Sunday, 1 November 2015

[amdavadis4ever] કોમનમેનની અંદર એંગ્રી યંગમેન છુપાયેલો હોય છે Aashu Patel

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોમનમેનની અંદર એંગ્રી યંગમેન છુપાયેલો હોય છે

-સોશિયલ મીડિયા પર કોઇ શૂરવીરો કે વીરાંગનાઓ શબ્દો થકી શૌર્ય દર્શાવી દે છે એટલે કે આક્રોશ ઠાલવી દે છે, પણ એ આક્રોશનું એક્શનમાં રૂપાંતર નથી થતું હોતું

એંગ્રી યંગમેન. આ શબ્દો વાંચીને અમિતાભ બચ્ચનના ચાહકોને તરત 'ઝંઝીર' અને 'દીવાર' ફિલ્મનો અમિતાભ યાદ આવી જાય, પણ આપણે અહીં રૂપેરી પડદે જોવા મળતા એંગ્રી યંગમેનની વાત નથી કરવી, કોમનમેન એટલે કે સામાન્ય માણસની અંદર છુપાયેલા રહેતા એંગ્રી યંગમેનની વાત કરવી છે. અંગ્રેજીમાં ઘણી વખત મેન શબ્દનો ઉપયોગ માત્ર પુરુષના અર્થમાં નહીં પણ સ્ત્રી-પુરુષ બધાના સંદર્ભમાં થાય છે. એટલે અહીં પણ એંગ્રી યંગમેન એ અર્થમાં એટલે કે સ્ત્રી-પુરુષ બંને માટે વાંચજો.
 
દરેક કોમન મેનના મનમાં એંગ્રી યંગમેન છુપાયેલો હોય છે. આપણી ફિલ્મોના હીરોને (કે ફોર ધેટ મેટર હિરોઇનોને પણ) રૂપેરી પડદે આક્રોશ વ્યક્ત કરવાની તક મળે છે એવી તક કોમનમેનને રિયલ લાઇફમાં મળતી નથી. એટલે તે ફિલ્મોમાં સલમાન ખાનની દબંગગીરી કે અજય દેવગણની સિંઘમગીરી કે રાની મુખરજીની મર્દાનીગીરી જુએ છે ત્યારે રાજી થાય છે.કોમનમેનની અંદર પણ આક્રોશ તો ધરબાયેલો જ હોય છે, પણ અપવાદરૂપ કિસ્સાઓ સિવાય એ આક્રોશ ક્યારેય બહાર આવતો નથી. એ અપવાદરૂપ કિસ્સાઓ પણ મોટેભાગે તો દુભાયેલા, દબાયેલા, કચડાયેલા કોમનમેન સમુહમાં બહાર નીકળી પડે ત્યારે જ બનતા હોય છે. બાકી તો કોમનમેનની આક્રોશ ઠાલવવાની ઇચ્છા દિલમાં જ ધરબાયેલી રહે છે. હા, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કોઇ શૂરવીરો કે વીરાંગનાઓ શબ્દો થકી શૌર્ય દર્શાવી દે છે એટલે કે આક્રોશ ઠાલવી દે છે, પણ એ આક્રોશનું એક્શનમાં રૂપાંતર નથી થતું હોતું.

કોમનમેનની અંદર છુપાયેલો એંગ્રી યંગમેન ક્યારેક થોડી સેકન્ડ્સ કે મિનિટ માટે જાગી જતો હોય છે અને પછી વાસ્તવિકતા સ્વીકારીને ઝડપથી શાંત થઇ જતો હોય છે. આવી સ્થિતિ ઘણીવાર સર્જાતી હોય છે, પણ આપણે આવી કેટલીક સ્થિતિની વાત કરીએ. આવી સ્થિતિઓ યાદ કરીને તમારી જાતને આ સવાલો પૂછજો એટલે તમારી અંદર એંગ્રી યંગમેન છુપાયેલો છે કે નહીં એની ખાતરી થશે.તમારે કોઇ મહત્ત્વના કામથી કોઇને મળવા જવાનું છે અને તમે ઘરેથી નીકળીને રિક્ષા પકડવાની ઉતાવળમાં છો. થોડી વાર રાહ જોયા પછી એક રિક્ષા તમારી બાજુમાંથી પસાર થાય છે તમે હાથ ઊંચો કરો છો, પણ રિક્ષાવાળો તમારી સામે એક તુચ્છકારભરી દૃષ્ટિ ફેંકીને રિક્ષા ભગાવી જાય છે. બીજો રિક્ષાવાળો ઊભો રહે છે. પણ તમે તેને પૂછો છો કે ફલાણી જગ્યાએ લઇ જશો.
 
એ સાંભળીને તે ના પાડવાની કે સોરી કહેવાની તસ્દી લીધા વિના રિક્ષા ભગાવી જશે. ત્રીજો રિક્ષાવાળો આવવાની તૈયારી બતાવશે પણ કહેશે કે નેવું રૂપિયા થશે. એ રિક્ષાવાળો તમારી પાસેથી ડબલ કે ત્રણ ગણા પૈસા પડાવી રહ્યો છે, પણ તમારી પાસે તેની રિક્ષામાં બેસવા સિવાય છૂટકો નથી એટલે તમે સમસમીને રિક્ષામાં બસી જાઓ છો. પણ એ વખતે તમને એ બધા રિક્ષાવાળાઓના ટાંટિયા ભાંગી નાખવાની ઇચ્છા થાય છે કે નહીં?

તમે કોઇ પ્રસિદ્ધ મંદિરમાં તમારા પ્રિય ભગવાનનાં દર્શન કરવા માટે ધોમધખતા તડકામાં કલાકોથી લાઇનમાં ઊભા છો એ વખતે કોઇ રીઢો રાજકારણી કે પહોંચેલો ઉદ્યોગપતિ કે બીજો કોઇ વીઆઇપી તેના કાફલા સાથે આવી ચડે છે. તેના સિક્યુરિટી ગાર્ડ્સ અને મંદિરના કર્મચારીઓ એવો માહોલ સર્જી દે છે કે જાણે સાક્ષાત્ ઇશ્વરની પધરામણી થઇ હોય. પેલો વીઆઇપી તમારી નજર સામે દબદબાભેર આગળ જતો રહે છે અને તેના આગમન સાથે તમારી એટલે કે સામાન્ય ભક્તોની લાઇન આગળ વધતી અટકી જાય છે. તમને ખબર છે કે પેલો વીઆઇપી આરામથી આરતી કરી રહ્યો હશે કે આંખો ધરાઇ જાય ત્યાં સુધી ઉપરવાળાનાં દર્શન કરી રહ્યો હશે. એ વખતે તેનું લબોચું ભાગી નાખવાની ઇચ્છા તમારા મનમાં જાગી ઊઠે છે કે નહીં? અને સામાન્ય ભક્તોને હડધૂત કરતા મંદિરના કર્મચારીઓ તે વીઆઇપીની જે રીતે સરભરા કરે છે એ જોઇને તેમને ઊંધા લટકાવીને ફટકારવાની અદમ્ય ઇચ્છા તમને થાય છે કે નહીં?

તમે લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન કરાવવા લાંબી લાઇનમાં ઊભા છો. દોઢ-બે કલાકે તમે ટિકિટ કાઉન્ટર પર બેઠેલા ક્લાર્ક મોબાઇલ ફોન કાને ચોંટાડીને વાતે વળગી જાય છે અથવા સહકર્મચારી સાથે કંઇક વાત કરી રહ્યો છે અને તમે જાણે તેના નોકર હો એ રીતે તે તમારી અને તમારી પાછળ ઊભેલા બીજા બધાની હાજરી ભૂલી ગયો છે. એ વખતે ટિકિટ વિન્ડોમાંથી તમારો હાથ તેના સુધી પહોંચી શકતો હોય તો તેનું ગળું દબાવી દેવાની ઇચ્છા તમારા મનમાં સળવળી ઊઠે છે કે નહીં?

ધારો કે તમારી પાસે સરસ મજાની કાર છે અને તમારે રિક્ષા કે ટ્રેન કે બસમાં મુસાફરી કરવાની જરૂર જ નથી પણ તમે કાર લઇને નીકળ્યા હો એ વખતે કોઇ રસ્તા પર તમે પ્રવેશ કરી શકતા નથી એ રસ્તને રોકીને બે ડઝન પોલીસ કર્મચારી ઊભા છે તેઓ પબ્લિક સર્વન્ટ હોય તે રીતે નહીં, પણ તમારા માલિક હોય એ રીતે તોછડાઇભર્યા ઇશારાથી તમને બીજો રસ્તો પકડવાનો આદેશ આપે છે. તમારે જખ મારીને તેમના આદેશનું પાલન કરવું પડે છે એ જ વખતે તમે એફએમ પર સાંભળો છો કે ફલાણા રાજકારણીના આગમનને કારણે ઢીંકણો રસ્તો બંધ રખાવ્યો છે એના કાણે ટ્રાફિક ડાઇવર્ટ કરાયો છે એ રસ્તા પર ટ્રાફિક જામ થયો છે. ત્યારે તમને એ રાજકારણી અને તેના કારણે તમારી સાથે તોછડાઇથી વર્તનારા પોલીસવાળાઓ પર કાળ ચડે છે કે નહીં? અને એ સમયે પાછળની કારમાં બેઠેલો કોઇ નમૂનો અકારણ હોર્ન વગાડે તો તેની બોચી પકડીને કારમાંથી બહાર ખેંચી બે-ચાર ધોલ લગાવવાનું ઝનૂન તમને ચડે છે કે નહીં?

તમે ટ્રાફિક સિગ્ન પર ઊભા હો અને ટ્રાફિક સિગ્નલ રેડ લાઇટ દર્શાવતું હોવા છતાં તમારી પાછળના વાહનચાલકો સતત હોર્ન વગાડીને તમારું મગજ ખરાબ કરી દે, ત્યારે તમને તેમની પૂંઠ પર લાત મારવાનું મન થાય છે કે નહીં?તમે કોઇ ટોલનાકા પાસે પહોંચીને ત્યાંના ટ્રાફિકમાં ફસાઇ જાઓ અને અચાનક તમને યાદ આવે કે આ ટોલનાકાની શરૂઆત વખતે સરકારે ઢોલનગારાં વગાડીને જાહેરાત કરી હતી કે બે વર્ષમાં આ ટોલનાકું બંધ કરી દેવાશે. બે વર્ષને બદલે એક દાયકા પછી પણ એ ટોલનાકું ધમધમી રહ્યું છે અને ટોલની રકમ ત્રણ ગણી થઇ ગઇ છે. આ ખુલ્લંખુલ્લી લૂંટ જોઇને ટોલનાકું (અને સાથે સાથે તેના કર્મચારીઓના અને એ ટોલનાકા પર જેની રહેમનજર છે એ રાજકીય નેતાના બરડા પણ) તોડી નાખવાનું ઝનૂન તમારા મનમાં સવાર થઇ જાય છે કે નહીં?
 
તમે કોઇ પોલીસ સ્ટેશનમાં  કંઇક ફરિયાદ નોંધાવવા ગયા છો, પણ તમારે ક્યાંય સુધી રાહ જોવી પડે છે અને પોલીસ કર્મચારીઓ તમારી સામે એ રીતે જોઇ રહ્યા છે કે જાણે તમે ફરિયાદી નહીં આરોપી છો. એ વખતે સ્થાનિક બૂટલેગર કે સ્થાનિક વિધાનસભ્ય અથવા તો સ્થાનિક વિધાનસભ્ય એવો બૂટલેગર  કે પછી બીજો કોઇ પહોંચેલો ખેપાની આવે છે એ સાથે પોલીસ અધિકારી જાણે તેના જમાઇનું કે ઇશ્વરનું આગમન થયું હોય એ રીતે, હરખભેર તેની આગતાસ્વાગતા કરવા લાગી જાય છે. એ વખતે તમને સંબંધિત પોલીસ અધિકારી અને પેલા ખેપાનીને અવળા હાથની અડબોથ ઝીકી દેવાની ઇચ્છા થાય છે કે નહીં?

તમે કોઇ બસ સ્ટોપ પર ઊભા છો કે બસમાં પ્રવાસ કરી રહ્યા છો એ વખતે કોઇ મવાલી કે લંપટ લાગતો માણસ ટીકીટીકીને તમારી સામે જોઇ રહ્યો છે. તેની નજરમાં તમે સ્ત્રી નથી પણ સેક્સનું સાધન છો એવું તેની આંખોમાં વંચાય છે. તમે અનકમ્ફર્ટેબલ થઇ જાઓ છો. પણ એ સાથે તમારી અંદર આક્રોશ જાગે છે કે નહીં? તેના બે પગ વચ્ચે કચકચાવીને લાત ફટકારીને તેને ચાલુ બસમાંથી ફેંકી દેવાનો વિચાર તમારા મનમાં ઝબકી જાય છે કે નહીં?
તમારી આજુબાજુમાં કે તમારા શહેરમાં કોઇ છોકરી પર બેરહેમીથી બળાત્કાર થાય છે એની કમકમાટીભરી માહિતી તમને મળે છે ત્યારે એક સ્ત્રી તરીકે તમને ભયંકર આક્રોશની લાગણી થાય છે કે નહીં. બળાત્કારના આરોપી (કે આરોપીઓના) પેનિસ કાપી નાખવાનું ખુન્નસ તમને ચડે છે કે નહીં?પોતાને ભગવાન તરીકે ઓળખાવતો કોઇ બાવો કેટલાય માણસોનાં ખૂન કરાવી ચૂક્યો છે અને ડઝનબંધ સ્ત્રીઓ પર બળાત્કાર કરી ચૂક્યો છે એવું બહાર આવે ત્યારે તેને શ્રીજીચરણોમાં સ્થાન અપાવી દેવાનું (કે જહન્નમનશી કરી દેવાનું) ઝનૂન તમારામાં ઊભરાય છે કે નહીં?કોઇ આતંકવાદીને ફાંસીની સજા થાય એ વખતે પોતાનો માડી જાયો ભાઇ ફાંસીએ ચડવાનો હોય એવી વેદના અનુભવતા કે પછી પોતાની માતા ગંગાસ્વરૂપ થઇ જવાની હોય એવી લાગણી અનુભવતો કોઇ બૌદ્ધિક ગઠિયો સામાન્ય માણસો પર આતંકવાદીઓના કે પોલીસના જુલમ વખતે મૂંગો મરી રહે ત્યારે તેને ધરતીમાં ધરબી દેવાનો આક્રોશ તમારા મનમાં જાગે છે કે નહીં?અને છેલ્લે સવાલ, ધારો કે ઉપરવાળો તમને આવું બધું કરવાની શક્તિ આપે અને ઇન્ડિયન પિનલ કોડની કલમો લાગુ નહીં પડે એવું વરદાન આપે તો આ બધી ઇચ્છાઓ તમે અમલમાં મૂકો ખરા?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment