Tuesday, 27 October 2015

[amdavadis4ever] દોસ્ત, તને એ યાદ છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે મારી ઓફિસની એસી કેબિનમાંથી તને આ પત્ર લખું છું. મારી કેબિનમાં એક મસમોટી બારી છે અને એ બારીમાંથી દેખાય છે દૂર સુધી પથરાયેલું એક મેદાન. નવરાશ મળે તો ક્યારેક એ બારીની બહાર જોઈ લઉં છું. નીચેના મેદાનમાં બપોરે નિયમિત કેટલાક ટાબરિયાં બેટ અને બૉલ લઈને રમવા આવે છે. એમને રમતા જોઈને મને હંમેશાં તારી યાદ આવે છે, જેની સાથે જ હું ખોવાઈ જાઉં છું એક એવી જાદુઈ દુનિયામાં, જ્યાં ન તો કોર્પોરેટ કલ્ચરનો ત્રાસ હોય કે ન હોય સમયની કોઈ મારામારી. જોકે એ દુનિયાની જરા સરખી સેર કરું એટલામાં તો જીમેઈલના ઈનબોક્ષમાં સ્ટાફ મિટિંગનો એક મેઈલ તૈયાર જ પડ્યો હોય! એટલે એક ઝાટકે હું ફરી વાસ્તવિકતાની ધરતી પર પરત ફરું.
દોસ્ત, તને યાદ છે એ દિવસો? જ્યારે આપણે આપણો આનંદ મેળવવા કે ખુશ રહેવા ન તો કોઈ પ્લાનિંગ કરવા પડતા કે ન કોઈ ટાર્ગેટ અચિવ કરવા પડતા. એકબીજાના ખભા પર હાથ મૂકીને ગામના ચોતરે બસ નીકળી પડ્યાં કે દુનિયા આખીનું સુખ આપણા ચરણે પડતું. એમાંય જ્યારે શાળામાં વેકેશન હોય ત્યારની તો વાત જ અલગ! સવાર થતાં જ આપણે કાગળના ડૂચા અને સેલોટેપમાંથી બનાવેલો બૉલ અને લાકડાનો ધોકો લઈને ક્રિકેટ રમવા નીકળી પડતા. ત્યારે સચીન અને કાંબલીની જોડી અત્યંત પ્રખ્યાત હતી એટલે આપણે આપણી જાતને સચીન અને કાંબલી સમજીને બેટિંગ પર આવતા. એક જણ બેટિંગ કરે તો બીજાએ બોલિંગ અને ફિલ્ડિંગની જવાબદારી સંભાળી લેવાની. જોકે હા, જો બૉલ બેટ્સમેનની પાછળ એટલે કે, સ્ટમ્પ્સની પાછળ ગયો તો એ બૉલ લેવા ખુદ બેટ્સમેને જ જવાનું! આઈસીસીને ગોથું ખવડાવી દે એવા હતા આપણા ક્રિકેટના નિયમો!
રોજ આપણી સાંજ આપણા ગામની નદીના કાંઠે જ વીતતી. આપણને બંનેને નદીમાં નહાવાનો બહુ શોખ અને બીજી તરફ આપણા ઘરના લોકો નદીમાં આપણા નહાવા જવાની વાતથી સાવ અસહેમત. એટલે આપણે રોજ ચોરીછૂપીથી નદીએ નહાવા જતાં! વળી, નદીએ જવાનો રસ્તો પણ અત્યંત સાંકડો, જેની બંને તરફ ઉગેલા કરમદા અને બોર આપણે તોડતા જતાં અને આપણા દાંત ખાટા કરતા જતાં. તને યાદ છે, નદીએ નહાતી વખતે કેટલીય વાર આપણો છપ્પો પડ્યો છે અને આપણા બા-દાદાએ મોકલેલો કોઈ ગોવાળિયો કે કોઈ કામવાળું આપણને નદીએ નહાતા જોઈને બા-દાદને 'આંખો દેખા હાલ' કહેતા અને એ સાંજે આપણે એમની ગાળો સાંભળવી પડતી. જોકે ગાળો દેતાં એ બા-દાદા રાત્રે જ્યારે આપણને એમની બાજુમાં સૂવડાવીને એમના જમાનાની વાતો કરતા ત્યારે કેટલી મજા આવતી? ગામની ધૂળમાં વંટોળની જેમ આળોટેલો આપણો દિવસ પળવારમાં ઉંઘી જતો બા-દાદાની વાર્તાઓમાં!
પણ આપણા ગામની નદીમાં વહેતા પાણીની જેમ એ સમય પણ વહી ગયો. કહેવાય છે ને કે કોઈ નદીના એક જ પાણીમાં તમે બે વાર નહીં નહાઈ શકો. એ જ રીતે જીવનમાં પણ એક વાર જીવાયેલો સમય ફરી ક્યારેય જીવી નથી શકાતો. આજે આપણે પૈસે ટકે ભલે સમૃદ્ધ હોઈશું પણ શું એ પૈસો આપણને સુખ જ આપે છે? સુખને અને પાંચ આંકડાના પગારને કોઈ લેવાદેવા છે ખરી? મને તો આજે પણ ઉંઘમાં ક્યારેક આપણી વાડી, એ વાડીના આંબા પર લટકતી કેરી, વાડીનો કુવો, ગામનો ચોતરો કે આપણી વહાલી નદી જ દેખાય છે. જ્યારે પણ હું કાચી ઉંઘમાં હોઉં ત્યારે મને આ દૃશ્યો દેખાય છે. તને દેખાય છે એ દૃશ્યો? યાદ આવે છે એ દુનિયા? મને તો ક્યારેક એ દિવસો યાદ આવે તો આંખે પાણી બાઝી જાય છે. થાય છે કે શું કામ આપણે આટલું બધુ ભણ્યાં? અને શું કામ આવી ચડ્યાં આ સંવેદનહીન કોર્પોરેટ જગતમાં? આ બધાની કોઈ જરૂર હતી ખરી? ગામડાના આ જીવ શહેરમાં આવી અભડાયા હોય એવું નથી લાગતું?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment