Monday, 5 October 2015

[amdavadis4ever] અજવાળામાં ચાલતો માણસ અંધારામાં બ ેઠેલા માણસને રસ્ તો પૂછે ત્યારે...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણી ભાષાના ઉત્તમ કવિ હરીન્દ્ર દવે પદ્યની સાથે ઘણું સારું ગદ્ય પણ લખી ગયા છે. એક તંત્રી તરીકે તેમણે લેખો અને અગ્રલેખો પણ લખવા પડતા હતા, પણ હરીન્દ્રભાઈ મૂળે તો સાહિત્યના જીવ એટલે ઘણીવાર તેમના લેખોમાં કથાઓ અને બોધકથાઓ આવી જતી. હરીન્દ્રભાઈએ ૨૭ વર્ષ અગાઉ ૧૫ ઑક્ટોબર, ૧૯૮૮ના દિવસે લખેલો એક લેખ અચાનક હાથમાં આવી ગયો. એમાં એક સરસ બોધકથા વાંચીને વાચકો સાથે શેર કરવાની ઈચ્છા થઈ.

ઘણી સદીઓ પહેલાં આ વાત બની હતી એમ કહેવાય છે. કોઈ એક ગામમાં વાત પ્રસરી કે કોઈ ચમત્કારી મહાત્મા થોડે દૂર આવેલા પર્વતોમાંના એક પર નિવાસ કરી રહ્યા છે. ચમત્કારની વાત ફેલાતા વાર નથી લાગતી. લોકોને પુરુષાર્થ કરતાં ચમત્કારમાં વધુ રસ પડે એ સ્વાભાવિક છે. કોઈ સલાહ આપે કે પ્રામાણિકપણે મહેનત કરો અને તમને અવશ્ય સફળતા મળશે તો એમાં જલદી શ્રદ્ધા ના બેસે, પણ જો એમ કહેવામાં આવે કે ચોક્કસ સંત, ફકીર, મહાત્મા કે ઓલિયા તમારા માથા પર હાથ મૂકે અને બેડો પાર થઈ જશે તો તરત જ વિશ્ર્વાસ મૂકવાનું મન થાય. સહેલાઈથી મળે તેમાં સૌ કોઈને રસ હોય છે. 

એ ગામમાં એક યુવાન રહેતો હતો. તેને કાને આ મહાત્માની વાત પહોંચી. આ યુવાનને આધ્યાત્મિક સાધનામાં ઊંડો રસ હતો. ગામમાં કોઈ પણ સાધુસંત આવે તો એ માર્ગદર્શન લેવા પહોંચી જાય. આ મહાત્માની વાત સાંભળી એટલે તેને કોણ આવ્યું છે એની તપાસ શરૂ કરી. મોટાભાગના લોકો તો સાંભળેલી વાત જ કહેતા હતા. તેઓને આ સંત સુધી પહોંચવાની ફુરસદ જ નહોતી. હા, પંદર-વીસ માણસો તેમને શોધવા ગયા હતા. મોટાભાગનાને તો એ મહાત્માનો પત્તો ના મળ્યો. તેઓ પાછા ફર્યા. બે-ચાર જણ જ એ મહાત્માના મુકામ સુધી પહોંચી શક્યા હતા, પરંતુ એ સ્થાનક શોધવામાં તેઓને બહુ મુશ્કેલી પડી. પહોંચ્યા પછી મહાત્માએ તો માત્ર આશીર્વાદ જ આપ્યા. ન ભભૂતિ આપી, ન સત્તા કે લક્ષ્મીની આજીજીનો જવાબ આપ્યો. તેઓ પણ હતાશ થઈને પાછા ફર્યા હતા અને આ યુવાનને આ માણસ પાછળ સમય ન બગાડવાની સલાહ આપી. 

પરંતુ યુવાને તો ત્યાં જવાનો નિર્ણય કરી લીધો હતો. તેને ન સત્તા કે ધન જોઈતા હતાં, ન નામ કે ન પ્રતિષ્ઠા જોઈતી હતી. એટલે મહાત્મા પોતાને અંતરથી આવકારશે એવી શ્રદ્ધા હતી. પોતે કોઈ ભૌતિક વસ્તુની આશાએ જતો નથી એટલે એેને વાંધો નહીં આવે એવું તેને લાગ્યું. 

આ લોકો પાસેથી સ્થાનકની નિશાની લઈને એ શોધમાં નીકળી પડ્યો. પર્વતોમાં શોધતા રાત પડી જાય એવો સંભવ હતો એટલે સાથે ફાનસ પણ લીધું હતું... બન્યું પણ એવું કે પર્વતોમાં કોઈ રસ્તો બતાવે નહીં. સાંજ પડી ગઈ. અંધારું થઈ ગયું. ફાનસના અજવાળે આ યુવાન જતો હતો, ત્યાં એની નજર પથ્થર પર બેઠેલા એક આકાર ઉપર પડી. એ જ પેલા મહાત્મા હતા. એણે ફાનસ બાજુએ મૂકીને મહાત્માને દંડવત્ પ્રણામ કર્યાં. 

મહાત્મા હસ્યા: 'બેટા, આટલી રાત પડ્યે શું કામ આવ્યો છે?'

યુવાને કહ્યું: 'બાપજી, મારે ધન, વૈભવ કંઈ જોઈતું નથી. મને સાક્ષાત્કારનો રસ્તો બતાવો.'

મહાત્માએ કહ્યું: 'રસ્તો બતાવનાર તો તારી પાસે છે. હું તો અંધારામાં બેઠો છું.'

યુવાનને સમજ જ ન પડી. 

'બાપજી, તમારા જેવા ગુરુ વડે તો જિંદગીઓ બદલાઈ જાય.' તેણે આજીજીપૂર્વક કહ્યું, 

'હા, ગુરુ મળે અને રસ્તો બતાવે તો જિંદગી બદલાઈ જાય એ તો હું માનું છું. પણ જેની પાસે રસ્તો બતાવનાર ગુરુ હોય એ બીજે આંટા મારે એનો શો અર્થ?'

'મારે કોઈ ગુરુ નથી.'

'અત્યારે અંધારું છે?'

'હા.'

'આવા અંધારામાં તું રસ્તો કરીને આવ્યો?'

'હા.' 

'અંધારામાં તને રસ્તો કોણે બતાવ્યો?'

'હું ફાનસ લઈને નીકળ્યો હતો.'

'તો પછી ફાનસ લઈને નીકળી પડ. રસ્તો આપોઆપ મળી જશે. તારા હાથમાં ફાનસ હોય તો તારે કોઈને પૂછવું પડતું નથી કે કેડી ક્યાં છે, વચ્ચે પથ્થર છે કે નહીં. ભગવાનના રસ્તાનું પણ એવું જ છે. જેવું ફાનસ તારા હાથમાં છે એવું તારા હૃદયમાં છે. એને પૂછ કે રસ્તો ક્યાં છે? દુનિયાને પૂછયે શો દિવસ વળશે?'

યુવાન સ્તબ્ધ બની સાંભળતો રહ્યો. 

મહાત્માએ વાતને દોહરાવતા કહ્યું: 'ફાનસ તારા હૃદયમાં છે. તું એને અજવાળે ચાલતો નથી અને જે અંધારામાં બેઠો છે, તેની પાસે રસ્તો પૂછે છે!'

'પણ ગુરુનો મહિમા તો છે જ,' યુવાને દલીલ કરવા કોશિશ કરી. 

'હા, પણ એ તારી ભીતર રહેલા ઉજાસ વિશે તને જાગ્રત કરે એટલો જ. એ ફાનસ તારે જ પ્રગટાવવાનું છે. તારે જ એ હાથમાં ઝાલવાનું છે. તારે જ એના ઉજાસને સહારે રસ્તો કરવાનો છે. રસ્તા પરના ઝાંખરાં કે બીજા અંતરાયો દૂર કરવાના છે. તારી પાસે ફાનસ છે અને એનો ઉપયોગ કર, એટલું કહું ત્યાં જ મારું કામ સમાપ્ત થઈ જાય છે.'

લંપટ, લાલચુ, ભ્રષ્ટ, દુષ્ટ અમે માનવતાની રીતે જેમનું મૂલ્ય બે કોડીનુંય ના કહેવાય એવા ઘણા બાબાઓ, બાપુઓ, સ્વામીઓ, મહારાજોના ચરણોમાં રીતસર આળોટવા જતા મૂર્ખ ભક્તોને જોઈને આશ્ર્ચર્યની સાથે આઘાતની લાગણી થાય છે. એવા મૂર્ખાઓને બોચીએથી પકડીને નિત્ય પ્રાત:કાળે હરીન્દ્રભાઈની પ્રિય એવી આ બોધકથા વાંચવાની ફરજ પાડવી જોઈએ. માણસના પોતાના હૃદયથી મોટો ગુરુ બીજો કોઈ જ હોઈ ના શકે, પણ મોટાભાગના માણસો પોતાના આ 'ગુરુ'ને છેતરીને જ જીવન વિતાવી નાખે છે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment