Saturday, 24 October 2015

[amdavadis4ever] ટચૂકડી ટૂ ંકી વાર્ત ાઓનું વિશ ાળ વિશ્ર્વ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા સમય પહેલાં આ જ જગ્યાએથી એક મરાઠી કવિ ચંદ્રશેખર ગોખલેની કવિતાઓની વાત કરી હતી. ચાર-ચાર લાઈનોમાં એ કવિએ સર્જેલા ચમત્કારને તમારી સાથે શેઅર કર્યા હતા. બહુ જ ઓછા શબ્દોમાં એક આખું ભાવવિશ્ર્વ તે કવિ સર્જે છે અને એ વિશ્વમાં આપણે સાથે પ્રવેશ કર્યો હતો. એ કવિતાઓ અચાનક, અનાયાસ અને અકસ્માત મળી ગઈ હતી એવી જ રીતે થોડીક વાર્તાઓ મળી ગઈ છે- ટૂંકી વાર્તાઓ. 

હકીકતમાં તો એને નવલિકા કે ટૂંકી વાર્તા કહી શકાય એમ નથી. એને માટે નવો જ શબ્દ પ્રયોજવો પડે. એ વાર્તાઓ માટે ટચુકડી ટૂંકી વાર્તાઓ શબ્દપ્રયોગ કરી શકાય કદાચ. નવલિકા કે ટૂંકી વાર્તાઓ કેટલી લાંબી કે ટૂંકી હોવી જોઈએ એનું કોઈ શાસ્ત્ર નથી અને હોય તો પણ વિવેચકો જાણે. પરંતુ કહેવાય છે કે લાંબું-લાંબું લખવું સહેલું છે પણ ટૂંકાણમાં સચોટ અભિવ્યક્તિ કરવી અઘરી છે.

સામાન્યપણે ટૂંકી વાર્તા એટલે બે-ત્રણ પાનાંની અને કેટલીક ટૂંકી વાર્તાઓ તો લગભગ નાનકડી નવલકથાઓ જેવડી પણ હોય છે. પરંતુ જે નવલિકાઓ અથવા ટચૂકડી ટૂંકી વાર્તાઓની અહીં વાત કરવી છે એ માત્ર થોડાક શબ્દોમાં જ કહેવાઈ છે. જી હા, માત્ર થોડાક શબ્દોમાં. મુઠ્ઠીભર શબ્દોમાં લેખકે એવી કૃતિઓ સર્જી છે જાણે રંગના બે-ચાર લસરકાથી જ સુંદર ચિત્ર સર્જી નાખ્યું હોય. આ વાર્તાઓ અંગ્રેજીમાં લખાઈ છે અને અહીં એનો અનુવાદ આપી રહ્યા છીએ. આ ટૂંકી ટચૂકડી વાર્તાઓમાં એક-એક નવલકથાઓ કે જીવનકથાઓ ધરબાયેલી પડી છે. ચાલો, એ વાર્તાઓ પાસે જ જઈએ. આ રહી પહેલી વાર્તા.

હું દસ વર્ષ બાદ એ જ કાફેમાં પાછી આવી. એ જ પીણું મંગાવ્યું જે અમે એ વર્ષે એ દિવસે મંગાવ્યું હતું અને મેં શાંતિથી પીધાં કર્યું 

ક્ષણે-ક્ષણે મારું હૃદય ભાંગી રહ્યું હતું, મારી આંખો ભરાઈ આવી હતી અને મારા પીણામાં જરાક ખારાશ લાગવા માંડી હતી. મેં પ્રોમિસ પાળ્યું હતું પણ તેમણે નહોતું પાળ્યું.

બસ, આટલી જ વાર્તા છે પણ આ ટચૂકડી વાર્તામાં કેટલું બધું કહેવાયું છે જે શબ્દોમાં અને એનાથીય વિશેષ શબ્દોની વચ્ચેથી આવી રહ્યું છે. દરેક વાચકને પોતાની કલ્પનાશક્તિ, પોતાના અનુભવો, પોતાના સંસ્મરણોના વિશ્ર્વમાં સરકાવી દે એટલી બધી ક્ષમતા આ વાર્તામાં છે. આટલા ઓછા શબ્દોમાં લેખક આપણને કેટલું બધું કહી દે છે! આ વાર્તાનો નાયક કે નાયિકા (તમારે જે ધારવું હોય એ ધારી શકો. હું તેને નાયિકા ગણીને વાત આગળ વધારું છું) એક કાફેમાં આવી છે. આ એ જ કાફે છે જ્યાં કોઈ જમાનામાં તે નિયમિત આવતી હશે. કદાચ સ્કૂલ-કોલેજકાળમાં અથવા કોઈ ઓફિસમાં સાથે કામ કરતા મિત્રો સાથે. આ કાફેમાંનું કોઈ એક ચોક્કસ પીણું કોઈ ફ્લેવરની કોફી કે પછી મિલ્કશેક કે શરબત બધા મંગાવતા હશે. આ જ કાફેમાં બેસીને હસતાં-મજાક કરતાં, ગાળો આપતાં, ઝઘડતાં સમય વિતાવ્યો હશે. કોઈક એવી ઘટના બની હશે કે બધાં છૂટાં પડ્યા હશે. જુદી-જુદી દિશામાં કે દેશમાં જતાં રહ્યા હશે. છૂટાં પડતી વખતે કદાચ એકબીજાને વચન આપ્યું હશે કે દસ વર્ષ પછી મળીશું. દસ વર્ષના સમયગાળામાં ઘણું બધું બદલાઈ જતું હોય છે સમય, સંજોગો, પરિસ્થિતિ, વાતાવરણ અને માણસો પણ. નાયિકા દસ વર્ષ પછી આવી છે. તેને યાદ છે કે નક્કી કર્યું હતું ફરી મળીશું આ જ જગ્યાએ દસ વર્ષ પછી. તે આવી છે. પોતાનું મનપસંદ પીણું મગાવ્યું છે. રાહ જોઈ રહી છે તે બધાની જેની સાથે જીવનનો એક આખો ટુકડો વિતાવ્યો હતો. કેટલા બધાં સંસ્મરણો હશે. તે બધા આવશે. એ જ રીતે ગળે મળશે, જૂના દિવસો યાદ કરીશું, આ વર્ષોમાં શું-શું કર્યું, કેવા ચડાવ-ઉતાર આવ્યા બધું કહેવું છે, સાંભળવું છે. તે આવી પહોંચી છે નક્કી કર્યા પ્રમાણે, વચન આપ્યું હતું એ મુજબ એ આશા સાથે કે બધા આવી ગયા હશે. રાહ જોઈ રહી છે. આશા છે કે બધા આવશે. ઓર્ડર કરેલું પીણું આવી ગયું છે, સમય સરકી રહ્યો છે, રાહ જોવાઈ રહી છે- હમણાં આવશે, કોઈક તો આવશે. આંખમાં પાણી તગતગી ગયાં છે, પીણાંમાં આંસુની ખારાશ ક્યારે ભળી ગઈ એની સરત રહી નથી. તે આવી પહોંચી હતી વચન આપ્યા પ્રમાણે સમયસર. તેણે વચન નિભાવ્યું છે પણ તેના સિવાય બીજા કોઈએ નથી નિભાવ્યું. અહીં વાત ફક્ત દસ વર્ષ બાદ કાફેમાં ન આવવાની નથી પણ સમય જતાં વ્યક્તિઓ બદલાઈ જાય અને આપણામાંના કેટલાક હજુ તેમને એ જ કોલેજકાળના કે ભૂતકાળમાં જેવા હતા એવા જ માનીએ. તેઓ વચનો નિભાવે નહીં, આપણે છેતરાઈ જઈએ. આપણે પેલા કાફેમાં બેઠા રહીએ અને વચનો આપનારા આવે જ નહીં.

આ વાર્તા વિશે હજુ ઘણું બધું લખી શકાય એમ છે પણ દરેકને પોતપોતાના મનોજગતમાં વિહરવા દેવાનો જ આ વાર્તાનો કદાચ આશય છે એટલે આ વાર્તા વિશે અહીં જ અટકીશ. ચાલો જઈએ બીજી વાર્તા તરફ.

'ના, તારે મારી વાત સાંભળવી પડશે અને હું એ કહીશ જ. યાદ છે, તે દિવસે જ્યારે તેં તારી આંગળીઓ ધીમેકથી મારી આંગળીઓમાં પરોવી દીધી હતી ત્યારે વરસાદ વરસી રહ્યો હતો અને આપણી પાસે છત્રી નહોતી.' તેણે પોતાનો ઑક્સિજન માસ્ક હટાવીને કહ્યું.

'અને અને તેં જ્યારે તારી આંગળીઓ મારી આંગળીઓમાં પરોવી હતી ત્યારે એ આંગળીઓ કેવી બરાબર એકબીજા સાથે ગોઠવાઈ ગઈ હતી.'

'હા, મને બરાબર યાદ છે.' મેં મારી આંગળીઓ તેની આંગળીઓમાં પરોવતાં કહ્યું. મારી આંખોમાંથી ચોધાર આંસુ વહેવા માંડ્યાં કારણ કે આજે તેની આંગળીઓ મારી આંગળીઓમાં ભિડાઈ નહોતી.

આમ તો આ વાર્તાના શબ્દો કોઈ પણ સંવેદનશીલ હૃદયને ભેદીને આંખને ભીની કરી જાય એવા છે. આ ટચૂકડી વાર્તામાં વાચક ચાહે તો એક આખી પ્રેમકથા વાંચી શકે એમ છે. લેખકે માત્ર એક દૃશ્ય મૂક્યું છે અને બે સંવાદ છે. આપણને કહેવામાં આવે છે કે નાયકે ઑક્સિજન માસ્ક હટાવીને કહ્યું અને આપણને સમજાઈ જાય છે કે નાયક માંદગીના બિછાને છે, કદાચ હોસ્પિટલના બેડ પર. શ્ર્વાસ લેવામાં પણ તેને તકલીફ પડી રહી હશે એટલે જ તો ઑક્સિજન માસ્ક છે. તે જીદ કરી રહ્યો છે કે તારે મારી વાત સાંભળવી જ પડશે અને હું કહીશ જ. તેની પ્રેયસી જે કદાચ હવે તેની પત્ની છે તેને બોલવાની ના પાડી રહી હશે. તેને શ્રમ પડી રહ્યો હશે પણ તે માનતો નથી. તે કહે છે, ભૂતકાળના એ દિવસને યાદ કરે છે જ્યારે એકબીજાને મળ્યા હતા, પ્રેમમાં પડ્યા હતા, પરસ્પરની લાગણીઓનો એકરાર કર્યો હતો. નાયિકાએ વરસતાં વરસાદમાં છત્રી વિના ભીંજાતા ભીંજાતા ધીમેકથી પોતાની આંગળીઓ તેની હાથની આંગળીઓમાં સરકાવી હતી. એ સ્પર્શ હજુ યાદ હતો બંનેને. મૃત્યુના બિછાને પડેલો નાયક કહે છે કે તારી એ આંગળીઓ કેવી સરસ રીતે મારી આંગળીઓમાં જડબેસલાક ગોઠવાઈ ગઈ હતી જાણે આ હાથ માટે જ સર્જાઈ ન હોય. નાયિકાને પણ બધું યાદ છે. સ્મૃતિપટ પર અંકિત છે, અકબંધ છે. તેને ગળે ડૂમો ભરાઈ આવ્યો હશે કદાચ. બિછાને પડેલો જીવનસાથી જેની સાથે જિંદગીની તડકી-છાંયડી વિતાવી છે, રિસામણાં-મનામણાં, મધુર ક્ષણો, વાદવિવાદ, ઝઘડા અને જીવનના કેટલાય તબક્કાઓ સાથે ગાળ્યા છે તેના હાથમાં ફરી વાર આંગળીઓ સરકાવી અને એ જ ક્ષણે અહેસાસ થાય છે કે એ આંગળીઓએ આજે તેની આંગળીઓને જોરથી ભીડી નથી. હૂંફ, પ્રેમ, વિશ્ર્વાસ અને ભરોસો આપતી આંગળીઓ નિશ્ર્ચેતન થઈ ગઈ છે અને આંખમાંથી લાખ્ખો આંસુઓ ધસી આવે છે.

અહીં જેની વાત થઈ રહી છે એવી ટચૂકડી વાર્તાઓ દ્વારા લેખકે ખૂબ બધું કહી દીધું છે ઘણું બધું કહ્યા વિના. આ વાર્તાના લેખક કોઈ જાણીતા વાર્તાકાર નથી. કોઈ મોટા પારિતોષિક વિજેતા લેખક નથી. આ વાર્તાઓના લેખકનું નામ છે અનિમેષ ગાંગુલી. ઇન્ટરનેટ પર લટાર મારતા-મારતા આ યુવાન (તેના ફોટા પરથી તો તે કોલેજમાં ભણતો કે હજુ હમણાં જ કોલેજમાંથી બહાર આવ્યો હોય એવો છોકરડો લાગે છે)ની વાર્તાઓ પર નજર પડી. હૃદયને સ્પર્શી ગઈ. અનિમેષ ગાંગુલી વિશે એટલી જ માહિતી પ્રાપ્ત થઈ શકી છે કે તે દિલ્હીમાં રહે છે.

આવી ઢગલાબંધ વાર્તાઓ તેણે લખી છે. તેની ઘણી બધી વાર્તાઓ વિશે હજુ લખવાનું મન થાય છે પણ સ્થળસંકોચને કારણે લખી શકાતી નથી. જો આવી ટચૂકડી ટૂંકી વાર્તાઓમાં રસ પડ્યો હોય તો જરૂર જણાવજો ફરી થોડીક વધુ વાર્તાઓ લઈને હાજર થઈ જઈશું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment