Sunday, 25 December 2016

[amdavadis4ever] અમેરિકનોનો શાહ ીવાદ ટીવીનો શાહ ીવાદ છે ....... ....મિડલ ક્લાસન ો માનવી જીવનનો સાચો આનંદ ગુમા વી બેઠો છે..હસમ ુખ ગાંધીની કલમે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સલમાન રશદીએ કહ્યું હતું: હું લખું છું એટલે કે હું જુઠ્ઠાણું આલેખું છું. જીવનસમસ્ત દંભી બની ગયું છે. ભૌતિક સફળતાની હોડમાં, રેટરેસમાં માનવી સ્થળકાળને ભૂલી ગયો છે. એકદમ શ્રીમંત અને અતિશ્રીમંત વર્ગમાં તો જીવનમૂલ્યો એથીય વધારે વિકૃત થયાં છે. 

અખબારને પહેલે પાને વિશાખાપટ્ટનમની ડેટલાઈન સાથે એક ન્યુસઆઈટેમ છપાઈ હતી: ખોટા માર્ગે શ્રીમંત બનતા લોકોને સીધાદોર કરવા છે, એવા મથાળા હેઠળની એ આઈટેમમાં જણાવાયું હતું કે જે વેપારીઓએ ગેરકાયદે અઢળક સંપત્તિ જમા કરી હોય તેમની પાસેથી તે આંચકી લેવી જોઈએ અને એ માટે એક ખાસ કાયદો ઘડવો જોઈએ એમ કાયદાપંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ડી.કે. દેસાઈએ જણાવ્યું હતું. સંપત્તિ કાયદેસર માર્ગે પણ જમા થાય છે એવું આપણને તો દેસાઈસાહેબ પાસેથી શીખવા મળ્યું. 

સમાજમાં ફાવ્યું વખણાય છે, નથિંગ સક્સીડ્ઝ્ લાઈક સક્સેસ અને દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે. માર, કૂટ ને મસાલો કરીને જે માણસ રૂપિયાની થેલીઓ ઘેર ઢસડી આવે તેને આપણે સક્સેસફુલ માણસ કહીએ છીએ (ગુજરાતીઓ એમના અનગ્રામૅટિકલ અંગ્રેજીમાં કહે છે છગનભાઈ સક્સેસ થયા.) સફળ માણસે પછી સ્માર્ટ થવું પડે છે તેણે સૉફિસ્ટિકેટેડ થવું પડે છે. 

બાવા બન્યા હૈ તો હિંદી બોલણા પડે ગાની જેમ સક્સેસ (સક્સેસફુલ એમ વાંચો) થયા છીએ તો અંગ્રેજી બોલવું પડશે, હૉરિબલ તો હૉરિબલ પણ ગૉટપીટ તો કરવું જ પડે. યૉ-યૉ ચાલતું હોય તો હાથમાં યૉ-યૉ ઉછાળવું પડે, પિતાને હવે બાપુજી કે કાકા ન કહેવાય અને બાને મમ્મી કહેવું પડે. છોકરાંવને નાક સાફ કરતાં ન આવડે તો ઘોળ્યું પણ તેમને ઈન્ગ્લિશ મિડિયમ સ્કૂલમાં જ મૂકવાં જોઈએ. બારીમાં પડદા રાખવા પડે, ચાઈનીઝ ફૂડ ખાવો પડે, સુરેશ દલાલ કહે છે તેમ ટેલિફોનો ઝીંકવા પડે, મુંબઈ સરસ છે સરસ છે એમ ગાવું પડે, જેવું જેનું ગજવું તેવું તેનું પેટ એવા ન્યાયે બિયર, ફૅટ અને કાર્બોહાઈડ્રેટ પેટમાં ઓરવાં પડે. રીતસર, ધોરણસર, કલ્ચરકલ્ચરની મ્યુઝિકલ ચૅરની રમતમાં જોડાવું પડે. ઓનના પૈસા દઈને લાલચટાક (બ્લડરેડ હાઁકે, પોસ્ટઑફિસ રેડ નહીં) મારુતિ વસાવવી પડે. ક્રૉકરી અપટુડેટ જોઈએ. હૅલો શૅમ્પુ ઈસ્તેમાલ કરવું પડે. ઈન્ટિમેટ સ્પ્રે કરવું પડે. મિડલ કલાસનું કલ્ચર જેટલું તકલાદી છે એટલી જ એની મોરાલિટી બોદી છે. 

જ્યોર્જ બરનાર્ડ શૉના પિગ્મેલિયનમાં અને એની ઉપરથી ઊતરેલાં મ્યુઝિકલ નાટક તથા ફિલ્મ માય ફૅર લેડીમાં નાયિકા એલિઝા ડુલિટલનો પિતા મિસ્ટર ડુલિટલ એકધારી રીતે મિડલ ક્લાસ મોરાલિટીને ડાયાલૉગની ખાંડણીમાં ખાંડ્યા કરે છે અને તેની ઠેકડી ઉડાવ્યા કરે છે. ભાષાશાસ્ત્રી પ્રોફેસર હિજિન્સ તેની ગોબરી ફૂલવાળી દીકરીને સંસ્કારે કે બગાડે તેમાં મિસ્ટર ડુલિટલને રસ નથી. એને બે ફદિયાં મળે તો એ ચિક્કાર દારૂ પીને ચર્ચમાં ભાષણ આપવા જાય.

મિડલ ક્લાસે એક વિશિષ્ટ જીવનપદ્ધતિ અપનાવી છે. યૌવન વટાવી ગયેલી અને હજી પ્રૌઢ થવાની ના પાડતી માતાઓએ સવારના પહૉરમાં બાળકો માટે પિપરમિન્ટ, બિસ્કિટ, વેફર વગેરેના સ્ટીલના ડબ્બા ભરવા જ જોઈએ અને તેમને મૂકવા માટે સ્કૂલની બસ સુધી જવું જ પડે. ગાઉન પહેરેલી આવી અડધો ડઝન ગોળમટોળ માતાઓએ ગપ્પાં મારવાં જ પડે. અપર મિડલ ક્લાસની ઘણી કારવાળી માતાઓ કે તેમની નોકરાણીઓએ લંચ અવર વખતે કૉનવેન્ટ સ્કૂલના કૉમ્પાઉન્ડમાં કારની અંદર ટિફિનો ખોલીને કાચની પ્લેટોમાં બચ્ચાંઓને જમાડવાં જ પડે. નાનપણથી બાળકોને પોપાં જેવાં, પોચટ અને સુંવાળાં બનાવવામાં આવે છે. મિડલ ક્લાસના કલ્ચરમાં કૉયલ પણ હોય, ગીધડાં પણ હોય તેથી તેને કલ્ચરવલ્ચર એમ કહેવામાં આવે છે. કલ્ચરનો એક ધ્વજ હોય છે. કલ્ચરનું એક કલ્ટ (સંપ્રદાય) હોય છે. મિડલ ક્લાસના ગુજરાતી કુટુંબને કલ્ચર ઈડિયટ બૉક્સ (ટેલી)નું કલ્ચર છે. 

લંડનના વિખ્યાત દૈનિક ધ ટાઈમ્સમાં હમણાં અમેરિકાના સંદેશવ્યવહારના પ્રાધ્યાપક નીલ પોસ્ટમૅને ઈડિયટ બૉક્સ કલ્ચર વિશે એક અફલાતૂન લેખ લખ્યો હતો. ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનારું તેમનું પુસ્તક ઍમ્યુઝિંગ અવરસેલ્ઝ ટુ ડેથ (મનોરંજન માણીમાણીને મરી જઈશું.) શકવર્તી બની રહેશે. તેમણે લખ્યું છે કે અમેરિકનોનો શાહીવાદ ટીવીનો શાહીવાદ છે. એમનો વિજય ટીવીનો વિજય છે. અમેરિકનોએ માત્ર ટીવીકાર્યક્રમોની જ નહીં પણ ટીવીના બુનિયાદી આઈડિયાની પણ નિકાસ કરી છે. અમેરિકન ટીવી કલ્ચર નાગરિકોની નહીં, જાહેરખબરવાળાની સેવા કરે છે. ટીવી અમેરિકન ગ્રાહકોને જાહેરખબરવાળાના હાથમાં સોંપે છે. અમેરિકન ટીવી કલ્ચરની મુરાદ એવી છે કે જગતની પ્રત્યેક ચીજ મનોરંજક હોવી જોઈએ. કૉમર્શિયલોનો ઈરાદો દર્શકોને દિઙ્મૂઢ બનાવી દેવાનો છે: એ પછી બાપડા આ ક્ધઝયુમરો એમને ટીવી જ્યાં દોરી જાય ત્યાં જાય છે. રાજકારણ, શિક્ષણ, ધર્મ, ન્યુસ: આ બધાનું આકર્ષક પૅકેજિંગ બનાવવામાં આવે છે અને એ પૅકેજિંગ નિર્ભેળ મનોરંજનનું હોય છે. 

બધાં મૂલ્યો, બધા ગંભીર સિદ્ધાંતો, બધી મહાન વિચારધારાઓને પોચી કરીને તેમને તુચ્છ બનાવી દેવામાં આવે છે અને એ પછી તેમની ઉપર મનોરંજનનું કવચ ચઢાવવામાં આવે છે. લોકોનાં મગજ ઉપર હથોડા મારીને તેમને એક જ વાત શીખવવામાં આવે છે: ખરીદી કરો, બસ ખરીદી કરો. અમેરિકા જગતભરમાં અઢી લાખ કલાક જેટલા ટીવી કલ્ચરની નિકાસ કરે છે: દરેક પ્રજાએ પોતાનાં રુટ્સ છોડી દઈને અમેરિકન કલ્ચર (મનોરંજન વત્તા ખરીદી) અપનાવવું જોઈએ. ટીવીએ અમેરિકાને પાયમાલ કર્યું છે. એક મોજણી પ્રમાણે, ૧૮ કરોડ અમેરિકનોમાંથી છ કરોડ સાવ જ અભણ છે અને કૉંગ્રેસ (સંસદની) લાઈબ્રેરીના જણાવ્યા પ્રમાણે, બીજા છ કરોડ એવા છે જે વાંચી શકે છે પણ વાંચતા નથી. ઈડિયટ બૉક્સના કલ્ચરે અન્ય દેશોની જ નહીં પણ તેના વતન અમેરિકાની પ્રજાનેય પાયમાલ કરી છે. અમેરિકન ટીવી કલ્ચરે આરબોને, લૅટિન (ભૌગોલિક દક્ષિણ) અમેરિકનોને, ચીનાઓને, ભારતીયજનોને અને યુરોપિયનોને જ નહીં ખૂદ અમેરિકનોને પણ બગાડ્યા છે. બધા ઝોમ્બી બની ગયા છે. 

સર્વત્ર આજે સત્ત્વ કરતાં રૅપર, પૅકેજિંગનો મહિમા વધુ છે: પત્રકારત્વમાં, દૂન સ્કૂલના નેતૃત્વમાં, રાજકારણમાં, બીઝનેસમાં બધે જ. ટ્િિવયલ (તુચ્છ) બાબતો,-ફિવૉલસ (ફાલતુ) ચીજો, ટિન્સેલનો ચળકાટ, વિનિયરમાઈકાની સપાટી આપણને ભરખી ગઈ છે. જરાક ખોતરો તો બદસૂરત, અભણ, રાંક જીવન જડી આવશે. શહેરોના મિડલ ક્લાસની સ્થિતિ મૃગજળ પાછળ દૉડતા અને છતાં તરસ્યાં રહેતા હરણ જેવી છે. તેના મૉઢામાં ફીણ આવી જાય છે અને છતાં તેણે તમાચો મારીને ગાલ રાતો રાખવો પડે છે. તેણે દેખાડો, ટાપટીપ ચાલુ રાખવાં પડે છે. ભીતર તો હતાશાનાં, ઉદાસીનતાનાં, ડિપ્રેસનનાં પોટલાં ધરબાયેલાં છે. રાજીવ ગાંધીના દૂન છોકરડાઓ સાતમી યોજનાની, ઔદ્યોગિક પુનરુત્થાનની, કૉમ્પ્યુટરોની અને ર૧મી સદીના સ્વર્ગની અધકચરી, સંદિગ્ધ (અસ્પષ્ટ) વાતો કરે છે. શહેરોમાં જેની સંખ્યા વધતી ચાલી છે તે મિડલ ક્લાસ દેખાદેખીથી ખરીદી માટે દોડતા ગાડરિયા પ્રવાહ જેવો છે. 

ટેબલ તળેની આવક, સહેલી આવક, કરચોરીની આવક, કાળાં બજારની આવક, બેઠાડું આવક, પત્ની કમાતી હોવાથી વધતી આવક, ઓવરટાઈમની આવક, બોનસ, પાર્ટટાઈમ આવક, ઊંધા ત્રિકોણને પ્રતાપે પ્રાપ્ત થયેલું નાનું (સુખી) કુટુંબ હોવાને કારણે થતી બચત: આ બધાં વધારાનાં નાણાંની તરતી ચલણી નોટો પડાવી લેવા આ દેશમાં વિદેશી મલ્ટિનૅશનલોનો અને સ્વદેશી ક્ધઝયુમર ઈન્ડસ્ટ્રીનો રાફડો ફાટ્યો છે. માથું દુ:ખે છે? ઍસ્પ્રો લો. ગળામાં ખીચખીચ થાય છે? વિક્સ કી ટીકિયાં લો. બરછટ જાંગિયો ન પહેરાય: વીઆઈપી બનિયન અને અંડરવેર પહેરો. તમે તો સાવ જ ગામડિયા લાગો છો: આવો ભૈયા જેવો ટુવાલ ન ચાલે, ટર્કિશ ટોવેલ વાપરો. બૉલપેન જૂની થઈ છે. ફેલ્ટપેન (મોભા પ્રમાણે) વાપરો. તમારી પાસે કામનાં કેટલાંબધાં કાગળિયાં છે. એકોલૅક બ્રીફકેસ વાપરો. આવાં દેશી મોજાં નહીં ચાલે, ઈમ્પૉર્ટેડ સૉક્સ પહેરો. હવે દોરીવાળા બૂટના જમાના ગયા. લેસલેસ ઈલૅસ્ટિક શૂઝ પહેરો.

ન જાતુ કામ: કામાનામ્ ઉપભોગેન હી શામ્યતિ, કૃષ્ણ યાદવ કહી ગયા છે. પરંતુ આજે તો રામ, કૃષ્ણ, મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ એ બધાં ઑબસોલેટ (જરીપુરાણા) અને નક્કામાં થઈ ગયા છે. સત્ય સાંઈબાબા ઈન થીંગ છે, ભગવાન રજનીશ મૉડ મૉડ આચાર્ય છે, ગણેશપુરીના નિત્યાનંદ તમારી કુંડલિની જગાવી આપે છે અને બધા સ્માર્ટ મૉડર્ન પ્રોર્ગ્રેસિવ ભદ્ર લોકોનો પ્રવાહ ગણેશપુરી ભણી જાય છે. હવેલી અને શિવલિંગ ન ચાલે, એ તો બુઢ્ઢાબુઢ્ઢીઓ માટે છે. કામ (સેક્સ) જેવી બોરિંગ ચીજ બીજી એક્કેય નથી અને શરાબ જેવી કડવી ચીજ બીજી નથી. 

હાઈ સોસાયટીમાં રહેવું હોય તો દ્વિપત્ની, ઉપવસ્ત્ર, ગર્લફ્રેન્ડ, અનૌરસ બાળક એવું કશુંક નાટ્યાત્મક કરવું પડે. ધર્મેન્દ્રનો કેવો વટ પડે છે (પહેલી કૅટેગરી). એમપી અમિતાભ હરિવંશરાય બચ્ચનની અને રેખા ગણેશનની પૉશ મૅગ્ઝ્માં કેવી વાર્તાઓ ગૂંથાય છે (બીજી કૅટેગરી). બમ્બય્યા પ્રોફેસરો અને લેખકો પાર્ટીઓમાં જાય છે ત્યારે છડેચોક કોની સાથે જાય છે, ખબર છે (ત્રીજી કૅટેગરી) ઈલસ્ટ્રેટેડ વીકલી ૧૯૮૫ની સૌથી વિખ્યાત વ્યક્તિઓની બબ્બે ઇંચની સિંગલ કૉલમની તસવીરો છાપે છે ત્યારે સારિકાની છબિ એ અડધું પાનું ભરીને છાપે છે (ચૉથી કૅટેગરી). 

આટલી આધુનિકતા, આટલાં સુખ, આટલી દોમદોમ સાહ્યબી છતાં લોકોના ચહેરા પરનું હાસ્ય કૃત્રિમ કેમ લાગે છે. ભીતરમાં ઉદાસી, મેલન્કલી, મૉર્બિડિટી ઠાંસીને ધરબાઈ છે. બધાંનાં ચિત્ત માંદલાં, રોગિષ્ઠ, ન્યુરૉટિક, પૅથૉલોજિકલ, ખવાઈ ગયેલા કેમ થઈ ગયાં છે. દિવસમાં દસ કપ ચા પીવાની, ર૦ સિગારેટો ફૂંકવાની, પીઝા અને નૂડલ અને ચાઈનીઝ ફૂડ ખાવાનો, કિમામવાળાં પાન ચઢાવવાનાં, પિક્ચર જોવાનાં, ટેલી પર સોપ ઓપેરા જોવાનાં, ફિલ્મી મૅગેઝિન વાંચવાના, નવા ડ્રેસ સિવડાવવાના, પાર્ટીઓમાં ઢીંચવાનું અને ગળચવાનું, પૈસા કમાવાના, પ્રેમ કરવાનો, મોટેથી ખોટું ખોટું હસવાનું, એની એ જોક એન્થ વખત કહેવાની. પછી શું કરશો? જીવન ભર્યું ભર્યું છે એવો તમને ભાસ થાય છે ત્યારે ખરેખર તો એ ખાલીખમ હોય છે. પછી શું કરશો? આપઘાત, હા, આપઘાત, એ જ સાચો ઉત્તર છે. સ્ક્રિપ્ટ એવી છે કે એનો બીજો અંત આવી જ ન શકે.

મમ્મી અને યો-યોની રમત જ એવી છે. ફસાઈ ગયો છે શહેરી મિડલ ક્લાસ. તેણે પોતાના ગ્રામીણ મૂળિયાં (રૂટ્સ) ઉખેડી નાખ્યાં છે અને શહેરી ભૂમિમાં તે પોતાની જાતને બરાબર રોપી શકતો નથી. એ બૅળે બૅળે પોતાના મોઢા ઉપર હાસ્ય લાવે છે પણ એની પાછળ રૅટરેસ અને સુખની ખોજ માટેની દોડથી લાગેલો અસહ્ય થાક છુપાયેલો છે. આ સંઘર્ષ એને ભીતરથી કાટની માફક ખાઈ રહ્યો છે. એને બૌદ્ધિક ક્ષય (ઈન્ટેલેક્ચ્યુઅલ ટ્યૂબરક્યુલૉસીસ) થયો છે. તેનાં મૂલ્યોનું (ગુજરાતના સુડો-ગાંધીવાદીઓએ ધોકા મારીમારીને ધોઈ નાખેલો શબ્દ વાપરીએ તો) ધોવાણ થઈ ગયું છે. તેનો પૂર્વાપર સંબંધ ભૂંસાઈ ગયો છે. શહેરી મધ્યમ વર્ગ આજે લાગણીઓની તથા બુદ્ધિની અંધાધૂધીમાં જીવે છે.

મૂળાનો શ્ર્વેત કાંદો બટકાવી નાખ્યો હોય એવું વેજિટેબલ અસ્તિત્વ તે જીવે છે. તે માર્યો માર્યો ફરે છે, જાણે તેને શિશિરના પરાગને કારણે એલર્જિક હેફીવર થઈ ગયો છે. શહેરના મધ્યમ વર્ગની ખાનગી ટ્રેજેડી એ છે કે તેના હિંમત, સ્નેહ, શ્રદ્ધા, ખંત વગેરે ગુણોનો ભંગાર થઈ ગયો છે. મિડલ ક્લાસ બિસમાર હાલતમાં જીવે છે.

સ્વાર્થ, માલિકીની ભાવના (પઝેસિવનેસ, ઍક્વિઝિટિવનેસ)નો અતિરેક અને સંપત્તિ માટેની પડાપડીને કારણે લોકો આંધળાભીત બની ગયા છે. આમાંથી જડ, નીરસ, ફિક્કો, માંદલો, રંગવિહીન સમાજ નિર્માણ થયો છે. પેટ ભરીને, ધરાઈને, મૉકળે મને તે હસી શકતો નથી, કારણ કે તેનું હૃદય સ્વચ્છ નથી, તેના પેટમાં પાપ છે. બે લૉંકડી એકબીજીને મળે ત્યારે તે મનમાં પેંતરા કે બેત ઘડતી હોય છે, નિખાલસતાને અભાવે તે મુક્તપણે ખડખડાટ અટ્ટહાસ્ય કરી શકતી નથી. કરે તો એ હાસ્ય આભાસી, નાટકિયું અને નિર્ભેળપણે દંભી હોય છે. 

હજી ૪૦ વર્ષ પૂર્વે મધ્યમ વર્ગ જિંદગીથી થનગનતો હતો. તેનું સુખ મૌલિક હતું. તેનું દુ:ખ ઓરિજિનલ હતું. આજે બંને આભાસી છે. હર્ષોલ્લાસની કિકિયારીઓ તેના હૃદયના ઊંડાણમાંથી આવતી હતી, દર્દની ચીસો સાચકલી હતી. તેનો વ્યવહાર નિષ્કપટ, સરળ, ડિગ્નિફાઈડ અને ડેકોરમવાળો હતો. જન્મ, લગ્ન, મરણ, મુસાફરી, મુલાકાત: આ બધા સામાજિક પ્રસંગો ગૌરવાન્વિત હતા, જીવનમાં સીમાચિહ્નો હતા. શ્રીમંતાઈ ઠાવકી હતી. ગર્ભશ્રીમંત હતી, માનપ્રદ હતી, 'આજના નિયો રીશ (નવશ્રીમંતો, રાતોરાત કરોડપતિ બનેલાઓ) જેવી ઉછાંછલી ન હતી. નાનાં નાનાં સુખો લોકો પેટ ભરીને માણતા હતા. કોઈ છોકરો મેટ્રિક પાસ થાય તો છ ફૂટ ઊંચી પિત્તળની પવાલી ભરીને ઠંડાઈ બનાવવામાં આવતી. લોકો એ સામાન્ય પીણાની પ્યાલીઓ મોજથી પીતા હતા. આજની હોટેલ પ્રેસિડેન્ટની ઝળાંહળાં પાર્ટીઓ પાછલા વંડામાંનાં પેલાં પાથરણાંની અને પેલી ઠંડાઈની લિજ્જત કેમે કરીને આપી શકતી નથી. કુદરતી ફૂલો અને પ્લાસ્ટિકનાં ફૂલો વચ્ચે ફેર છે, ફેર છે. 

આપણે ફૂલોની ખુશ્બો માણવાની શક્તિ ગુમાવી દીધી છે. સુદ અને વદ, વડ અને પીપળો, ઓટો અને ચબૂતરો, દિવસ અને રાત, કાબરનો ચિત્કાર અને ચીબરીની કિકિયારી, સૂર્યનો તડકો અને તારાજડિત રાત્રિ, દિવસે તડકે તાપવાનું અને રાત્રે નક્ષત્રો જોવાનાં, પોંક અને મઠી, પોપટા અને ઓળા અને ઊંધિયું: બધું જ બદલાઈ ગયું છે. મધ્યમ વર્ગનો શહેરી પૂર્વાપર સંબંધ ગુમાવી બેઠો છે. તેની સંવેદના બુઠ્ઠી થઈ ગઈ છે. રેલવે સ્ટેશને ભિખારીને વીસ પૈસાની બ્રેડ ખવડાવી દીધી એટલે તેને ઈશ્ર્વર પ્રત્યેનું ઋણ અદા કર્યાનો મિથ્યા સંતોષ થાય છે. તેના માથાના વાળનો ચળકાટ બ્રિલક્રીમનો છે, તેણીના હોઠની લાલી લિપસ્ટિકની છે, લિસ્ટેરિનની મદદથી તેઓ માઁની દુર્ગંધને દૂર કરવાનો પ્રયાસ કરે છે. ત્વચા પરની ચમક ટૅલ્કમ પાઉડરની છે. તંદુરસ્તીની નથી.

રેસ્ટોરાંની ક્યુબિકલોમાં પ્રેમ કરતાં આ મધ્યમવર્ગી યુગલો શ્ર્વાસોચ્છવાસ નથી લેતા, કારણ કે તેઓ માનવી નથી, રોબોટ છે. આ લોકો રૂટ્સમાંથી ઊખડી ગયા છે એટલે તેઓ સિનેમાશાઈ કાલ્પનિક પલાયનવાદી ઈમેજરીમાં જીવે છે.

લોકો કેવી રીતે પૈસા કમાય છે એની મોજણી કોઈ ભારતીય જૅક ઍન્ડરસન કરે તો એ વિષેનો અહેવાલ બેસ્ટસેલર બની રહે. હવાલાની, દાણચોરીની, ઊંધા ધંધાની, નફાખોરીની એક વાર એક સહેલી લાઈન મળી ગઈ એટલે પછી કરન્સી નોટોના ઢગલા આવવા માંડે છે અને પછી હિન્દુઓએ ખ્રિસ્તી લોકોના તહેવારોમાં માથે શંકુ આકારની ટોપી પહેરીને આખી રાત ચોક્કસ પીણાંઓ ઢીંચવા પડે છે. પૈસાથી સુખ ખરીદવા સારુ લોકો જાતજાતના (નિષ્ફળ) અખતરાઓ કરે છે. સુખ હંમેશાં હાથતાળી આપીને છટકી જાય છે. 

સુપરમારકેટોની છાજલીઓ ફૅન્સી, રૂપકડી ચીજોથી ઊભરાય છે. અધકચરા ભણતરનો નવો ઉપયોગ એ છે કે તે ચળકતાં (પણ સત્ત્વવિનાનાં) ગ્લોસી સામયિકોમાંથી અને જાહેરખબરોમાંથી અધકચરી ફૅશનેબલ બાબતો શીખે છે. મિક્સરો, થ્રી-ઈન-વન, ગ્રાઈન્ડરો, ટોસ્ટરો, ઈલેક્ટ્રિક ઈસ્ત્રીઓ, એગબીટરો, ટીવી સેટ, ફ્રિજ (કે અર્ધશિક્ષિત શ્રીમંત ગુજરાતીઓ એને ફ્રીઝ કહે છે), ડિજિટલ રિસ્ટવૉચીસ, વૉશિંગમશીનો, વૅક્યુમક્લીનરો, વિડિયોરેકોર્ડરો વગેરે વગેરેને શોકેસમાં જોઈને લોકોની ડાગળી ચસકે છે. મિડલ ક્લાસનો માનવી ટુવ્હીલર ખરીદવાની ઝંખના કરે છે, તે સફારી સ્યુટ પહેરે છે (ચંદ્રકાન્ત બક્ષી ભલે કહે કે આ તો શૉફરનો, ડોરકીપરનો અને લિફટમૅનનો ડ્રેસ છે), ચામડાના મોંઘા બૂટ પહેરે છે અને રપ ફૂટ દૂરથી સુગંધાય એવાં કૉસ્મેટિક પોતાની કાયા ઉપર ચોપડે છે. સસ્તાં (પૈસામાં નહીં ટેસ્ટમાં) ડિસ્કો, ડિનરો, નાઈટશો, લીસકાં મેગેઝિનો, દેશી (હિન્દી) ફિલ્મો, ટીવીની ટાહ્યલાંસિરિયલો: આ બધો ઠાઠ મેળવવા ઉપલા મધ્યમ વર્ગનો માણસ હડી કાઢે છે. 

નાનપણમાં માબાપને ત્યાં કશું ભાળ્યું ન હોય અને શહેરમાં જઈને બેપાંદડે થયો હોય એવો માણસ જીવનભોગવટાની ૩૦ વર્ષની ખાધ પૂરી કરવા જે ઝડપ કરે એ ઝડપે આવો માનવી બેઉ હાથે સુખસામગ્રીનો ઉપભોગ કરવા માંડી પડે છે. અકરાંતિયાની જેમ તે સુખને આરોગે છે, પણ તેની પ્યાસ કદી બુઝાતી નથી. તરસ ખોટી છે, પીણાં ખોટાં છે. ચોમેર કૃત્રિમતા છે. લીલોતરી શોધીય જડતી નથી, બાગબગીચાનો એકાદ ટુકડો કૉન્ક્રીટનાં જંગલોની વચ્ચે ફેંકવામાં આવ્યો હોય છે તે સિવાય. દરિયાકાંઠાની હવા પણ ચોખ્ખી નથી. હિન્દી સિનેમામાં નાયકનાયિકા જે રોમેન્ટિક પ્રેમ કરે તે પણ શહેરોમાં શક્ય નથી. નથી સમયની મોકળાશ, નથી જગ્યાની મોકળાશ.

શહેરો તોતિંગ સ્લમ્સ (ઝૂંપડપટ્ટી) બની ગયાં છે, મુંબઈ, દાખલા તરીકે, ગંધાય છે. કરોડો માણસો ખુલ્લામાં ટટ્ટી કરે છે અને એથીય વધુ ગંદકી પાંઉભાજીવાળાઓ તથા ભેળપૂરીવાળાઓ રસ્તા ઉપર એઠવાડનાં તપેલાં ઢોળીને કરે છે. મિડલ ક્લાસના માણસે મોઢે પાઉડર ચોપડ્યો અને ઈન્ટિમેટ છાંટ્યું એટલે હાઉં, ગંદકી ચાલી ગઈ. શહેરી જીવન નર્ક જેવું બની ગયું છે. બિલ્ડરોનાં બુલડોઝરો રોજ મુંબઈના પ્રાણ જેવાં બેઠા ઘાટનાં અનેક સુંદર મકાનો તોડી પાડે છે. સ્કાયસ્ક્રેપર્સ રચવા સારુ. લોકલ ટ્રેન અને બસની સર્વિસ એટલી હાડમારીભરી છે કે આનાથી વધુ ખરાબ કલ્પના નર્કની કરી શકાતી નથી. કોન્ટ્રેક્ટરો મ્યુનિસિપાલિટીના અમલદારો સાથે ભળી ગયેલા હોવાથી જમા થયેલો સડેલો કચરો સૂર્યના પ્રખર તાપમાં ઝૅરી વાયુઓ છોડે છે. અસહ્ય અને બંધિયાર પરિસ્થિતિએ મિડલ ક્લાસના શહેરી માનવીને પશુ જેવો બનાવી દીધો છે. માનવી-માનવીના સંબંધોમાં ઉમળકો કે ઉષ્મા નથી રહ્યાં. લોકો લાગણીનો પણ રીતસરનો વેપાર કરે છે. 

દરેક માનવી શિયાળ સાથે સ્પર્ધા કરે છે. બુદ્ધિ બડી કે ભેંસ એ કહેવત જૂની થઈ ગઈ છે. બુદ્ધિ બડી કે ચતુરાઈ રાધર બુદ્ધિ બડી કે હોશિયારી અથવા એથીય આગળ જઈએ તો બુદ્ધિ બડી કે ખંધાઈ એ કહેવત વાસ્તવિક છે. દરેક માણસ હરામખોરી કરીને પછી પોતાની એ હરામખોરીને જસ્ટીફાય કરે છે. બધા એકબીજા કરતાં વધારે સ્માર્ટ થવાની હોડમાં ઊતર્યા છે. ભૂલ ન થઈ જાય, છેતરાઈ ન જવાઈ, કુંડાળામાં પણ ન પડી જાય એ માટે સૌ તકેદારી રાખે છે. લોકોની મૈત્રીઓ, લોકોના સંબંધો સગવડિયા હોય છે. પરસ્પરના હિતમાં હોય છે. મિડલ ક્લાસનો પ્રેમ પણ વ્યવહારકુશળ બની ગયો છે, ગણતરીબાજ બની ગયો છે. 

મિડલ ક્લાસનો માનવી જીવનનો સાચો આનંદ ગુમાવી બેઠો છે. એનામાં સંવેદના રહી નથી. પંખીનો ટહુકો, ચંદ્રની ચાંદની કે પવનની ઠંડી લહેરખી તેના ચિત્તતંત્રના તારને ઝણઝણાવી શકતી નથી. દિલ ફાડીને પ્રેમ કરવાનું, આકાશમાંથી હિંમતભેર ભૂસકો મારવાનું કે કુદરતમાં ઊંડી આસ્થા રાખવાનું તેને હવે આવડતું જ નથી. રસ્તા ઉપર મડદું રઝળતું જોઈને તેને અરેરાટી થતી નથી, પડોશીનો જુવાનજોધ છોકરો ફાટી પડે ત્યારે માત્ર ચાર ફૂટ દૂર, દીવાલની પેલે પાર આરામથી આઈસક્રીમ ખાઈ શકે છે. અન્યાય જોઈને તેનું લોહી ઊકળી આવતું નથી, અંધાધૂંધી જોઈને તે કોચવાતો નથી, તર્ક કે લોજિક જેવા કોઈ શબ્દ તેના શબ્દકોશમાં નથી રહ્યો. 

ખાલીખમ માણસ કદી સાચો, નિર્ભેળ આનંદ માણી શકતો નથી. પછી વિહાર તળાવને કાંઠે બેસીને અંતકડીના રાગડા તાણીને મધ્યમ વર્ગનો માનવી આનંદની ચુસકી મારવાનો મિથ્યા પ્રયાસ કરે છે. થાકી જાય છે શરીર અને થાકી જાય છે એનું મન સૌથી વધુ તો થાકી જાય છે એનો આત્મા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment