Tuesday, 3 November 2015

[amdavadis4ever] સાચા સેક ્યુલરિઝમ નો મર્મ સરદાર પટે લ પાસેથી પામવો ર હ્યો Gunvant Shah

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 

સાચા સેક્યુલરિઝમનો મર્મ સરદાર પટેલ પાસેથી પામવો રહ્યોસરદારનું નિષ્કલંક અને નિર્ભય સેક્યુલરિઝમ નોંધવા જેવું છે. તકલાદી અને તકવાદી સેક્યુલરિઝમ રાષ્ટ્રધર્મી સરદારને માન્ય ન હતું. એ જ એમનો ગુનો?
 
સોક્રેટિસ સત્યવીર હતો. એનો શિષ્ય પ્લેટો મહાન ફિલસૂફ હતો. પ્લેટો પછી થયો એરિસ્ટોટલ! એ સમ્રાટ સિકંદરનો ગુરુ હતો અને મહાજ્ઞાની હતો. આવી જ પરંપરા ગાંધીયુગમાં પણ જોવા મળી! ગાંધીજી સત્યના ઉપાસક હતા. વિનોબા ઋષિ-પરંપરાના સંત હતા. તેમના પછી દાદા ધર્માધિકારી વિચારક્રાંતિના જ્યોતિર્ધર હતા. દાદાને પૂછવામાં આવ્યું: 'ગાંધીજીની કઇ વાત તમને ન ગમી?' દાદાનો જવાબ ટેપ થયેલો છે: 'ગાંધીજીએ હિંદુ કટ્ટરપંથીઓ (bigots)ની ટીકા કરી, પરંતુ મુસ્લિમ કટ્ટરપંથીઓની ટીકા ન કરી.' આવો આકરો જવાબ કેવળ દાદા જ આપી શકે. દાદાની વાતમાં દમ છે.
 
સરદાર પટેલની ધાતુ જ અનોખી હતી. એમણે કટ્ટરપંથીઓને સખણા રાખતી વખતે કોમનો ખ્યાલ રાખ્યો નથી. શાસક તરીકે સરદાર ગુનેગારની કોમ જોઇને કડક નહોતા થતા. એમણે મુસલમાનો નારાજ થશે એવી ચિંતા કર્યા વગર કેવળ રાષ્ટ્રધર્મને જ કેન્દ્રમાં રાખ્યો. આ મુદ્દે સરદાર લગભગ રેશનલિસ્ટ જેવા હતા. શાસકનો સ્વધર્મ એ જ રાજધર્મ! મહાત્મા ગાંધી સંત હતા અને સંતનું લક્ષણ એ જ કે વિરોધીમાં પણ પરમેશ્વર જુએ! મહાત્માને છેતરી શકાય, સરદારને છેતરી ન શકાય. એ જ રીતે કૃષ્ણને અને વિષ્ણુગુપ્ત ચાણક્યને છેતરી ન શકાય. પંડિત નેહરુને ચીન છેતરી ગયું! ઇન્દિરાજીને સિમલામાં જનાબ ભુટ્ટો છેતરી ગયા! સમર્થ શાસકને છેતરાઇ જવાનું ન જ પાલવે. સરદારનું સામર્થ્ય શત્રુઓને ખૂબ ખૂંચતું. વિકૃત સેક્યુલરિઝમે દેશને અપાર નુકસાન પહોંચાડ્યું-ખાસ તો મુસલમાનોને!
 
આજે શું પરિસ્થિતિ છે? સેક્યુલરિઝમનો આકાર અમીબા જેવો છે. અમીબા નિરાકાર નથી, સર્વાકાર છે. શું ભારતીય સેક્યુલરિઝમ એટલે પોચો પોચો લોચો? ના, સેક્યુલરિઝમ એટલે બંધારણમાં પ્રતિષ્ઠિત એવી Solid સંકલ્પના, જે દેશને વિખરાતો, વહેંચાતો બચાવી શકે. સ્વરાજ મળ્યા પછી જો કોઇ એક શબ્દની બૂરી વલે થઇ હોય તો, તે શબ્દ છે: 'સેક્યુલરિઝમ.' એ શબ્દને ગમે તેમ અફાળવામાં આવ્યો છે. એનો મર્મ પામવો હોય તો આજે નહીં ને કાલે સરદાર પટેલને જ સમજવા પડશે. એમના સેક્યુલરિઝમમાં નથી તુષ્ટીકરણ કે નથી પક્ષપાત. કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં કોઇ ભેદભાવ ન વરતાય એ જ ખરું 'સેક્યુલરિઝમ' ગણાય. આ બાબતે આજના કોઇ પણ શાસક કરતાં સરદાર વધારે ચારિયવાન હતા.
 
'ચારિયવાન' એટલે શું? કથની અને કરણી વચ્ચેનું અંતર જેમ ઓછું, તેમ 'ચારિય' ઊંચું! એચ. એમ. પટેલ સાહેબે નોંધ્યું છે: 'વલ્લભભાઇએ બાપુ પાસે ચોખ્ખી અને ચટ વાત કરી. આંતરવિગ્રહ થાય અને ભાગલા પડે. આંતરવિગ્રહ ક્યાં શરૂ થઇને ક્યાં પૂરો થશે તે કોઇ કહી શકે તેમ નથી. વાત સાચી કે હિંદુઓ જ આખરે જીતી જાય, પણ તે માટે કેટલી કિંમત ચૂકવવી પડશે તે અત્યારે કહી શકાય તેમ નથી... અને બાપુએ નમતું મૂક્યું.' સરદાર અને નેહરુએ ભાગલા સ્વીકાર્યા તેમાં આવી મજબૂરી હતી. વિકરાળ આંતરવિગ્રહ અને ભાગલા વચ્ચેની પસંદગી આવી પડી. આંતરવિગ્રહ થાય અને બહુમતી જીતે તોય બહુ મોટી કિંમત ચૂકવવી પડે. ગાંધીજીએ નમતું મૂક્યું તેમાં પણ વિકરાળ હિંસા સામે ભાગલા સ્વીકારવાનો વિવેક પ્રગટ થયો તે ખાસ નોંધવા જેવું છે.
 
સેક્યુલર અતિરેકો સરદારને ખૂબ નડ્યા. ડાબેરી સમાજવાદીઓ અને સામ્યવાદીઓની એક લોબી સરદારની પાછળ પડી ગઇ હતી. એ લોબીમાં જયપ્રકાશ જેવા નેતા પણ સામેલ હતા. જયપ્રકાશે સરદારના દેહવિલય બાદ દિલ્હીની જાહેરસભામાં માફી માગીને પોતે સરદારને અન્યાય કર્યો હતો એવી કબૂલાત કરી હતી, પરંતુ આજદિન સુધી સેક્યુલર લોબી બોલકણું જૂઠ ફેલાવતી જ રહી છે. તા. 6-8-1947, એટલે કે સ્વરાજ મળ્યું તેના આઠ જ દિવસ પહેલાં ગાંધીજીએ લાહોરથી એક પત્ર ગૃહપ્રધાન સરદારને લખ્યો હતો. એમાં જીવનમાં પ્રથમ વાર 'સરદાર સાહેબ' એવું સંબોધન બાપુએ કર્યું હતું. બાપુ અને સરદાર વચ્ચે પડેલા મનોવૈજ્ઞાનિક અંતરનો એ અણસાર હતો. એ પત્રમાં દિલ્હીથી લાહોર પહોંચેલા ખાકસારોએ કરેલી ફરિયાદોનો ઉલ્લેખ થયો હતો. જવાબમાં તા. 11મી ઓગસ્ટે (સ્વરાજ મળ્યું તેના ચાર જ દિવસ પહેલાં) સરદારે ગાંધીજીને લખ્યું:
 
'ખાકસારો નકામા આપની પાછળ લાગ્યા છે. ગોળી ચલાવ્યાની વાત ખોટી છે અને કોઇ ખાકસાર દિલ્હીમાં મર્યો નથી. મસ્જિદમાં ભરાઇને ખાકસારો 15-8-1947નો ઉત્સવ બગાડવાનું કાવતરું કરતા હતા. કોંગ્રેસનો વાવટો ચડવા ન દેવો અને મારામારી કરવી એવી ગોઠવણ કરતા હતા. એથી મુસલમાન કમિશનરે મસ્જિદમાં જઇ ટિયરગેસ છોડીને બધાને પકડી લીધા હતા. એ સિવાય કંઇ જ બન્યું ન હતું. આજે આપનો લખેલો કાગળ લઇને ખાકસારો આવ્યા હતા. એમને કમિશનર પાસે મોકલ્યા છે. ખાકસારોને પાકિસ્તાનમાં દિલ્હી અને આગ્રા જોઇએ છે, અજમેર પણ જોઇએ છે. કમિશનર એ લોકોને દિલ્હીમાં રહેવા દેવા માગતો નથી અને એ બધા મસ્જિદમાં ભરાઇ જાય છે. અહીં કોઇ મુસલમાન એમને સાથ આપતો નથી.' (મણિબહેન પટેલ:  બાપુના પત્રો, સરદાર વલ્લભભાઇને, નવજીવન, પાન-360).
 
સ્વરાજનો ઉત્સવ જ નંદવાઇ જાય એવી વિકટ પરિસ્થિતિમાં સરદાર ગૃહપ્રધાન તરીકે વર્તે કે સંત તરીકે? પત્રમાં પ્રગટ થતું સરદારનું નિષ્કલંક અને નિર્ભય સેક્યુલરિઝમ નોંધવા જેવું છે. આવી નિર્ભયતા બદલ સરદારે અસંખ્ય ગેરસમજો વેઠીને ઝેર પીધું હતું. સરદાર નિલકંઠ હતા, આશુતોષ ન હતા. તકલાદી અને તકવાદી સેક્યુલરિઝમ રાષ્ટ્રધર્મી સરદારને માન્ય ન હતું. એ જ એમનો ગુનો?
ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ 'સરદાર પટેલ' મથાળે લખેલા ગ્રંથનો સરળ અને સચોટ અનુવાદ આદરણીય મુ. નગીનદાસ સંઘવીએ કર્યો છે. સરદાર આખાબોલા હતા, જૂઠાબોલા ન હતા. એ ગ્રંથમાં વાંચવા મળતી બે જ બાબતો અહીં પ્રસ્તુત છે. સરદારના મિજાજને સમજવામાં ખપ લાગે તેવી વિગતો સાંભળો:
 
- 'વલ્લભભાઇએ લાયકઅલીને કહ્યું: 'હૈદરાબાદમાં કોના હાથમાં સત્તા છે, તે હું અને તમે બંને જાણીએ છીએ. હૈદરાબાદમાં પ્રભુત્વ ભોગવનાર આ માણસે (રઝવી) ભારપૂર્વક કહ્યું છે કે ભારત સરકાર હૈદરાબાદમાં આવશે તો દોઢ કરોડ હિંદુઓનાં હાડકાં અને રાખ જ જોવા મળશે. પરિસ્થિતિ આવી હોય તો નિઝામ અને તેના વંશજોનું સમગ્ર ભાવિ જોખમમાં આવી પડશે, તે સમજી રાખજો.' (પાન-481).

- 'આંબેડકર અને શ્યામપ્રસાદ મુકરજીની વરણીમાં વલ્લભભાઇએ નિર્ણાયક ભાગ ભજવ્યો હતો. આંબેડકરનું નામ કદાચ સૌથી પહેલાં રાજાજીએ સૂચવ્યું હશે, પરંતુ સન 1946ના ઉનાળાથી આંબેડકર વલ્લભભાઇની નજરમાં વસી ગયા હતા. અગાઉ સવા મહિના પહેલાં 1947ના જુલાઇની પહેલી તારીખે આંબેડકર વલ્લભભાઇને ત્યાં ચા પીવા માટે આવ્યા હતા.' (પાન-421)

આજે સરદાર આપણી વચ્ચે નથી. દેશના આજના નકશાનો આકાર સરદારને આભારી છે. હૈદરાબાદ અને જૂનાગઢનો પ્રશ્ન યુનોમાં નથી, તે હકીકત પણ સરદારને આભારી છે. આ ગ્રંથમાં સરદારનું સો ટચનું સેક્યુલરિઝમ પાને પાને પ્રગટ થયું છે. સરદારનું સેક્યુલરિઝમ પોચા પોચા લોચા જેવું ન હતું. એમાં કાયદો અને વ્યવસ્થાની પૂરી જાળવણી કરવાની પ્રતિબદ્ધતા સોલિડ ખડક જેવી હતી. સરદાર મુસલમાનોના સાચા મિત્ર હતા. કાયદો હાથમાં લેનાર ગમે તે કોમનો હોય તોય સરદાર અેને સખણો રાખવા ઉત્સુક રહેતા.
 
શું સેક્યુલરિઝમ, એક યા બીજી કોમના આતંકને જુદે જુદે ચશ્મે નિહાળે? સરદારને મન આતંક એટલે આતંક! એનો મક્કમ સામનો કરવો એ જ તો સરદારનો સ્વધર્મ ગણાય. સરદાર સંત ન હતા, શાસક હતા. ગાંધીજીનું ત્રાજવું સોનીનું ત્રાજવું હતું. સંત અને શાસકનો સ્વધર્મ સરખો ન જ હોય. આ જ વાતે સરદારને ખૂબ અન્યાય થયો. આજે પણ દેશનું સેક્યુલર ગાડું ઘરેડમાં પડતું જણાતું નથી. સરદારની ખોટ સાલે છે. છેલ્લે એક જ વિનંતી કરવી છે. અનામત આંદોલન ભલે ચાલે, પરંતુ એને સરદાર પટેલ સાથે જોડવામાં ડહાપણ નથી. શિવસેનાએ મહાન શિવાજીને મહારાષ્ટ્ર અને તેમાંય મરાઠાકેન્દ્રી બનાવીને બહુ મોટો ગોટાળો કર્યો છે. આવા ગોટાળામાંથી સરદારને મુક્ત કરવામાં જ શાણપણ છે.
...

પાઘડીનો વળ છેડે
 વલ્લભભાઇએ ગાડગિલને કહ્યું હતું કે, 'હવે હું જીવવાનો નથી, પણ એક વચન આપો.' ગાડગિલે હા પાડી ત્યારે સરદારે તેમનો હાથ પોતાના હાથમાં  લીધો અને કહ્યું કે:
'જવાહરલાલ સાથે ગમે તેટલો
મતભેદ થાય, તો પણ
તેમને એકલા છોડીને જશો નહીં.'
- રાજમોહન ગાંધી (પાન-538).

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment