Saturday, 31 October 2015

[amdavadis4ever] રાત્રિ ભોજન એટલે શરીરને કષ્ટ અને ત્રાસ: જાતને સતા વવી એ પણ હિંસા છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જૈન ધર્મમાં રાત્રિ ભોજનનો નિષેધ છે. ભગવાન મહાવીરના વચનો છે. સૂર્યોદયની પહેલાં અને સૂર્યાસ્ત બાદ શ્રાવકોએ, મુમુક્ષુઓએ, શ્રેયાર્થીઓએ તમામ પ્રકારના ભોજન-પાન વગેરેની ઈચ્છા નહીં કરવી જોઈએ. મહાવીરના આ વચનોને આપણે માત્ર અહિંસાના સંદર્ભમાં જ સમજ્યા છીએ, પરંતુ આમાં ઘણો વ્યાપ અને ગર્ભિત અર્થ રહેલો છે. માત્ર જૈનોએ જ નહીં, પરંતુ તમામ મનુષ્યોએ રાત્રિ ભોજન કરવું હિતાવહ નથી.અહિંસાની દૃષ્ટિએ વિચારીએ તો રાતે અંધારું થતા સૂક્ષ્મ જીવો, કિટાણુઓ, પતંગિયાઓ વગેરે ભોજનમાં પડવાનો અને આ રીતે હિંસા થવાનો સંભવ છે. જૈન ધર્મ અહિંસાપ્રધાન ધર્મ છે. એટલે આ મૂળભૂત હેતુ તો રહેલો જ છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે પહેલાના સમયમાં વીજળી નહોતી, લાઈટ નહોતી, પ્રકાશ નહોતો એટલે જીવજંતુઓ ભોજનમાં પડવાનો સંભવ હતો, પણ હવે રાતે વીજળીનો પ્રકાશ હોય છે, અજવાળું હોય છે. ઘરમાં દિવસ કરતા વધુ રોશની હોય છે એટલે જીવજંતુ ભોજનમાં પડવાનો સંભવ રહેતો નથી, પણ કેટલાક જીવો સૂર્યાસ્ત પછી જ બહાર નીકળે છે, વિચરે છે, તે નરી આંખે દેખાતા નથી. અજવાળું હોય કે અંધારું તે ભોજનમાં જવાનો પૂરો સંભવ છે. આવા અસંખ્ય સૂક્ષ્મ જીવો ભોજનમાં જાય છે. સૂર્યનો તડકો અને પ્રકાશ હોય છે ત્યાં સુધી આ પ્રકારના જીવજંતુઓનો ઉપદ્રવ ઓછો હોય છે, પરંતુ સૂર્યાસ્ત થતા ધાડાબંધ તેમનું આગમન થાય છે, એટલે રાત્રિ ભોજનમાં હિંસા થવાની જ છે.

રાત્રિ ભોજન નહીં કરવાનું હિંસાનું કારણ તો છે જ, પરંતુ મહાવીર ભગવાને પ્રકૃતિના નિયમો અનુસાર જીવનના મૂળભૂત તત્ત્વોને સમજીને પોતાના પર થતી હિંસાને રોકવા માટે પણ રાત્રિ ભોજન નહીં કરવા પર ભાર મૂક્યો છે. મહાવીરના ધર્મ અને જીવન અંગેના સિદ્ધાંતો વૈજ્ઞાનિક પૃથક્કરણ પર રચાયેલાં છે. ઉકાળેલું પાણી પીવું એવું જૈન ધર્મે સદીઓથી કહ્યું છે. આજે વિજ્ઞાન અને આરોગ્ય વિભાગો આ જ વાત લોકોને સમજાવી રહ્યા છે. જૈન ધર્મના આહારના જે નિયમો છે એ પ્રકૃતિ, આરોગ્ય અને સ્વાસ્થ્યના પાયા પર રચાયેલાં છે. એમાં ધર્મ તો છે જ પણ સાથે જીવન સંકળાયેલું છે. હવે આપણે પાછા રાત્રિ ભોજનના નિષેધની મૂળ વાત પર આવીએ આ માટે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટનાને સહી અર્થમાં સમજવી પડશે.

સૂર્યોદયની સાથે જીવન વિસ્તરે છે. સવાર થતાં પશુ-પક્ષીઓ જાગી જાય છે. નિસ્તેજ પડેલા છોડવાઓમાં અને ઝાડપાનમાં ચેતન આવે છે. ફૂલો ખીલે છે, પક્ષીઓ કલરવ કરે છે અને આકાશમાં ઊંચી છલાંગ લગાવે છે. રાત્રિ દરમિયાન થંભી ગયેલી તમામ પ્રવૃત્તિઓ સવારે શરૂ થઈ જાય છે. સમગ્ર ચૈતન્ય ધબકી ઊઠે છે. જીવન પ્રસરવા અને ફેલાવા લાગે છે, નવી તાજગી ઊભી થાય છે. સૂર્યોદયનો અર્થ સૂર્ય ઊગે છે એટલો નથી સાથે જીવન પણ જાગી જાય છે. સૂર્યાસ્તનો અર્થ છે જીવનનું સમેટાઈ જવું, સંકોચાઈ જવું, પ્રવૃત્તિઓ થંભી જવી. દિવસ છે જાગરણ અને રાત્રિ છે વિશ્રામ. શ્રમ અને વિશ્રામના આ આયામમાં દિવસે શ્રમ છે એટલે શક્તિની, ભોજનની આવશ્યકતા રહે છે. રાત્રિ વિશ્રામ છે એટલે ભોજનની જરૂરિયાત રહેતી નથી. સૂર્યાસ્ત પછી કરેલું ભોજન દિવસ દરમિયાનના ફેલાવાને સમેટી લેવામાં બાધારૂપ બને છે, કારણ કે ભોજન પણ એક શ્રમ છે અને તેમાં વધુ ઊર્જાનો ઉપયોગ થાય છે. શરીરને જ્યારે વિશ્રામની જરૂર હોય છે ત્યારે તેને શ્રમ આપીએ છીએ. ભોજન લીધું એટલે ભોજનનું કાર્ય પૂરું થઈ ગયું એમ આપણે સમજીએ છીએ, પણ શરીરનું ખરું કામ ભોજન લીધા પછી શરૂ થાય છે. શરીરમાં શ્રમ શરૂ થઈ જાય છે. શરીરના કણ કણ આ ભોજનને પચાવવાના કામમાં લાગી જાય છે. તમામ શક્તિઓ પેટ તરફ કેન્દ્રિત થાય છે. રાત્રે ભોજન લીધા પછી બહાર વિશ્રામ હોય છે. આરામ હોય છે અથવા સૂવાની તૈયારી થતી હોય છે, પરંતુ શરીરની અંદર અવિરત શ્રમ અને ખળભળાટ શરૂ થઈ જાય છે. આના કારણે સરખી ઊંઘ થતી નથી, વિચારોના ઘોડા દોડ્યા કરે છે. આખી રાત પડખા બદલવા પડે છે અને વહેલી સવારે આ ખળભળાટ બંધ થાય છે ત્યારે પથારીમાંથી ઊઠવાનું મન થતું નથી અને શરીર કોથળા જેવું બની જાય છે. રાતે પેટમાં ઠાંસીને ભરેલા ભોજનને પચાવવા માટે ઊર્જા દોડતી હોય અને અંદર ભારે હલચલ હોય ત્યારે બહાર શાંતિ અને આરામ કઈ રીતે ઊભો થઈ શકે?

સૂર્યોદયની સાથે પ્રાણવાયુની માત્રા પણ વધે છે. ભોજન પચાવવા માટે તે જરૂરી છે. રાત્રિ દરમિયાન કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે, જે ભોજનને પચાવવામાં બાધારૂપ બને છે. આ વૈજ્ઞાનિક કારણ છે.

બેચેની અને અનિદ્રાનું કારણ કસમયે પેટમાં પડેલું ભોજન છે. રાત્રે સ્વપ્નો આવવા, અસુખ અનુભવવું, ઘડીએ ઘડીએ ઊંઘ ઊડી જવી, ઊંઘમાં ઝબકી જવું, ભય ઊભો થવો, ધબકારા વધી જવા, આ બધાનું કારણ રાત્રિ ભોજન છે, જે સમયે શરીરને સંપૂર્ણ આરામની જરૂર હોય છે ત્યારે આપણે તેને શ્રમમાં ધકેલી દઈએ છીએ. શરીર બેચેન હશે તો મન પણ બેચેન રહેવાનું છે. શરીરનો કામનો સમય વીતી ગયો હોય ત્યારે આપણે તેને કામ આપીએ છીએ. શારીરિક પ્રકૃતિ વિરુદ્ધની આ પ્રક્રિયા છે. એટલે તેનો પ્રતિભાવ પણ એ જ રીતે ઊભો થવાનો. રાત્રિ ભોજન લીધા પછી સવારે ઊઠતી વખતે સ્ફૂર્તિ રહેશે નહીં, કારણ કે શરીરે આખી રાત ભોજન પચાવવામાં શ્રમ કરેલો છે. વિશ્રામ વગર શરીરમાં તાજગી કેવી રીતે આવે? સૂર્યાસ્ત પહેલા ભોજન લીધું હશે તો ઊંઘ પણ બરાબર આવશે અને સવારમાં સૂર્યોદય પછી નાસ્તો કરવાની પણ અનોખી મજા આવશે.

જ્યારે આપણે સરખી રીતે ભોજન કરવું જોઈએ ત્યારે કરતા નથી. દિવસ દરમિયાન ઉતાવળમાં આમતેમ લુસપુસ ખાઈને ચલાવી લઈએ છીએ અને રાત્રે ડિનર વખતે આપણું અસલી ભોજન શરૂ થાય છે. ભોજનની દિવસ કસર રાત્રે પૂરી કરી નાખીએ છીએ. આના કારણે શરીર ઢીલું અને સ્ફૂર્તિ વગરનું બને છે. દિવસમાં ભોજન માટે નિરાંતનો સમય નથી ભોજન સાથે ઘણા કામો ચાલતા રહે છે. ભોજનની સાથે ટેલિફોનની ઘંટડી વાગતી હોય છે. દુકાનો ચાલતી હોય છે. વિચારોના ઘોડા દોડતા હોય છે, કાને સતત મોબાઈલ વળગેલો હોય છે. ભોજન ગળે ઊતરે પણ તેનો રસ અનુભવી શકાતો નથી. રાત્રિ ભોજન કરીને આપણે શરીરને કષ્ટ અને ત્રાસ આપીએ છીએ. ભગવાન મહાવીરે કહ્યું છે 'પોતાની જાતને સતાવવી એ પણ હિંસા છે.' શરીર સાથે આપણે દુર્વ્યવહાર કરી રહ્યા છીએ.

સૂર્ય ઊગવાની સાથે સવારે ભોજનની જરૂરત છે. આ જીવન અને શક્તિ માટે અનિવાર્ય છે. સૂર્યાસ્ત પહેલાં ભોજનની ક્રિયાઓ પૂરી થઈ જવી જોઈએ. દિવસમાં શ્રમ કરવાનો છે એટલે શક્તિ અને ઊર્જા ઉત્પન્ન કરવી જોઈએ. રાત્રે શક્તિની નહીં પણ આરામની જરૂરત રહે છે એટલે ભોજનની આવશ્યકતા રહેતી નથી. સૂર્યાસ્ત પહેલાં પેટ ભોજનથી મુક્ત થઈ જવું જોઈએ. તો રાત્રિ શાંતિથી પસાર થશે, નિદ્રા ગાઢ બનશે અને સવારમાં ગુલાબી તાજગીનો અનુભવ થશે.

જેવું ભોજન પેટમાં પડે છે કે તુરત આપણું મસ્તક ઢીલું પડી જાય છે. મસ્તકની ઊર્જા પેટમાં પહોંચી જાય છે. સુસ્તી માલૂમ પડે છે અને જરા આડા પડવાનું મન થાય છે. મન વિક્ષુબ્ધ બને છે. સાધનાના માર્ગે જવાવાળા માણસોનું મન શાંત અને સ્થિર હોવું જોઈએ. સાધુ-સંતો રાતે ભોજન કરતા નથી. રાત્રિ ભોજનના કારણે તમામ શક્તિઓ ભોજનને પચાવવાના કામમાં લાગી જાય છે એટલે માનસિક સંતુલન અને એકાગ્રતા ઊભી થતી નથી. ધ્યાન માટે પણ વિશ્રામની જરૂર છે.

માણસની જિંદગીનો ત્રીજો ભાગ નિદ્રામાં જાય છે. આ નિદ્રાને, મન જો શાંત હોય તો ધ્યાનમાં બદલી શકાય છે એટલે રાત્રિ ભોજન સાધક માટે બાધક બને છે. શરીરનું કામ ભોજનથી શરૂ થાય છે તેને બીજી કોઈ જરૂરત નથી. મન જો સતર્ક ન હોય તો શરીર ભોજન પાસે જ અટકી જાય છે. ભોજનથી જે ઉપર ઊઠી શકે છે તે શરીરથી પણ ઉપર ઊઠી શકે છે. સાધક માટે એક વખત ભોજન લેવું પર્યાપ્ત છે. એક વાર ભોજન લીધા પછી તેને પચાવતા ૬ થી ૮ કલાક નીકળી જાય છે. બપોરે લીધેલું ભોજન સાંજ સુધીમાં પચી જાય છે અને પેટ ભોજનથી સંપૂર્ણપણે મુક્ત બને છે. મન અને ચિત્ત શાંત બને છે. રાત્રિ ભોજન કરવાનું નથી એટલે તેનો અર્થ એવો નથી કે સૂર્યાસ્ત પહેલાં ઠાંસી ઠાંસીને ખાઈ લેવું અને પાણી પી લેવું. જેટલું ઓછું ભોજન હશે એટલી પેટને વહેલી મુક્તિ મળશે અને શરીરને ઓછો શ્રમ પડશે. શરીરને ઓછો શ્રમ પડશે તો નિદ્રા વધુ ઘેરી અને ગાઢ બનશે. વાસનાને પણ ભોજન સાથે સંબંધ છે ભોજન ઓછું હશે તો વાસનાઓ અને ઈચ્છાઓ પણ શાંત બની જશે.

મહાવીર પ્રભુએ કહ્યું છે કે 'હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભોજનથી જે જીવ વિરક્ત રહે છે તે નિર્દોષ અને પાપરહિત બને છે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment