Tuesday, 1 December 2015

[amdavadis4ever] સહજાનંદસ્વ ામી એટલે કે ભગવાન સ્વ ામિનારાયણ: જેમને મોટા મોટા બ્રિટ િશ ગવર્નરો પણ નમન કરતા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આશરે ઈસવીસન ૧૮૨૫-૨૬ની વાત છે. એ દિવસોમાં કોલાબાથી કચ્છ સુધી આખું મુંબઈ રાજ્ય ગણાતું, મુંબઈ રાજ્યના બ્રિટિશ ગવર્નર સર માલકમ રાજના કામે રાજકોટ ગયેલા. રાજકોટમાં એ સમયે સર મિસ્ટર બ્લેન નામે પોલિટિકલ એજન્ટ હતા. સર માલકમે બ્લેનને કહ્યું-અહીં કોઈ સાધુ છે જે સામાજિક સુધારાનું કામ કરે છે. લોકોને બીડી-સિગારેટ, તમાકુ, દારૂના વ્યસન છોડાવે છે. સતી નહીં થવા માટે બહેનોને સમજાવે છે. ચોરી-લૂંટફાટ કરનારા માથાભારે લોકોને સદ્માર્ગે વાળે છે. સહજાનંદ કે એવું કંઈક નામ છે. તેમને મળવાની મારી ઈચ્છા છે. તેમને સંદેશો મોકલો. આજના જેવી ઝડપી મોટર-ટ્રેનો-બસો ત્યારે નહોતી. ઘોડેસવારે જઈને સહજાનંદ સ્વામીને સર માલકમનો સંદેશો આપ્યો. સહજાનંદ સ્વામી ગવર્નરને મળવા રાજકોટ આવ્યા. બંને વચ્ચે દુભાષિયા દ્વારા સંવાદ થયો. સહજાનંદ સ્વામીના વિચારોથી ગવર્નર પ્રભાવિત થયા. 

સહજાનંદ સ્વામીએ તેમને મધુર મુસ્કાન સાથે આશીર્વાદ આપ્યા. હિન્દુ ધર્મના સારરૂપ પોતે તૈયાર કરેલ ગ્રંથ શિક્ષાપત્રીની નકલ આપીને કહ્યું, આ વાંચજો. સર માલકમે કંઈ કામકાજ હોય તો જણાવવા કહ્યું, ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું-કામમાં તો શું, સતીપ્રથા જેવા કુરિવાજો ડામવામાં સરકારી સહાય મળવી ઘટે. સર માલકમે ખાતરી આપી કે અમે ટૂંક સમયમાં જ નવજાત બાળકીને દૂધપીતી કરવા સામે તેમ જ સતીપ્રથા વિરુદ્ધ કાયદો લાવશું. બંનેની મુલાકાત પૂરી થઈ. સહજાનંદ સ્વામીએ સર માલકમને આપેલી એ હસ્તલિખિત શિક્ષાપત્રી આજેય લંડનના મ્યુઝિયમમાં સચવાયેલી પડી છે. આ સહજાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક. આજે તો સ્વામિનારાયણ સંપ્રદાયના દુનિયાભરમાં લાખો ભક્તો છે. 

સહજાનંદ સ્વામીનું મૂળ નામ ઘનશ્યામ. આશરે અઢીસો વર્ષ પહેલાં અયોધ્યા પાસે છપૈયા ગામમાં હરિપ્રસાદ બ્રાહ્મણને ત્યાં તેમનો જન્મ થયેલો. યોગ્ય વયે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા બાદ અત્યંત કુમળી વયે ગૃહત્યાગ કરી તેમણે દેશાટન શરૂ કર્યું. 

જગન્નાથપુરી, બદ્રીકેદાર, રામેશ્ર્વર, દ્વારકા વગેરે સ્થળે પદયાત્રા કરતા વિક્રમ સંવત ૧૮૫૬ના શ્રાવણ માસમાં નીલકંઠ સ્વરૂપે મુક્તાનંદ સ્વામીના સંપર્કમાં આવ્યા. તેમના દિવ્ય વ્યક્તિત્વ અને અલૌકિક પ્રતિભાથી પ્રભાવિત થઈને મુક્તાનંદજીએ ભૂજમાં બિરાજમાન પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પત્ર લખી બોલાવ્યા. રામાનંદ સ્વામીએ તો આવતાવેંત આ અવતારી પુરુષને ઓળખી લીધાં. નીલકંઠે તેમને ગુરુપદે સ્થાપ્યા. ટૂંક સમયમાં તેમણે ચોસઠ વિદ્યાઓ ભણી લીધી અને ગુરુની કસોટીમાંથી ઉત્તીર્ણ થયા. તેમના જ્ઞાનથી સંતુષ્ટ થઈને ગુરુએ તેમને પિપલાણામાં દીક્ષા આપી. ગુરુએ તેમને સહજાનંદ અને શ્રીજી નામ આપ્યાં અને જેતપુરની ગાદી એમને સોંપવામાં આવી. 

હિન્દુ ધર્મને માત્ર ઊજળિયાતો પૂરતો મર્યાદિત ન રાખતા આપે કોળી, મોચી, સુથાર, વાળંદ, પ્રજાપતિ, કાઠી, રબારી, કણબી સમેત સૌને ધર્મલાભ આપ્યો. હિન્દુ ધર્મને સંસ્કૃત શાસ્ત્રો, પુરાણો અને કર્મકાંડી ગોર મહારાજોના હાથમાંથી કાઢીને આપે ધર્મને સરળ ભાષામાં રજૂ કરતો ગ્રંથ શિક્ષાપત્રી રચ્યો જેમાં સરળ ઉપદેશો હતા. જેવાં કે વ્યસનમાંથી મુક્ત થાઓ. પરસ્ત્રીને માતા સમાન અને પરધનને ગૌમાટી બરાબર ગણો. સાદું જીવન ગાળો, તમામ કામોને ઈશ્ર્વરના ગણીને નમ્રપણે કરો, 

નિયમિત પ્રભુસ્મરણ કરો, ગરીબો અને પશુપક્ષી પ્રત્યે પ્રેમ રાખો. વચનામૃત 

એ આપના દ્વારા રચાયેલો આધ્યાત્મિક ગ્રંથ છે, જેના સહારે માનવ આધ્યાત્મિક સિદ્ધિ મેળવી શકે. આ બંને ગ્રંથો સ્વામીશ્રીએ સર્વજીવ હિતાવહ ભાવથી મંગલ માર્ગદર્શિકા તરીકે સ્વયં આલેખ્યા હતા. એ પછી આપે ઊંચનીચના ભેદભાવ વગર સૌ કોઈ પ્રવેશી શકે એવાં સુંદર રળિયામણા મંદિરો બંધાવવાનું શરૂ કર્યું. તમામ હિન્દુ મંદિરોમાં સૌથી સુંદર નયન-મનોહર મંદિરો સ્વામિનારાયણ સંપ્રદાયનાં હોય છે. 

સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણે વડતાલ, અમદાવાદ, ધોલેરા, ભૂજ, જૂનાગઢ અને ગઢડા એમ કુલ છ સ્થળે મંદિરો બનાવ્યાં. આ મંદિરોમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, શિવ-પાર્વતી, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીનારાયણ સ્વરૂપો પુજાતાં રહે છે. 

ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડાના દાદાખાચરના દરબારમાં પોતાના ભક્તો અને સંપ્રદાયના આચાર્યો અને શિષ્યોને ભેગા કરીને અક્ષરધામ પ્રતિ પ્રયાણ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. પોતાની પાછળ રડવા કે કલ્પાંત કરવાને બદલે સંપ્રદાયને વધુ ને વધુ મજબૂત બનાવીને, આધ્યાત્મિક રસ્તે ચાલવાની શીખ આપીને અક્ષરધામ પ્રતિ પ્રયાણ કર્યું. ગઢડાનાં લક્ષ્મીબાગમાં એમના પંચભૌતિક દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જ્યાં આજે એમના કાર્યોની સુવાસ ફેલાવતું સ્મૃતિ મંદિર વિદ્યમાન છે. 

સ્વામિનારાયણ સંપ્રદાય વધુ લોકપ્રિય થવાનું કારણ તો સંતો દ્વારા થતાં કેળવણીનાં કાર્યો છે. ગામેગામે સ્કૂલ, કોલેજો અને હોસ્પિટલો ધમધમે છે. આમ ધર્મ અને સેવાને સમાજલક્ષી બનાવવાનું સૌથી મોટું કામ સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે. ઊંચનીચના ભેદભાવ વગર એમની હોસ્પિટલો સૌની સેવા કરે છે. હવે તો વિદેશોમાં પણ સ્વામિનારાયણ ભગવાનનાં અદ્ભુત મંદિરો બંધાયા છે. આ લેખક જ્યારે પણ અમેરિકાના એટલાંટા ખાતે જાય છે ત્યારે ત્યાં આવેલ ભવ્ય સ્વામિનારાયણ મંદિરની અચૂક મુલાકાત લે છે. સેંકડો ગુરુકુળો ચાલે છે. લાખો બાળકોને પાયાનું શિક્ષણ મળે છે અને દરેક ભક્ત સારો ઈન્સાન બને તેની ખાસ કાળજી રખાય છે. એનો યશ ભગવાન શ્રી સ્વામિનારાયણને ઘટે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment