Monday, 5 October 2015

[amdavadis4ever] ધર્મના બ્રોકરો , ધર્મના પેટા-દ લાલો અને ધર્મન ી પેરન્ટ કંપનીઓ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શ્રાદ્ધના દિવસોમાં ધર્મનો સૌથી વધુ દુરુપયોગ થતો રહ્યો છે. પૂર્વજો માટેની આપણી શ્રદ્ધાને ઊજવવાને બદલે આ ગાળો ધાર્મિક ક્રિયાકાંડોનો અવસર બની ગયો છે. ધર્મની સાચી સમજ જેમને છે એમના માટે પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધામાંથી પ્રેરણા પામવાના આ દિવસો છે. ધર્મની સાચી સમજ જેમને છે એમના માટે સૌના માટે નહીં. 

ધર્મ એટલે શું?

ધર્મ એટલે અવશ્ય કરવા યોગ્ય અને પાળવા યોગ્ય (એવા) આચાર, વિચાર તથા કર્તવ્ય.

ધર્મની આટલી સટિક વ્યાખ્યા બીજી કોઈ નથી. આ વ્યાખ્યા ભગવદ્ ગોમંડળ કોશની દેણ છે. વ્યાખ્યાના ત્રણેય અંશને ફરી વાર ધ્યાનપૂર્વક જુઓ. પહેલાં કહે છે કે 'અવશ્ય કરવા યોગ્ય' પછી ઉમેરવામાં આવે છે કે 'અને પાળવા યોગ્ય' અને પછી ઉમેરાય છે: 'આચાર, વિચાર તથા કર્તવ્ય.' આ વ્યાખ્યાને સમજપૂર્વક જીવનમાં ઉતારવામાં આવે તો ધર્મસંબંધી ઘણી બધી મૂંઝવણો દૂર થઈ જાય. 

આજની યુવા પેઢી માટે ધર્મનો અર્થ માત્ર એટલો કરવો પૂરતો છે કે ઉચિત-અનુચિતનો વિચાર કરનારી ચિત્તવૃત્તિ કેળવી શકે એવી વાતો. એવી વાતો જાણવી, શીખવી, આચરણમાં મૂકવી એટલે ધાર્મિક હોવું, ધર્મિષ્ઠ હોવું. આ વાતો અમુક જગ્યાએથી જ પ્રાપ્ત થઈ શકે એવી માન્યતાઓ હવે જરીપુરાણી થઈ ગયેલી ગણાય. ગમે ત્યાંથી મળી શકે. કોઈ કે કહ્યું એટલે એ વાક્ય પથ્થરની લકીર એવું માનીને હવે ચાલી શકાય નહીં: શાસ્ત્રોમાં કે ધર્મગ્રંથોમાં લખાયેલું બધું જ અક્ષરશ: સાચું અને એ તમામનું પાલન કરવું અનિવાર્ય એવા ભ્રમમાં પણ ન રહેવાય. 

ગઈ કાલે જે લખાયું તેના સંદર્ભો આજે બદલાઈ મૂક્યા હોઈ શકે. ગઈ કાલે જે લખાયું તેનું ઈન્ટરપ્રિટેશન કોઈ પોતાની સગવડ મુજબ કરીને તમને ભરમાવતું હોય એવું પણ બની શકે. વારંવાર બનતું રહ્યું છે એવું. અને હજુ પણ બનશે, જો તમે સાવધ નહીં રહો તો. ધાર્મિક ગ્રંથોમાં લખાયેલી વાતોને કે ધાર્મિક માન્યતાઓને પડકારનારા કે એમાં ફેરફારો સૂચવનારા તમે વળી કોણ એવું કોઈ પૂછે તો આ પ્રશ્ર્નમાં રહેલી તોછડાઈ જેટલો જ તીવ્ર ઉત્તર આપવાનો હોય કે માણસ જન્મ લે છે ત્યારથી જ આ અધિકાર એને પ્રાપ્ત થઈ જાય છે. તમને પડકારવાનું સૂઝયું એ જ પુરવાર કરે છે કે તમને એ અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. શું સારું છે, શું સ્વીકારવા યોગ્ય છે અને નઠારું શું છે, ફેંકી દેવા જેવું શું છે એ વિશેનો દ્વંદ્વ સતત મનમાં ચાલતો રહેવાનો. આ અંગેની વધુમાં વધુ સ્પષ્ટતા જે આપી શકે એ જ સાચો ધર્મગ્રંથ, એ જ સાચો ધર્મગુરુ અને એ જ આપણો ધર્મ. 

ગાંધીજીએ કહ્યું કે, 'મારે મન ધર્મ એટલે એક સર્વોપરી અદૃશ્ય શક્તિને વિશે જીવતી અચળ શ્રદ્ધા'

ગાંધીજીના આ ઊંડાણભર્યા શબ્દોનો વિસ્તાર કરીને સમજીએ. મારા કરતાં, તમારા કરતાં, બધા કરતાં વધુ શક્તિશાળી કોઈક છે એવી પ્રતીતિ થાય છે ત્યારે જીવનના ખરાબ સમયગાળાને સહેલાઈથી સહન કરી શકાય છે. એ સર્વોપરી શક્તિએ જ આ દુ:ખ સર્જ્યું છે જેને સહન કરી લીધા વિના છૂટકો નથી, કારણ કે આ અંગે એને ફરિયાદ કરવા જઈશું કે દુ:ખના સ્વીકાર માટે આનાકાની કરીશું કે એની સાથે ઝઘડો કરી બેસીશું તો આપણું કંઈ ઊપજવાનું નથી, કારણ કે આપણને ખબર છે કે એ આપણા કરતાં વધુ શક્તિશાળી છે. કોઈ બાબાગુરુની લાગવગચિઠ્ઠી પણ ચાલવાની નથી, કારણ કે એ લોકો કરતાંય પેલો અદૃશ્ય રહેનારો કંઈક ગણો શક્તિશાળી છે. છેવટે એક શ્રદ્ધા બેસે છે જ્યારે એ સર્વોપરી શક્તિમાન ધારશે ત્યારે એ જ સામેથી તમારી વહારે આવશે. આટલું

સ્વીકારીને જીવવામાં જ મજા છે. એનામાં શ્રદ્ધા આરોપ્યા પછી ઘણી બધી ચિંતાઓમાંથી છૂટી શકાય છે, નિશ્ર્ચિંત બનીને કર્તવ્ય તરફ ધ્યાન આપી શકાય છે. 

માણસમાત્રમાં રહેલી આ શ્રદ્ધાનો દુરુપયોગ ધાર્મિક આડતિયાઓએ ખૂબ કર્યો. આપણામાં રહેલી આ અમૂલખ શ્રદ્ધાને રમાડવાનું આ ધાર્મિક દલાલોને સદીઓથી ફાવતું આવ્યું છે. શરૂમાં એમણે આ શ્રદ્ધા સાથે થોડી ગેલ કરવાનું રાખ્યું અને આપણે જ્યારે એમના પર વિશ્ર્વાસ મૂકીને એમને આગળ વધવા દીધા ત્યારે એમણે આપણી ધાર્મિક લાગણીઓેને બ્લૅકમેઈલ કરવાનું શરૂ કર્યું. ઈમોશનલ બ્લૅકમેઈલિંગની જેમ રિલિજીયસ બ્લૅકમેઈલિંગ પણ એક ખતરનાક પ્રકાર છે. પોતાનું ગુજરાન ચલાવવા, પોતાની તિજોરીઓ ભરવા માટે પોતાની પથારીઓ ગરમ કરવા ધર્મના બ્રૉકરો આપણી આ શ્રદ્ધા સાથે ખૂબ ખિલવાડ કરતા આવ્યા છે. એમણે પોતાના શિકારમાંથી વધેલા ટુકડાઓ વેરીને અગણિત સબ-બ્રૉકરો પણ ઊભા કરી દીધા છે અને જ્યારે જ્યારે આપણી જાગૃતિની સાબિતી આપતી શંકાઓ પ્રગટ થાય છે ત્યારે આ પેટા-દલાલો પેરન્ટ કંપની વતી આપણને ચૂપ કરી દેવા માટે તૈયાર જ ઊભા હોય છે. 

શંકા ક્યારેય શ્રદ્ધાની દુશ્મન નથી હોતી. જે શ્રદ્ધા તર્ક કે શંકાનો સામનો ન કરી શકે છતાં ટકી રહે તે શ્રદ્ધામાં જતે દહાડે અંધશ્રદ્ધા બની જવાનું જોખમ રહેલું છે. સાચી શ્રદ્ધા તર્ક અને શંકાના સમાધાનો મેળવ્યા પછી જ ઘડાતી હોય છે. શંકા શ્રદ્ધાની વિરોધી નથી, શ્રદ્ધાનો જ એક ભાગ છે. 

અંધશ્રદ્ધાનો અભાવ જ માણસને સાચા અને જીવન-ઉપયોગી તત્ત્વચિંતન તરફ લઈ જઈ શકે. એવા તત્ત્વચિંતન તરફ જે આપણું રોજિંદુ જીવન છે એના કરતાં બહેતર બનાવી શકે અથવા તો કહો કે છે એના કરતાં ઓછું ખરાબ બનાવી શકે છે. સાચું તત્ત્વચિંતન આ જન્મને, મૃત્યુ પર્યંતની આપણી આવરદાને, જલસાથી સહન કરવાની સમજ આપે. લાશને સળગાવી દીધા પછીના સમયગાળા સાથે નિસબત ધરાવતા બોગસ તત્ત્વચિંતન સાથે આપણને શું કામ? એવી અટપટી વાતોમાં આપણને ગૂંચવી દેવાનું કામ ધર્મના ઓઠા હેઠળ હાટડીઓ ચલાવતા લોકોએ કર્યું છે. આપણી શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરફ લઈ જવાનું કામ પણ એમણે જ કર્યું છે. 

આવી અંધશ્રદ્ધામાં કોઈ સરી પડે એ પહેલાં એની સામે જીવન સાથે નિસબત ધરાવતું તત્ત્વચિંતન મુકાવું જોઈએ. શ્રદ્ધાના પ્રદેશમાં ચાલતાં ચાલતાં અંધશ્રદ્ધાની સરહદમાં ક્યારે પગ મુકાઈ જશે એનું ચોક્કસ જ્ઞાન આપવાનું ગજું કોઈ પુસ્તક કે કોઈ વ્યક્તિમાં નથી. તો પછી નક્કી કેવી રીતે કરવું કે શ્રદ્ધાનો અંત ક્યારે આવ્યો અને અંધશ્રદ્ધાનો આરંભ ક્યારથી થયો?

આ સવાલનો કોઈ એક વાસ્તવમાં ઉત્તર નથી. અને આમ છતા આ પછીનો અંતિમ પરિચ્છેદ આ સવાલના ઉત્તર સમો છે. 

સો ટચના તર્ક અને સો ટચની આસ્થા વચ્ચે એવો પ્રદેશ જરૂર હોવો જોઈએ જ્યાં જવાનું મન સૌ કોઈને હોવાનું. દરેક વ્યક્તિ પોતાને જે સત્ય લાગે છે એમાં શ્રદ્ધા ધરાવે છે. આ સત્ય વ્યક્તિનું અંગત સત્ય હોઈ શકે અથવા અન્ય વ્યક્તિઓને લાગુ પડે એવું નિરપેક્ષ સત્ય પણ હોઈ શકે. સત્ય પોતે ક્યારેય સંપૂર્ણ હોતું નથી, સત્ય પરની શ્રદ્ધા જ એ સંપૂર્ણ છે એવી પ્રતીતિ કરાવે છે. વિનોબા ભાવેએ 'ગીતા પ્રવચનો'માં લખેલું એક વાક્ય વારંવાર ટાંકવાનું મન થાય એવું છે: 'અંતરની ઊંડી મમતાનો સંબંધ હોય ત્યાં તર્કને જગ્યા રહેતી નથી.' વિનોબાજીના આ સુંદર વિધાનને યથાવત્ સ્વીકારી લેતા પહેલાં દરેક જણે સમજી લેવું પડે કે તર્કથી મુક્ત થઈ ગયેલી શ્રદ્ધા વ્યક્તિની આંતરિક પ્રગતિનું એના આંતરિક વિકાસનું પરિણામ છે, અને આવી પ્રગતિ સાધ્યા વિના શ્રદ્ધાને તર્કથી મુક્ત કરી દેવાની ઉતાવળ કરનારાઓ અચૂક અંધશ્રદ્ધાના પ્રદેશમાં જઈ ચડે છે. વિમાનને ઑટોપાયલટ પર મૂકતાં પહેલાં એને ચોક્કસ ઊંચાઈ સુધી પહોંચાડવું પડે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment