Thursday, 5 November 2015

[amdavadis4ever] પતિએ સર્જેલી પોત ાને યોગ્ય પત્ની!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નામ : લોપામુદ્રા

સ્થળ : દક્ષિણ ભારત

સમય : દ્વાપર

અમે હજી હમણાં જ દક્ષિણ ભારત તરફ આવ્યા છીએ... આ નવો પ્રદેશ એની લીલીછમ હરિયાળી મને ગમે છે, પણ અહીંના લોકોની ભાષા મને સમજાતી નથી. આ સહુ દ્રવિડો છે. યુદ્ધકળામાં પારંગત. એમનો રંગ અમારાથી જુદો છે. એ સહુ જુદા પ્રકારનાં વસ્ત્રો પહેરે છે, જુદું ભોજન કરે છે... અમે ઉત્તરના પ્રદેશમાંથી આવ્યા છીએ અને અમારી ભાષા, જીવનશૈલી આ સહુથી જુદા છે. મારા પતિ કહે છે કે હવે અમે પાછા નહીં જઈએ... હવે અમે અહીં દક્ષિણના પ્રદેશમાં જ નિવાસ કરીશું. મને ગંગોત્રીના એ દિવસો બહુ યાદ આવે છે. ગંગાદ્વાર પાસે અમારો સુંદર આશ્રમ હતો. મા ગંગાના કિનારે અમે સુંદર જીવન વિતાવતાં હતાં. અચાનક અહીં આવવાનો નિર્ણય કર્યો ત્યારે મેં પૂછ્યું હતું મારા પતિને, "આપણે કેમ આવી રીતે જઈ રહ્યાં છીએ ? મારા નાનકડા પુત્રો ભૃંગી અને અચ્યુતને લઈને અમે આ તરફ પ્રવાસ કર્યો. મારા પતિ કોઈક કારણ વગર કશું કરે જ નહીં એવી મને શ્રદ્ધા છે, અહીં આવતી વખતે અમે વિંધ્યાચળ પર્વતને પસાર કર્યો.

વિંધ્યાએ નમીને મારા પતિને પ્રણામ કર્યા. મારા પતિ મહર્ષિ અગસ્ત્યએ એને કહ્યું, "પર્વતરાજ, મારે પેલી તરફ દક્ષિણમાં જવું છે. મારી પત્ની અને મારાં સંતાનો થાકી જાય એટલે હવે જ્યાં સુધી હું પાછો ન ફરું ત્યાં સુધી તમે ઊંચા નહીં વધતા. મહર્ષિ અગસ્ત્યની વાત ટાળવાની વિંધ્યની શક્તિ નહોતી. એણે મારા પતિની આજ્ઞા માથે ચડાવી અને ઊંચાઈ વધારવાનું અટકાવી દીધું. થાકી જવાય એટલો ઊંચો એ પર્વત પગે ચાલીને પસાર કરતી વખતે મેં મારા પતિને પૂછ્યું, "આપણે વિંધ્યની ઊંચાઈ અટકાવવા માટે દક્ષિણમાં આવ્યા ને ? એમણે સ્મિતસહ મસ્તક ધુણાવીને હા પાડી.

હું ક્યારેક એમને જોઉં તો અહોભાવથી હૃદય ભરાઈ જાય છે. એમનું જ્ઞાન, એમનું તેજ, એમની મહાનતા જ્યારે જ્યારે મારી દૃષ્ટિ સમક્ષ આવે છે ત્યારે એમને પ્રણામ કર્યા વિના નથી રહી શક્તી. ક્યારેક કહેવાઈ જાય છે, 'ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ...' ને સાચું પૂછો તો મારા જન્મ અંગે આ વાત તદ્દન સત્ય છે. વિદર્ભના રાજાને ત્યાં રાજકુમારી તરીકે જન્મી હું, પરંતુ મારું સર્જન સ્વયં મારા પતિએ કર્યું ! મિત્ર અને વરુણના પુત્ર એવા અગસ્ત્ય મહર્ષિ વશિષ્ઠનો અંશ છે એમ માનવામાં આવે છે. શ્રી રામને રાવણ સામેના યુદ્ધ સમયે સૂર્યની ઉપાસના કરવા માટે 'આદિત્ય હૃદય મંત્ર'ની રચના કરી આપનાર મહર્ષિ અગસ્ત્યએ મારું કઈ રીતે સર્જન કર્યું એની કથા પણ રસપ્રદ છે. એક વાર મહર્ષિએ જંગલમાં મનુ અને એમના પૂર્વજોને ઊંધા લટક્તા જોયા. મહર્ષિએ એમને પૂછ્યું કે, 'તમે કઈ પીડાથી ઊંધા લટકો છો ?' ત્યારે પૂર્વજોએ કહ્યું, "તારે પુત્ર નથી. તું અમને 'પું' નામના નર્કમાં ધકેલવા માટે જવાબદાર છે. મહર્ષિ અગત્સ્ય વિચારમાં પડ્યા. સમગ્ર પૃથ્વી પર એમને લાયક કોઈ ક્ધયા એમને દેખાઈ નહીં એટલે એમણે સર્વ પ્રાણીઓનાં શ્રેષ્ઠ અંગો લઈને એક ક્ધયાની રચના કરી. હરણની આંખો, મત્સ્યની ચંચળતા, સિંહણની વીરતા અને સસલાની નિર્દોષતા... સમગ્ર શ્રેષ્ઠ ગુણો અને અંગો જે ક્ધયાની રચનામાં વપરાયાં તે હું !

એ પછી હું વિદર્ભના રાજાને ત્યાં જન્મી.

જે પ્રાણીઓનાં અંગો લેવાયાં એમનો લોપ થયો એટલે 'લોપા' અને એ પ્રાણીઓનાં અંગોની મુદ્રાઓ મારા અસ્તિત્વ સાથે જોડાઈ એટલે 'મુદ્રા'. એમ મારું નામ 'લોપામુદ્રા' પાડવામાં આવ્યું. લગ્નની વયમાં આવી ત્યારે મહર્ષિએ મારા હાથની માગણી કરી. મારા પિતાને સંકોચ થયો, લાડકોડમાં ઉછરેલી એમની સુંદર ક્ધયા એક ૠષિ સાથે આશ્રમમાં કઈ રહેશે એ વિચારે મારા પિતા બહુ જ દુ:ખી હતા ત્યારે મારા અગસ્ત્યએ એમને વચન આપ્યું કે હું લોપામુદ્રાને હંમેશાં અતીવ સુખમાં રાખીશ ને એમણે એ વાત સાચી પાડી. રાજા શ્રુતર્વા, બૃહદસ્થ અને ત્રસદસ્યુ પાસે જઈને એમણે ધનની માગણી કરી. અગસ્ત્યના તેજ સામે રાજાઓ એમને નકારી શકે એમ નહોતા, પણ સમજુ અને સદ્ગુણી એવા મારા પતિ રાજાઓની આવક જોઈને સહેજ ઝંખવાયા, એમને સમજાયું કે જો એ આ રાજાઓ પાસેથી ધન લેશે તો પ્રજા ઉપર કર પડશે. એ ત્યાંથી નીકળીને ઇલ્વલ નામના શ્રીમંત રાક્ષસ પાસે ગયા. ઇલ્વલ દુષ્ટ હતો. એનો એક વાતાપિ નામનો ભાઈ હતો. એ બંને બ્રાહ્મણવિરોધી હતા. મૂર્ખ અને ક્રૂર પણ.

વાતાપિએ બકરાનું સ્વરૂપ લીધું. એની પાસે સંજીવની વિદ્યા હતી. ઇલ્વલે પોતાના ભાઈને રંધાવીને અગસ્ત્યના પેટમાં ધકેલી દીધો. ઇલ્વલે જ્યારે વાતાપિને બોલાવ્યો ત્યારે પેટ ચીરીને બહાર આવવાને બદલે અગસ્ત્યનો ઓડકાર સાંભળીને ઇલ્વલ ગભરાઈ ગયો. એણે પોતાની હાર કબૂલ કરી. પછી મારા પતિને દસ હજાર ગાય, સોનામહોર અને રથ તથા ઘોડા આપવાનું વિચાર્યું... જોકે એ હજીયે મારા પતિની પરીક્ષા લેવા માગતો હતો. એણે પૂછ્યું, "મેં જે તમને આપવા વિચાર્યું છે એ જો તમે કહી શકો તો હું જે ધાર્યું છે એનાથી બે ગણું આપીશ. મારા પતિની પરીક્ષા ? એમણે તો સસ્મિત ઇલ્વલના મનની વાત એને કહી દીધી...

મારા પતિ સારું એવું ધન, ઘોડા, ગાયો અને સોનામહોર લઈને આવ્યા. અમે ગંગોત્રીની નજીક સુંદર આશ્રમ બનાવ્યો. ઘણા ૠષિઓ અમને આવા સાધનસંપન્ન જીવનમાં જીવતા જોઈને અમારી વિરુદ્ધ વાતો કરતા. અમે સાચા અર્થમાં આશ્રમજીવન નથી જીવતા એવું પણ ઘણા માનતા, પરંતુ મારા પતિ મારા સુખ સિવાય બીજા કોઈ વિચાર કરવા તૈયાર નહોતા. મારા મુખ પર સ્મિત એ જ એમના જીવનનું સત્ય હતું. એ પછીનાં વર્ષો અત્યંત સુંદર અને સુખમય વીત્યાં. મેં બે પુત્રોને જન્મ આપ્યો અને એમની પાસે યજ્ઞ કરાવીને મારા પતિએ એમના પૂર્વજોની મુક્તિ પણ કરી.

મહર્ષિ અગસ્ત્ય એમના જ્ઞાન અને તેજને કારણે સમગ્ર આર્યાવર્તમાં પૂજનીય ગણાતા. દેવો પણ એમની પાસે મદદ માગવા આવતા. એમણે વેદોમાં રહેલું વિજ્ઞાન સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે વાપર્યું. ઔષધોની શોધમાં એમનો બહુ મોટો ફાળો છે. જડીબુટ્ટી અને વનસ્પતિ અંગેનું એમનું જ્ઞાન અગાધ અને ઊંડું છે. એમણે જ્વર, કર્કરોગ, નપુંસકતા, પાચનતંત્રના રોગો અને મગજના કેટલાક રોગો માટેનાં ઔષધોનું નિર્માણ કર્યું. મહર્ષિ દધિચીના હાડકામાંથી બનેલું વજ્ર લઈને જ્યારે ઈન્દ્રએ કાલકેયો પર આક્રમણ કર્યું ત્યારે કાલકેયો સાગરમાં સંતાયા... દેવો મારા પતિ અગસ્ત્ય પાસે આવ્યા ને મારા પતિએ સાગર પીવા માંડ્યો...

સહુના અનહદ આશ્ર્ચર્ય વચ્ચે આખો સાગર મહર્ષિ અગસ્ત્યના ઉદરમાં સમાઈ ગયો. કાલકેયો અને દેવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું. કાલકેયો પરાજિત થયા. આવી તો કંઈ કેટલીયે કથાઓ મારા પતિની શક્તિ અને વિદ્યા વિશે પ્રચલિત છે. માનવકલ્યાણ એ જ જાણે એમના જીવનનો ઉદ્દેશ હોય એમ એમણે સતત શ્રેષ્ઠ માનવજીવન માટે કાર્ય કર્યું.

મારા પતિ મહર્ષિ અગસ્ત્ય રાજા નિમી સાથે મહર્ષિ વશિષ્ઠના મનોઉદ્વેગમાંથી જન્મેલું સંતાન કહી શકાય. ઇક્ષ્વાકુ કુળના સૂર્યવંશી રાજા નિમીએ યજ્ઞ માટે મહર્ષિ વશિષ્ઠને પ્રાર્થના કરી, પરંતુ વશિષ્ઠ ઈન્દ્રને ત્યાં પૂજા કરાવવા જવાના હતા. એમણે કહ્યું કે એ સ્વર્ગલોકમાંથી પાછા ફરીને નિમીનો યજ્ઞ કરાવશે. મહારાજ નિમી યોગ્ય મુહૂર્ત કઢાવીને યજ્ઞની બધી તૈયારી કરી ચૂક્યા હતા. એટલે એમણે શતનંદ નામના ૠષિ પાસે યજ્ઞ પૂર્ણ કરાવ્યો. યજ્ઞનું ફળ મેળવીને નિમી પ્રજાકલ્યાણનાં કાર્યો કરવા લાગ્યા ત્યારે વશિષ્ઠ સ્વર્ગલોકમાંથી પાછા ફર્યા. એ નિમીને મળવા ગયા, પરંતુ મહારાજ નિમી દાનમાં વ્યસ્ત હતા અને એમણે વશિષ્ઠને પ્રતીક્ષા કરાવી. ક્રોધે ભરાયેલા મુનિ વશિષ્ઠએ નિમીને શ્રાપ આપ્યો. યજ્ઞનું ફળ મેળવીને પુણ્ય પામેલા નિમીએ પોતાનાં તમામ સંચિત પુણ્યો એકત્ર કરીને વશિષ્ઠને શ્રાપ આપ્યો.

વશિષ્ઠ નિમીનો શ્રાપ નકારી શક્યા નહીં, પરંતુ એ અમર્ત્ય હોવાને કારણે એમણે શરીરનો ત્યાગ કર્યો અને તેજસહ બ્રહ્મલોકમાં પહોંચ્યા. બ્રહ્માએ વશિષ્ઠને કહ્યું, "પૃથ્વીલોક પરનાં તમારાં કાર્યો પૂર્ણ થયાં નથી. માટે તમારે ફરી અવતરવું પડશે. એ સમયે વશિષ્ઠએ બ્રહ્માની આજ્ઞાથી નવું શરીર ધારણ કરીને મિત્ર અને વરુણ નામના બે મહર્ષિઓનો જન્મ લીધો. એમાંના એક એટલે અગસ્ત્ય. બંને મહર્ષિઓ જન્મથી જ વેદોના જ્ઞાતા હતા. એમને વિદ્યાભ્યાસની આવશ્યક્તા નહોતી, કારણ કે એ જન્મસમયે જ બ્રહ્મતેજથી દ્વિજ બનીને જન્મ્યા હતા. 

મહર્ષિ અગસ્ત્ય પહેલા જન્મ્યા, ને પછી વશિષ્ઠ. એટલે વશિષ્ઠ એમને પ્રણામ કરતા અને પોતાને અગસ્ત્યના અનુજ તરીકે ઓળખાવતા. દેવોએ જ્યારે સપ્તર્ષિમાં સ્થાન આપ્યું ત્યારે પણ અગસ્ત્યનું સ્થાન વશિષ્ઠની પહેલાં નિશ્ર્ચિત થયું. રામ જ્યારે દૈત્ય રાવણ સામે યુદ્ધ કરવા સજ્જ થયા ત્યારે વશિષ્ઠએ વિનંતી કરીને અગસ્ત્ય પાસેથી સૂર્યમંત્ર માગ્યો. એ સૂર્યમંત્ર એટલે 'આદિત્ય હૃદય'. જ્યારે પણ એ મંત્રનો જાપ કરવામાં આવે ત્યારે જાપ કરનાર નીરોગી અને વિજયી રહે છે એમ માનવામાં આવે છે.

હું મારા પતિ સાથે હવે દક્ષિણ ભારતમાં રહીશ. અમે વિંધ્યાચળ પર્વતને નીચો નમાવીને આ તરફ આવ્યા છીએ, મારા પતિ હવે ક્યારેય ભારતની ઉત્તર તરફ પાછા નહીં ફરે, કારણ કે હવે વિંધ્યાચળે નીચા જ રહેવું પડશે.

હું લોપામુદ્રા, મારા સમગ્ર અસ્તિત્વથી અગસ્ત્યની પત્ની હોવા બદલ ગૌરવ અને પૂર્ણતાનો અનુભવ કરું છું. એવી કઈ પત્ની હશે, જેનું સર્જન એના પતિના હાથે થયું હોય!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment