Wednesday, 30 September 2015

[amdavadis4ever] તને તારી કોઇ ખા મી દેખાતી જ નથી ? : ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




કોઇ માણસ ઇમેજ કે છાપ લઇને જન્મતો નથી. એનું વર્તન એના વિશેની માન્યતા ઘડે છે. આપણે ત્યાં તો બાળકને પણ એની આદતો અને સ્વભાવથી ઓળખવામાં આવે છે. એનો દીકરો તો એક નંબરનો તોફાની છે, બારકસ છે, શાંત છે. આ છોકરો કે છોકરી એક દિવસ કંઇક બનશે, ઘણા હસમુખા હોય છે અને ઘણા રોતલ. તમે માર્ક કરજો. જે બાળક આપણી સાથે હસે એને જ રમાડવાનું આપણને મન થતું હોય છે. આપણે તેડવા જઇએ અને રડવા લાગે કે મોઢું બગાડે તો આપણે રમાડવાનું માંડી વાળીએ છીએ. લોકો બાળક સાથે પણ જો આવું કરતા હોય તો પછી મોટા થયા બાદ તો ઘણી બધી ગણતરીઓ મંડાતી હોય છે. દરેક સંબંધ પાછળ કંઇ તો કારણ હોય જ છે. તમે વિચાર કરજો, તમારા જે સંબંધો છે તેની પાછળ ક્યું કારણ કે તત્ત્વ જવાબદાર છે? કંઇ નહીં હોય તો છેલ્લે એની સાથે મજા આવતી હશે. તમને એ વ્યક્તિમાં કંઇક ગમતું હશે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારામાં એવું ક્યું તત્ત્વ છે કે બીજા કોઇને તમારી સાથે મજા આવે? આપણને ઘણી વખત એ પણ ખબર નથી હોતી કે મારામાં સારું શું છે? સારાની ખબર ન હોય તો હજુ વાંધો નથી પણ તમને ખબર છે. તમારામાં સારું શું નથી અથવા તો શું ખરાબ છે?

ના. આપણને ખબર નથી હોતી. આપણા જ માઇનસ પોઇન્ટની ખબર આપણને નથી હોતી! જેની ખબર જ ન હોય એને હટાવવાનો તો વિચાર જ ક્યાંથી આવે? એક યુવાનને એની પત્ની સાથે બનતું ન હતું. ઝઘડા થતા હતા. પત્નીમાં એને પ્રોબ્લેમ જ દેખાતા હતા. તું અામ નથી કરતી અને તું તેમ નથી કરતી. માનસિક શાંતિ માટે એ યુવાન એક સંત પાસે ગયો. સંત સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે મને મારી પત્ની સાથે ફાવતું નથી. સંતે પૂછ્યું કે, તેનામાં શું ખામી છે? યુવાને આખું લિસ્ટ કહી આપ્યું. સંતે કહ્યું, અરે વાહ, તું તો તારી પત્નીને પૂરી રીતે ઓળખે છે. હવે તું મને એક પ્રશ્નનો જવાબ આપ. તને ખબર છે કે તારામાં શું ખામી છે? યુવાન ચૂપ થઇ ગયો. તેની પાસે જવાબ જ ન હતો. સંતે કહ્યું કે તું તારી પત્નીની ખામી દરરોજ એને ગણાવે છે, તેં ક્યારેય એને પૂછ્યું છે કે મારામાં શું ખામી છે? તને જેમ એનામાં ઘણું નથી ગમતું એમ એને પણ તારામાં ઘણું નહીં ગમતું હોય. ઘરે જા, તારી પત્નીને પૂછ અને પહેલાં તું તારી ખામીઓ દૂર કર. તું કરીશ એટલે એ આપોઆપ કરશે. આપણે બધાને બદલવા હોય છે પણ આપણે જરાયે બદલવું હોતું નથી.

વાત સંબંધની હોય, સુખની હોય કે પછી સફળતાની હોય, આપણને આપણી ખામીની ખબર હોય તો તેને સુધારીને આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. માણસ સફળ થવા માટે જે લોકો સફળ હોય છે એના પ્લસ પોઇન્ટ્સ જુએ છે અને તેના જેવા બનવા પ્રયત્ન કરે છે. કોઇના જેવા બનવાથી ક્યારેય સફળ કે સુખી થવાતું નથી. સફળ અને સુખી થવા માટે માણસે પોતાના જેવા જ બનવાનું હોય છે. હું જેવો છું એવો છું એવી જિદ્દ કાયમ માટે ન ચાલે. પહેલાં એ વિચારવું પડે કે હું કેવો છું? મારામાં શું ખૂટે છે? મારી શું મર્યાદા છે? માત્ર શોધી લેવાથી પણ કંઇ  ફર્ક પડતો નથી. એને સુધારવા પણ પડે છે. સમયની સાથે બધું બદલતું હોય છે. એક મેેનેજમેન્ટ ગુરુએ યંગસ્ટર્સને પૂછ્યું કે માર્કેટમાં ટકવા માટે શું કરવું જોઇએ? અને યુવાને કહ્યું કે, લોકોને દરરોજ કંઇક નવું જોઇએ છે. ઇનોવેશન ઇઝ ધ કી ફેક્ટર. જૂનાથી લોકો બહુ ઓછા સમયમાં કંટાળી જાય છે. નવું આપતા રહો તો તમે ટકી જાવ. મેનેજમેન્ટ ગુરુએ કહ્યું, રાઇટ, બહુ સારી વાત છે. હવે તમે એ કહો કે તમારી લાઇફમાં શું નવું છે? તમારી લાઇફમાં કંઇ નવું નહીં હોય તો તમે પણ કંટાળી જશો. તમારે કંઇ ચેન્જ લાવવો હોય તો પહેલા તમે ચેન્જ થાવ. આપણે કપડાં બદલતા રહીએ છીએ, ઘર અને કાર પણ બદલીએ છીએ. આપણે પોતે કેટલા બદલતા હોઇએ છીએ? લાઇફ સ્ટાઇલ બદલી નાખવા આપણે ઉધામા કરીએ છીએ પણ લાઇફ બદલવા આપણે શું અને કેટલું કરીએ છીએ?

રોજ સવારે તૈયાર થતી વખતે આપણે અરીસામાં જોઇએ છીએ કે હું કેવો કે હું કેવી લાગું છે. જરા પણ ખામી દેખાય તો આપણે તેના ઉપાય કરીએ છીએ. ઉંમર વધે તેમ માણસ સારા દેખાવવાના વધુ પ્રયત્ન કરે છે. એક માણસ રોજ અરીસાને પૂછે કે હું કેવો લાગું છું? અરીસો જવાબ આપતો નથી. એ પોતે જ શોધે છે કે મારામાં શું ખૂટે છે. કઇ લટ આડી-અવળી છે? શેવિંગ કરતી વખતે વાળ રહી તો નથી ગયા ને? દાઢી-મૂછ તો બરાબર સેટ છે ને? અરીસો જવાબ આપતો હોય એમ પોતે જ પછી કહે છે કે હવે હું પરફેક્ટ છું! એને એક વખત એવો ભાસ થયો કે અરીસો તેને કંઇક પૂછે છે. અરીસાએ કહ્યું કે બહારથી તો તું પરફેક્ટ છે પણ અંદરથી? દિલમાં જે જાળા બાઝી ગયા છે એ તને દેખાય છે? તારી અંદર જે થર જામી ગયા છે એનું શું? હું તો અરીસો છું. માત્ર બહારનું જ દેખાડું છું. અંદરનું જોવા માટે તો તારે જ તારો અરીસો બનવું પડે. બહારનું જોવા માટે આંખ છે પણ અંદરનું જોવા માટે? માણસે પોતાની અંદર જ ઊતરવું પડે છે. દિલ સાથે વાત કરવી પડે છે. વિચારોની ધાર કાઢવી પડે છે. વર્તનને ચકચકિત કરવું પડે છે. અરીસો સાફ કરવાથી ચહેરાની ધૂળ હટી જતી નથી. તમારા સિવાય તમારામાં બીજું કોઇ પરિવર્તન લાવી ન શકે. તમારે ચેન્જ થવું છે? તો પહેલાં એ શોધી કાઢો કે તમારામાં ચેન્જ કરવા જેવું શું છે? આપણે બદલીએ તો જ દુનિયા બદલાયેલી લાગે. દુનિયા સરવાળે તો આપણે જેવા હોઇએ એવી જ આપણને લાગતી  હોય છે. 

__._,_.___

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment