્તિત્વ છે? જ્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ મળે છે એ ભ્રમરેખા, કલ્પનારેખા એ વર્તમાન (કાળ) છે! આ ક્ષણે કેટલાંક શતકો પાછળ છે, અને કેટલાક દશકો આગળ છે! ચિતા પર ઊઠતો ધુમાડો એક વ્યક્તિના તતડતા નિશ્ચેષ્ટ શરીરનો ધુમાડો છે અને એમાં એક લગ્ન સળગી રહ્યું છે. ક્યારેક લગ્નને સળગી જવા માટે ચિતાની જરૂર પડતી નથી. લગ્નની ચોરી 'સીધે લાકડે' હોય છે, અને ચિતા 'આડે લાકડે' હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment