Saturday, 7 November 2015

[amdavadis4ever] ગુજરાતી વિ દ્યાર્થી: અંગ્રેજી શ ીખવું પડશે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુજરાતની યુવાપેઢી માટે એક સમસ્યા છે, ડિગ્રી મળે છે પણ અંગ્રેજી લખતાં કે બોલતાં તકલીફ પડે છે. ઉપાધિ લેવાની બાબતમાં ગુજરાતનો ગુજરાતી વિદ્યાર્થી શિક્ષિત છે, પણ અંગ્રેજી બોલવાની બાબતમાં એ દીક્ષિત નથી. ભાષા શીખવા માટે ત્રણ આંગળીઓ, કાન અને આંખની જરૂર પડે છે. લખવા માટે ત્રણ આંગળીઓ જોઈએ, વાંચવા માટે બે આંખો જોઈએ, અને સાંભળવા માટે બે કાન જોઈએ. બોલવાની ક્રિયા એ ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ સાંભળ્યા પછીની પ્રતિક્રિયા છે. માતા બોલે છે, બાળક સાંભળે છે, અને એવો અવાજ કરવાની કોશિશ કરે છે. એ વાણી કે વાચાનો જન્મ છે. ભાષા શીખવાનો ક્રમ પણ સ્પષ્ટ છે, પહેલાં બોલવું, પછી વાંચવું અને છેલ્લે લખવું આવે છે. આપણે મુંબઈમાં મરાઠી બોલી લઈએ છીએ, કદાચ બાળબોધ લિપિને કારણે થોડું વાંચી પણ લઈએ છીએ, પણ લખી શકતા નથી. આપણે કલકત્તામાં બંગાળી બહુ સરસ બોલી લઈએ છીએ, એક શબ્દ પણ વાંચી શકતા નથી, કારણ કે લિપિ તદ્દન જુદી છે, અને બંગાળીમાં પત્ર લખી શકે એવા ગુજરાતી ભાગ્યે જ કલકત્તામાં મળશે. ભાષા શીખવા-સમજવા માટે કાન સૌથી મહત્ત્વપૂર્ણ અવયવ છે. બાળક પાસેથી મોટાઓએ આ શીખવાનું છે. બાળક ચાર-પાંચ વર્ષનું થાય ત્યાં સુધી જરૂરી શબ્દો, પોતાના અંતરંગ ભાવો વ્યક્ત કરવા માટે, બહુ જ આસાનીથી વાપરતું થઈ જાય છે. બોલવાનું પ્રથમ આવે છે, વાંચવા-લખવાનું પછી આવે છે. તદ્દન નિરક્ષર વ્યક્તિ પણ બોલી જરૂર શકે છે, એના પ્રત્યાયન કે કમ્યુનિકેશનમાં કોઈ ફર્ક પડતો નથી.

ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી વખતે આ બુનિયાદી નિયમ ભૂલી જવાયો છે. માટે અંગ્રેજી બાર, સોળ, અઢાર વર્ષો સુધી ભણાવ્યા પછી પણ ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીને અંગ્રેજી બોલતાં ફાવતું નથી, અંગ્રેજીના લેખનમાં ભૂલો વાક્યે વાક્યે ઊભરાતી હોય છે, અને એનું અંગ્રેજી વાચન લગભગ નથી. 

આજની સ્પર્ધામાં આ સ્થિતિની ચિંતા થવી જોઈએ, સેમિનાર ભરાવા જોઈએ, ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીનું અંગ્રેજી સુધારવા માટે ક્રેશ-કોર્સ પ્રકારના અભ્યાસક્રમોની શરૂઆત થઈ જવી જોઈએ. હિંદુસ્તાનના જોબમાર્કેટમાં ઊભા રહેવું હશે તો અંગ્રેજી પર પ્રભુત્વ જોઈશે. અંગ્રેજી વિના ઉદ્ધાર નથી.

અંગ્રેજી કોમ્પ્યુટરની, વ્યવહારની, વ્યાવસાયિક આદાન-પ્રદાનની પ્રમુખ ભાષા બની ગઈ છે એ સ્વીકારવું પડશે. ગાળો બોલવાની હિન્દીમાં જે મજા આવે છે એ અંગ્રેજીમાં નથી, પણ પ્રેમ કરવાનું અંગ્રેજીમાં જરા વધારે ફાવે છે, 'મેરી જાન'માંથી સડેલા તમાકુવાળા પાનની ગંદી બદબૂ આવે છે, પણ 'માય લવ' કે 'સ્વીટહાર્ટ' કે 'ડાર્લિંગ'માંથી શેમ્પેઈનની અને પરફ્યૂમની માદક ખુશ્બૂ આવે છે. આ પણ ઘણાં કારણોમાંનું એક કારણ છે કે અંગ્રેજી ભાષા શા માટે જરૂરી છે!

ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આજે અંગ્રેજીમાં અજ્ઞ રહી જવું અઘરું કામ છે! અમારા જમાનામાં (૧૯૪૮માં હું પાલનપુરથી મેટ્રિક થયો હતો, બીજા વર્ષથી એસ.એસ.સી. શરૂ થયું હતું. એ મેટ્રિકની છેલ્લી પરીક્ષા હતી.) દેશી, પછાત સ્કૂલોમાં પાઠમાળા દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવતું હતું. દેશી નિશાળો, દેશી માસ્તરો, દેશી પાઠ્યપુસ્તકો, અને અમે ભણનારા દેશી, અને ભણવાનું ખોટું અંગ્રેજી! પછી કલકત્તાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ લીધો. બેલ્જિયમ અને અંગ્રેજી ફાધરોનું અંગ્રેજી ચાર મહિના સુધી માથાની ઉપરથી જતું રહેતું હતું. એક અક્ષર સમજાતો ન હતો. એ પછી ઝનૂની પ્રક્રિયા શરૂ થઈ, પહેલા આવવાની, બિકોઝ વી આર બ્લડી ગુજ્જુઝ! પહેલાં 'લર્ન' કર્યું હતું. એ બધું 'અન-લર્ન' કરવાનું હતું અને પછી 'રિ-લર્ન' કરવાનું હતું. ઓલ ઈન્ડિયા રેડિયો પરથી મેલવીલ ડિ'મેલોના ન્યૂઝ સાંભળતા રહ્યા, જો રેડિયો પર પકડાય તો બી.બી.સી. સાંભળવા માંડ્યા. ફૂટપાથો પરથી જૂનાં 'રિડર્સ ડાયજેસ્ટ' (૪ આના) અને 'ટાઈમ' (ર આના) ખરીદતા રહ્યા. અંગ્રેજી સુધારવાનું એક બાકાયદા અભિયાન શરૂ કરી દીધું. 

આજની પેઢી નસીબદાર છે કે ટીવી છે, બી.બી.સી. છે, સી.એન.એન. છે, ડઝનો ચેનલો ચોવીસે કલાક વરસી રહી છે, કાનથી સાંભળીને અંગ્રેજીના ઉચ્ચાર શીખી શકાય છે. અને સંસ્કૃત આધારિત આપણી ભાષાઓનું સુખ એ છે કે આપણે ગમે તે ઉચ્ચાર આપણી લિપિમાં લાવી શકીએ છીએ: પ્યીરીઅડ, જીઓ-ગ્રાફી, જુએલરી આદિ. એક એવી સ્થિતિ આવતી હોય છે જ્યારે વિદ્યાર્થીની જિંદગીમાં 'ટીચિંગ' ઓછું થતું જાય છે અને 'લર્નિંગ' વધતું જાય છે. શીખવવાની મર્યાદા છે, હવે સ્વયં શીખતા રહેવાનું છે. 

આપણી ગુજરાતી ભાષા જે રીતે લખાય છે એ રીતે જ બોલાય છે, પણ અંગ્રેજીમાં એવું નથી. વિશ્ર્વભાષા છે એટલે એનામાં એક લચીલાપણું આવી ગયું છે. અમેરિકામાં મેં કોરીઅનને 'હોત', આફ્રો-અમેરિકન કાળાને 'હાત' અને ગોરાને 'હોટ' બોલતાં સાંભળ્યા છે. આપણે હોટ (ગરમ) ઉચ્ચારણ શીખ્યા છીએ. રશિયામાં 'ટેન-પ્લસ-ટુ'નો ઉચ્ચાર મેં ટેન-પ્લુસ-ટુ સાંભળ્યો છે. રશિયનો જેવું લખાય છે એમ જ બોલે છે: પબ્લિકને પુબ્લિક, હીઅરને હીર! ફ્રાંસમાં અંગ્રેજી 'ધિ'નો ઉચ્ચાર 'ઝિ' અને 'ધિસ'નો 'ઝિસ' લગભગ સર્વત્ર મેં સાંભળ્યો છે. અમેરિકનો સામાન્ય રીતે દરેક 'એ'નો ઉચ્ચાર એવો જ કરે છે: 'પાસપોર્ટ'ને 'પેસ-પોર્ટ'. જર્મનો 'એ'નો ઉચ્ચાર 'આ' જેવો કરે છે: હાન્સ! અને જેવું લખ્યું હોય એવું જ બોલાય છે: લુફ્ટહાન્સા, કિંડરગાર્ટન. આપણે ત્યાં તમિળ 'યેવરી' (એવરી), અને પંજાબી 'સિલક', 'મિલક' (સિલ્ક, મિલ્ક) બોલે જ છે! બંગાળીમાં 'વ'નો ઉચ્ચાર 'બ' થાય છે. એક બંગાળી કર્મચારી એના લગ્નના આમંત્રણ માટે એના બોસ પાસે જઈને કહેવા લાગ્યો: સર, ટુ-નાઈટ... યૂ હેવ ટુ કમ ટુ માય બેડિંગ! બોસ ગભરાયો: ચેટર્જી...! અને ચેટર્જી છોડે એમ ન હતો: નો સર! ટુ-નાઈટ યૂ હેવ ટુ કમ ટુ માય બેડિંગ! ઉચ્ચારણમાં 'વેડિંગ'નું 'બેડિંગ' બની શકે છે...!

બોલવામાં ભૂલ કરતા રહેવાની હિંમત હોય તો ભાષા માટે જીભ તરત છૂટી જાય છે. નાનો બાબો કહી દે છે: આઈ એમ બાથિંગ! અને એને ભૂલ કરવાની શર્મ નથી, એટલે એ ભાષા તરત શીખી લે છે. આપણને જરા સમય લાગે છે. ઉચ્ચારણનાં પુસ્તકોમાં લખે છે કે સાઉથ ઓફ લંડનના ઉચ્ચારો સ્ટાન્ડર્ડ ગણાય છે. આપણે ત્યાં એ વિશે બહુ ચિંતા નથી. સોનિયા ગાંધીનો ખરો ઉચ્ચાર સૉનિયા ('સૉરી'નો સૉ, પહોળો ઉચ્ચાર) છે, પણ બધા જ સાંકડો સોનિયા ઉચ્ચાર કરે છે! અને એક વાર વર્ષો પહેલાં દૂરદર્શનની એક ચકમકી ઉદ્ઘોષિકાએ ગુજરાતના નેતાનું નામ કહ્યું હતું: મિસ્ટર શંકર વી. ઘેલા! આપણા પ્રિય શંકરસિંહબાપુની અસર ક્યાં સુધી પહોંચી શકે છે?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment