Thursday, 29 October 2015

[amdavadis4ever] ભૂત તમારા ઘરે રોકાવા આવે તો?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભૂત તમારા ઘરે રોકાવા આવે તો?
ક્લાસિક : દીપક સોલિયા

તમે ભૂતમાં માનો? કોઈ વાસના અતૃપ્ત રહી ગઈ હોય તો શું આત્મા ભટકે?શ્રાદ્ધના દિવસોમાં વડવાઓ છાપરા પર ખીર ખાવા આવે? કોઈ આવા બધામાં માને, કોઈ ન માને. હકીકત એ જ છે જગતની લગભગ તમામ સંસ્કૃતિઓમાં મૃતક વિશેની જાતજાતની કલ્પનાઓ, માન્યતાઓ અને વિધિઓ પ્રચલિત છે. એનાથી મૃતક કે, એના સંભવિત આત્માને ફરક પડે કે ન પડે, પરંતુ વડીલના આત્માની શાંતિ માટે કશુંક કરવાથી વારસદારોને એ બહાને વડીલો સાથે મનોમન થોડી વાતો કર્યાનો અને 'નાતો' જાળવી રાખવાનો સંતોષ થાય. ખાસ તો, આવી વીધી કરનારને એ પણ યાદ આવે કે એક દિવસ આપણે પણ જવાનું છે. અસલમાં જીવન અને મૃત્યુ સાથોસાથ જ ચાલતાં હોય છે. આપણે જેની વાત કરી રહ્યા છે એ ફિલ્મ 'વોલ્વેર'ની વાર્તા જ્યાં આકાર લે છે એ સ્પેનના ગામડાંઓમાં મૃતકો સાથે સતત સંવાદ ટકાવી રાખવા માટે કબરની નિયમિત સફાઈનો રિવાજ આજે પણ પ્રચલિત છે. 
ફિલ્મ 'વોલ્વેર'ની શરૂઆત જ ત્યાંથી થાય છે કે બે યુવાન બહેનો એમના માડ્રિડ શહેરથી છેક ૧૮૦ કિલોમીટર દૂર ગામડે આવીને પોતાનાં મા-બાપની કબર સાફ કરે છે અને સજાવે છે. કબર સાથે ઠીક ઠીક સમય ગાળ્યા બાદ બેય બહેનો ગામમાં એકલાં રહેતાં માસીને અને માસીની સામેની ડેલીમાં રહેતી પડોશણ ઓગસ્ટિનાને મળે છે. ગામડેથી બેય બહેનો પાછી ફરે છે એના બીજા જ દિવસે ગામડેથી ફોન આવે છે કે, માસી તો ગયાં. માસીના વારસદારમાં આ બે ભાણેજીઓ સિવાય જગતમાં બીજું કોઈ નથી. છતાં, મોટી બહેન રૈમુંડા માસીની અંતિમવિધિમાં આવવાની ના પાડી દે છે કારણ કે, એના માથે મોટી આફત આવી પડી છે. બપોરે એ કામ પર ગયેલી ત્યારે વરે દીકરી પર નજર બગાડતાં દીકરીએ હડબડાટમાં ચાકુ મારી દીધું અને વર મરી ગયો. વરની લાશ રસોડામાં પડી છે. પોતે વરની લાશના નિકાલના ખતરનાક કામમાં પરોવાયેલી હોવાથી રૈમુંડા પોતાની અત્યંત પ્રિય માસીની અંતિમવિધિમાં ભાગ લેવા માટે નથી જઈ શકતી અને નાની બહેન સોલેએ પરાણે એકલા ગામડે જવું પડે છે. સોલે ગામડે પહોંચીને સીધી સદ્ગત માસીના ઘરમાં જાય છે. ત્યાં તો સન્નાટો છે. આ કેવું? જે ઘરમાં અવસાન થયું છે ત્યાં કોઈ નહીં? ના, સાવ એવું નથી. સોલેને ઉપરના માળેથી પગથિયા ઉતરી રહેલો એક ઓળો દેખાય છે અને પછી બીજી જ પળે મમ્મી પ્રગટ થાય છે. મમ્મી પાછી બોલે પણ છેઃ 'દીકરી...' અને દીકરી જાણે ફાટી પડે છે. મમ્મી તો ચાર વર્ષ પહેલાં મરી ચૂકી છે. એની લાશ પણ સૌની નજર સામે દફનાવાઈ ચૂકી છે. અને અહીં તો મમ્મી નજર સામે હાજર થાય છે. મમ્મીનું ભૂત જોઈને ડરેલી સોલે દોટ મૂકીને સામેની ડેલીમાં, ઓગસ્ટિનાના ઘરમાં ઘૂસે છે. અહીં સુધી આપણે પહોંચેલા. હવે આગળ.
ઓગસ્ટિનાએ માસીના નિધન બાદ આદર્શ પડોશી તરીકે માસીની અંતિમવિધિની જવાબદારી એવી રીતે ઉઠાવી લીધેલી જાણે એ માસીની સગ્ગી દીકરી હોય. તો, સોલેને લઈને ઓગસ્ટિના ઘરના અંદરના કમરામાં આવી. આ મોટા કમરામાં ગામ આખાની મહિલાઓ કાળા કપડાં પહેરીને ગંભીર ચહેરે બેઠી હતી. એ બધી મરણ પછી બોલવાના 'સ્પેનિશ મંત્રો' ધીમા સાદે બણબણી રહી હતી. સોલેને જોઈને બધી મહિલાઓ ઊભી થઈ ગઈ અને એકેએક મહિલાએ વારાફરતી સોલેને બાથમાં ઘાલીને સાંત્વન આપ્યું. આટલી બધી મહિલાઓ દ્વારા ભેટાવાનો સોલેનો આ કદાચ પહેલો અનુભવ હતો. આમ પણ થોડી જ પળો પહેલાં મમ્મીનું ભૂત જોયાના આઘાતમાંથી સોલેને હજુ કળ નહોતી વળી. એ થાંભલાની જેમ ઊભી રહી. ઓગસ્ટિનાએ એને પ્રેમથી બાજુમાં બેસાડીને માસીના મોતની વાત માંડી. ગામની મહિલાઓ 'મંત્રોચ્ચાર' રોકીને, કાન સરવા કરીને ફરી એક વાર મૃત્યુગાથા સાંભળવા લાગી.
ગામની એક બાઈ બોલી, 'નક્કી માસીના આત્માએ જ તને (ઓગસ્ટિનાને) બોલાવી હશે.' બીજી બાઈએ સવાલ ઉઠાવ્યો, 'પૌલા(માસી)નો આત્મા કે બીજીનો (માસીની બહેનનો, રૈમુંડા-સોલેની મમ્મીનો) આત્મા? એ બે બહેનમાંથી કોઈ એકનો આત્મા હશે.' ઓગસ્ટિના કહે, 'બેમાંથી કોનો આત્મા હતો એની તો મને ખબર ન પડી. પણ એટલું નક્કી કે ,મેં એકદમ ચોખ્ખો અવાજ સાંભળેલો. અત્યારે હું બોલું છું અને તમને સંભળાય છે એટલો ચોખ્ખો અવાજ અને દરવાજો પણ એણે જ (એ આત્માએ જ) ખુલ્લો રાખ્યો હશે, જેથી હું ઘરની અંદર જઈ શકું.' આટલું કહેતાં ઓગસ્ટિનાને અચાનક યાદ આવ્યું કે, સોલેને ભૂખ લાગી હશે. એ સોલેને રસોડામાં દોરતાં બોલી, 'સવારે તું વહેલી નીકળી હોઈશ. રસ્તામાં કશું ખાધું નહીં હોય. થોડું ખાઈ લે.' ઓગસ્ટિનાએ સોલને સૂપ પીરસ્યો. રસોડાના એકાંતમાં સોલે સહેજ ખૂલી, 'ગામના લોકો શું કહેતા હતા?' ઓગસ્ટિનાએ સોલેને શાંત પાડવા કહ્યું, 'ઠીક છે, લોકો તો બોલે.' 'ના, પણ એ મારી મમ્મી વિશે કહેતા હતા?' 'હા, ગામમાં અમુક લોકો કહે છે કે, તારી મમ્મી મરી ગઈ ત્યાર પછી પણ એમને દેખાઈ છે. લોકો કહે છે મર્યા પછી તારી મમ્મી એની બુઢ્ઢી બહેનની સંભાળ લેવા પાછી ફરી. અચ્છા, તને તારી મમ્મી (એના મોત પછી) ક્યારેય દેખાઈ છે?' 'ના, મને તો નથી દેખાઈ (અસલમાં થોડી પળો પહેલાં જ દેખાયેલી), પણ તને ક્યારેય દેખાઈ મારી મમ્મી?' 'ના, તારી જેમ મેં પણ એને જોઈ તો નથી પણ આવું થઇ શકે ખરું. મારા દાદા ગુજરી ગયા ત્યાર પછી એ દાદીને દેખાતા. પહેલાં તો દાદી બહુ ડરી પછી દાદીએ હિંમત કરીને પૂછી લીધું, તમારે શું જોઈએ છે? દાદાના આત્માએ કહ્યું કે, એમણે કોઈને એક વચન આપેલું, પણ એ પૂરું ન કરી શક્યા. દાદીએ ગામને વાત કરી. દાદાએ આપેલું વચન પૂરું કરવામાં આવ્યું અને આખું ગામ દાદાની કબર પર ગયું, દાદાના આત્માની શાંતિ માટે. ત્યાર પછી દાદા ફરી ક્યારેય ન દેખાયા. આ કંઈ ઘડી કાઢેલી વાર્તા નથી, મારા પોતાની જીવનની હકીકત છે.'
ઓગસ્ટિનાએ પૂછયું, 'માસીના ઘરમાં જવું છે? ઘરમાંથી તારે કંઈ લેવાનું હોય તો...' 'ના, ના... (મને તો બહુ બીક લાગે છે). રૈમુંડા (મોટી બહેન) આવશે ત્યારે એ બધું લઈ જશે.' 'વાંધો નહીં. રૈમુંડાને કહેજે કે આખું ગામ અંતિમયાત્રામાં જોડાયેલું. બધું બહુ સારી રીતે પાર પડયું.' આટલું કહેતાં ઓગસ્ટિના રડી પડી. આખો દિવસ મક્કમ વ્યક્તિત્વ દાખવનાર અને માસીની અંતિમક્રિયાની સઘળી જવાબદારી એકદમ સારી રીતે પાર પાડનાર ઓગસ્ટિના અચાનક સાવ ઢીલી પડી ગઈ. એ સોલેના ખભે માથું ઢાળીને રડતાં રડતાં બોલી, 'મને હવે બહુ એકલું લાગશે (મારી મમ્મી તો ગાયબ છે જ, હવે તારી આ માસી પણ ગઈ).' સોલે ઉતાવળે કારમાં બેઠી. એની કાર નજરથી ઓજલ થઈ ત્યાં સુધી ઓગસ્ટિના ઊભી રહી. આખી સૂમસામ ગલીમાં એકલી ઊભેલી ઓગસ્ટિના ખરેખર એકલતાની જીવતીજાગતી ર્મૂિત લાગી રહી હતી.
રાતે માડ્રિડ પહોંચીને સોલેએ એપાર્ટમેન્ટ નજીકના ર્પાિંકગ પ્લેસમાં ગાડી પાર્ક કરી. એ ગાડી છોડીને હજુ તો બે-ચાર ડગલાં ચાલી ત્યાં અંદરથી ડિકી ઠોકાવાનો અવાજ આવ્યો અને કોઈ બોલ્યું પણ ખરું, 'મને બહાર કાઢ.' સોલે આમ પણ ભારે ફટ્ટુસ. એમાં વળી અંધારી રાતે પોતાની ખાલી કારની ડિકીમાંથી અવાજ આવતાં એ એકદમ હેબતાઈ ગઈ. ડિકીમાંથી ફરી અવાજ આવ્યો, 'મને બહાર કાઢ. હું મમ્મી છું. હું તને કંઈ નહીં કરું.' સોલે સઘળી હિંમત એકઠી કરીને બોલી, 'મારી મમ્મી મરી ચૂકી છે. અને તું જે કંઈ હોય... આત્મા કે ભૂત-' 'તારે જે કહેવું હોય તે કહે, પણ પહેલાં મને બહાર કાઢ. હું ડિકીમાં છું.' સોલેએ એકદમ ડરતાં ડરતાં ડિકી ખોલી. અંદર મમ્મી સૂતી હતી. હાથમાં નાનું પોટલું હતું. માથા નીચે ઓશિકું હતું. મમ્મી બેઠી થઈ. એના વાળ વિખરાયેલા હતા. એ સ્પષ્ટપણે ભૂત જેવી લાગતી હતી. ભૂતમમ્મી બોલી, 'દીકરી, મારાથી ડર નહીં. હું તારી મમ્મી છું. મને ભેટીશ નહીં?' સોલે ડરતાં ડરતાં ભૂતમમ્મીને ભેટી. મમ્મી બોલી, 'ચાલ, હવે મને મદદ કર. આ સામાન લે.' ડિકીમાં એક મોટી બેગ પણ હતી. સોલેએ પૂછયું, 'આ બધું શું છે?' 'એ તારી માસીનો સામાન છે. થોડાં કપડાં છે અને માસીનાં ઘરેણાં છે. એ તો સારું થયું કે પડોશીઓ આવ્યાં એ પહેલાં મેં ઘરેણાં સંતાડી દીધેલાં. બાકી પડોશીઓ આખું ઘર ફેંદી વળ્યા. એકલી ઓગસ્ટિના જ સારી નીકળી. એણે એક પણ વસ્તુને હાથ ન લગાડયો. હવે પછી ઓગસ્ટિનાને તું મળે ત્યારે એને સરસ ભેટ આપજે. એણે બહુ કામ કર્યું. આખો પ્રસંગ સરસ રીતે સાચવી લીધો. તારી બહેન (રૈમુંડા) તો આવીય નહીં. એના વિશે આખા ગામમાં બહુ કૂથલી થઈ. એક બાઈએ તો તારી બહેન વિશે એવી એવી ઘસાતી વાતો કહી... પણ છોડ, તું આવી એ સારું થયું. ઓહ... હું એકદમ થાકી ગઈ છું.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment