Thursday, 5 November 2015

[amdavadis4ever] માત્ર કલ ાકારો-ક્ર િકેટરો નિશાન કેમ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શિવસેનાને પાછો પાકિસ્તાન સામે વિરોધનો સણકો ઉપડ્યો છે અને શિવસૈનિકો પાકિસ્તાન સામે તલવાર તાણીને મેદાનમાં આવી ગયા છે. છેલ્લા એક મહિનામાં જ પાકિસ્તાન સાથે સંકળાયેલી ત્રણ સેલિબ્રિટી સામે મુંબઈમાં શિવસેનાએ ભારે દેકારો કર્યો ને ત્રણમાંથી બે સેલિબ્રિટીના કાર્યક્રમો ધરાર ના થવા દીધા. પહેલા ગઝલ ગાયક ગુલામ અલી શિવસેનાની ખફગીનો ભોગ બન્યા. મહાન ગઝલ ગાયક જગજીતસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈમાં યોજાનારા એક કાર્યક્રમમાં ગુલામ અલી ભાગ લેવાના હતા, પણ શિવસેનાએ આ કાર્યક્રમ નહીં થવા દઈએ એવી ધમકી આપી એટલે કાર્યક્રમ અભરાઈ પર ચડાવી દેવો પડ્યો. એ પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મોહમ્મદ કસૂરીના પુસ્તકના વિમોચન સામે શિવસેનાએ હોબાળો કરી દીધો. 

કસૂરીનો કાર્યક્રમ તો શિવસેના ના રોકી શકી પણ આ કાર્યક્રમના આયોજક એવા ભાજપના ભૂતપૂર્વ નેતા સુધીન્દ્ર કુલકર્ણીનું મોં કાળું કરીને શિવસેનાએ ચમકારો તો બતાવ્યો જ. એ પછી હમણાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વડા શહરયાર ખાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા શશાંક મનોહરને મળવા મુંબઈ આવવાના હતા. શિવસેનાએ બીસીસીઆઈના હેડક્વાર્ટરમાં ઘૂસીને તોડફોડ કરી તેના કારણે શહરયાર-શશાંકની મીટિંગ તો રદ થઈ જ પણ પાકિસ્તાન સામેની ક્રિકેટ શ્રેણીનું પણ પડીકું થઈ ગયું. શિવસેનાએ આપેલી ધમકીના પગલે પાકિસ્તાની અમ્પાયર અલીમ દાર અને કોમેન્ટેટર્સ શોએબ અખ્તર તથા વસિમ અકરમે પણ બિસ્તરાંપોટલાં ભરીને ઘરભેગા થઈ જવું પડ્યું. 

શિવસેનાનો પાકિસ્તાન વિરોધ અહીં પૂરો થયો નથી ને તેની ધમકી ઊભી જ છે કે, અમે પાકિસ્તાનીઓને આ ધરતી પર પોંખવામાં આવે ને પરોણાગત કરાય એવું નહીં થવા દઈએ. શિવસેનાનું કહેવું છે કે પાકિસ્તાન તેની જાત બતાવી રહ્યું છે ને આપણી બરાબરની મેથી મારી રહ્યું છે ત્યારે આપણે તેમની આગળપાછળ ફર્યા કરીએ ને તેમને લટૂડાંપટૂડાં કરીએ એ ના ચાલે. પાકિસ્તાન આપણા સૈનિકોનાં માથાં વાઢીને મોકલતું હોય ને આપણે તેમને મહેમાન માનીને વર્તીએ એ નામર્દાનગી છે ને બીજા બધા ભલે નામર્દ બનીને વર્તતા પણ શિવસેના એ રીતે નામર્દ બનીને બેસી ના શકે. શિવસેનાએ આખી વાતને દેશપ્રેમ સાથે જોડીને લોકોની લાગણીઓ ભડકાવવાનો ખેલ માંડ્યો છે. 

શિવસેના ભલે પાકિસ્તાન સામેના વિરોધને દેશપ્રેમ સાથે જોડતી હોય પણ વાસ્તવમાં શિવસેના એક નંબરની દંભી છે. પાકિસ્તાન સામેનો તેનો વિરોધ સગવડિયો છે અને તે આ જે પણ ધંધો માંડીને બેઠી છે તેને દેશપ્રેમ સાથે કંઈ લેવાદેવા નથી. તેનો વિરોધ મતબેંક વાસ્તે છે અને એટલા માટે જ તે એવા મામલામાં જ વિરોધ કરે છે કે જેમાં તેને ભરપૂર પબ્લિસિટી મળે. શિવસૈનિકોએ વાનખેડે સ્ટેડિયમની પિચ ખોદી નાખી તેમાંથી એ લોકો આ પાઠ શીખ્યા છે. શિવસેનાએ ૧૯૯૧માં વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમની પિચ ખોદી નાંખી તેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. એ વખતે પાકિસ્તાન સામે ભારતીયોમાં ભારે આક્રોશ હતો તેથી ક્રિકેટચાહકો શિવસેનાના આ પરાક્રમ પર ફિદા થઈ ગયેલા. શિવસેનાને તેના કારણે ભરપૂર પબ્લિસિટી મળી અને શિશિર શિંદે જેવા યુવા નેતાઓ તો આ પરાક્રમના જોરે રાતોરાત જાણીતા પણ થઈ ગયા. શિવસેનાને તેના કારણે પછી પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધોનો વિરોધ કરવાનો ચસકો જ લાગી ગયો ને જ્યારે જ્યારે તેમને લાગે કે હવે આપણો ભાવ કોઈ પૂછતું નથી ત્યારે એ લોકો પાકિસ્તાન સામેના વિરોધનો ઝંડો લઈને કૂદી પડે છે. 

શિવસેના દ્વારા કરાતા વિરોધની પેટર્ન તપાસશો તો આ વાત બહુ સારી રીતે સમજાશે. આપણે બહુ લાંબો ઈતિહાસ ના તપાસીએ ને છેલ્લાં પાંચેક વરસના કિસ્સા જોઈએ તો પણ ખબર પડશે કે શિવસેના એવા લોકોનો જ વિરોધ કરવા કૂદી પડે છે કે જેનું નામ બહુ જાણીતું હોય. ક્રિકેટરો અને કલાકારો આ કેટેગરીમાં આવે છે તેથી શિવસેના તેમનો વિરોધ કરવામાં વધારે પડતો ઉત્સાહ દાખવે છે. ક્રિકેટના નામે વિરોધ કરવા નીકળો તો પણ ભરપૂર પબ્લિસિટી મળે છે એટલે શિવસેના છાસવારે ક્રિકેટનો ઝંડો લઈને ઊભી થઈ જાય છે. 

શિવસેનાએ ગુલામ અલી, ખુરશીદ મોહમ્મદ કસૂરી અને શહરયાર ખાનના વિરોધમાં કરેલા ઉધામા તો જાણીતા જ છે તેથી તેની વાત નથી કરતા પણ એ પહેલાં તેણે કરેલા વિરોધનાં થોડાંક ઉદાહરણો પર નજર નાંખશો તો શિવસેનાના દેશપ્રેમની પોલ ખૂલી જશે. સલમાન ખાનની બજરંગી ભાઈજાન રિલીઝ થવાની હતી ત્યારે શિવસેનાએ અદનાન સામી સામે મોરચો માંડેલો. સલમાન ખાન આણિ મંડળી પાવરફુલ છે તેથી શિવસેનાને ઘોળીને પી ગઈ તેમાં શિવસેનાના વિરોધનું સુરસુરિયું થઈ ગયેલું. 

શિવસેનાએ આ પહેલાં પાકિસ્તાનના ખેલાડીઓને કબડ્ડી લીગમાં નહીં રમવા દેવાના મામલે ઉધામો માંડેલો. જુલાઈ ૨૦૧૫માં રમાયેલી કબડ્ડી લીગમાં પાકિસ્તાનના બે ખેલાડીઓના સમાવેશ સામે શિવસેના સ્ટાર સ્પોર્ટ્સની ઓફિસ પર મોરચો લઈ ગયેલી. મુંબઈમાં રમાયેલી મેચમાં તેણે પાકિસ્તાનના ખેલાડીઓ વસીમ સજ્જાદ અને નાસીર અલીને બહાર બેસાડવાની ફરજ પાડી હતી. એ પહેલાં તેણે પાકિસ્તાની ફિલ્મ બિન રોય સામે ઉધામો મચાવેલો. એપ્રિલ ૨૦૧૪માં શિવસેનાએ પાકિસ્તાની ગાયક આતિફ અસલમની કોન્સર્ટ રદ કરવાની ફરજ પાડેલી. રાજકુમાર સંતોષીની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોનું તુ રંગ સરબતોં કા મૈં મીઠે ખાટ કા પાની જેવું અદભુત ગીત ગાનારા આતિફનો પુણેમાં શો હતો એ પણ તેમણે રદ કરાવેલો. એ પહેલાં ૨૦૧૪માં શિવસેનાએ ઈન્ડિયા-પાકિસ્તાન મ્યુઝિક કોન્સર્ટનો કાર્યક્રમ રદ કરાવેલો. બંને દેશના કલાકારોએ ભેગા થઈને મ્યુઝિક આલ્બમ બહાર પાડેલું ને તેની સામે શિવસેનાએ ઉધામો કરીને મ્યુઝિક લોંચમાં જ તોડફોડ કરી હતી. એ પહેલાં ૨૦૧૨માં પાકિસ્તાની કલાકારોને ટીવી રિયાલિટી શોમાં ભાગ લેવા પર પ્રતિબંધનો ઝંડો ઉપાડીને શિવસેનાએ દેકારો કરી નાંખેલો. 

શિવસેનાએ ૨૦૧૧માં બિગ બોસમાં પાકિસ્તાની સેક્સ બોમ્બ વીણા મલિક તથા અલી સલિમના સમાવેશ સામે હોહા કરી મૂકી હતી. એ વખતે પણ શિવસેનાના વિરોધને ટીવી ચેનલ ઘોળીને પી ગઈ હતી. ૨૦૧૦માં શિવસેનાએ શાહરૂખ ખાન સામે મોરચો માંડ્યો હતો. શાહરૂખે ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)માં પાકિસ્તાની ક્રિકેટરોને રમાડવાની તરફેણ કરી હતી. શિવસેનાએ શાહરૂખને દેશદ્રોહી જાહેર કરીને તેની ફિલ્મ માય નેઈમ ઈઝ ખાન મહારાષ્ટ્રમાં રિલીઝ નહીં થવા દઈએ એવું એલાન કરી દીધું. શાહરૂખ પણ પાવરફુલ છે તેથી તેણે પોતાની તાકાતનો પરચો આપીને ધરાર ફિલ્મ રિલીઝ કરાવીને શિવસેનાનું નાક વાઢી લીધેલું. 

શિવસેનાએ દેશપ્રેમના નામે કરેલા આ ઉધામાની સામે બીજાં કેટલાંક ઉદાહરણો પર પણ નજર નાંખવા જેવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે કલા અને ક્રિકેટ સિવાયનાં બીજાં ક્ષેત્રોમાં પણ સંબંધો છે. આ ક્ષેત્રોમાં બંને વચ્ચે આદાનપ્રદાન ધમધોકાર ચાલે છે પણ શિવસેનાને તેની સામે વિરોધ કરવામાં રસ નથી કેમ કે એમાં પબ્લિસિટી નથી મળતી. કલાકારો સામે વિરોધ કરવા ઊતરો તો ટીવી ચેનલોવાળા તમારી પાછળ દોડતા થઈ જાય ને તમારા એરિયામાં તમારો છાકો પડી જાય પણ બીજાં ક્ષેત્રોમાં વિરોધ કરો તો કોઈ ભૂતિયોભઈ પણ તમને ના પૂછે એટલે શિવસેનાને એ આદાનપ્રદાનનો વિરોધ કરવામાં રસ નથી. મજાની વાત એ છે કે આ ક્ષેત્રોમાં સ્પોર્ટ્સ પણ આવી જાય છે ને કલા પણ આવી જાય છે. થોડાંક ઉદાહરણો જોશો તો શિવસેનાના ડબલ સ્ટાન્ડર્ડ છતાં થઈ જશે. 

શિવસેનાએ ગુલામ અલીના કાર્યક્રમ સામે અત્યારે હંગામો ખડો કરી દીધો પણ એ જ ગુલામ અલીએ ગયા વરસે મુંબઈમાં કાર્યક્રમ કરેલો પણ શિવસેનાએ એ વખતે ચૂં કે ચાં નહોતી કરી. કારણ ? શિવસેનાને જ ખબર. શિવસેના ક્રિકેટના મામલે આટલી કચકચ કરે છે પણ છેલ્લાં પાંચ વરસમાં પાકિસ્તાનની હોકી ટીમ ત્રણ વાર ભારત આવીને રમી ગઈ. શિવસેનાએ તેની સામે કદી વાંધો નથી લીધો. શિવસેના ગુલામ અલીના કાર્યક્રમ સામે આટલી હોહા કરતી હતી ત્યારે જ પાકિસ્તાનના બે સ્ક્વોશ ખેલાડી સાદિયા ગુલ અને સમ્મેર અંજુમ ભારતમાં જેએસડબલ્યુ સ્ક્વોશ સર્કિટમાં રમતાં હતાં પણ શિવસેનાને રસ નહોતો કેમ કે સ્ક્વોશના ખેલાડીઓમાં કોને રસ પડે ? 

પાકિસ્તાન સાથેના સંબંધોમાં બીજી પણ કેટલીય એવી વાતો છે કે જે કાયમી છે ને શિવસેનાને તેની સામે કદી વાંધો નથી પડ્યો. દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશન છે ને આ હાઈ કમિશન દેશના ગદ્દારોને પોષવાનો અડ્ડો છે. કાશ્મીરના ભારતદ્રોહી હુર્રિયતના નેતાઓની પરોણાગત આ હાઈ કમિશનમાં થાય છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર છે ને શિવસેના તેમાં ભાગીદાર છે. આટલાં વરસોમાં શિવસેનાએ કદી એવું વલણ લીધું ખરું કે પાકિસ્તાની હાઈ કમિશન બંધ કરાવો નહીંતર અમે સરકારમાં નહીં રહીશું ? હાઈ કમિશનને તો માનો કે રાજદ્વારી સંબંધોના કારણે બાદ કરી દઈએ તો પણ બીજું ઘણું એવું છે જ કે જે પાકિસ્તાન કલાકારો અને ક્રિકેટના સંબંધોથી બહુ મોટું છે અને વધારે મહત્વની વાત એ છે કે એ બધું શિવસેનાની મહેરબાનીથી જ ચાલે છે. 

ભારતના અત્તારીથી પાકિસ્તાનના લાહોર વચ્ચે સમઝૌતા એક્સપ્રેસ દોડે છે. પાકિસ્તાનના કરાચીથી ભારતના જોધપુર વચ્ચે થાર એક્સપ્રેસ દોડે છે. દિલ્હી અને લાહોર વચ્ચે બસસેવા ચાલે છે. આપણા તાબા હેઠળના શ્રીનગરથી પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના મુઝફ્ફરાબાદ વચ્ચે બસસેવા ચાલે છે. કાશ્મીરના પૂંચથી પાકિસ્તાનના રાવલકોટ વચ્ચે પણ બસ દોડે છે. નવી દિલ્હી અને મુંબઈથી પાકિસ્તાનના લાહોર અને કરાચીની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ છે. આ બધી સેવાઓ ભારત-પાકિસ્તાન વચ્ચે કાયમી જોડાણના પુરાવારૂપ છે. શિવસેનાને તેની સામે વાંધો નથી. પાકિસ્તાન સાથે આપણા આ સંબંધોના વિરોધમાં શિવસેનાએ નરેન્દ્ર મોદી સરકાર છોડવા અલ્ટિમેટમ આપ્યું હોય એવું સાંભળ્યું ? નથી સાંભળ્યું અને સાંભળવા પણ નહીં મળે કેમ કે એવું કરવા જાય તો સત્તા છોડવી પડે. અને શિવસેનાનો દેશપ્રેમ એટલો જોરદાર તો નથી જ કે તેના માટે એ સત્તા છોડી દે. શિવસેનાનો પાકિસ્તાન વિરોધ એટલે જ ક્રિકેટ અને કલાકારોથી આગળ વધતો જ નથી ને પબ્લિસિટીના દાયરામાં જ ઘુમરાયા કરે છે. 

શિવસેના દંભી છે અને તકવાદી છે. કારગિલ યુદ્ધ વખતે શિવસેનાના બાળાસાહેબ ઠાકરેએ પાકિસ્તાનને ભરપેટ ગાળો ભાંડી હતી અને પછી પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદને બોલાવીને તેની પરોણાગત કરી હતી. 

અત્યારે પણ શિવસેના એ જ કરી રહી છે તે જોતાં તેના દેશપ્રેમની વાતોનાં ઝાંસામાં આવવા જેવું નથી. તેનો ઈરાદો આ બધા ઉધામા કરીને મોદી સરકાર પર દબાણ પેદા કરવાનો છે. ભાજપ ભિડાય ને પોતાના પગ પકડતો આવે તેમાં તેને રસ છે. દેશપ્રેમ તો બહાનું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment