Tuesday, 29 September 2015

[amdavadis4ever] અમન-ચમન ને પરીગમન...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"આવું તે કંઈ હોતું હશે ? સાલાને મારવો જોઈએ. મધુભાઈએ છાપું પછાડ્યું.

એ જ છાપું ઊંચકીને એમાં છપાયેલા સાધુના સ્ખલન વિશેના સમાચાર વાંચીને લલિતભાઈએ મોઢું બગાડ્યું, "આ બધા એકના એક... ભગવા પહેરે કોઈ સુધરે નહીં. 

"અરે ભઈ ! અત્યારે તો ભગવા એટલે ખોટું કામ કરવાનું લાઇસન્સ... રાકેશભાઈએ તાળી માગવા માટે હાથ લંબાવ્યો, "સાધુ થઈ જાવ ને પછી જલસા કરો.

"અરે ! રાકેશભાઈના લંબાયેલા હાથમાં તાળી આપતા અજિતભાઈએ વિચિત્ર મોઢું કર્યું, "સૂકો મેવો ખાવાનો, પૈસા બનાવવાના ને બૈરાંઓ સાથે... અજિતભાઈએ આંખ મારી.

"અરે ભઈ ! બૈરાં હોય ત્યાં સુધી તો વાંધો નથી. રાકેશભાઈએ કહ્યું, "આ તો છોકરાંઓનેય નથી છોડતા...

ટોળે વળીને સોસાયટીના નાકે બેઠેલા આ પાંચ-છ પુરુષો સવારના છાપામાં છપાયેલા સમાચાર વિશે ચર્ચા કરતા હતા, પણ આ સંવાદ કોઈ એક સોસાયટીના નાકે, કોઈ એક પાર્ટીમાં, કોઈ એક સામાજિક પ્રસંગે થતો સંવાદ નથી. આજકાલ જ્યાં જઈએ ત્યાં આ અને આવું જ સાંભળવા મળે છે. એક તરફ ભગવા કપડાં પહેરતા સાધુ વિશે ઘસાતું બોલવાની ફૅશન છે ને બીજી તરફ સાધુઓને પગે લાગવા માટે લાઇનમાં ઊભા રહેનારાઓની ખોટ નથી. લાલ-લીલી ચટનીના ઉપાયો બતાવતા બાબાઓથી શરૂ કરીને મિની સ્કર્ટ પહેરીને ફોટા પડાવતી માતાઓ સુધી, કૃષ્ણ બનીને નગ્ન સ્ત્રીઓને નચાવતા નારાયણ સાંઈથી શરૂ કરીને શરણમાં આવતા યુવાન છોકરાઓનો દુરુપયોગ કરતા સાધુઓ સુધીની વિવિધ કથાઓ છાશવારે અખબારોમાં છપાય છે, ટીવીમાં દેખાડાય છે, તેમ છતાં આવા આશ્રમોમાં ભીડ ઓછી થતી નથી.

'મેસેન્જર ઑફ ગૉડ' નામની ફિલ્મનો બીજો ભાગ રજૂ થયો છે. ટીવી પર એક ઇન્ટરવ્યૂમાં ગુરમિત રામરહિમસિંઘે કહ્યું, "ફિલ્મ ચાલે કે નહીં, એમાં કોને રસ છે? મેં આ ફિલ્મ ચલાવવા માટે બનાવી જ નથી. મને ખબર જ છે કે આ કોઈ સફળ ફિલ્મ નથી, પણ આ ફિલ્મ રિલીઝ થયા પછી મારે ત્યાં ડિસ્કોર્સમાં આવતા લોકોની સંખ્યા દસ ગણી થઈ ગઈ છે. પહેલાં ૨૨૦૦ લોકો આવતા હતા, મારા છેલ્લા લેક્ચરમાં ૧૨,૦૦૦ લોકોની સંખ્યા હતી. વાહિયાત અથવા બેવકૂફીની પણ એક ન્યૂસન્સની પણ વેલ્યૂ હોય છે. મૂર્ખ માણસો પણ ક્યારેક રસપ્રદ પ્રદાન કરતા હોય છે. આપણે આવી મૂર્ખતાઓને માથે બેસાડવાની ભૂલ કરતા હોઈએ છીએ. "લાલ બૅગ વાપરો, "લીલી ચટણી ખાવ કે "દિવસમાં ત્રણ વાર ગાયનાં દર્શન કરો જેવી તદ્દન ફાલતુ વાતોને "લાગ્યું તો તીર, નહીં તો તુક્કો બનાવીને આપણા ગળામાં પહેરાવી દેતા આ મહંતો-સંતો, બાવા-સાધુઓ અને કહેવાતા ધર્મગુરુઓ ખરેખર કશું જાણે છે કે નહીં એવો સવાલ ઊભો થાય છે. 

પબ્લિસિટી અને પ્રચારથી જ આ લોકોની દુકાન ચાલે છે. 'મેસેન્જર ઑફ ગૉડ' જેવી ફિલ્મો કે રાધેમા અને આસારામ જેવા તદ્દન નિમ્નકક્ષાના માણસ કહી શકાય એવા લોકોને પૂજનીય પ્રસ્થાપિત કરીને આ સમાજનું કેટલું નુક્સાન થાય છે એનો આપણને વિચાર પણ નથી આવતો?

આવા લોકો કેમ સફળ થાય છે અથવા એવું શું છે, જે આવા લંપટ અને લેભાગુ લોકોનાં ચરણમાં પડી જવા માટે આપણને મજબૂર કરે છે, ઉશ્કેરે છે, લલચાવે છે ? આપણી પોતાની ગરજ અથવા લાલચ. આપણે બધા જ નાના-મોટા અંશે લાલચુ અને ગરજવાન બની ગયા છીએ. આપણને બધાને આપણી હેસિયતથી વધારે મેળવવાનો મોહ વધતો જાય છે. જ્યારે આપણે ભૂખ્યા ડાંસ બનીને, મરણિયા બનીને કશું મેળવવાનો પ્રયત્ન કરીએ ત્યારે સાર-અસારનો વિવેક ચૂકી જવાય છે. બાધા-આખડી, દોરા-ધાગા કે ઉપવાસોથી કશું મેળવી શકાય છે એમ માનતા લોકો કદાચ પોતાના ચિત્ત સાથે અને ઈશ્ર્વર સાથે છળ કરે છે. કંઈ પણ માગવા માટે કોઈની ભક્તિ કે પૂજા કરવી એ બાર્ટર કે એમઓયુ નથી ? આપણે બધા જ એક વિચિત્ર પ્રકારના અસંતોષથી પીડાવા લાગ્યા છીએ. આપણી પાસે જે છે તેના કરતાં આપણી પાસે જે નથી એનું લિસ્ટ વધુ મહત્ત્વનું છે... ને એથીય વધુ મહત્ત્વનું લિસ્ટ એ છે કે બીજા પાસે શું છે. જ્યાં સુધી આપણે બીજા લોકોના સુખને આપણું દુ:ખ માનતા રહીશું ત્યાં સુધી આપણું સુખ આપણા સુધી નહીં પહોંચે. 

મોટેભાગે બધા જ સાદી વાતોને ગૂંચવીને ઉકેલવામાં પોતાનો સમય બરબાદ કરતા હોય છે. સંબંધથી શરૂ કરીને સંપત્તિ અને સત્તાથી શરૂ કરીને સમજણ સુધીની બાબતો આપણે બીજા પર આધારિત રહીને ઉકેલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણા બદલે બીજા વિચારે, આપણા બદલે બીજા લોકો નિર્ણય લે અને એમણે લીધેલા નિર્ણયના પરિણામ પણ એ જ ભોગવે એવો આપણો પ્રયત્ન હોય છે ? જાતે વિચારીને જાતે જ નિર્ણય લેવાની આપણી ટેવ છૂટતી જાય છે. કોઈપણ ગૂંચવાયેલી પરિસ્થિતિની જવાબદારી આપણે બીજાના માથે નાખી દેવાનું શીખતા જઈએ છીએ. આપણી ભાગેડુ મનોવૃત્તિ ધીરે-ધીરે આપણને એવી સ્થિતિમાં ધકેલતી ગઈ છે કે આપણે આપણી જ પરિસ્થિતિને મૂલવવાનું સાહસ કરી શક્તા નથી. આપણે ભૂલ કરી છે તો એને આપણે જ સુધારવી પડે...આપણાથી કઈ ગૂંચવાયું છે તો એને આપણે જ ઉકેલવું પડે... પરંતુ આપણને લાગે છે કે કોઈ ત્રીજી વ્યક્તિ આમાં આપણી મદદ કરી શકશે અને એ ત્રીજી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કોઈ બાવા-સાધુ કે કાઉન્સેલર, માતાઓ કે આવા 'મેસેન્જર ઓફ ગોડ' જેવા માણસો છે! 

ભારતીય માનસિક્તા આમ પણ વ્યક્તિ પૂજાની અહોભાવમાં ગદ્ગદ્ થઈ જવાની માનસિક્તા છે. છેલ્લા કેટલાય યુગોથી પરતંત્ર રહેલા આ દેશને હંમેશાં 'પારકે ભાણે જ મોટો લાડુ' દેખાયો છે. નમી જવું, ઝૂકી જવું, વ્યક્તિની એની હેસિયતથી મોટી બનાવી દેવી એ આપણી આવડત છે. આપણે ત્યાં કોઈને માથે ચડાવવાની નવાઈ નથી અને એજ માણસને માથે માછલાં ધોવાની નવાઈ નથી. સાચા અર્થમાં સન્માન કે પ્રણામને પાત્ર બહુ ઓછા લોકો હોય છે. આપણે જે વ્યક્તિને લગભગ ઈશ્ર્વરની કક્ષાએ મૂકી દેતા હોઈએ છીએ એ વ્યક્તિ પાસે આપણી કેટલીક અપેક્ષાઓ હોય છે. આપણી લાલચ કે ગરજ આપણને આવા તદ્દન સામાન્ય અથવા સામાન્યથી પણ નીચે કહી શકાય એવા લોકોને પૂજનીય બનાવવાનું કામ કરે છે. થોડો વખત આવા લોકને માથે ચડાવ્યા પછી જ્યારે આપણી લાલચ કે ગરજ પૂરી નથી થતી ત્યારે આપણે એને છોડીને કોઈ નવા 'સાક્ષાત્ ઈશ્ર્વરના અવતાર'ની શોધ આરંભી દઈએ છીએ.

આમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ પ્રમાણમાં બેવકૂફ બને છે, એનું કારણ કદાચ એ છે કે સ્ત્રીને 'ધાર્મિક' રહેવાનું શીખવવામાં આવ્યું છે. સ્ત્રી કદાચ ઝડપથી વિશ્ર્વાસ મૂકે છે ? અથવા તો ી વધુ ગરજવાન અને વધુ લાલચુ હોય છે ? સ્ત્રી વધુ અસલામત હોય છે ? એને લાગે છે કે એના સંબંધો અથવા એની અસલામતી બહારનો માણસ આવીને દૂર કરી શકશે... પુરુષો કદાચ થોડા લૉજિકલ હોય છે, થોડા વધુ કુટિલ અને પ્રમાણમાં ગણતરીબાજ પણ હોય છે ? એમને કદાચ શઠતા અથવા છેતરપિંડી વહેલી સમજાતી હોય છે? પુરુષનો અધીરો સ્વભાવ પણ કદાચ આમાં કામ આવતો હશે, કારણ કે થોડોક સમય રાહ જોયા પછી જો 'મનોકામના' પૂર્ણ ન થાય તો પુરુષ આ મૂરખ બનાવવાના ચક્કરમાંથી બહાર નીકળી જતો હોય છે...

બીજી તરફ આવા બાવા-સાધુઓ અને શઠ પણ સંખ્યાના સંદર્ભે વધુ પુરુષો અને ઓછી સ્ત્રીઓ છે. સ્ત્રીઓ ધર્મના નામે છેતરપિંડી બહુ સહેલાઈથી કરી શક્તી નથી. પુરુષ માટે સારું ભોજન, સુંદર સ્ત્રી, સંપત્તિ કે બીજી સગવડો મળતી હોય તો આવા નાના-મોટા ઢોંગ-ધતિંગ કરવાનો રસ્તો બહુ અઘરો નથી...

અગત્યનું એ છે કે આપણે જેની ચરણરજ માથે ચડાવતા હોઈએ એ લાત મારે ત્યારે એને સામે લાત ન મારીએ તો પણ ફરી ચરણરજ લેવા ઝૂકવાની બેવકૂફી ન જ કરાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment