Saturday, 24 October 2015

[amdavadis4ever] બેમિસાલ બિલ્યનેર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સિરિયા અને ઇરાકમાં વિશ્ર્વના સૌથી ખતરનાક આતંકવાદીઓના જૂથ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (આઇએસઆઇએસ) દ્વારા કાળો કેર વર્તાવવામાં આવી રહ્યો છે અને અગાઉ જગતમાં ક્યારેય કોઈએ ન અનુભવ્યા હોય કે ન સાંભળ્યા હોય એવા આતંકે માઝા મૂકી છે. ઇરાકમાં પોણાબે વર્ષથી ટૅરરિસ્ટો સામાન્ય લોકોને અને એમાં ખાસ કરીને યેઝીદી, કુર્દ અને શિયા સમાજના લોકોને હણી રહ્યા છે. જોકે, સિરિયામાં એનાથી પણ વધુ ખરાબ હાલત છે. ત્રણ વર્ષથી દેશના અનેક જાતિના લોકો વચ્ચે અને ખાસ કરીને સરકાર સાથેના સંઘર્ષમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો એવામાં એક વર્ષથી આઇએસઆઇએસના આતંકવાદીઓ દેશમાં ઘૂસી ગયા અને અનેક વિસ્તારો પર કબજો કરીને આતંક ફેલાવવા લાગ્યા છે અને આ દુ:સ્વપ્ન સમા ચાર વર્ષમાં ૨,૫૦,૦૦૦ લોકોના જાન ગયા છે, ૫,૦૦,૦૦૦ જણને ઈજા થઈ છે અને ૪૦,૦૦,૦૦૦ લોકોએ દેશ છોડીને આજુબાજુના દેશોમાં આશ્રય લીધો છે. તુર્કીએ સૌથી વધુ ૧૧,૦૦,૦૦૦ લોકોને આશ્રય આપ્યો છે અને બીજા લોકો આજુબાજુના દેશોમાં જઈને વસ્યા છે. યુરોપના દેશો તરફ પણ પરિવારો સાથે લોકોનો ધસારો થઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપના મિત્ર રાષ્ટ્રોએ આતંકવાદીઓ સાથે યુદ્ધ આદર્યા પછી હવે તેમનાથી કામ નથી થયું એટલે હવે રશિયા અને ઇરાને ટૅરરિસ્ટોનો ખુરદો બોલાવવાની શરૂઆત કરી દીધી છે. જોકે, હજી પણ દરરોજ હજારોની સંખ્યામાં લોકો સિરિયા-ઇરાક છોડીને ભાગી રહ્યા છે.

સિરિયા-ઇરાકના નિરાશ્રિતોની વાત નીકળી છે એટલે આપણે ઊડીને આંખે વળગે એવા એક કિસ્સા વિશે જાણીએ. ઇજિપ્તના એક અબજોપતિ છે જેમની વાત જાણીશું તો નવાઈનો પાર નહીં રહે. ૬૧ વર્ષની ઉંમરના નૅગીબ સૅવિરિસ નામના આ બિલ્યનેર છે તો ઇજિપ્તના ટેલિકોમ ક્ષેત્રના ઑન્ટ્રપ્રનર (સાહસિક) અને તેઓ તેમ જ તેમના પરિવારના સભ્યો ઘણી કંપનીઓની માલિકી ધરાવે છે, પરંતુ નૅગીબ અત્યારે એક અનોખા અને અભૂતપૂર્વ સામાજિક કાર્યમાં વ્યસ્ત છે. તેઓ યુરોપના ગ્રીસ શહેરનો એક પ્રાઇવેટ ટાપુ ખરીદવાની પેરવીમાં છે. આ ટાપુમાં તેઓ પરિવાર કે મિત્રો સાથે રહીને કુદરતની મોજ માણવા નથી માગતા. તેમનો આશય હરીફો પાસે કોઈ રીતે પોતાની આર્થિક તાકાત સાબિત કરવાનો પણ નથી. તેમનો એકમાત્ર ઉદ્દેશ ૨,૦૦,૦૦૦ જેટલા નિરાશ્રિતોને સલામત અને અનેક પાયાની સુવિધાઓ સાથેનો આશ્રય આપવાનો છે.

નૅગીબ પાસે કુલ ૩.૧ અબજ ડૉલર (૨૦૦ અબજ રૂપિયા)ની સંપત્તિ છે અને એમાંથી તેઓ ૬૫ લાખ પાઉન્ડ (૬૫ કરોડ રૂપિયા)થી ૬૫૦ લાખ પાઉન્ડ (૬.૫ અબજ રૂપિયા) સુધીની રકમ આ એક ટાપુ ખરીદીને એમાં વિવિધ પ્રકારના માળખાકીય ખર્ચ પાછળ કરવા માગે છે. આફ્રિકાના રિચેસ્ટ બિઝનેસમેનમાં ૧૦મા નંબરે આવતા નૅગીબ પાસે ધનનો ભંડાર છે અને ૬૫ કરોડ રૂપિયાથી ૬.૫ અબજ રૂપિયા વાપરવા એ તેમના માટે કોઈ મોટી વાત નહીં હોય, પરંતુ તેઓ જે કામ કરવા જઈ રહ્યા છે એ તદ્ન અનોખું છે. કરોડો રૂપિયાના દાન તો ઘણા માલેતુજારો આપી દેતા હોય છે અને તેઓ ઘણા ચૅરિટી વર્ક પણ કરતા હોય છે, પરંતુ આશ્રિતો માટે આખેઆખો ટાપુ ખરીદીને તેમને માટે રહેવાની તેમ જ જીવન જરૂરિયાતની બીજી ઘણી સગવડો ઊભી કરી આપવી એ તો અદ્ભુત જ કહેવાય.

થોડા અઠવાડિયા પહેલાં તુર્કીના બૉડરમ શહેરના બીચ પર ત્રણ વર્ષનો એક બાળક મૃત હાલતમાં એક સલામતી કર્મચારીને મળ્યો હતો અને કર્મચારીએ બાળકને ઊંચકીને કાંઠા પર લઈ આવી રહ્યો હોય એ દૃશ્ય ઇન્ટરનેટ પર તેમ જ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું. ભલભલા કઠણ માનવીને ભાવુક બનાવી દે એવું આ દશ્ય નૅગીબે એક વેબસાઇટ પર જોયું હતું અને ત્યારે જ તેમનામાં ગજબનું પરિર્વતન આવ્યું હતું. તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે તેઓ સિરિયાના હજારો નિરાશ્રિતો માટે એક ટાપુ ખરીદશે. એ મૃત

બાળકનું નામ આયલન કુર્દી હોવાનું પછીથી તેમને જાણવા મળ્યું હતું અને તેમણે નિરાશ્રિતો માટેના ટાપુને 'આયલન આઇલૅન્ડ' નામ આપવાનું કર્યું હતું. જોકે, પોતે કયો ટાપુ કેટલા પાઉન્ડમાં ખરીદશે એ તેમણે જાહેર કરવાનું ટાળ્યું છે.

નૅગીબે એક મુલાકાતમાં કહ્યું હતું કે 'મધ્ય પૂર્વમાં આતંકવાદીઓએ કાળો કેર વર્તાવ્યો છે જેને કારણે તુર્કી, જોર્ડન અને લેબેનન જેવા દેશોમાં આ નિરાશ્રિતો ફરી વસવાટ કરીને સુખેથી રહે એ સંભવ નથી એટલે મેં ગ્રીસમાં આખો ટાપુ તેમના માટે ખરીદવાનું નક્કી કર્યું છે. આ દ્વીપકલ્પ પર હું હોટેલો, રહેઠાણો તથા સ્કૂલો બંધાવીશ. યુવાનો અને યુવતીઓ માટે હું એ ટાપુ પર રોજગારની તકો અપાવીશ અને બાળકો સ્કૂલમાં જઈ શકે એવી તમામ પ્રકારની વ્યવસ્થા કરાવડાવીશ. મને ખાતરી છે કે આવી પાયાની સગવડો મળતી થશે તો હજારોની સંખ્યામાં નિરાશ્રિતો ત્યાં રહેવાનું પસંદ કરશે જ. હું તેમના માટે આ ટાપુ પર અમેરિકા જેવું નાનું રાષ્ટ્ર બનાવવા માગું છું.'

નૅગીબને આ મહાન ચૅરિટી વર્ક માટે અનેક દાતાઓની ઑફરો પણ મળી છે અને અસંખ્ય લોકોએ સ્વયંસેવકની ભૂમિકા ભજવવાની તૈયારી પણ બતાવી છે. નૅગીબે ટાપુ ખરીદવાનો વિચાર વહેતો મૂક્યો ત્યાર પછી અત્યાર સુધીમાં તેમને વિવિધ પ્રકારના સહકાર સંબંધમાં ૧૦,૦૦૦ જેટલા ઇ-મેઇલ મળ્યા છે. નૅગીબે જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ તેમને આ પરોપકાર્યમાં મદદ કરવા તૈયાર હોય તેમને તેઓ તેમના ડોનેશનના પ્રમાણને આધારે આ નવા પ્રોજેક્ટમાં પાર્ટનર બનાવશે.

જ્યાં અંધકાર હોય ત્યાં ક્યારેક તો ઉજાસ શક્ય બને જ. સિરિયાના લોકો આતંકવાદનો શિકાર બન્યા અને જાન-માલની બાબતમાં તેમણે મોટું નુકસાન વેઠ્યું છે, પરંતુ તેમના અંધકારમય ભાવિને ઉજળું બનાવવા માટે નૅગીબ જેવા પરોપકારીએા અને લાખો સ્વયંસેવકો પણ હાજરાહજુર છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment