Sunday 29 November 2015

[amdavadis4ever] પુણ્યની વ્યાખ્યા સમજતાં શી ખવું જોઈએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘણી લોકકથાઓ અદ્ભુત બોધ આપી જતી હોય છે. આવી જ એક લોકકથા ઘણાં વર્ષો પછી ફરી વાંચી. 'લોકજીવન' સામયિકના એક એપ્રિલ, ૧૯૬૦ના અંકમાં. આ વાર્તા વાંચીને વાચકો સાથે શેર કરવાની ઈચ્છા થઈ. બુંદેલખંડની આ લોકકથાનો અનુવાદ જગદીશ ચાવડાના નામ સાથે 'લોકજીવન' સામયિકમાં પ્રસિદ્ધ થયો હતો. 'લોકજીવન' અને જગદીશ ચાવડાના સૌજન્ય સાથે આ લોકકથા વાચકો સામે મૂકું છું.

એક નગરમાં એક શેઠ રહેતા હતા. શેઠ ખૂબ ધનવાન હતા. કરોડોનો વેપાર ચાલતો હતો. ઉદાર હતા. દાનપુણ્યમાં ખૂબ પૈસા ખર્ચતા. એમણે કેટલીયે ધર્મશાળાઓ, શાળાઓ અને ઔષધાલયો બનાવડાવ્યા હતાં. એમના નામે કેટલાંયે સદાવ્રતો ચાલતાં. એ બધાને લીધે શેઠની આબરૂ આખા દેશમાં ફેલાઈ ગઈ હતી. એ એટલા બધા ધનિક હતા કે ક્યારેક ક્યારેક રાજાને પણ વ્યાજે પૈસા આપતા. 

શેઠની સ્ત્રી ખૂબ ભલી હતી. આંગણે આવેલા અતિથિને તે નિરાશ ન કરતી. બારણે આવેલું કોઈ ખાલી હાથે પાછું ન ફરતું. આ રીતે શેઠશેઠાણી દાન-પુણ્ય અને આનંદપ્રમોદમાં સમય ગાળતાં. 

પણ બધા દિવસ કાંઈ સરખા હોય છે? પુણ્યની માયા અને ઘરની માયા ક્યારેય સ્થિર રહેતી નથી. હિંડોળાના હીંચકાની માફક એની સ્થિતિ કાયમ બદલાતી રહે છે. ભાગ્યનું ચક્ર ફર્યું અને શેઠને વેપારમાં ભારે ખોટ આવી. શાહુકારી પાણીમાં ડૂબી ગઈ. દુકાનો બંધ પડી. વગર ઝરણાનો કૂવો ખાલી થઈ જાય છે તેમ શેઠ ખાલી થઈ ગયા. પહેલાં શેઠ માટીને અડતા તો માટી સોનું થઈ જતી. કાળના બળે હવે સોનું પણ માટી બની જવા લાગ્યું. શેઠ નિરાશ થઈ ગયા. ઈજ્જત ખોઈને બેસી રહેવું એના કરતાં પરદેશ ચાલ્યા જવું સારું એમ માની શેઠ એક દિવસ ઘર છોડીને ચાલી નીકળ્યા.

મુશ્કેલી ક્યારેય એકલી નથી આવતી. ચાલતાં ચાલતાં શેઠ એક ગામમાં આવ્યા કે સખત બીમાર પડી ગયા. માંદગી ખૂબ લાંબી ચાલી. પાસે થોડાઘણા પૈસા હતા તે આ માંદગીમાં ખર્ચાઈ ગયા. શેઠાણી આખો દિવસ દળણાં દળતી ને શેઠને સાજા કરવા દિવસરાત ઉજાગરા વેઠતી. 

એક દિવસે એક પરદેશી બ્રાહ્મણ તે જ ગામમાં આવ્યો. તે ખૂબ ગરીબ હતો. એને એની દીકરી પરણાવવી હતી તેથી ધનવાનો પાસે પૈસાની માગણી કરવા આવ્યો હતો. તે ઘેર ઘેર ફરતો હતો. તેવામાં કેટલાક ઠઠ્ઠાખોર માણસોનો તેને ભેટો થઈ ગયો. ઠઠ્ઠાખોર માણસોએ પેલા ગરીબ બ્રાહ્મણને બીમાર શેઠને ઘેર મોકલી આપ્યો ને કહ્યું કે, 'તું ત્યાં જા. શેઠ ખૂબ ધનવાન છે. તારી દીકરીના લગ્ન કરાવી આપશે.'

બ્રાહ્મણે પેલા લોકોની વાત સાચી માનીને શેઠને ઘેર ગયો. બ્રાહ્મણને જોઈને શેઠ તરત જ ઊભા થઈ ગયા ને બ્રાહ્મણને ખૂબ જ આદરથી પાસે બેસાડ્યો. બ્રાહ્મણે પોતાના આવવાનું કારણ સમજાવ્યું તો શેઠ ખૂબ જ મુંંઝાયા. આ ગરીબ બ્રાહ્મણને કંઈ આપવું જ જોઈએ એમ વિચારી એમને બેસવા માટે આગ્રહ કરતા કહેવા લાગ્યા: 'મહારાજ! થોડી વાર થોભી જાઓ. મારાં પત્ની બહાર ગયાં છે. તે આવતાં જ હશે.'

થોડી વારમાં શેઠાણી આવી ગયાં. પહેરેલી સાડીએ કેટલાંયે થીગડાં દીધેલાં હતાં. એ જોઈને બ્રાહ્મણને ખૂબ દુ:ખ થયું. એણે વિચાર્યું આ ગરીબ આદમી પાસેથી કંઈ લેવું જોઈએ નહીં. તેથી તે જવા માટે ઊઠ્યો. પણ શેઠાણીએ એને રોક્યો ને પૂછ્યું: 'કેમ ઊઠ્યા મહારાજ! કેમ આવવું થયું હતું?' બ્રાહ્મણે કહ્યું: 'કંઈ નહીં, માજી.' શેઠાણીએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે બ્રાહ્મણે પોતાની બધી વાત કરી. શેઠાણી બધું સમજી ગઈ. ઘરમાં જઈને પેટીમાંથી સોનાની એક કંઠી લઈ આવી ને મહારાજના હાથમાં મૂકતાં કહ્યું:

'મહારાજ! મારી આ તુચ્છ ભેટ સ્વીકારતા જાઓ.'

બ્રાહ્મણે ઘણી આનાકાની કરી પણ શેઠાણી ન જ માન્યાં. ખાસ્સી પાંચ તોલાની કંઠી હતી. બ્રાહ્મણ એ લઈને ઘેર ગયો. એ જ દિવસથી શેઠ સાજા થવા લાગ્યા. થોડા દિવસમાં તો એ બિલકુલ સાજા થઈ ગયા. 

જે ગામમાં શેઠ રહેતા હતા ત્યાંથી થોડે દૂર એક નગર હતું. તે નગરનો રાજા ઘરડો થઈને મરી ગયો ને તેનો દીકરો ગાદીએ બેઠો હતો. એક દિવસ એ નગરમાં એક મહાત્માજી પધાર્યા. વિધવા રાણીએ એમની ખૂબ સેવાચાકરી કરી. જ્યારે મહાત્માજી જવા લાગ્યા તો એમને બે દર્પણ આપતા ગયા. બંને દર્પણ અદ્ભુત હતાં. એક દર્પણમાં માણસ યાદ કરે ત્યારે જ એનાં પુણ્ય દેખાતાં હતાં. જ્યારે બીજા દર્પણમાં વગર યાદ કર્યે જ સાચાં પુણ્ય દેખાતાં. માણસની મહાનતા યા નીચતા એથી પરખાઈ જતી. 

એક દિવસ રાજમાતાને થયું મારી પાસે પૈસાની ખોટ નથી. આ દર્પણનો ઉપયોગ કરીને પુણ્ય વેચાતું લઈ લઉં તો? એવું વિચારી એમણે નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે, 'જે લોકોને પોતાનું પુણ્ય વેચવું હોય તે દરબારમાં આવે. હું એમનાં પુણ્ય વાજબી કિંમતે ખરીદી લઈશ.'

ઢંઢેરો નગરની ગલીએ ગલીએ અને દેશના ગામડે ગામડે સંભળાવવામાં આવ્યો. શેઠશેેઠાણીએ પણ આ ઢંઢેરો સાંભળ્યો. ઘડપણને કારણે એમનાથી મજૂરી થતી નહોતી. બંને ખૂબ દુ:ખી થતાં હતાં. ઢંઢેરો સાંભળીને શેઠને થયું, મેં મારા જીવનમાં ઘણા પુણ્ય કર્યાં છે. કેટલીયે પાઠશાળાઓ અને ધર્મશાળાઓ ખોલી છે. એ બધાંમાંથી એકાદ-બે પુણ્ય વેચી આવું. એમણે શેઠાણીને વાત કરી. પણ શેઠાણીએ ઘસીને ના પાડી-'આપણે પુણ્ય નથી વેચવું. આપણા પેટજોગું તો હું રોજ કમાઈ લઉં છું ને રોજ કમાઈ લાવીશ.' પણ શેઠ ન માન્યા. અનિચ્છાએ શેઠાણીએ શેઠને રજા આપી. શેઠ નગર ભણી ઊપડ્યા. ચાલતાં ચાલતાં ખરો બપોર થયો એટલે એક વડના ઝાડ નીચે શેઠ ભાથું ખાવા બેઠા. ભગવાનને ભોગ લગાવી ખાવા જતા હતા ત્યાં એક દુર્બળ કૂતરી એમની પાસે આવીને પૂંછડી હલાવવા લાગી. તાજી વિયાયેલી હોવાથી તે ખૂબ ભૂખી અને અશક્ત હતી. એને જોઈને શેઠને દયા આવી. એમણે ભાથામાંથી બે રોટલા એ કૂતરીને નાખી દીધા. કૂતરીએ ઉતાવળે ઉતાવળે એ બેય રોટલા પૂરા કરી નાખ્યા ને ફરી પૂંછડી હલાવતી ઊભી રહી. શેઠે બાકીનું બધું ખાવાનું તેને નાખી દીધું ને પોતે પાણી પીને ઊભા થઈ ગયા. 

ભૂખ્યા પેટે શેઠ આગળ ચાલવા માંડ્યું. સાંજ પડ્યે એ રાજધાનીમાં પહોંચ્યા. રાત્રે એક ધર્મશાળામાં સૂઈ રહ્યા ને બીજે દિવસે સવારે રાજમાતા પાસે ગયા. રાજમાતાએ સાધુનું આપેલું દર્પણ શેઠને આપ્યું ને કહ્યું: 'તમે જે પુણ્ય આપવા માગતા હો તેને યાદ કરીને આ દર્પણમાં જુઓ. જો એ પુણ્ય દર્પણમાં દેખાય તો મને બતાવો. હું એ ખરીદી લઈશ.'

શેઠે દર્પણ હાથમાં લીધું અમુક ધર્મશાળા, અમુક પાઠશાળા ને અમુક દવાખાનાં વગેરે યાદ કરી કરીને દર્પણમાં જોવા માંડ્યું. પણ દર્પણમાં કંઈ જ ન દેખાયું. એ પછી એવાં બીજાં ઘણાં પુણ્ય યાદ કર્યાં પણ દર્પણમાં એકે ન દેખાયું. શેઠ તો એકદમ દિગ્મૂઢ થઈ ગયા. 

રાજમાતાએ પૂછ્યું: 'કેમ શેઠજી! એકે પુણ્ય દેખાયું?'

શેઠે જવાબ આપ્યો: 'જી ના, મહારાણી સાહેબા! મેં અનેક ધર્મશાળાઓ, કેટલીયે પાઠશાળાઓ અને દવાખાનાં બનાવડાવ્યાનું યાદ કરી કરીને જોયું પણ આમાં તો કંઈ નથી દેખાતું. તમારું દર્પણ બગડી તો નથી ગયુંને?' મહારાણીએ જવાબ આપ્યો: 'જુઓ શેઠજી, આ દર્પણ આપ્યું છે તે મહાત્માજી કહેતા હતા કે, દેખાવ અને કીર્તિ માટે કરેલું પુણ્ય તે પુણ્ય નથી હોતું. એનુંં ફળ ભવિષ્યમાં મળતું નથી. કારણ કે એનું ફળ તો નામના અને કીર્તિ વગેરે મળે એ જ સમયે મળી જાય છે. એટલે છેવટે કશું વધતું નથી. એવા દેખાવનાં પુણ્ય આ દર્પણમાં નથી દેખાતાં. સાચું પુણ્ય તો એ જ છે જે ગુપ્ત રીતે, દયાવશ યા હૃદયની પ્રેરણાથી નિસ્વાર્થભાવે કરવામાં આવે. એવાં જ પુણ્ય જ કીમતી હોય છે.

હવે હું તમને બીજું દર્પણ આપું છું. એમાં જોવાથી તમને તમારાં સાચાં પુણ્ય વગર યાદ કર્યે જોવા મળશે. શેઠે બીજું દર્પણ હાથમાં લીધું ને એમાં જોવા લાગ્યા. એમાં જોતાં જ શેઠને પોતાની સ્ત્રી બ્રાહ્મણને કંઠી આપતી દેખાઈ. એ પછી એક કૂતરીને પોતે રોટલા ખવડાવતા હતા તે પણ દેખાયું. આ ઉપરાંત સોનાચાંદીના ઢગલા, અન્નના ભંડાર અને અન્ય વૈભવ પણ દેખાયો. રાજમાતા આ બધું દર્પણમાં જોઈ રહ્યાં હતાં. એ બધું જોઈ લીધા પછી રાજમાતા બોલ્યા: 'શેઠજી! તમારાં આ બે પુણ્ય જ સાચાં પુણ્ય છે. જો તમે એને વેચવા ઈચ્છો તો એ બેના બદલામાં દસ લાખ સોનામહોરો આપું. બોલો સોદો મંજૂર છે?'

શેઠને પુણ્યનું પારખું મળી ગયું. એમણે જવાબ આપ્યો: 'નહીં મહારાણીજી! હું એ બે પુણ્ય નહીં વેચું. રાજમાતા એનું મૂલ્ય વધારતાં જ ગયાં. છેવટે એક કરોડ સોનામહોર આપવા રાજી થયાં પણ શેઠે કહ્યું: 'હું એને એક કરોડ તો શું પણ તમે સો કરોડ કે આખું રાજ્ય આપો તોય નહીં વેચું. એ પુણ્ય મારાથી અનાયાસે થઈ ગયાં છે. મેં એને કોઈ પણ આશાથી કર્યાં નથી. એટલા માટે હું એને કદી નહીં વેચું.' આટલું કહી શેઠ મહારાણીની રજા લઈ ઘેર જવા ઉપડી ગયા.

રસ્તે ચાલતાં રાજ્યનો મંત્રી એમને મળ્યો ને કહ્યું: 'શેઠજી! મહારાજા સાહેબ તમને બોલાવે છે' શેઠ દરબારમાં ગયા. રાજાએ આદર સાથે બેસાડ્યા ને એમની ૫૦ લાખ મહોરોની મદદથી શત્રુને દેશ પર ચઢી આવતા કેવી રીતે રોક્યા તેની વાત કરી. એ ઉપકારનો બદલો ચૂકવવા શેઠને રાજ્યમાં જ રહી જવાનો આગ્રહ કર્યો. શેઠે ઘણી ના પાડી પણ રાજા ન માન્યા. શેઠ ફરી ધનવાન થયા. હવે એ દાન તો પહેલાં કરતાં વધુ કરતા હતા પણ બધું ગુપ્ત રીતે જ. કોઈને એમના દાનની ખબર જ નહીં પડતી. દાન લેનારને પણ ખબર ન પડતી કે દાતા કોણ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment