Monday, 2 November 2015

[amdavadis4ever] મૃતાત્મા સાથે (પણ ) સગાઈના નામે ઠગાઈ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક જમાનામાં ગુજરાતી દૈનિક અખબારો અઠવાડિયે એક વાર વધારાની સાપ્તાહિક પૂર્તિ પ્રગટ કરતાં. આ સાપ્તાહિક પૂર્તિમાં પીરસાતી વાચનસમાગ્રીની વાચકો ભારે ઈન્તેજારીપૂર્વક પ્રતીક્ષા કરતા. આજે લગભગ તમામ દૈનિક પત્રો રોજ એક પૂર્તિ પ્રગટ કરે છે. આ ઢગલાબંધ દૈનિક વાંચન સામગ્રીમાં તમને સહુથી વધુ કયો વિભાગ કે કઈ કટાર પસંદ છે એવો સવાલ જો કોઈને પુછાય તો કદાચ પૂર્તિઓની કુલ વાચનસામગ્રી જેટલી જ સંખ્યામાં વિભાજિત થયેલા જવાબો મળે.

જે જમાનામાં એક જ સાપ્તાહિક પૂર્તિ પ્રગટ થતી એ જમાનાના વાચકો આ પ્રશ્ર્નનો ઉત્તર આંખ મીંચીને આપી દેતા-તંત્રીલેખ જેને તેઓ અગ્રલેખ કહેતા એ મોટા ભાગના વાચકોની પ્રિય વાચનસામગ્રી હતી. ફલાણા અગ્રલેખમાં આમ લખાયું છે અને ઢીંકણામાં તેમ લખાયું છે એવી ચર્ચાઓ પણ થતી. (આનું કારણ કદાચ એ પાણ હોય છે કે ત્યારે તંત્રીઓ પોતે જ-સાચેસાચ પોતે જ-લખતા અને આ તંત્રીઓ પત્રકારધર્મીઓ જ હતા.)

પણ આજની વાત જુદી છે. તમામ ગુજરાતી વર્તમાનપત્રોમાં મોટા ભાગના વાચકો જેને અચૂક વાંચે છે એવો જો કોઈ વિભાગ હોય તો એ વિભાગ મરણનોંધનો છે. કેટલાંક ઘરોમાં તો આ મરણનોંધથી માહિતગાર રહેવા માટે જ સસ્તામાં સસ્તું અખબાર ખરીદવામાં આવે છે. ક્યાંક એવું પણ જોયું છે કે ધુરંધર વર્તમાનપત્ર બીજા કોઈ શહેરમાંથી પોતાની આવૃત્તિ શરૂ કરે ત્યારે વાચકો હજુ આ નવી આવૃત્તિથી માહિતગાર થયા હોય નહીં એટલે પોતાના પરિવાર કે સગાંસંબંધીની મરણનોંધ એમને પહોંચાડે નહીં. પણ એથી શું થયું, મરણનોંધ વગર કંઈ દૈનિક અખબાર નીકળે? આ આવૃત્તિના સંચાલકો આગલા દિવસે બીજાં અખબારોમાં જે મરણનોંધો છપાઈ હોય એનું પુર્ન પ્રકાશન કરીને પોતાના દૈનિકનું એક પાનું તો ભરે જ, પછી ભલે એ સાદડી આગલા દિવસે થઈ ગઈ હોય! કમ સે કમ એનાથી મરનારના દશ-વીસ સગાંસંબંધીઓ કે જેમનાં નામ આ નોંધમાં છપાયાં હોય તેઓ નકલ ખરીદે તો ખરા અને આમ સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટ પોતાની કામગીરીની ફતેહગાથા આલેખી શકે. 

ગુજરાતી અખબારોમાં છપાતી આ મરણનોંધો ભારે વિશિષ્ટ કહેવાય એવી છે. અન્ય ભગિની ભાષાઓ મરાઠી કે હિંદીમાં આવા કોઈ સમાચારની નોંધ છપાતી નથી. આ અન્ય ભાષી લોકો મરણ પ્રસંગે કઈ રીતે વહેવાર જાળવતા હશે એ તપાસ કરવા જેવો રસપ્રદ મુદ્દો છે. આપણે ત્યાં તો ભાવનગરનો એક નાગરિક મૃત્યુ પામે તો એના પરિવારજનો ભાવનગરનાં સ્થાનિક અખબારોમાં તો એ છપાવે જ પણ સદ્ગતના સ્નેહીજનો આ વાતની ખબર મુંબઈના સ્વજનોેને પણ પડે એ માટે મુંબઈનાં અખબારોમાં પણ છપાવે છે.

આ મરણનોંધોનો ઝીણવટથી અભ્યાસ કરીએ તો એક વાત ઊડીને આંખે વળગે છે કે દરેક મૃતાત્મા સ્વર્ગલોકમાં ગમન કરતો નથી. પરલોકના પંથે જનારાઓને જુદા જુદા ઠેકાણાંના વિઝા આપવામાં આવે છે. કોઈ સ્વર્ગવાસી થાય છે, કોઈ કૈલાસવાસી થાય છે, કોઈ અક્ષરધામમાં જાય છે તો કોઈ અરિહંતશરણ પામે છે. કોઈને ફાળે ગોલોક ગમન આવે છે તો કોઈ વૈકુંઠધામમાં સંચરે છે. એક વાત નક્કી છે કે કોઈ માત્ર અવસાન નથી પામતું, દરેક જણ નવું સરનામું લઈને જાય છે.

આપ્તજન મૃત્યુ પામે એ પછી બીજે કે ત્રીજે દિવસે પ્રાર્થનાસભા તરીકે ઓળખાતી સાદડી રખાતી હોય છે. આની નોંધ લખીને સ્થાનિક દૈનિકોની મરણનોંધ કટારમાં છાપવા માટે મોકલવામાં આવે છે. મડદા સાથે વળગેલી નનામીની વળીઓની જેમ સદ્ગતના નામ સાથે સગાઈ આ ઓઠા હેઠળ પોતપોતાનાં નામ વળગાડી દેવાની મનોવૃત્તિ ભારે માંદલી છે. મરનારના કુટુંબીજનો તથા નિકટના સ્વજનો તથા થોડાક વડીલો એકઠા થઈને જ્યારે આ મરણનોંધ લખવા બેસે છે ત્યારે અંદરોઅંદર ભારે હુંસાતુંસી થતી હોય છે. અખબારો મરનાર સાથેની ત્રણ, ચાર કે પાંચ સગાઈઓ જ છપાય એવો આગ્રહ રાખતા હોય છે. અખબારે પોતાની મર્યાદા પ્રમાણે જગ્યા ફાળવવાની હોય છે. મેં નજરોનજર જોયું છે કે આ મરણનોંધ લખાતી વખતે ક્યાં સગાંઓની સગાઈઓ એમાં સમાવવી એ માટે આ લખનારાઓ વચ્ચે મનોમન હુતુતુતુ રમાતું હોય છે. 

'ફલાણા કાકાનું નામ આવવું જ જોઈએ.' એક જણ કહેશે.

'એ કાકાના પરિવારમાં બે વરસ પહેલાં એમની પુત્રવધૂનું મૃત્યું થયું ત્યારે સગપણમાં આપણા નામ નહોતાં છાપ્યાં એટલે એમનું નામ લખવાની જરૂર નથી.' બીજા એક આપ્તજન ઈતિહાસનું પૃષ્ઠ ઉખેળીને યાદ આપશે. 

'મોસાળનું સગપણ લખો તો પછી સાસરિયાંનું પણ લખવું જોઈએ અને પિયરિયાંનું પણ ભુલાય નહીં.'

'આ બધા વચ્ચે ઘરના છોકરાઓનાં નામ રહી ન જાય એ જોજો!' ઘરમાંથી કોઈક સૂચના આપશે. 

કેટલીક વાર બધાને રાજી રાખવા એવા વહેવારિક રસ્તાઓ કાઢતા સુજ્ઞ સજ્જનો નજરે પડ્યા છે. કે જેઓ સૂચવાયેલી બધી જ સગાઈઓનાં નામ લખશે પણ પછી કહી દેશે-'જુઓ, મેં તો બધાં નામ લખ્યાં છે. છાપાવાળાઓ પાંચ સગાઈ જ છાપે છે એટલે કોઈનાં નામ નીકળી જાય તો મને દોષ ન દેતાં.'

આ પછી ઘરના ત્રણ-ચાર જણની ખાનગી બેઠક થાય છે. આ બેઠકમાં અગાઉ લખાયેલો ડ્રાફ્ટ ફરી વાર લખાય છે અને જેમનાં નામ ઉમેરવાં હોય એને ઉમેરીને કે જેમનાં નામ કાઢી નાખવાં હોય એ કાઢીને છાપામાં લખાણ મોકલી દેવામાં આવે છે. મરણનોંધમાં નામ લખાવવાની આ હુંસાતુંસીનું એક વરવું ચિત્ર હમણાં જ જોવામાં આવ્યું હતું. એક મરણ નિમિત્તે પરિવારે જે નોંધ લખી એમાં સગાઈઓ લખતી વખતે ફલાણા તથા ઢીંકણાના કાકા એમ લખાયું હતું. આ મરણનોંધ બીજા દિવસે પ્રગટ થઈ. એ વાંચીને સદ્ગત કાકાના પેલા બે ભત્રીજા ફલાણા તથા ઢીંકણાને ભારે વાંધો પડી ગયો. એમણે તત્કાળ શોકગ્રસ્ત પરિવારના ઘરે જઈને ઝઘડો કર્યો.-'આમાં અમારું નામ તોછડાઈથી લખ્યું છે. તમારે ફલાણાભાઈ તથા ઢીંકણાભાઈના કાકા એમ લખવું જોઈએ. હવે બારમાના પ્રસંગે અમે હાજર નહીં રહીએ.' આ ઝઘડો એટલી હદે વધી ગયો કે પેલા શોકગ્રસ્ત પરિવારે માફી માગવી પડી અને બીજે કે ત્રીજે દિવસે અખબારોમાં ફરી વાર આ મરણનોંધ જાહેરખબરના દરે છપાવીને ફલાણાભાઈ તથા ઢીંકણાભાઈના 'કાકા' એવો સુધારો કર્યો. 

મરણોત્તર ક્રિયાઓમાં પણ વહેવારના નામે આપણે કેવી શૂદ્રતા આચરીએ છીએ એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કેટલાક સમાજોમાં આવી ક્રિયાઓ નથી હોતી, પણ જે સમાજોમાં આવાં વિધિવિધાનો છે એમણે મૃત્યુનું ગૌરવ જાળવવું જોઈએ. તેરમાની ક્રિયા નિમિત્તે જ શય્યાદાન, સુવર્ણદાન, અન્નદાન વગેરે થાય છે એ વખતે પણ મામાની દીકરી અને કાકાની દીકરી આવા ભેદભાવો સાથે માનસિક ઉત્તાપ પેદા થતો હોય છે. સહુથી દુ:ખદ વાત તો એ છે કે આવી પરિસ્થિતિ પેદા કરનારા કોઈ અશિક્ષિત કે ગામઠી લોકો નથી હોતા. મહાનગરોમાં વસતા, કહેવાતા શિક્ષિતો અને પોતાને સુધારક કહેવડાવતા માણસો સુધ્ધાં આમાં હોય છે. 

જરા આસપાસમાં નજર નાખજો. તમારી નજરે ઉપર લખ્યા છે એવા ફલાણાભાઈ અને ઢીંકણાભાઈ મળી આવશે. બનવાજોગ એવું છે કે તમે પણ ક્યાંક આમાં હો!

મરણનોંધ વિધિવિધાનો પાછળ એક ચોક્કસ ધર્મરેખા આલેખાયેલી છે. મૃત્યુ નિશ્ર્ચિત છે એ જાણ્યા પછી પણ મૃત્યુ દુ:ખદ છે એ વાત પણ આપણે સ્વીકારીએ છીએ મૃત્યુ પામનાર વ્યક્તિના આત્મા વિશે આપણે સહુ શ્રદ્ધા ધરાવીએ છીએ. મરનાર સાથેનો વહેવારિક સંબંધ ગમે તે હોય પણ આ ધાર્મિક ક્રિયાઓમાં જે પારિવારિક ચડસાચડસી પરસ્પરને ટાંગ મારવાની હદ સુધી થતી હોય છે. એ ભારે કદરૂપી હોય છે. મરનારાના આત્માને આપણે ભાવપૂર્વક નમન કરીને શાંતિ આપી શકીએ તો સારી વાત છે, પણ જો ન આપી શકીએ તો ઓછામાં ઓછું અશાંતિ પેદા તો ન જ કરીએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment