Wednesday, 28 October 2015

[amdavadis4ever] જે દેખાય છે તે બધુ ં સાચુું નથી હોતું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'બ્યૂટિ ઍન્ડ ધ બીસ્ટ'ની મૂળ લેખિકા ગેબ્રીએલ-શ્ઝુઝાન બર્બટ દ વિલ્નવ (૧૬૯૫-૧૭૫૫). જીન મેરીએ આ મૂળ દીર્ઘકથાને ટૂંકાવી, એનું પુનર્લેખન કર્યું અને અત્યારે જીન મેરીનું વર્ઝન વધારે પૉપ્યુલર છે. જો કે, ડિઝનીએ મૂળ વાર્તાને ઍડપ્ટ કરીને મ્યુઝિકલ બનાવ્યું છે. ગઈ કાલે તમને જણાવ્યું એમ મૂળ વાર્તામાં બીજી કેટલીક આડકથાઓ તેમ જ વધારાનાં પાત્રો છે. મારી પાસે એ બેઉ વર્ઝન ક્ધિડલ પર છે જે વિનામૂલ્યે તમે ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત મૂળ વર્ઝન પરથી ડિઝનીએ મ્યુઝિકલ સ્ટેજ કર્યું તે પહેલાં જે એનિમેશન ફિલ્મ બનાવી તેની ડીવીડી છે. ફિલ્મ અને નાટકમાં ગીત-સંગીત હોય છે. આ ઉપરાંત જીન મેરીના (નવા) વર્ઝનની ઈલસ્ટ્રેટેડ હાર્ડ બાઉન્ડ કૉપી છે. ડિઝનીએ ભલે ઓરિજિનલ કથાના આધારે ફિલ્મ અને નાટક બનાવ્યાં, પણ મને એનું જીન મેરીવાળું વર્ઝન વધારે ગમે છે, જે વધારે પૉપ્યુલર છે. એનાં બે કારણો છે. એક તો, મૂળ કથામાં રહસ્યસ્ફોટ આરંભમાં જ થઈ જાય છે. મારે હિસાબે એ એન્ડમાં જ થવો જોઈએ. બીજું, મૂળ કથામાં બ્યૂટિના ગામનો જે રાઉડી ટાઈપનો બૉડી બિલ્ડર યુવાન ગૅસ્ટન બ્યૂટિને પરણવા માગે છે એની કથા છે પણ નવા વર્ઝન સાથે એની સરખામણી કરતાં એ આડકથા એક્સાઈટિંગ નથી લાગતી. એને બદલે નવા વર્ઝનમાં બ્યૂટિના મર્ચન્ટ પિતાનું કૅરેક્ટર, એના નસીબની ચડતીપડતી વધારે એક્સાઈટિંગ લાગે છે. ઓરિજિનલ વર્ઝનમાં પિતાની આવી ચડતીપડતીની કથા નથી અને પિતા શ્રીમંત મર્ચન્ટ નથી પણ એક સ્ટ્રગલર ટાઈપનો, નવી નવી શોધખોળો કરવાનો શોખીન એવો એમેટર ધૂની-વૈજ્ઞાનિક છે.

ખેર, ઓરિજિનલ વર્ઝન તો તમે નાટક જોવા જશો કે ડિઝનીની એનિમેશન ફિલ્મ જોશો તો જાણવાના જ છો, હું અહીં જીન મેરીવાળા વર્ઝનની બાકીની વાત આગળ વધારું.

ક્યાં હતા આપણે? બીસ્ટે બ્યૂટિના વેપારી પિતાને કહ્યું કે તારી છમાંની કોઈ એક દીકરીને મારી પાસે મોકલી આપે તો હું તને જવા દઉં અને શરત એટલી કે દીકરી રાજીખુશીથી મારી પાસે આવવી જોઈએ, તારે પરાણે એને ધકેલવાની નહીં.

બીસ્ટે મહિનાની મહેતલ આપી. આનાકાની કરીને વેપારી જાન બચાવીને ઘરભેગો થયો. બીસ્ટે ચેતવણી આપી કે એક મહિનાની અંદર અંદર તું કે તારી દીકરી અહીં નથી આવ્યાં તો તારું ધનોતપનોત નીકળી જશે. જતી વખતે બીસ્ટે વેપારીને એની દીકરી માટે લાલ ગુલાબ તોડવા દીધું.

ઘરે આવીને વેપારીએ બારેય છોકરાંને બોલાવીને આપવીતી સંભળાવી. સંતાનો નારાજ થયાં, દુખી થયાં. ફરી પાછા ગરીબના ગરીબ. બધાં છોકરા-છોકરીઓએ 

બાપાની આ મુસીબત માટે બ્યૂટિ જ જવાબદાર છે એવું કહ્યું. બ્યૂટિએ જો ગુલાબ ન મગાવ્યું હોત તો પિતાએ બીસ્ટનો મુકાબલો ન કરવો પડ્યો હોત.

બ્યૂટિ બિચારીએ કહ્યું કે હા, હું જ આપણા બધાની હાલાકી માટે જવાબદાર છું. પણ મને શું ખબર કે એક ગુલાબ આપણા કુટુંબ માટે આટલી મોટી તબાહી લાવશે. હું પિતાએ આપેલું વચન પાળીશ અને બીસ્ટ પાસે જઈશ.

આ સાંભળીને પિતા તો જે રડે, જે રડે. રૂપાળી લાડકી દીકરીને બીસ્ટ પાસે મોકલવાનો કયા બાપનો જીવ ચાલે. પણ છેવટે બ્યૂટિ પિતાને લઈને બીસ્ટના કિલ્લાનુમા મહેલમાં પહોંચી ગઈ.

બ્યૂટિને જોઈને બીસ્ટ રાજીનો રેડ થઈ ગયો. બીજે દિવસે બીસ્ટે બાપાને વિદાય આપી. એ પહેલાં બીસ્ટે બ્યૂટિને કહ્યું કે તું ને તારા પિતા બાજુવાળા ઓરડામાં જઈને તારા ભાઈ-બહેનો માટે જે કંઈ જોઈએ તે લઈને ત્યાં મૂકેલા બે પટારામાં ભરી દો. મોંઘા કપડાં, જરઝવેરાત, હીરામોતી, સોનુંચાંદી. બાપ-દીકરીએ ઠાંસી ઠાંસીને પટારા ભર્યા પણ ઊંચકી જ ન શક્યા. બાપને લાગ્યું કે બીસ્ટે આપણી મજાક કરી. થાકીને સૂઈ ગયાં. સવારે જોયું તો બે ઘોડા તૈયાર હતા. એક પર બે પટારા લાદેલા હતા. બીજો બાપ માટે હતો.

તબડક તબડક કરીને વેપારી પોતાના ઘરે પાછો આવ્યો. અગિયારેય દીકરાદીકરી ખુશખુશાલ થઈ ગયા. છેવટે અચ્છે દિન આવ્યા ખરા.

આ બાજુ બ્યૂટિ વિશાળ મહેલમાં એકલી પડી. મહેલમાં ફરતાં ફરતાં એ થાકી ગઈ. ઘસઘસાટ ઊંઘી ગઈ. સપનામાં એને એક રાજકુમાર દેખાયો. આવો હૅન્ડસમ યુવાન એણે જિંદગીમાં ક્યારેય જોયો નહોતો. જોયો તો શું એની કલ્પનાય કરી નહોતી. સપનાંનો રાજકુમાર બ્યૂટિને કાનમાં કહેતો હતો: 'બ્યૂટિ! તું બહુ દુ:ખી છે. હું તને એક વરદાન આપું છું. અહીં તારી કોઈપણ ઈચ્છા પૂરી થશે. તું મને યાદ કરીશ ને હું તારા સપનામાં આવી પહોંચીશ કારણ કે હું તને બહુ બહુ બહુ પ્યાર કરું છું. તું મને ખુશ કરીશ તો તું ખુશ થઈશ અને તું જેવી છે એવી જ, ચોખ્ખા હૃદયની રહેજે. અને તારી આંખો પર બહુ ભરોસો નહીં કરતી. તું જે છોડીને આવી છે એના પર બહુ આંસુ નહીં સારતી. તારું નસીબ ચમકી રહ્યું છું, તારું ભાવિ ઊજળું છે. બસ, માત્ર દેખાવ પર નહીં જતી.'

બ્યૂટિને આ સપનું એટલું સલોણું લાગ્યું કે એને સવારે ઊંઘમાંથી ઊઠવાની કોઈ ઉતાવળ જ નહોતી. છેવટે ઘડિયાળમાં એના નામ સાથેના બાર ટકોરા પડ્યા ને એ જાગી. બ્યૂટિએ વિચાર્યું કે, 'પેલા રાજકુમારે કહ્યું કે એ મને ખુશી આપશે. પણ બદમાશ બીસ્ટે રાજકુમારને કેદ કરીને રાખ્યો લાગે છે. હું કેવી રીતે એને બીસ્ટની ચુંગાલમાંથી છોડાવું?

આવું વિચારીને બ્યૂટિ એકલી એકલી મહેલના એક પછી એક ભવ્ય ઓરડાઓમાં ફરવા લાગી. ફરતાં ફરતાં એ એક એવા ઓરડામાં આવી જ્યાં ખૂબ બધાં પુસ્તકો હતા. ખૂબ બધાં એટલે ખૂબ બધાં... એને જે જે પુસ્તક વાંચવાની ઈચ્છા હતી એ બધાં જ અહીં હાજર હતા. જે જે વાંચી લીધેલાં એ પણ હતાં અને સિવાય પણ પુસ્તકો જ પુસ્તકો હતાં. એને લાગ્યું કે માત્ર આ બધાં પુસ્તકોનું નામ જ વાંચવાનું નક્કી કરે તો એક જિંદગીમાં એટલું ય નહીં કરી શકે એટલાં બધાં પુસ્તકો ત્યાં હતાં.

પુસ્તકાલયમાંથી બહાર આવીને બ્યૂટિએ જોયું તો ભોજનના ઓરડામાં એના માટે ગરમાગરમ ભોજનની જાતભાતની વાનગીઓ પીરસાએલી હતી. બ્યૂટિએ પેટ ભરીને ડિનર કર્યું. ત્યાં જ બીસ્ટે આવીને કહું, 'ગુડ ઈવનિંગ, બ્યૂટિ.' બ્યૂટિ તો બીસ્ટને જોતાં જ ગભરાઈ ગઈ. કાળો-કદરૂપો-બિહામણો. બ્યૂટિએ માંડ માંડ એને કહ્યું, 'ગુડ ઈવનિંગ.' બીસ્ટે પૂછયું તું મઝામાં છે ને, તને અહીં કોઈ તકલીફ તો નથી ને? પછી બીસ્ટે જતાં જતાં બ્યુટિને ઘોઘરા અવાજે કહ્યું, 'બ્યૂટિ? તું મને પ્યાર કરે છે? મારી સાથે લગ્ન કરીશ?'

બ્યૂટિ તો ગભરાઈ ગઈ. રડવા લાગી. બીસ્ટે કહ્યું, 'તારે ડરવાની કોઈ જરૂર નથી. ગભરાયા વિના હા કે ના કહેજે.'

બ્યૂટિ માંડ માંડ બોલી, 'ના'.

'ભલે. કોઈ વાંધો નહીં. કહીને બીસ્ટ ત્યાંથી જતો રહ્યો.

'ગુડ નાઈટ, બીસ્ટ' બ્યૂટિના જીવમાં જરા જીવ આવ્યો. એને હતું કે ના સાંભળીને બીસ્ટ ગુસ્સે થઈ જશે અને શું નું શું કરી બેસશે.

આ જ રીતે દિવસો વીતતા ગયા. બીસ્ટ પૂછયા કરે, 'તું મને પરણીશ?' બ્યૂટિ ના પાડતી, 'ના, નહીં પરણું' બીસ્ટ ગુસ્સે થયા વિના પાછો જતો રહે પણ મહેલમાં બ્યૂટિને હથેળી પર રાખે. પાણી માગે ત્યાં દૂધ હાજર કરી દે. એક દિવસ બ્યૂટિએ કહ્યું મને મારું ઘર બહુ યાદ આવે છે. બીસ્ટે કહ્યું કે એમાં શું છે? જા જઈને મળી આવ તારા પિતાને- ભાઈ-બહેનોને. પણ બે મહિનામાં પાછી આવી જજે. નહીં આવી તો મારો પ્રાણ નીકળી જશે.

બ્યૂટિને ઘરે મોકલતી વખતે બીસ્ટે ચાર પટારા ભરીને એના કુટુંબ માટે કિંમતી ભેટસોગાદો આપી. ઘરે બ્યૂટીને જોઈને બધા ખુશ થઈ ગયા. કુટુંબની લાઈફસ્ટાઈલ હવે બદલાઈ ગઈ. જે સંબંધીઓ તરછોડીને જતા રહ્યા હતા એ હવે ખમા ખમા કરીને પાછા આવી રહ્યા હતા. બ્યૂટિને રોજ સપનામાં રાજકુમાર દેખાતો. ઘરે બધા કહેતા કે હવે પેલા બીસ્ટ પાસે પાછા જવાની જરૂર નથી. બ્યૂટિ પણ અવઢવમાં હતી- જવું, ન જવું. બે મહિના પૂરા થઈ રહ્યા હતા. એક દિવસે એને સપનું આવ્યું કે એ બીસ્ટને મળવા પાછી ગઈ નહીં અને બીસ્ટનો જીવ નીકળી ગયો. બ્યૂટિ ગભરાઈ ગઈ. એ હાંફળીફાંફળી થતી પોતાનું ઘર છોડીને બીસ્ટના મહેલમાં આવી ગઈ. જોયું તો બીસ્ટ ખરેખર તરફડતો હતો. એના છેલ્લા શ્ર્વાસ ચાલી રહ્યા હતા. બ્યૂટીને એની દયા આવી. દિવસરાત એક કરીને બ્યૂટિએ બીસ્ટની ચાકરી કરી. બીસ્ટ ધીમે ધીમે સાજો થતો ગયો. બ્યૂટિએ કહ્યું, 'મને ખબર જ નહીં હું તને આટલો પ્રેમ કરતી હોઈશ. તારી જિંદગી પૂરી થતાં જોઈને હું આટલી બ્હાવરી બની જઈશ.'

'તું રાઈટ ટાઈમે પાછી આવી ગઈ, બ્યૂટિ. નહીં તો મેં આ દુનિયા છોડી દીધી હોત.' બીસ્ટે કહ્યું. બ્યૂટિએ માંડીને વાત કરતાં સમજાવ્યું કે શું કામ એને પાછા આવતાં મોડું થયું. આખી વાત સાંભળીને બીસ્ટે ફરી એકવાર પૂછયું, 'બ્યૂટિ, બ્યૂટિ, તું મારી સાથે લગ્ન કરીશ?'

બ્યૂટિએ શરમાઈને કહું, 'હા, માય ડિયર બીસ્ટ!'

ત્યાં જ ફૂલોની વધામણી થઈ. બહારોં ફૂલ બરસાઓ. વાજિંત્રો વાગવા માંડ્યાં અને સુગંધની છોળો ઊડી. ચારે તરફ ઝગમગાટ, રોશની અને આતશબાજી થઈ અને બ્યૂટિએ જોયું કે બીસ્ટ રાજકુમાર બની ગયો! સપનામાં દેખાતો હતો એ જ રાજકુમાર.

રાજકુમાર શાપિત હતો. એક વખત એની પરીક્ષા કરવા એક કદરૂપી ડોશીના વેશમાં કોઈ ભિખારણ જેવી સ્ત્રીએ રાજકુમાર પાસે આવીને મદદ માગી હતી અને રાજકુમારે એને તરછોડી ત્યારે એને પાઠ ભણાવવા આ શાપ મળ્યો હતો. બ્યૂટિ જ એને આ શાપમાંથી ઉગારી શકે એમ હતી. દિલ ચોખ્ખું હોય તો બ્યૂટિ પણ તમારા પ્રેમમાં પાગલ થઈ જાય અને બ્યૂટિની દૃષ્ટિએ જોઈએ તો તમે જેને ચાહો છો તે વ્યક્તિ આપોઆપ તમારા માટે જગતની સૌથી સુંદર વ્યક્તિ બની જતી હોય છે.

પછી શું થયું?

એ જ જે દરેક પરીકથામાં થાતું હોય છે.

ખાધું, પીધું ને રાજ કીધું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment