Sunday, 25 December 2016

[amdavadis4ever] ‘ધાડ’માંથ ી ફિલ્મ ઉ પરાંત સાહ િત્યિક સ્ વરૂપાંતરન ી શરૂ થયે લી સફર આજ ેય ચાલુ છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આધુનિક ગુજરાતી નવલિકા ક્ષેત્રે કચ્છના ડૉ. જયંત ખત્રીનું સ્થાન અનોખું છે. કચ્છનો પરિવેશ સ્થૂળ વર્ણનરૂપે નહીં, પરંતુ સ્વયમ્ એક પાત્રની ભૂમિકા ભજવતું હોય એવી છાપ ઊભી કરતી તેમની કેટલીક યાદગાર વાર્તાઓ પૈકી એક 'ધાડ' છે. એના વિશે ભરપૂર વિવેચન થયાં છે. રઘુવીરભાઇ ચૌધરીએ સાહિત્ય પરિષદના ઉપક્રમે ભુજમાં ૧૯૯૯ના માર્ચ મહિનામાં યોજાયેલા સર્જક સત્રમાં ગુજરાતની દશ પ્રતિનિધિ વાર્તાઓ વિશ્ર્વ સાહિત્ય સમક્ષ પેશ કરવી હોય તો તેમાં 'ધાડ' અચૂક લેવી જ પડે, એ મતલબનું વિધાન કર્યું હતું. સાથે સાથે તેમણે ડૉ. ખત્રીની ચિત્રાત્મક વર્ણનશૈલીનો ઉલ્લેખ કરીને એમ પણ કહ્યું હતું કે, વાર્તા વાંચતાં વાંચતાં દૃશ્યોની વણઝાર સર્જાતી રહે છે એને ધ્યાને લઇએ તો 'ધાડ' પરથી ચલચિત્ર નિર્માણ પ્રમાણમાં સહેલાઇથી થઇ શકે. સર્જક સત્રના ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત ખનિજ વિકાસ નિગમના એ સમયના કચ્છી અધ્યક્ષ મુકેશ ઝવેરીએ એ જ વખતે જાહેર કર્યું કે, જો 'ધાડ' પરથી ફિલ્મ નિર્માણ કરવાનું કોઇ બીડું ઝડપશે તો નિગમ એને સ્પોન્સર કરશે. બસ ત્યારથી 'ધાડ'માંથી માત્ર ચલચિત્ર નહીં, પરંતુ તેના સાહિત્યિક સ્વરૂપાંતરની એક અનોખી સફર શરૂ થઇ જે આજે પણ જારી છે. વાર્તામાંથી પટકથા, પછી બની 'ધાડ' કચ્છી-ગુજરાતી ફિલ્મ, નવલકથા, વાચિકમ્ અને ગયા રવિવારે તેનું નાટ્ય રૂપાંતર થયું. દરેક સાહિત્ય સ્વરૂપમાં અભિવ્યક્તિની શૈલી, ટેક્નિક કે નિરૂપણની અલગ અલગ પદ્ધતિ, કહોને કે દરેક સ્વરૂપનું પોતાનું આગવું કૌશલ્ય અને છતાં એ દરેકમાં 'ધાડ'ના પ્રયોગ સફળતાપૂર્વક થયા છે. એના પર નજર કરવા જેવી છે.

૧૯૫૦ના દાયકામાં 'આરસી' નામના ગુજરાતી સામયિકમાં પ્રથમવાર પ્રસિદ્ધ થયેલી 'ધાડ' નવલિકા ૧૯૬૮માં 'ખરા બપોર' વાર્તાસંગ્રહમાં મુકાઇ ત્યારે ડૉ. જયંત ખત્રીએ જાતે જ 'ધાડ'ને નવેસરથી ઍડિટ કરીને મૂકી હતી. મૂળ વાર્તામાં જો કે કોઇ બદલાવ નહોતો કર્યો, પણ થોડીક ટૂંકવી હતી ખરી. તે પછી ૧૯૯૯ના સર્જક સત્રને પગલે ૨૦૦૦ની સાલમાં કચ્છના જ એક બળુકા સર્જક વીનેશ અંતાણીએ ફિલ્મની પટકથારૂપે 'ધાડ'નું આલેખન કર્યું, એ જ વર્ષના ડિસેમ્બર મહિનામાં જાણીતા સર્જક પરેશ નાયકના દિગ્દર્શન હેઠળ અબડાસા તાલુકાના છેવાડાના ગામોમાં 'ધાડ'નું શૂટિંગ પૂરું થયું. પટકથાનું સ્વરૂપ વાર્તાની તુલનાએ ઘણું લાંબું હોય એ સ્વાભાવિક છે અને તેથી જ વીનેશ અંતાણીએ એ પટકથાને ૨૦૦૪માં નવલકથાનું રૂપ આપ્યું. આ પ્રયોગ સફળે રહ્યો અને લોકપ્રિય પણ બન્યો. જન્મભૂમિ જૂથના ત્રણેય અખબાર 'કચ્છમિત્ર, ફુલછાબ અને જન્મભૂમિ પ્રવાસી'માં હપ્તાવાર પ્રગટ થયેલી આ નોવેલને વાચકોએ વધાવી લીધી. તે પછી ૨૦૧૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભુજમાં યોજાયું તે વખતે જાણીતા નાટ્ય દિગ્દર્શક અદિતિ દેસાઇ અને એમના સાથીઓએ 'ધાડ'નું વાચિકમ્ રજૂ કરીને સાહિત્યરસિકોની દાદ મેળવી. અહીં પણ રઘુવીરભાઇ ફરી એકવાર નિમિત્ત બન્યા. વાચિકમ્ની જવાબદારી જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનને સોંપવાનું નક્કી થયા પછી તેમના પુત્રી અદિતિ સાથેની વાતચીતમાં રઘુવીરભાઇએ 'ધાડ' માટે આગ્રહ રાખ્યો અને અંતે એની રજૂઆત થઇ. આ કથા નાટક માટેય એકદમ અનુકૂળ લાગવાથી અદિતિ દેસાઇએ વીનેશ અંતાણીનો સંપર્ક કર્યો અને નાટ્ય રૂપાંતરની ભૂમિકા રચાઇ. આખરે ગયા રવિવારે ૧૮મી ડિસેમ્બરે 'ધાડ' નાટકનો પ્રીમિયર શૉ અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં યોજાયો. આવી રીતે કચ્છના પરિવેશની એક ઉત્તમ વાર્તા સાહિત્યના જુદા જુદા સ્વરૂપોમાં અવતરી છે એવું ભાગ્યે જ બીજી કોઇ વાર્તા માટે બન્યું હશે. સંભવ છે કે આ સાહિત્યિક સફર હજુયે આગળ ચાલે અને કદાચ કોઇ ટીવી સિરિયલ પણ આ જ કથાવસ્તુના આધારે બનાવે. ખેર, પણ 'ધાડ' ફિલ્મ અને નાટ્ય રૂપાંતરની સફરનો આ લખનાર પણ એક સાથી હોવાથી વિગતે વાત માંડવી અનુચિત નહીં ગણાય.

'ધાડ'નો નાયક ઘેલો ધાડપાડુ છે, કચ્છ જેવા દુકાળિયા મુલકમાં શોષણખોરીનો ભોગ બનેલા પરિવારનો સભ્ય એવો ઘેલો અસ્તિત્વ ટકાવી રાખવા માથાભારે બને છે અને એમાં એને ફાવટ આવી જાય છે. ધીમે ધીમે સમૃદ્ધિયે મેળવે છે અને એમ સમજવા લાગે છે કે પોતે કુદરત કરતાંયે જબરો છે, કુદરત એની મુઠ્ઠીમાં છે. એ ધારે તેમ જ થાય. તેમ છતાં ત્રણ-ત્રણ પત્નીએ નિ:સંતાન છે એમાં ઘેલો પત્નીઓનો દોષ જુએ છે, પોતાનો નહીં. આવા આ ધાડપાડુ પર કુદરત ત્રાટકે છે, 'ધાડ' પાડે છે એને ડૉ. ખત્રીએ નવલિકારૂપે પોતાની આગવી શૈલીમાં કચ્છના પરિવેશ સાથે પેશ કરી, પણ નવલિકા એટલે ટૂંકી વાર્તા. એની એક આગવી લેખનકળા છે, તેમાં ઘણાં બધાં સંકેત પ્રતીકરૂપે અપાતા હોય છે. વાચનારે એના પરથી અર્થઘટન કરવું પડે. પણ, ફિલ્મની પટકથામાં એ ન ચાલે, એમાં તો પ્રતીકોના સંકેત ખોલવા પડે. પ્રસંગોયે ઉમેરવા પડે. એટલે એ ટૂંકી વાર્તાને અઢી-ત્રણ કલાકની ફિલ્મની પટકથામાં રૂપાંતર કરવા માટે વીનેશભાઇને સતત દોઢ મહિના સુધી વ્યાયામ કરવો પડ્યો, પણ તેમાં તેમણે કચ્છનો પરિવેશ પાત્રોની માનસિક્તાને પણ અભિવ્યક્ત કરે એ રીતે આલેખવાનો સખત પ્રયાસ કર્યો. નવા પ્રસંગો ઉમેરતી વખતેય મૂળ વાર્તાની ઘટનાના દૌર ચાલુ રહે એની તકેદારી રાખી અને જયંત ખત્રીની જ અન્ય વાર્તાઓમાંથી પ્રસંગોયે લીધા. દા.ત. 'લોહીનું ટીપું' અને 'ખરાં બપોર'.

આ રીતે ટૂંકી વાર્તાને વિસ્તારીને નવલકથા બનાવવાનો સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ઠ કહી શકાય એવો સફળ પ્રયોગ કર્યા પછી પોતાની એ પ્રક્રિયા અંગે વીનેશભાઇએ 'કચ્છમિત્ર'ના આષાઢી બીજ વિશેષાંકમાં 'રૂપાંતરમાં સ્વતંત્ર સર્જનનો આનંદ' શીર્ષક હેઠળના લેખમાં લખ્યું છે કે, ઘેલો નપુંસક હોવાની વિગતો મૂળ વાર્તામાંથી જડે છે. આ આખી પરિસ્થિતિને કચ્છમાં વરસાદના અભાવને લીધે ઊભી થતી સ્થિતિ સાથે જોડી શકાય તેવું લાગ્યું. જયંત ખત્રીએ પણ કચ્છ માટે 'વાંઝણી ધરતી' જેવો શબ્દપ્રયોગ કર્યો છે. આ ધરતી વાંઝણી એટલા માટે છે કે, ત્યાં વરસાદ વરસતો નથી. મોટાભાગના ચોમાસાં કોરાં જ જાય છે. વરસાદનો અભાવ એક પ્રકારનું નપુંસકત્વ જ છે. ઘેલાની નપુંસક્તાનો કચ્છમાં વરસાદના અભાવ સાથે મેળ પાડવાથી એની ત્રણેય પત્નીઓ કચ્છની ધરતીના રૂપક તરીકે ઊપસી આવી. ત્રણેય નારી પાત્રોના બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વમાંથી ફળવતી બનવા માગતી ધરતીની નિષ્ફળતાની પીડા પણ અભિવ્યક્ત થઇ શકે એવી શક્યતા ઊભી થઇ...

આ લેખની તમામ વિગતો અભ્યાસપૂર્ણ છે. જયંત ખત્રી લિખિત 'ધાડ' વાર્તાના અંતમાં ઘેલો પક્ષઘાત થયા પછી કુદરતી રીતે અવસાન પામે છે, તેના બદલે વીનેશભાઇએ નવલકથામાં ઘેલાને આત્મહત્યા કરતો શા માટે ચિતર્યો છે એનાં કારણ પણ આપ્યા છે. કુદરતને મુઠ્ઠીમાં રાખવાનો દાવો કરનાર ધાડપાડુ પક્ષઘાતથી લાચાર બનીને જિંદગી જીવવાને બદલે મોત જ પસંદ કરે એ વીનેશભાઇને ઉચિત લાગ્યું. સંભવ છે કે, નવલકથાના રૂપાંતરમાં સ્વતંત્ર સર્જનનો આનંદ તેમને આવ્યો એનું એક કારણ આ બદલાયેલો અંત પણ હશે.

'ધાડ' પરથી બનેલી અનોખી ફિલ્મ અંગે સ્વતંત્ર લેખ આ સંદર્ભે ટૂંકમાં જ લખીશું પણ અત્યારે નાટ્ય રૂપાંતરની વાત કરીએ તો અગાઉ લખ્યું છે તેમ અદિતિબેને સોંપેલી જવાબદારી સમયસર નિભાવીને વીનેશભાઇએ નાટક લખી આપ્યું. એની સ્ક્રીપ્ટમાં અદિતિબેને પોતાના નાટ્યનિર્માણના લાંબા અનુભવના આધારે કેટલાક જરૂરી ફેરફાર કર્યા, પણ સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે, કચ્છની ધરતીની કઠોર વાસ્તવિક્તાને નજરોનજર નિહાળવા અને સમજવા તેમણે પોતાની આખી ટીમ સાથે ભુજમાં પડાવ નાખ્યો. છેલ્લાં થોડાં વર્ષોમાં તેમણે વિશિષ્ઠ પ્રાદેશિક પરિવેશ ધરાવતી કથાઓના આધારે આપેલા નાટક યાદગાર બની ગયા છે. એમાં તેમના આ સ્થાનિક નિરીક્ષણના અભિગમે ચાવીરૂપ ભાગ ભજવ્યો છે, ધ્રુવ ભટ્ટની નોવેલ 'અકુપાર' પરથી નાટક નિર્માણ કરતાં પહેલાં તેમની ટીમે ગીરના જંગલમાં ધામા નાખ્યા હતા એ વાત જાણીતી છે. એ જ રીતે માંડવીની કબી માલમ વિશે 'સમુદ્ર મંથન' નાટક ભજવતાં પહેલાં તેમણે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર વસતા ખારવા અને અન્ય સાગરખેડૂઓ સાથે દિવસો સુધી વાર્તાલાપ કર્યો હતો. આ જ શ્રેણીમાં તેમણે 'ધાડ' પર પસંદગીનો કળશ ધોળ્યો અને કચ્છમાં ફકીરાણી જતની વાંઢોથી માંડીને ઉગમણી બન્નીના ઝુમરી જેવા છેક છેવાડાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. એકતરફ રણોત્સવની ભરમારથી આથમણી બન્ની ધમધમતી હોય અને બીજીતરફ વિકાસના ફળથી વંચિત ઉગમણી બન્ની ભેંકાર ભાસતી હોય. માત્ર ૩૦ કિ.મી.ના અંતરમાં આવડો મોટો વિરોધાભાસ ! ઝુમરી જેવા ગામે ન વીજળી, ન પાણી, ન રસ્તા, અરે વીરડા ખોદીને પાણી કાઢે. જાણે આઝાદી પહેલાંનું કચ્છ. પછી તો કુદરત અને માનવીના જુલમો સામે બંડ પોકારીને કોઇ ધાડપાડુ ન બને તો જ નવાઇ ?

'અકુપાર'માં ગીરના જંગલનો માહોલ અને સમુદ્ર મંથનમાં ઘૂઘવતા દરિયાનો તોફાની મિજાજ તખતા પર ખૂબીથી ઊભો કરનાર અદિતિ દેસાઇની ટીમે કચ્છી ભૂંગાનો સેટ ઉપરાંત સંગીત અને પ્રકાશના વૈવિધ્યભર્યા આયોજનના સહારે સૂકા પ્રદેશને તખતા પર જીવંત કરવામાંયે સફળતા મેળવી છે એ ધન્યવાદને પાત્ર છે. નાટકનો પ્રીમિયર શૉ રસપૂર્વક નિહાળ્યા પછી અદિતિબેનનું દિગ્દર્શન અને બે મુખ્ય પાત્રો ઘેલો અને મોંઘીના રૂપમાં ગૌરાંગ આનંદ અને દેવકીનો અભિનય દિલોદિમાગ પર છવાઇ ગયો છે. ઘેલાનો ગુસ્સો દરિયાની મોટી ભરતીની જેમ સતત વધતો જાય છે. એને ગૌરાંગે અવાજની તીવ્રતા અને શારીરિક વર્તાવ-હાવભાવ સાથે પ્રદર્શિત કરવામાં કમાલ કરી છે. નાટક પૂરું થયા પછી અમારી સાથે વાતચીત કરતાં ગૌરાંગે કહ્યું કે કોઇપણ અભિનેતા માટે ઘેલાનું પાત્ર ડ્રીમ રોલ છે, એને ન્યાય આપવો એક પડકાર હતો. ચલચિત્રના શૂટિંગ વખતે રિટેક થઇ શકે, એક જ દૃશ્યનું શૂટિંગે પાંચ-સાત દિવસ સુધીયે લંબાઇ શકે, પણ નાટકમાં સતત બે કલાક સુધી ગુસ્સાના મિજાજ સાથે ભૂમિકા ભજવવામાં ભારે શ્રમ પડે. આ પાત્રએ રીતસર મને ચૂસી લીધો. એમાંથી બહાર પણ નથી આવી શકતો.

તો અમદાવાદમાં રેડિયો જોકી તરીકે પ્રખ્યાત દેવકીએ ઘેલાની ત્રીજી પત્નીની પડકારરૂપ ભૂમિકા પણ સહાજિક્તાથી ભજવીને માતા અદિતિ અને નાના જશવંત ઠાકરના નાટ્ય વારસાને ઓર દીપાવ્યો છે. ઘેલો નપુંસક છે એ તથ્ય જાણ્યા પછી મોંઘીમાં બદલાની ભાવના જન્મે છે અને સંતાન માટે ઘેલાને નિરર્થક મથતો જોઇને એને પરાજિત કર્યો હોવાનો સંતોષ મોંઘીને થાય છે એ નાટ્યાત્મક પ્રસંગે દેવકીનો ચોટદાર અભિનય જોઇને હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો હતો.

અને તાળીઓ એટલે કે પ્રેક્ષકોના પ્રતિભાવને સંબંધ છે ત્યાં સુધી રાતે ૯.૪૫ વાગ્યે પરદો ખુલ્યો અને ઝાંખા પ્રકાશમાં કચ્છની કોઇ વાંઢનું દૃશ્ય ધીમે ધીમે ઉપસ્યું કે તરત જ ખીચોખીચ ભરાયેલા હોલે એને વધાવી લીધું અને એ પછીયે પ્રસંગોપાત તાળીઓના અવાજ ગુંજતા રહ્યા. કચ્છ અને કચ્છી માડુની ખુમારીને લગતા કોઇપણ સંવાદ વખતે અમદાવાદના પ્રેક્ષકોની દાદ મળતી હતી એ જોઇને એમ લાગતું કે આ નાટક કચ્છ કે મુંબઇના કોઇ હોલમાં ભજવાતું હોય તો શું થાય ? એની મૂળ સ્ક્રીપ્ટ વીનેશભાઇએ લખી હોવાથી કચ્છી શબ્દો જેવા કે 'ખણી' આવ, 'ઊન' લગી આય અને નાન્યતર જાતિનો અભાવ સ્પષ્ટ રીતે વર્તાતો હતો. 

પણ કચ્છી ગીત કે કાફી કેમ ન રાખી, એવો સવાલ પૂછતાં અદિતિબેને કહ્યું કે, "પ્રથમ પ્રયોગ હતો અને અમદાવાદના પ્રેક્ષકો હોવાથી કચ્છી ગીતનું જોખમ ન લીધું, પણ ભવિષ્યમાં કેટલાક સુધારા-વધારા વિવેચકો અને જાણકારોના ફીડબેકના આધારે ચોક્કસ કરીશું.

સમગ્ર રીતે જોવા જઇએ તો એ વાતની ખાસ નોંધ લેવા જેવી છે કે અદિતિબેન પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં દર વર્ષે કોઇ નવી જ કથા લઇ આવતું નાટક છેલ્લાં થોડાં વર્ષથી ગુજરાતને આપી રહ્યા છે. જશવંત ઠાકરનું નામ ગુજરાતી રંગભૂમિમાં જાણીતું છે, પણ આપણો અનુભવ છે કે કેટલાયે કલાકારો, સર્જકો કે સ્વાતંત્ર્યવીરો મહાન હોવા છતાં સમય જતાં ભૂલાઇ જતા હોય છે, તો કેટલાકના નામ તેમના સંતાનોના પ્રયાસોને લીધે હંમેશ ગાજતા રહે છે. ઝવેરચંદ મેઘાણીના વારસો - એમના પરિવારના સભ્યોએ આ મહાન લેખકના પુસ્તકોના પ્રકાશનથી માંડીને વેબસાઇટ સુધ્ધાં વિકસાવ્યા છે, એનો તો જોટોયે જડે તેમ નથી. આ જ શ્રેણીમાં જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન સ્થાપીને અદિતિબેન જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે સાચું પિતૃતર્પણ છે.

અને પિતૃતર્પણના આ યજ્ઞમાં 'ધાડ' નાટકનો એક વર્ષની સતત મહેનતના ફળ સમો સફળ પ્રયોગ કચ્છ અને કચ્છીઓ માટે એક આવકાર્ય ઘટના છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment