Thursday, 29 October 2015

[amdavadis4ever] ભૂલ ભી જાઓ કિ સને તોડા, ક્ય ોં તોડા, ઢૂંઢ રહે હો ક્યા ગલિયોં મેં, દ િલ કે ટુકડે બ રસોં બાદ! Dr Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભૂલ ભી જાઓ કિસને તોડા, ક્યોં તોડા, ઢૂંઢ રહે હો ક્યા ગલિયોં મેં, દિલ કે ટુકડે બરસોં બાદ!
 
કોલેજમાં મલ્હારની છાપ એક હિંમતવાન યુવાનની હતી. ચાલુ લેક્ચરમાં એક દિવસ એણે ક્લાસરૂમમાં ઊભા થઇને કહી દીધું હતું, 'સર, આજે કંઇ જામતું નથી. બહુ બોર થવાય છે. ભણાવવાનું બંધ કરો ને! કાલે વાત.'
સન્નાટો છવાઇ ગયો ક્લાસરૂમમાં. પ્રો. જાની સર અત્યંત કડક સ્વભાવના હતા. આવું બોલનારને યુનિવર્સિટી એક્ઝામમાં કદીયે પાસ ન થવા દે તેવા કિન્નાખોર પણ હતા. જિંદગીમાં પહેલી વાર એમને એક સ્ટુડન્ટની આવી ગુસ્તાખીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 

પ્રો. જાનીએ બીજા વિદ્યાર્થીઓ તરફ નજર ફેરવી લીધી. પચાસમાંથી પિસ્તાળીસ ચહેરાઓ પર મલ્હારની ગુસ્તાખીની ઝેરોક્ષ નકલ વાંચવા મળી. પાંચેક બોચિયાઓ જ ભણવાના મૂડમાં લાગ્યા. પ્રો. જાનીએ ચોક અને ડસ્ટર ટેબલ પર મૂકી દીધાં. કાંડા ઘડિયાળ કાઢી નાખી હતી તે પાછી પહેરી લીધી. ચહેરાને હાથરૂમાલથી લૂછીને સાફ કર્યો. પછી સ્પોર્ટ્સમેન સ્પિરિટ દાખવીને બોલી ગયા, 'ઓ.કે. સ્ટુડન્ટ્સ! આઇ કોલ ઓફ્ફ ધ લેક્ચર ટુ ડે. મલ્હાર, તારી નિખાલસતાને હું દાદ આપું છું. તને ખબર છે? પિસ્તાળીસ મિનિટ્સનું એક લેક્ચર તૈયાર કરવા માટે મારે એક આખો દિવસ મહેનત કરવી પડે છે! અને એ લેક્ચર સાંભળતી વખતે જો તમે નસકોરાં બોલાવતા હો તો મારી મહેનત પાણીમાં જાય. આઇ હોપ કે આવતીકાલે તું અને બાકીના બધા સ્ટુડન્ટ્સ ભણવાની માનસિક તૈયારી સાથે આવશો.'
આખો ક્લાસરૂમ 'થેન્ક યુ, સર...!' ના ઉદ્્ગારોથી ગુંજી ઊઠ્યો. પછી બધા મલ્હારને ઘેરી વળ્યા: 'તું ગજબ છે, યાર! આવું બોલતા તારી હિંમત કેવી રીતે ચાલી?'

મલ્હાર હસ્યો, 'આમાં હિંમતની જેટલી જરૂર નથી હોતી, એટલી જરૂર નિખાલસતાની હોય છે. જાત સાથેની પ્રામાણિકતાની હોય છે. ક્યારેક દંભ કરવામાં બંને પક્ષો દુ:ખી થતા હોય છે. તમે જોયું નહીં? પ્રો. જાની સર પણ મારી વાતથી ખુશ થઇ ગયા!'
આ જ મલ્હારનો સ્વભાવ હતો, મિજાજ હતો, પ્રકૃતિ હતી. એના મનમાંથી ઊઠેલી લાગણી કદીયે 'રાઝ' બનીને એના પેટમાં ભંડારાઇ જતી ન હતી, પણ વાક્ય બનીને જીભ પર આવી જતી હતી. મોટા ભાગના કિસ્સાઓમાં એ સફળ જતો હતો. પ્રો. જાનીની જેમ જ બીજાઓ પણ એની નિખાલસતા જોઇને ખુશ થઇ જતા હતા. પણ દરેક માણસને દરેક વખતે જીત નથી મળતી હોતી. નેપોલિયન જેવો નેપોલિયન પણ વોટર્લૂના રણમેદાનમાં હારી ગયો હતો.
 
મલ્હારનું વોટર્લૂ પણ હવે સાવ નજીકમાં આવી રહ્યું હતું. એક દિવસ એના જ ક્લાસમાં સાથે ભણતી છોકરી માનૂની નવો ડ્રેસ પહેરીને કોલેજમાં આવી હતી. માનૂની ધનવાન બાપની દીકરી હતી. સિત્તેરના દાયકામાં મોડર્ન કપડાં પહેરીને આવતી હતી. આખી કોલેજમાં છોકરાઓ પાસે પણ સ્કૂટર કે બાઇક ન હતું, ત્યારે તે જાતે કાર ચલાવીને આવતી હતી. એનો નવો ડ્રેસ જોઇને બધી જ બહેનપણીઓ 'ન્યૂ પિન્ચ' કહીને કોમ્પ્લિમેન્ટ્સ આપી આવી, પણ મલ્હારને એનો નવો ડ્રેસ કંઇ ખાસ ગમ્યો નહીં. 
તે સીધો પહોંચી ગયો માનૂની પાસે, 'હાય, મિસ! એક વાત કહું? આ ડ્રેસ તો સારો છે, પણ તારી ઉપર જામતો નથી.'
'શું બકવાસ કરે છે?' ધનવાન બાપની બદમિજાજ દીકરી બગડી બેઠી. 

'જસ્ટ કૂલ ડાઉન, બેબી! હું ન તો તારી ટીકા કરું છું, ન તારા ડ્રેસની. હું તો તારું ધ્યાન દોરું છું કે તારી ગોરી ગોરી સ્કિન પર આવા લાઇટ કલર્સ ના શોભે. એ જ ડ્રેસ જો બ્લેક અથવા રેડ અથવા બોટલ ગ્રીન કલરનો હોત તો તું જેટલી છે એના કરતાંયે હજાર ગણી બ્યુટિફુલ લાગી રહી હોત.'
'શટ અપ! યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ!' માનૂની ક્રોધની મારી લાલઘૂમ થઇ ઊઠી હતી. 

'ઓ.કે.! તારે મારો સાચો અભિપ્રાય ન સાંભળવો હોય તો … આઇ વિલ શટ અપ ફોર ગુડ. પણ એટલું કહી દઉં છું કે આ બધી તારી બહેનપણીઓ તારાં વખાણ કરે છે એ તદન ખોટા છે. એ બધી તારી ચમચીઓ છે. તારા પૈસે કેન્ટીનમાં જલસા કરે છે...'
'વિલ યુ શટ અપ ઓર એલ્સ...?' માનૂનીની આંખમાં સર્વનાશી કાલાગ્નિ ભડકતો જોઇને મિત્રો મલ્હારને ઘટનાસ્થળેથી દૂર ખેંચી ગયા. 

મિત્રોએ એને સમજાવ્યો, 'બધા એકસરખા નથી હોતા, દોસ્ત. પ્રો.જાની અને માનૂની બંને જુદી વ્યક્તિઓ છે. તારે કોઇ પણ છોકરીના ડ્રેસની ટીકા ન કરવી જોઇએ. આમાં તને શું મળ્યું?' મલ્હારને શું મળ્યું એના કરતાં માનૂનીએ શું ગુમાવ્યું તે વધારે અગત્યનું હતું. પરિણામ એ જ વીક એન્ડમાં સામે આવી ગયું. 
વાત એવી હતી કે માનૂનીની જ્ઞાતિનું વાર્ષિક ફંક્શન નજીક આવી રહ્યું હતું. રવિવારની સાંજે એક બ્યૂટી કન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વરસે માનૂની જ પ્રથમ ક્રમાંકે આવતી હતી. આ ડ્રેસ પણ તેણે ખાસ એ ઇવેન્ટ માટે જ ડિઝાઇનર પાસે તૈયાર કરાવ્યો હતો. કોલેજમાં એટલા માટે એ પહેરીને આવી હતી જેથી સહેલીઓની પ્રતિક્રિયા જાણી શકે. તમામ સહેલીઓએ એના ડ્રેસનાં અઢળક વખાણ કર્યાં હતાં, પણ આ મલ્હારિયો સાલો! એણે બધી મઝા મારી નાખી. દૂધપાકના તપેલામાં એ કોલસો બનીને પડ્યો અને આખો સ્વાદ બગાડી નાખ્યો. 

રવિવારે બ્યૂટી કન્ટેન્સ્ટ યોજાઇ ગઇ. ખચાખચ ભરાયેલા સભાગૃહમાં સાત અંતિમ કેટેગરીમાં સપ્તસુંદરીઓ મંચ પર પેશ થઇ. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે સન્નાટો છવાઇ ગયો. બહારથી આવેલા ત્રણ તટસ્થ નિર્ણાયકોએ સર્વાનુમતિથી નિર્ણય જાહેર કર્યો, 'મિસ તન્વી પ્રથમ નંબર લઇ જાય છે. મિસ માનૂનીને રનર અપ જાહેર કરવામાં આવે છે. અમે સ્વીકારીએ છીએ કે મિસ માનૂની તમામ સ્પર્ધકોમાં મોસ્ટ બ્યુટિફુલ છે, પણ અમારા માપદંડોમાં માત્ર સુંદરતા જ જોવામાં નથી આવી. આજે મિસ માનૂની ડ્રેસની પસંદગીમાં માર ખાઇ ગયાં છે. જો એમણે લાઇટ કલરને બદલે ડાર્ક રંગનો ડ્રેસ પસંદ કર્યો હોત તો અવશ્ય એ...' માનૂનીને ચક્કર આવી ગયાં આ સાંભળીને. કાશ બે દિવસ પહેલાં એણે મલ્હારની વાત માન્ય રાખી હોત તો...!

સોમવારની રિસેસમાં પિન્કી, મિન્કી, રિન્કી માનૂનીનો મેસેજ લઇને મલ્હાર પાસે પહોંચી ગઇ, 'મલ્હાર, માનૂનીએ 'સોરી' કહેવડાવ્યું છે.'
મલ્હાર મસ્તીના મૂડમાં ઝાડ નીચેના ઓટલા પર બેઠો હતો. એણે વળતો ફટકો માર્યો, 'હવે શું? આને રાંડ્યા પછીનું ડહાપણ કહેવાય! માનૂનીને કહેજો કે જિંદગી આખી જો આવી સાચી વાતો સાંભળવાની તૈયારી હોય તો મારી સાથે પરણી જાય. મને એ છોકરી ગમે છે.'
'હાય! હાય! તું તો સાવ ગાંડા જેવી વાતો કરે છે.' પિન્કી બોલી ઊઠી. મલ્હાર સાંભળી રહ્યો. 
હવે રિન્કીએ ઉમેર્યું, 'ક્યાં તું અને ક્યાં માનૂની?!' મલ્હાર ખામોશ રહ્યો. 

મિન્કી શા માટે બોલ્યા વિનાની રહે! 'તું સાવ ઓર્ડિનરી છોકરો છે. માનૂની કરોડપતિ બાપની દીકરી છે. એ કંઇ તારા જેવા મામૂલી છોકરા સાથે થોડી લગ્ન કરતી હશે?'
હવે મલ્હાર બોલવાના મૂડમાં આવ્યો, 'જઇને તમારી ફ્રેન્ડને આટલું કહેજો કે એ સાચા મર્દની ઇજ્જત કરતા શીખે. હું આજે ભલે મામૂલી લાગતો હોઉં પણ હું જીવનભર આવો નથી રહેવાનો. એક વાર રૂપિયાના રણમેદાનમાં હું પગ મૂકીશ ત્યારે ખબર પડશે. અરે, રૂપિયા કમાવવા એ તો બુદ્ધિના બળદિયાઓ પણ કરી શકે છે. હું તો એક દિવસ આ શહેરની શોભા બની રહેવાનો છું.' તીન દેવીયાં માનૂની પાસે જઇને મલ્હારનો મેસેજ સંભળાવી આવી. ચારેય મગરૂર યુવતીઓ મુફલીસ મલ્હારની બડાશ પર પેટ ભરીને હસી પડી. પંદર વર્ષ વીતી ગયાં. મુંબઇમાં પાકિસ્તાની ગઝલ ગાયકનો કાર્યક્રમ હતો. મુંબઇના ગણ્યાગાંઠ્યા અગ્રણી નાગરિકોની સાથે સફળ ઉદ્યોગપતિ મલ્હાર કોઠારી પણ પ્રથમ હરોળમાં સોફામાં બિરાજમાન હતા. ત્યાં એક એન.આર.આઇ. સ્ત્રી એમની પાસે આવીને પૂછવા લાગી, 'મલ્હાર, મને ઓળખી? હું માનૂની.'

'ઓહ નો! જો તેં નામ ન કહ્યું હોત તો હું ખરેખર તને ઓળખી ન શક્યો હોત. તું કેવી હતી અને કેવી થઇ ગઇ છો! યે ક્યા હાલ બના રક્ખા હૈ, માનૂની?'
'આ બીજું કંઇ નથી, મલ્હાર, માત્ર એક અભિમાની રૂપસુંદરીના વિધાતાએ કરી મૂકેલા હાલહવાલ છે. મારા પિતાએ અમેરિકન છોકરો શોધીને મને પરણાવી દીધી. ત્યાં જઇને ખબર પડી કે એ તો ડુંગરપુરિયા જેવું કામ કરે છે. હું પણ એમાં જોડાઇ ગઇ. સાત-સાત દિવસની સેન્ડવિચો ફ્રિજમાં ભરી રાખું છું. સવારે પાંચ વાગે ઊઠીને દોડવા માંડું છું. અમેરિકન વર્ક કલ્ચરમાં ખોવાઇ ગઇ છું. તારા વિષે મેં લોકો પાસેથી સાંભળ્યું. ત્રણ જ વર્ષમાં તું ત્રીસ કરોડ રૂપિયા કમાઇને હવે એશ કરે છે. સાચી વાત?'
'હા, પ્રભુની મહેર છે. મેં નહોતું કહ્યું? રૂપિયા તો બુદ્ધિના બળદિયા હોય એ પણ કમાઇ લે છે. હું તો ખરેખર બુદ્ધિશાળી છું. હવે ઉચ્ચ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ લઉં છું અને પળેપળને મનભરીને માણતો રહું છું. તું ક્યાં બેઠી છો?'
'છેક છેલ્લી હરોળમાં એક હજાર રૂપિયા ખર્ચ્યા તો પણ...'

'નો પ્રોબ્લેમ. તું મારી બાજુમાં બેસી શકે છે. આ ચેરિટી શો છે ને! મેં પચાસ હજાર રૂપિયામાં આખો સોફા બુક કરાવ્યો છે. લગ્નમંડપમાં ભલે આપણે સાથે ન બેસી શક્યાં, અહીં તો બેસીએ.'
થોડીવારમાં કોન્સર્ટ શરૂ થઇ. ગઝલના ઉસ્તાદે ગળું ગરમ કર્યું. પછી અર્જ કર્યું: 'ગઝલ કે કદરદાન હાઝરીન ઔર હઝરાત! પેશ-એ ખિદમત હૈ કૈસર સાહબ કે અલફાઝ...'

 

 

અને સમો બંધાઇ ગયો. 'યાદોં કા ઇક ઝોંકા આયા, હમસે મિલને બરસોં બાદ/ પહેલે ઇતના રોએ નહીં થે, જિતના રોએ બરસોં બાદ...' માનૂનીની આંખોમાંથી પસ્તાવાનું પૂર ઊમટી પડ્યું. કાનમાં જાણે એની જ આત્મકથાનો નિચોડ ઠલવાઇ રહ્યો હતો: 'લમ્હા લમ્હા ઘર ઉજડા હૈ, મુશ્કિલ સે એહસાસ હુઆ/ પત્થર આએ બરસોં પહલે, શીશે ટૂટે બરસોં બાદ...'
ગઝલના જામમાં વીતેલી જિંદગીનો બર્ફીલો ટુકડો પીગળતો રહ્યો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment