Tuesday, 29 September 2015

[amdavadis4ever] શાંતિદૂત

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દેશ ત્યજીને નવા જીવનનો આરંભ કરતું અબુ-અલ ઐશનું કુુટુંબ

---

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિશ્ર્વના જુદા જુદા ભાગોમાંથી હિંસાચાર, પેઢી દર પેઢી લડાઈઓ અને ધર્મયુદ્ધના નામે થતી માનવવંશની કત્લેઆમ વિશે આપણા વાંચવામાં, સાંભળવામાં અને સોશિયલ સાઈટ પર જોવામાં એટલા બધા પ્રમાણમાં આવે છે કે હવે તો આપણે સીધા પ્રસારિત થતા અહેવાલો કે પુસ્તક કે સમાચારો બાજુ પર ધકેલી દેવા જેટલા જાડી ચામડીના થઈ જ ગયા છીએ. આપણા એવા ઠરી ગયેલા કલેજાને ગરમી આપવામાં આવતી હોય એમ અચાનક વિદેશી ન્યૂઝ ચૅનલો ગાઝાપટ્ટીના કોઈ એક ડૉક્ટરની આત્મકથા આઈ શૅલ નોટ હૅટ ના ભરપેટ વખાણ કરવા લાગે ત્યારે આપણને એની સાર્થકતા સમજાય છે. ગાઝાપટ્ટીમાં નિર્વાસિતોની છાવણીમાં જન્મેલા ડૉ. ઈઝેલદીન અબુ અલ-ઐશની આત્મકથા નોખી માટીના નોખા માનવીની વાત જેવી છે.

આ નોખાપણું એટલા માટે કે અબુલૈશનું બાળપણ અને તારુણ્ય અન્યાય, અત્યાચાર અને અછત-અભાવોથી ભરેલું રહ્યું છે, એટલું ઓછું હોય એમ પોતાના ઘર પર પડેલા બૉમ્બને કારણે ભૂક્કા બોલી જતા ઘરની સાથે પોતાની ત્રણ દીકરી અને એક ભત્રીજીના ટુકડેટુકડા થઈ જતા નજરે જોઈને વેરભાવનાથી સળગી-ભડકી ઊઠીને હિંસાચાર ભણી વળવાને બદલે આ માણસ બોલવાનો મોકો મળે ત્યાં દરેક ઠેકાણે 'બેઉ તરફના નિષ્પાપ, નિર્દોષ નાગરિકોને મારી નાખતું આ યુદ્ધ હવે તો થંભાવો', એવો પોકાર કરે છે.

ડેલી ટેલિગ્રાફ નામના અખબારે આ પુસ્તક વિશે કહ્યું છે કે, "આ પુસ્તક એટલે આકરો, પીડાકારી જીવન પ્રવાસ અને હૃદયદ્રાવક શોકાંતિકા નથી... ઘટના શોકપૂર્ણ હોવા છતાં અહીં ઉખડેલો, તીવ્ર થયેલો, વિવશ આક્રોશ નથી જ નથી, પણ એક સુજ્ઞ-સભાન-સુજાણ નાગરિકે બેઉ દેશના નેતાઓને, ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના યુદ્ધપિપાસુ, લોહી તરસ્યા લશ્કરોને બુદ્ધિજન્ય નિર્ણય કરવા માટે કરેલો પોકાર છે.'

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ, લડાઈ, વેરભાવ અડધી સદીનો છે. એકબીજા માટેના કટ્ટર વેરભાવનાને કારણે બેઉ પક્ષે માનવસંહારની તમામ સીમાઓ ઓળંગી લીધી છે. ગાઝાપટ્ટીનો વિસ્તાર માંડ ૩૬૦ ચોરસ મીટરનો, તેમાં પણ વસતિ ૧૮ લાખની જ જોકે, આ પણ ગીચતાનો એક રેકૉર્ડ કહેવાય. આટલી વસતિમાં ૮૦ ટકા લોકો પાછા આરબ અને તેય મોટેભાગે ઈઝરાયલે હાંકી કાઢેલા. તેમાંના પણ મોટાભાગના ગરીબીની રેખાની નીચે જીવનારાં. બાકીના ત્યાંના મૂળ રહેવાસી એટલે કે બદાયુની લોકો છે.

અબુલૈશનો જન્મ ગાઝાપટ્ટીમાં જબાલિયા રેફ્યૂજી કૅમ્પમાં ત્રીજી ફેબ્રુઆરી, ૧૯૫૫ના થયો હતો. આમ તો તેનું કુટુંબ ખાનદાન અને સંપન્ન હતું. દાદા દક્ષિણ ઈઝરાયલમાં એક ગામના સરપંચ હતા. તેમણે યુદ્ધકાળમાં પોતાના પુત્રનો(અબુલૈશના પિતાનો) જીવ બચાવવા તેમને ગાઝામાં પાઠવ્યા હતા. પિતાને બે પત્નીઓ હતી. બેઉને બાળકો હતાં. ગાઝામાં અન્ન, પાણી, વીજળી, શિક્ષણ વગેરેનો સતત અભાવ, પરિસરમાં પારાવાર ગંદકી. શૌચાલય એટલે પેશાબ-મળનું દલદલ જ. વળી ઘરમાં ગળે ન ઉતરે એવી દુર્ઘટના બને. અબુલૈશના નવ ભાઈબહેનોમાં એક નવજાત બાળકી ઘરમાં દોડાદોડી કરનારા એક ભાઈના પગ નીચે ચગદાઈ જઈને મરી ગયેલી!

ગાઝામાં ત્યારે અડધા કરતા વધારે વસતિ ૧૮ વર્ષથી નીચેના લોકોની હતી. વિસ્તારમાં ત્રણ જ સ્કૂલો હતી એટલે પ્રવેશ મેળવવો બહુ મુશ્કેલ હતો. સારા માર્ક્સ તો બહુ મહેનતે મળે. બધા ભાઈબહેનોમાં અબુ અલ-ઐશ સૌથી મોટા એટલે સ્કૂલમાં ભણવા જતા એ સાથે બહાર કામ કરીને માતાને આર્થિક મદદ કરતા હતા. સ્કૂલમાંથી ક્યારેક તેમને ઈનામો મળતા હતા. એક વાર સ્કૂલમાંથી ઈનામ મળ્યું પણ ફાટેલા પેન્ટના ફાટેલા ખીસામાંથી ઈનામના ચલણી સિક્કા પડી ગયા ત્યારે માતાએ નિરાશ થઈને બહુ માર માર્યો હતો..., પણ એ વયમાં પણ

તેમને માતાની નિરાશા-દુ:ખ-મુશ્કેલીઓ સમજાતાં હતાં.

૨૦૧૨માં યુનાઈટેડ નેશન્સની જનરલ ઍસેમ્બલીએ પેલેસ્ટાઈનને ઓબ્ઝર્વરનો દરજ્જો-સ્ટેટસ આપ્યો હોવા છતાં પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સ્થાપી શકાઈ નહોતી. વળી પેલેસ્ટાઈનમાંથી બહાર જવા માટે ઈઝરાયલમાંથી જવું પડતું હતું. રસદ-પૂરવઠા પ્રાપ્તિ માટે ઈજિપ્ત અને જોર્ડન પર આધારિત ગાઝાના નાગરિકોને ત્યારે ઈઝરાયલની ખુશામત કરવી પડતી હતી. બહાર જતી વખતે અનેક ફોર્મ અને દસ્તાવેજો તૈયાર કરવા પડતા હતા..., તો પણ છેલ્લી ઘડીએ ઈઝરાયલના અધિકારીઓ પોતાની લહેર પ્રમાણે પરવાનગી નકારી કાઢતા હતા. સામે પક્ષે 'હમાસ' પણ સખણું રહેતું નહી, કોઈને કોઈ કારણ આગળ ધરીને હવાઈ હુમલા કરીને અને સંખ્યાબંધ ટેન્કોની ગોળાબારી દ્વારા ગાઝાનો કચ્ચરઘાણ કાઢતું હતું. ગાઝામાં કેટલીક ઈમારતો ચાર-ચાર વાર બાંધવામાં આવી છે અને ઈઝરાયલે તે ફરી ફરીને જમીનદોસ્ત કરી છે. આમ છતાં ત્યારે ઈઝરાયલમાં મળનારી ફાલતું પ્રકારની નોકરી પણ પેલેસ્ટાઈનના યુવાનોને મધ જેવી લાગતી હતી. એવી નોકરીઓ કરીને જ ઈઝેલદીન અબુલૈશે પંદર વર્ષની વયમાં જ પોતાના કુટુંબને એક સારું ઘર મેળવી આપ્યું હતું.

આવી પ્રતિકૂળતામાંથી રસ્તો કાઢતા રહીને ઈજિપ્તનાં કાયરોની મેડિકલ કૉલેજમાંથી ડૉક્ટરીની ડિગ્રી મેળવી, પછી તેઓ લંડન અને હાર્વર્ડમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવીને ગાયનેકોલોજીસ્ટ થયા. શિક્ષણ અને નોકરીઓને પગલે તેમણે ભરપૂર પ્રવાસ કર્યો છે. ઠ.ઇં.ઘ. (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન) અને ઞગછઠઅ (યુનાઈટેડ નેશન્સ રિલિફ ઍન્ડ વર્ક્સ એજન્સી)માં કરેલી નોકરી થકી લોકસેવાનું કામ કરવાની તેમને પૂર્ણ તક મળી હતી.

અબુ અલ-ઐશની આત્મકથામાંથી સમકાલીન પેલેસ્ટાઈનની સંસ્કૃતિની એક ઝલક મળે છે. પેલેસ્ટાઈન આમ તો આખો દેશ શ્રદ્ધાવાન મુસ્લિમ લોકોનો. ધર્મ અને આચારસંહિતા નિષ્ઠાપૂર્વક પાળનારો. અભાવ કે અછતમાં જ મદ્યપાન અને કુટુંબનિયોજન પાળવામાં આવે. કુટુંબ અને સમાજમાં ગજબની એકતાની ભાવના જોવા મળે. જે કરતબવાન-હોંશિયાર નીકળે તે સૌનો તારણહાર બને, પણ વ્યક્તિસ્વાતંત્ર્ય બિલકુલ નહીં. જાનવરો ધડાધડ મારીને ખાવાની અરબી રીત! શ્રીમંતો દ્વારા જરદાલુ, ઓલિવ, અંજીર અને દ્રાક્ષનું ઉત્પાદન કરવામાં આવે. અબુલૈશને દરેક ઘટના તારીખ-વાર-સમય સહિત યાદ આવે. પોતાના માન-અપમાન વિશે નમ્રતાપૂર્વક જાણકારી આપે છે, જેમ કે... જનસેવાની ઘેલછાથી ચૂંટણીમાં ભાઈ ઉતર્યા. લોકોએ મોઢામોઢ ટેકો દેખાડ્યો એટલે ખુશ ખુશ થયા, પણ નસીબમાં પ્રચંડ હાર હતી તે મળી. 'હમાસ'ને બહુમત મળ્યો હતો.

પુષ્કળ લાગણીશીલ કે સંવેદનશીલ પ્રસંગોનું વર્ણન કરતા પણ તેમનો સંયમ બેકાબૂ બનતો નથી. લગ્નજીવનમાં પત્ની નાદિયાનો ૨૦ વર્ષનો સંગાથ તેને લ્યૂકેમિયાનો રોગ થતા સમાપ્ત થયો. ડૉ. અબુ અલ-ઐશની હૉસ્પિટલમાં ટ્રીટ્મેન્ટ ચાલતી હોવા છતાં બીમાર માતાને મળવાની પરવાનગી અબુ અલ-ઐશના ભાઈબહેનોને મળી નહોતી. ઈઝરાયલની શેબા હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું ત્યારે નાદિયાનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જતાં ફોર્મ્સ ભરીને દસ્તાવેજો બનાવી લીધા હોવા છતાં એમ્બ્યુલન્સને ચોક્કસ અંતર સુધી અબુલૈશની કારની પાછળ દોડાવાઈ હતી.

નાદિયાના મૃત્યુ બાદ છ છોકરીઓ અને બે છોકરાઓની જવાબદારી અબુ અલ-ઐશનાં માથે આવી પડી હતી. બધા સંતાનોમાં સૌથી નાનો અબ્દુલ્લા ત્યારે પાંચ વર્ષનો હતો. નાદિયાના અવસાનના બરાબર ચાર મહિના બાદ એટલે કે ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ના દિવસે ઈઝરાયલના હવાઈ હુમલામાં તેમનું ઘર બૉમ્બમારાની ઝપટમાં આવ્યું તેમાં તેમની ત્રણ દીકરીઓ અને એક ભત્રીજી છિન્નભિન્ન અવસ્થામાં મોતને ભેટી એ નજરે જોયું હતું. એ પહેલા તેમના આંગણાંમાં તેમના ઘરને નિશાન બનાવીને ઊભેલી ટેન્કોને પગલે બે સપ્તાહ સુધી દહેશતનો માહોલ રહ્યો હતો અને 'તમને કશું થશે નહીં' કે 'તમને કશું કરવામાં આવશે નહીં' એવી ઉચ્ચ સ્થાને બિરાજેલા અધિકારીઓએ આપેલી ખાતરી પોકળ નીવડી હતી.

આ બૉમ્બ સ્ફોટ બાદ અબુ અલ-ઐશે ઈઝરાયલની એક ટીવી ચૅનલને ફોન કર્યો એ વખતે તેમનો મિત્ર જ સમાચાર વાંચતો હતો. એણે અબુ અલ-ઐશના કૉલને સ્પીકર સાથે જોડી દીધો અને આ ઘટનાની સમગ્ર જગતને જાણ કરી. સમાચાર વાંચનની વચ્ચે આવેલો ફોન લેવો અને એ વાતચીતનું સીધું પ્રસારણ કરવું એ બેઉ ઘટના અભૂતપૂર્વ હતી. એક શત્રુ રાષ્ટ્રમાંથી આમ દોસ્તીનો હાથ મળવો એ એક માણસના જીવનમાં બહુ મોટી-મહત્ત્વની ઘટના છે, સિદ્ધિ છે.

એ પછી ડૉ. ઈઝેલદીન અબુ અલ-ઐશે ગાઝામાં રહીને લોકોની સેવા કરવાનો આગ્રહ પડતો મૂકી અબુ અલ-ઐશ-કુટુંબ, ત્રણ પુત્રી અને બે પુત્રો સહિત કૅનેડાના ટોરોન્ટોમાં કાયમના વાસી બન્યાં હતા. કૅનેડામાં તેમણે 'હપી ડૉટર ફાઉન્ડેશન' નામની સંસ્થાની સ્થાપના કરીને સિરિયા, પેલેસ્ટાઈન, જોર્ડન, ઈજિપ્ત અને ઈઝરાયલની કૉલેજોમાં ભણનારી છોકરીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવાનો આરંભ કર્યો હતો.

પોતે આટઆટલું ભોગવ્યા બાદ પણ ઈઝેલદીન અબુ અલ-ઐશ મન:પૂર્વક, દિલથી, વિવેક સાથે આ યુદ્ધ, સંઘર્ષ સમાપ્ત કરવાનો પોકાર વારંવાર કરે છે. દ્વેષ. વેરભાવ, ચીઢ, ક્રોધને માનસિક રોગ માનનારો આ શાંતિદૂત પોતાની દીકરીઓના મોત પછી કાગડોળે યુદ્ધવેદી શાંત પડવાની રાહ જોઈ રહ્યો છે.

---

હિંસાનો જવાબ હિંસા નહીં જ: આઈ શૅલ નોટ હૅટ

મુખપૃષ્ઠ પર દેખાતી અબુ અલ ઐશની ત્રણ જીવિત પ્રજાઓ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment