Friday, 23 October 2015

[amdavadis4ever] વિચારયુગનો અંત આ વે પછી પ ્રચારયુગન ો આરંભ થતો દેખાય છે! Gunvant Shah

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિચારયુગનો અંત આવે પછી  પ્રચારયુગનો આરંભ થતો દેખાય છે!
 અમારા ગામમાં એક માર્ક્સવાદી પાટીદાર થઇ ગયો. એનું આખું નામ જગનભાઇ ડાહ્યાભાઇ પટેલ, પરંતુ ગામમાં સૌ એને 'જગન ડાહ્યા' જેવા ટૂંકા નામે જ ઓળખતા. જગન ડાહ્યાના મનમાં એક વહેમ ઘર કરી ગયો હતો કે પોતે કાર્લ માકર્સને સમજે છે. પરિણામે એ ગાંધીજીની આલોચના માર્ક્સના નામે કરતો. એના માકર્સવાદી ગુરુનું નામ હતું: જશવંત ચૌહાણ. જશવંત ચૌહાણ પાસે વાચન હતું અને આક્રમક વાચાળતા હતી. એમની દલીલબાજી વિતંડાવાદ (શંકરાચાર્યનો શબ્દ પ્રયોજીએ તો જલ્પ)ની સહોદરા હતી. જગન ડાહ્યા જશવંત ચૌહાણનું અનુકરણ કરનારો ચેલો હતો. ગામના ચોરે ચર્ચા જામે ત્યારે જગન ડાહ્યાની ગાંડી દલીલબાજી અન્ય વડીલો હસતાં રહીને સહન કરતા. આજે પણ ક્યાંક વિતંડાવાદી દલીલબાજીમાં રાચતા કોઇ યુવાનને જોઉં ત્યારે મને જગન ડાહ્યાનું સ્મરણ થાય છે.
વિચારશક્તિ ક્ષીણ થતી જાય છે એવો વહેમ સાવ દમ વિનાનો નથી. સ્વરાજ મળ્યું તે પહેલાંના અને પછીના દાયકામાં વિચારની સત્તાનો અનુભવ થતો. યુવાનોની ગપસપમાં પણ ગાંધી-માર્ક્સ-નેહરુ-જયપ્રકાશ-સરદાર પટેલ વણાઇ જતા. વિચારશક્તિના એ સુદ પક્ષ પછી પ્રચારનો વદ પક્ષ ચાલી રહ્યો હોય એવી લાગણી છેક પાયા વિનાની થોડી છે? બાગમાં એક છોડ પર પૂર્ણરૂપેણ ખીલેલા ગુલાબના ફૂલને એક ભારતીય નાગરિક નિહાળે છે અને કહે છે: 'શું સુગંધ છે?' એ જ ગુલાબને જોઇને પાસે ઊભેલો અમેરિકન નાગરિક કહે છે: 'What a beautiful rose!' સુગંધ તો પુષ્પનો આત્મા છે. એનું બાહ્ય રૂપ અે તો પુષ્પનો દેહ છે. વિચારનું આત્મસ્વરૂપ સુગંધમય હોય છે, જ્યારે પ્રચારનું દેહસ્વરૂપ ઘણું ખરું નયનરમ્ય હોય છે. સુગંધ તો પુષ્પનું ચારિત્ર છે. એનું રૂપ આંખને ટાઢક આપનારું છે.
પ્રચારયુગ શરૂ થઇ ચૂક્યો છે. આપણે શું ખાવું અને શું પીવું એ નક્કી કરવાનું કામ પ્રચાર કરે છે. આપણે ઘરની દીવાલ પર કયો રંગ લગાડવો એ શાહરુખ ખાન નક્કી કરે છે. આપણે કયો સાબુ વાપરવો અને કયું ક્રીમ લગાડવું તે નક્કી કરવાની જવાબદારી કોઇ અભિનેતાની છે. આપણે કેવળ 'આજ્ઞાંકિત ગુલામો' છીએ. ટીવી પર ધોધરૂપે વહેતી જાહેરખબરો આપણને મધુર આદેશ આપે છે. ટીવી સિરિયલની મૂર્ખ નાયિકા જે જાતની ચોળી પહેરે તે જાતની ચોળી ગામડાંની સ્ત્રીઓ દરજીને ત્યાં જઇને સિવડાવવાની ઉતાવળમાં હોય છે. જ્યાં જુઓ ત્યાં પ્રચારની જ બોલબાલા! વિચાર ખૂણો પાળે ત્યારે પ્રચાર ફળિયાના ચોકમાં નૃત્ય કરે છે. ગાંધી, માર્ક્સ, નેહરુ, જયપ્રકાશ... ક્યાંય ઉલ્લેખાતા નથી. કેટલાય યુવાનો વાંચવાની તકલીફ લેતા નથી, તેથી વિચારવાની તકલીફનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પ્રચારના મોટામસ ધોધ સામે વિચારની દદૂડી ક્યાં સુધી ટકશે?

ગાયના નામે બીજા મનુષ્યની હત્યા? હિંદુત્વના નામે મુસલમાનની હત્યા? આજે જે રાજકારણ ખેલાઇ રહ્યું છે તે 'જાનવરતાનું રાજકારણ' છે, માનવતા ગંગાસ્વરૂપ બનીને ઘરના ખૂણે બેસી રહી છે. મજબૂર માનવતા સામે જાનવરતાનું અટ્ટહાસ્ય! ફળિયાને ખૂણે લાચાર બનીને ગાયમાતા મૌન સેવી રહી છે! ગાય ક્યાં તો પાંજરાપોળમાં જીવે છે કે ક્યાં તો બજારમાં રસ્તા પર પ્લાસ્ટિકનાં ઝભલાં ચાવીને જીવી રહી છે! હિંદુઓએ માતા ગણાવીને ગાયની ઘોર અવગણના કરી છે. ગૌહત્યાને નામે મનુષ્યહત્યા? આમ કરવાનું હિંદુઓને કયા ધર્મે શિખવાડ્યું? મૂંગી ગાયને જો વાચા ફૂટે તો એ શું બોલે? એ જરૂર કહે: 'મને રિબાવી રિબાવીને ભૂખે મારનારા હે હિંદુઓ! તમારા હોઠો પર 'ગાયમાતા' શબ્દ કદી પણ લાવશો નહીં. આવી રીતે વર્ષો સુધી જીવવા કરતાં તો એક જ ઝાટકે મને ખતમ કરનારો ખાટકી ઘણો સારો ગણાય.' દાદરીમાં જે બન્યું તેમાં રાજકારણની બદબો રહેલી છે. નોંધવા જેવું છે કે મરનાર મુસલમાને છેલ્લો ફોન કોઇ હિંદુ મિત્રને કર્યો હતો. ફોન કરતી વખતે મૃત્યુ એની સાવ જ નજીક હતું! હિંદુત્વના કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને કોઇ શરમ ખરી? આવું બને તેને હું ભારતનું 'પાકિસ્તાનીકરણ' કહું છું. રાજકારણીઓની બેશરમી પણ વોટબેંકની મોહતાજ!
વિચારવાની શક્તિ ખૂટી પડે ત્યારે કેવળ પ્રચાર જ માણસના મનને દોરે છે. કોંગ્રેસ હોય કે ભાજપ, કોઇને પ્રજાની વિચારશક્તિ માટે આદર નથી. ચૂંટણીની લીલા પણ આખરે તો પ્રચારલીલાની જ ઓશિયાળી! પક્ષો તો હવાડા છે. હજી સુધી કોઇ પણ હવાડામાં, કૂવામાં હોય તેના કરતાં જુદું પાણી આવ્યું છે? પ્રજાની વિચારશક્તિ ક્ષીણ થાય ત્યારે જ પ્રજા પ્રચારના પનારે પડે છે. પ્રચાર માટે પૈસા જોઇએ. પ્રચાર માટે મીડિયા જોઇએ. મીડિયાની તાકાત એટલી તો મોટી છે કે જૂઠને સાચમાં ફેરવી શકે. લોકતંત્રની ખરી તાકાત 'વિચારસત્તા' હોવી જોઇએ. અાજે વિચારસત્તાનું સ્થાન પ્રચારસત્તાએ પચાવી પાડ્યું હોય એમ જણાય છે. ધર્મકારણ અને રાજકારણ પ્રચારને શરણે છે.

જે પ્રજા જાહેરખબરને આધારે અમુક બ્રાન્ડનો સાબુ ખરીદે, તે જ પ્રજા પ્રચારના આધારે અમુક બ્રાન્ડની વિચારધારા પણ સ્વીકારે છે. ફેશન કુદરતી સુવાવડ પછી જન્મતી નથી. ફેશનનો જન્મ સિઝેરિયન ઓપરેશન પછી થતો હોય છે. ફેશન પણ પ્રચાર વિના નથી સરતી. પ્રચારના આંધળા સ્વીકારમાંથી વોટબેંકનો જન્મ થયો છે. વોટબેંક એટલે પ્રચારનો ઉકરડો! વિચારની સિંચાઇ કરવાનું કામ શિક્ષણનું છે. શિક્ષણ નબળંુ પડે પછી પ્રચારસત્તા પ્રજાને ગુલામ બનાવે છે. વિચારની સુગંધ નષ્ટ થાય ત્યારે જ પ્રચારનો ધોધમારો શરૂ થાય છે. પ્રચારને કારણે કોઇ ગુંડો પણ ચૂંટણીમાં જીતી શકે છે. એ ગુંડો ધીરે ધીરે નેતા બની જાય છે અને ત્રણ શબ્દો વારંવાર બોલ્યે રાખે છે: (1) સેક્યુલરિઝમ (2) સેવા (3) ગાંધીજી


પાઘડીનો વળ છેડે
જે માણસ
પાણીનો ગ્લાસ જુએ
અને નશામાં આવી જાય,
તે 'કવિ' કહેવાય!

- એમર્સન

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment