Tuesday, 29 December 2015

[amdavadis4ever] મેં તને આપેલું ના મ મને બહુ વ્હાલું છે - ચિંતનની પળે : કૃષ્ણક ાંત ઉનડકટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




તમારું નામ શું છે? તમારું નામ તમને ગમે છે? તમારા નામ વિશે તમે ક્યારેય વિચાર કર્યો છે? તમારા નામનો અર્થ તમને ખબર છે? નામ વિશે દરેકને જાતજાતના સવાલો થતા હોય છે. દરેક વ્યક્તિ પોતાની રીતે એ સવાલોના જવાબ પણ મેળવી લેતી હોય છે. માણસને જ્યારે નામ મળે છે ત્યારે એને પોતાના વિશે પણ કંઈ સમજ હોતી નથી. ઓ‌ળી ઝોળી પીપળ પાન, ફોઈએ રાખ્યું ફલાણું નામ. થોડાક દિવસના હોઈએ ત્યારે દરેક વ્યક્તિનું નામ પડી જાય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો સવાલ કરતી હોય છે કે મારું આવું નામ રાખ્યું શા માટે? કાયદામાં આમ તો નામ બદલવાની જોગવાઈ છે, પણ બહુ ઓછા લોકો પોતાના નામ સાથે ચેડાં કરે છે. જે નામ મળ્યું છે એના સહારે જિંદગી જીવી જાય છે.

માણસના નામથી એના વ્યક્તિત્વમાં કંઈ ફરક પડે છે? આ વિશે જાતજાતની ચર્ચાઓ થઈ છે. નામની ઓળખ થાય છે કે ઓળખથી નામ ઉજાગર થાય છે? સરવાળે તો માણસ પોતાના કામથી પોતાના નામને સાર્થક કરતો હોય છે. ઘણાં એવા લોકો થઈ ગયા છે જેના નામ આદર્શનો પર્યાય બની ગયા હોય. ઘણાં નામ એટલાં બદનામ હોય છે કે એ નામ રાખવાનું કોઈ પસંદ પણ નથી કરતાં! આ બધી ચર્ચા કરતાં થોડુંક જુદું અને અનોખું પણ નામનું માહાત્મય છે. 

દરેકના એકાદ-બે એવાં નામ હોય છે જે બર્થ સર્ટિફિકેટ કે સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં હોતાં નથી. તમારું હુલામણું નામ શું છે? ઘરમાં તમને કયા લાડકા નામે બોલાવાતા હતા? એક નામ ઘરનું હોય છે અને એક નામ બહારનું. અમુક નામથી બોલાવવાનો અધિકાર આપણે અમુકને જ આપતા હોઈએ છીએ. દરેક પ્રેમીએ એની પ્રેમિકાને અને દરેક પ્રેમિકાએ તેના પ્રેમીને એક અંગત અને વ્યક્તિગત નામ આપ્યું હોય છે. દરેક દંપતી એકબીજાને ચોક્કસ નામે બોલાવતાં હોય છે.

વિદેશમાં પ્રિય પાત્રને 'હની' કહેવાનો ટ્રેન્ડ છે. આપણે ત્યાં તો અમુક 'હની'ના નામ 'ફની' લાગે તો પણ એ નામ તેના માટે શ્રેષ્ઠ સંબોધન હોય છે. એક મિત્ર એની વાઇફને ચકી કહીને બોલાવે છે. બીજું કોઈ આ નામે બોલાવે તો પત્ની ના પાડી દે છે. આ નામ પર એક વ્યક્તિનું એકીચક્રી શાસન છે એવું કહી દે છે. ઘરમાં વડીલો હોય ત્યારે અમુક અંગત નામો બેડરૂમની ચાર દીવાલો વચ્ચે જ બોલાતાં હોય છે. આવું થાય ત્યારે નામના અર્થ કરતાં નામનો મર્મ અને પ્રેમનો ધર્મ સર્વસ્વ બની જાય છે. 

એક પતિ-પત્નીની વાત છે. પતિ તેની પત્નીને હંમેશાં તેણે આપેલા લાડકા નામે જ બોલાવે. બંને વચ્ચે ક્યારેય કોઈ બાબતે ઝઘડો થયો હોય ત્યારે પતિ-પત્નીને એના સાચા નામે બોલાવવા માંડે. પત્નીએ આ વિશે કહ્યું કે, એ મારું નામ બદલે એટલે મને સમજાઈ જાય કે સાહેબનું કંઈક છટક્યું છે. એ પછી હું પણ તેને તેના સાચા નામે જ બોલાવું! એ પાછું એનાથી સહન ન થાય! અમે એકબીજાને આપેલા નામથી ન બોલાવીએ તો અમને જ ગમતું નથી. એક દિવસ અમે નક્કી કર્યું કે ગમે તે થાય, ગમે એવા ઝઘડીએ પણ નામ તો નહીં જ બદલવું! ઝઘડવાનું પણ લાડકા નામે જ!

મિત્રોમાં પણ હરેશને હરીયો અને નીતાને નીતલી કહેતા હોય છે, રમેશ રમલો અને રાધા રાધાડી થઈ જતી હોય છે. તમે માર્ક કરજો તમારા હુલામણા નામે કોઈ અજાણ્યો માણસ તમને બોલાવશે તો તમને નહીં ગમે. અમુક નામ અમુક લોકો પૂરતાં જ મર્યાદિત હોય છે અને એકાદ નામ માત્ર એકાદ વ્યક્તિ પૂરતું જ મર્યાદિત હોય છે. 

અમુક સંબોધન પાસવર્ડ જેવા હોય છે. એ નામે સંબોધન કરો એટલે માણસ ખૂલી જાય છે. અમુક નામ સીધા દિલમાં ટકોરા મારે છે. દિલ ખૂલી જાય છે, બધું કહેવાઈ જાય છે, રડવાનું મન થાય તો રડી પણ શકાય છે. બધા પાસે ક્યાં વ્યક્ત થવાતું હોય છે. આઈ નીડ યુ, પ્લીઝ આવી જા ને, એવું આપણે કોને કહેતા હોઈએ છીએ? માત્ર બોલાવવા માટે જ નહીં, ચીડવવા માટે પણ અમુક નામો અપાતાં હોય છે. એ નામ પછી જે તે વ્યક્તિના આઇડી જેવાં બની જતાં હોય છે. કોલેજમાં એક મિત્ર હતો. તેની આંખો પટપટતી રહેતી. એ મિત્રને બધા પછી ટ્યૂબલાઇટ તરીકે સંબોધવા લાગ્યા હતા. એક છોકરીનું હુલામણું નામ ચાર્મી છે, એના ભાઈને જ્યારે પણ બહેન સાથે વાંધો પડતાે ત્યારે ચાર્મીને બદલે ચાર ચોગડી કહીને ચીડવતો! મોટા થઈએ પછી આ બધાં સંબોધનો બદલી જાય છે.

એક વડીલની વાત છે. તેમની ઉંમર વધતી જતી હતી. તેમના એક મિત્રનું અવસાન થયું. વડીલે કહ્યું કે, મરવાનું તો બધાયે છે, મિત્ર ગયો તેની સાથે મને તુંકારે અને સ્પેશ્યલ નામે બોલાવનાર ચાલ્યો ગયો. હવે કોણ મને તું કહેશે? મને મારા બચપણના નામે કોણ બોલાવશે? સમયની સાથે માત્ર સંબંધો જ નથી બદલાતા, સંબોધનો પણ બદલાઈ જતાં હોય છે. ઊંચી પોસ્ટ ઉપર પહોંચેલી એક વ્યક્તિની વાત છે. એ ફેમિલી સાથે ફરવા ગયા હતા ત્યારે બીચ પર તેને રોકીને એક વ્યક્તિએ કહ્યું કે, તું પેલો રાજ્યો જ છેને? એ બંને સાથે ભણતા હતા. પેલા ઓફિસરે કહ્યું કે કેટલા લાંબા સમય પછી કોઈએ મને રાજ્યો કહીને બોલાવ્યો. બાકી તો સર કે બોસ જ સાંભળીએ છીએ! અમુક વ્યક્તિના મોઢે અમુક સંબોધન થાય ત્યારે ઉંમર, હોદ્દા અને બીજો ઘણો બધો ભેદ મટી જતો હોય છે!

નામમાં તાકાત છે. એક વ્યક્તિએ કરેલી આ વાત છે. એ તેના મિત્રના ઘરે ગયો. મિત્રના ઘર ઉપર નેઇમ પ્લેટ ન હતી. તેણે પૂછ્યું. તેં નેઇમ પ્લેટ નથી લગાવી? તેણે કહ્યું કે, ના, ના. બે બેડરૂમ કિચનના નાનકડા ફ્લેટમાં વળી નેઇમ પ્લેટ શું લગાવવાની? આપણી એવી ક્યાં કોઈ મોટી હસ્તી છે, સામાન્ય ક્લાર્ક છીએ. મહિને દડાહે માંડ-માંડ પૂરું કરીએ છીએ. ગણી-ગણીને જીવવાનું છે અને અફસોસ કરી-કરીને મરવાનું છે.

મિત્રના મોઢે આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, યાર તું તો બહુ નબળું વિચારે છે. મારી પાસે પણ તારા જેવડું જ ઘર છે. રોજ સાંજે કામ પૂરું કરીને ઘરે જાઉં છું ત્યારે ડોરબેલની ઉપર લગાડેલી નેઇમ પ્લેટ જોઉં છું. મારું નામ વાંચું છું ત્યારે મને થાય છે કે અહીંથી મારું રજવાડું શરૂ થાય છે. આ મારું ઘર છે. આ ઘરનો હું રાજા છું. મારે એક ક્વીન છે. મારો સન મારા માટે પ્રિન્સ છે અને દીકરી પ્રિન્સેસ છે. આ સ્થળે મને શાંતિ મળે છે. મારાં સપનાંઓ અહીં જીવે છે. આ એવું સ્થળ છે જ્યાં મારા નામ સાથે બધાં જ જોડાયેલાં છે. મારી પોતાની વ્યક્તિઓ છે અને મારાં પોતાનાં સંબોધનો છે. એવાં સંબોધનો જેમાં કોઈ બંધન નથી, માત્ર મુક્તિ છે, બધા જ બોજમાંથી મુક્તિ અને તમામ ચિંતામાંથી મુક્તિ.

તમારી પાસે તમને 'સ્પેશ્યલ નામ'થી બોલાવી શકે અને તુંકારે કહી શકે એવા કેટલા સંબંધો છે? એ સંબંધોને સાચવી રાખજો. એવા સંબંધો બહુ ઓછા હોય છે. એક યુવાનની વાત છે. થયું એવું કે એનો મિત્ર જે ઓફિસમાં એક ક્લાર્ક તરીકે જોબ કરતો હતો, ત્યાં જ સિનિયર પોસ્ટ ઉપર તેને જોબ મળી. જે દોસ્ત બચપણના નામે બોલાવતો હતો એ સર કરીને સંબોધતો હતો. મિટિંગ પૂરી થઈ એટલે તેણે મિત્રને બોલાવીને કહ્યું કે તું કેમ મને સર કહીને સંબોધતો હતો? પેલા મિત્રએ કહ્યું કે, તું સર છે એટલે. મારા સંબંધોની મર્યાદા સમજવી જોઈએ. પર્સનલ અને પ્રોફેશનલ રિલેશન બે જુદી-જુદી વાત છે. એનું મિશ્રણ ન થઈ જાય એની કાળજી તો લેવી પડેને? હું તને જૂના નામે બોલાવું તો બીજા લોકોમાં કેવી ઇમ્પ્રેશન પડે? આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તારી લાગણી અને સમજદારીની હું કદર કરું છું. તારી પાસેથી મને બે અપેક્ષા તો છે જ, એક તો ઓફિસની બહાર અને આપણા ઘરે તું મને જે નામે બોલાવે છે એ નામે જ બોલાવીશ. બીજી શરત એ કે મિટિંગમાં સર કહેવાનું ટા‌ળીશ. તું તારી વાક્યરચના જ એવી રીતે રાખજે કે એમાં ક્યાંય સર ન આવે. આપણી દોસ્તીમાં હોદ્દો કે હેસિયત વચ્ચે ન આવવાં જોઈએ!

કોઈ હોદ્દો, ડિગ્રી, ખિતાબ અને બીજું ઘણું બધું નામની આગળ લાગે છે. ડોક્ટર, પ્રોફેસર અને બીજાં વિશેષણો નામ આગળ લાગે એ સારી વાત છે, પણ અમુક નામો અે રીતે બોલાતાં અને અપાતાં હોય છે. એની આગળ જે લખાયું હોય છે એ વંચાતું નથી, પણ અનુભવાતું હોય છે. બીજા સંબંધોમાં ભલે ચડાવ-ઉતાર આવે, પણ તમે જેને સ્પેશ્યલ નામથી બોલાવી શકો છો તેને જાળવી રાખજો! આવા લોકો બહુ અંગત હોય છે. અંગત વગર જિંદગીની રંગત નથી!


છેલ્લો સીન: 
નામ સાથે નામના જોડાયેલી છે. નામથી જ માન મળે છે. જે નામ સાથે મન જોડાયેલું હોય તેનું જનત કરજો.        -કેયુ.

('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 30 ડિસેમ્બર 2015, બુધવાર, 'ચિંતનની પળે' કોલમ)


kkantu@gmail.com

 

 

--


Blog : www.krishnkantunadkat.blogspot.com

__._,_.___

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment