Tuesday, 27 October 2015

[amdavadis4ever] સલામ, વૃદ્ધોન ા આ બેલીને...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ ગયો. દર વર્ષે ઑક્ટોબરમાં ઉજવવામાં આવતા આ દિને દેશ-વિદેશોમાં અસંખ્ય સ્કૂલોના વિદ્યાર્થીઓને વૃદ્ધોની અને આધુનિક યુગના શબ્દોમાં કહીએ તો સિનિયર સિટિઝન્સનું માન જાળવવાની, તેમની કાળજી રાખવાની અને મોકો મળે ત્યારે તેમની સેવા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. નવી પેઢીમાં આ સંસ્કારનું સિંચન કરવું એ આપણા સમાજની અને ખાસ કરીને આપણા દેશની પરંપરા રહી છે. આ સંસ્કારને કેટલા લોકો સમય જતાં અમલમાં મૂકે એ તો વ્યક્તિગત માનસ અને અભિગમ પર નિર્ભર હોય છે, પરંતુ ભાયંદર (વેસ્ટ)માં રહેતા ૪૭ વર્ષીય ડૉ. ઉદયભાઈ હિંમતલાલ મોદીની સેવાલક્ષી પ્રવૃત્તિઓ વિશે જાણશો તો તમારા આશ્ર્ચર્યનો પાર નહીં રહે. તમે વિચારશો કે પ્રોફેશન તથા બિઝનેસમાં અને પોતાના હર્યાભર્યા પારિવારિક જીવનમાં વ્યસ્ત આ મુરબ્બી પરોપકાર્ય માટે આટલો બધો સમય કેવી રીતે કાઢી શકતા હશે? જોકે, તેમનું જીવન અને તેમની પ્રવૃત્તિઓ પરથી યુવાન પેઢીના દરેકે પ્રેરણા લેવાની જરૂર છે.

કપોળ વણિક સમાજના અને મૂળ અમરેલીના ડૉ. ઉદય મોદી એવા નિ:સહાય વૃદ્ધોને મફતમાં ભોજન પૂરું પાડે છે જેમનું કોઈ ન હોય. બીજી રીતે કહીએ તો પરિવારે અથવા ખાસ કરીને પુત્રો દ્વારા જેમને તરછોડવામાં આવ્યા હોય એવા વૃદ્ધોને આ સહાય મળે છે. ડૉ. મોદી ૯ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે માનવતાનું આ કાર્ય કરે છે. ભાયંદર-મીરા રોડમાં એકલા રહેતા એવા સિનિયર સિટિઝન્સના ઘરે તેઓ સવારે વિનામૂલ્યે ટિફિન પહોંચાડે છે જેમની દેખભાળ રાખવા માટે ઘરમાં બીજું કોઈ ન હોય, જેમને તેમના એક કે એક કરતાં વધુ દીકરાઓએ સાચવવાની જવાબદારી ન ઉપાડી હોય, જેઓ અશક્ત હોય અને પેટ ભરવા માટે ભોજન બનાવી ન શક્તા હોય કે પોતાના ખર્ચે બહારથી મગાવી ન શક્તા હોય.

ડૉ. ઉદય મોદીને સેવાનું આ અપ્રતિમ દૈનિક કાર્ય સહજતાથી પાર પાડવામાં વર્ષોથી તેમના મિત્ર તથા કપોળ વણિક સમાજના વિજયભાઈ ચુનીલાલ પારેખનો તેમ જ ભરતભાઈ પટેલ અને બીજા સ્ટાફ-મેમ્બરોનો બહુ સારો સાથ મળી રહ્યો છે.

ડૉ. ઉદય મોદી આયુર્વેદના નિષ્ણાત છે. તેઓ આ સર્વિસ 'શ્રવણ ટિફિન સેવા'ના બૅનર હેઠળ આપે છે. તેઓ ભાયંદર-મીરા રોડમાં જરૂરતમંદ વૃદ્ધોને દરરોજ કુલ મળીને ૧૮૦ ટિફિન પહોંચાડે છે. ટિફિનમાં રોટલી, શાક, દાળ, ભાત હોય છે તેમ જ રવિવારે ફરસાણ-મિષ્ટાન પણ આપવામાં છે. આવું કાર્ય કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? એવું પૂછાતાં ડૉ. ઉદય મોદીએ 'મુંબઈ સમાચાર'ને કહ્યું, '૯ વર્ષ પહેલાં ૭૮ વર્ષના એક વૃદ્ધ મારી ક્લિનિકમાં આવ્યા હતા. તેમને ઑસ્ટિયોઆર્થરાઇટિસની બીમારી હતી. તેમના પત્નીને પૅરેલિસિસનો અટૅક આવ્યો હતો અને તેમની પાસે ખાવા માટે કે દવા પાછળ ખર્ચ કરવાના પૈસા નહોતા. તેમને તેમના ત્રણેય દીકરાઓએ તરછોડી દીધા હતા. આ સ્થિતિમાં આ વૃદ્ધ યુગલ માટે જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. એ કાકા દિવસમાં એકાદ-બે વાર ઘરની બહાર જઈને મંદિર-દેરાસરની બહાર ગમેએમ કરીને ખાવાનું એકઠું કરીને ખાતા હતા અને પત્ની માટે લઈ આવતા હતા. તેમની યાતના સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. એ જ ઘડીએ મેં નક્કી કર્યું કે હું રોજ તેમને ખાવાનું વિનામૂલ્યે પૂરું પાડીશ. મેં તેમને કહી દીધું કે હવેથી તમને મારા ઘરેથી દરરોજ મફતમાં ટિફિન પહોંચાડવામાં આવશે. મેં આખી વાત મારી પત્નીને કરી તો તેણે મને કહ્યું કે તેમના જેવા બીજા ઘણા નિ:સહાય વૃદ્ધ યુગલો હશે એટલે આપણે તેમને પણ આ મફત સેવા આપવી જોઈએ.'

ડૉ. ઉદય મોદી એ કિસ્સાના અનુસંધાનમાં વધુમાં કહે છે કે 'પહેલા જ અઠવાડિયામાં ટિફિનની સંખ્યા ૧૧ થઈ ગઈ હતી. અમે ખરેખર જરૂરતમંદ હોય એવા ૧૧ જણને ટિફિન પહોંચાડવાની શરૂઆત કરી અને જોતજોતામાં એ સંખ્યા વધી ગઈ. આજે અમે કુલ ૧૮૦ ટિફિન પહોંચાડીએ છીએ. અમે ખાસ આ સર્વિસ પૂરી પાડવા માટે શ્રવણ ટિફિન સેવા નામ રાખ્યું છે કે જેથી કોઈ વૃદ્ધ કે વૃદ્ધાને એવું ન થાય કે તેઓ કોઈ દાન-ધરમ હેઠળ મળતા ભોજનનો લાભ લે છે. વૃદ્ધોની સેવા માટે અમારા માટે શ્રવણ નામ જ પૂરતું છે. તેમનો દીકરો બનીને તેમને ભોજન પૂરું પાડવાનો મારો ભાવ રહ્યો છે એટલે જ શ્રવણ નામ પસંદ કર્યું છે. અમે દરરોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ની વચ્ચે તમામ લાભાર્થીઓને ત્યાં ટિફિન પહોંચતું કરી દઈએ છીએ. દરેકને વિના વિલંબે ગરમ ભોજન મળે એનું અચૂક ધ્યાન રાખીએ છીએ.'

ડૉ. ઉદય મોદી ભાયંદર (વેસ્ટ)માં સાલાસર વ્રજભૂમિ નામના કૉમ્પ્લેક્સમાં રહે છે, ભાયંદર (વેસ્ટ)માં જ ગણેશ મંદિર સામે તેમનો આયુર્વેદિક ઔષધોનો સ્ટોર છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. ડૉ. મોદી બહુ સારા અભિનેતા પણ છે. તેઓ હિન્દી સિરિયલોના ઍકટર તથા પ્રૉડ્યુસર છે. તેમણે 'ઉત્તરન', 'સપને સુહાને લડક પન કે' અને 'યમ હૈ હમ' તેમ જ 'મેરી આશિકી તુમ સે હી' સહિત ઘણી સિરિયલોમાં ભૂમિકા ભજવી છે. તેઓ 'મુંબઈ સમાચાર'ને કહે છે, 'ઈશ્ર્વરની મારા પર બહુ મોટી કૃપા છે એટલે જ મને નિ:સહાય વૃદ્ધોના પેટ ભરવા જેવી સેવા કરવાનો મોકો મળ્યો છે. મને સિરિયલમાંથી જે કંઈ કમાણી થાય એ બધી હું વૃદ્ધોની સેવાના આ કાર્ય માટે આપી દઉં છું.'

વૃદ્ધજનો માટેની ટિફિનની સેવાના ઉમદા કાર્યમાં ડૉ. ઉદય મોદીની સદા પડખે રહેતા ૫૪ વર્ષીય વિજયભાઈ પારેખ પણ ભાયંદરમાં રહે છે. વિજયભાઈ એક પ્રાઇવેટ કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. તેઓ 'મુંબઈ સમાચાર'ને કહે છે, 'અમે જરૂરતમંદ વૃદ્ધજનોમાંથી જેઓ ડાયાબિટીસના દર્દીઓ હોય તેમને માટે તેમની જરૂરિયાત મુજબનું ભોજન મોકલીએ છીએ. ટિફિનમાંની ભોજનની વાનગીઓની ગુણવત્તા અને પ્રમાણ બરાબર જળવાય એની અમે ખૂબ કાળજી રાખીએ છીએ. ભોજનની વાનગીઓ ચાખ્યા પછી જ ટિફિનમાં ભરવામાં આવે છે. ટિફિન પહોંચાડવામાં જરાય વિલંબ ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ અને એ બાબતમાં અમને ભરતભાઈ પટેલ સહિતના અમારા સ્ટાફનો પણ બહુ સારો સહકાર મળી રહ્યો છે. અમારા આ કામમાં ક્યારેય રજા નથી હોતી. ૩૬૫ દિવસ ટિફિન પહોંચાડવાનું એટલે પહોંચાડવાનું જ. અસહ્ય ગરમી હોય કે જોરદાર વરસાદ હોય, લાભાર્થીને ત્યાં ટિફિન પહોંચી જ જાય છે. જોકે, અમે નવા મેમ્બર બનાવતાં પહેલાં તેમના વિશે ખૂબ ચોકસાઈ કરીએ છીએ અને તેઓ ખરેખર જરૂરતમંદ છે એવી ખાતરી થયા પછી જ તેમને ટિફિન પહોંચાડવાની શરૂઆત કરીએ છીએ. અમારો સ્ટાફ ટેમ્પો અને સાઇકલ દ્વારા ટિફિન પહોંચાડે છે. ટેમ્પો અમને દાતા તરફથી દાનમાં મળ્યા છે. અમે દરેક લાભાર્થી માટે બે ટિફિન રાખીએ છીએ જેથી અમારો માણસ તેમને જે દિવસે ટિફિન આપવા જાય ત્યારે આગલા દિવસે આપેલું ટિફિન પાછું લેતો આવે છે. દરેક લાભાર્થીને ઘર જેવું જમવાનું મળ્યાનો સંતોષ થાય એની અમે તકેદારી રાખીએ છીએ. એ રીતે અમે તેમનું સંઘર્ષભર્યું જીવન સરળ બનાવવાનો અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.'

ડૉ. ઉદય મોદીએ ભૂતકાળની એક હૃદયસ્પર્શી ઘટનાની વાત કરતા કહ્યું કે 'અમને અમારી ટિફિન સેવાના કામમાં દેશ-વિદેશથી ઘણાએ ડોનેશનો મોકલ્યા છે, પરંતુ એક માજીએ આપેલી રકમનું મૂલ્ય મારા માટે બહુ અનોખું છે. એક વાર તેઓ મારી ક્લિનિકમાં આવ્યા અને મને કહે કે હું તારી પાસેથી કંઈ લેવા નથી આવી, પણ તને કંઈક આપવા આવી છું. એવું બોલીને તેમણે પોતાના બટવામાં જમા કરી રાખેલા સિક્કા મારા ટેબલ પર વેર્યા અને મને કહે કે લે...તને મારા તરફથી આ યોગદાન. એમાં પાંચ પૈસા (પાંચ્યુ) અને દસ પૈસા (દશ્યુ) સહિત ઘણા જૂના-નવા સિક્કા હતા. તેમનો મેં ખૂબ આભાર માન્યો અને તેઓ ગયા પછી મેં ગણ્યા તો એનું મૂલ્ય કુલ મળીને ૧૮ રૂપિયા હતું. મારા માટે એ ૧૮ રૂપિયા અમૂલ્ય છે. મેં હજી એ સિક્કા સાચવી રાખ્યા છે અને જ્યારે પણ પોતાને કંઈક માનવા લાગું અથવા વિચાર આવે કે મેં કંઈક મોટું કામ કર્યું છે તો તરત જ એ સિક્કાવાળો બટવો ખોલીને જોઈ લઉં છું અને વિચારું છું કે પેલા માજીએ ભારે જતનથી ભેગી કરીને મને આપેલી આ મૂડી સામે હું કંઈ જ ન કહેવાઉં. તેમની સામે હું ક્યાંય નાનો છું.'

ડૉ. ઉદય મોદીએ 'મુંબઈ સમાચાર'ને કહ્યું, 'અમે જરૂરતમંદ વૃદ્ધજનોને ટિફિન પહોંચાડવા ઉપરાંત તેમને દવા તેમ જ સમય-સમયે કપડાં પણ પૂરા પાડીએ છીએ અને જરૂર જણાય એવા કિસ્સામાં દર્દીને હૉસ્પિટલમાં દાખલ પણ કરાવીએ છીએ. અમે વર્ષમાં અમારા લાભાર્થીઓને પિકનિક સ્પૉટ પર પણ લઈ જઈએ છીએ. એ ઉપરાંત, તેમના બર્થ-ડે અને મૅરેજ ઍનિવર્સરીની ઉજવણી પણ કરીએ છીએ. કોઈની પાસે કપડાં અને બીજી આવશ્યક ચીજો હવે નકામી થઈ ગઈ હોય તો એ અમે એકઠી કરીને જરૂરતમંદ વડીલો સુધી પહોંચાડવાનું કામ પણ કરીએ છીએ. સમયાંતરે તેમના મનોરંજન માટે પણ અમે વ્યવસ્થા કરીએ છીએ. થોડા જ દિવસ પહેલાં નવરાત્રિ દરમિયાન અમે તેમને અમારા સાલાસર વ્રજભૂમિ કૉમ્પ્લેક્સમાં લઈ ગયા હતા જ્યાં તેમણે મહાઆરતીનો લાભ લીધો હતો અને ગરબા ગાવાનો આનંદ પણ માણ્યો હતો. જે વૃદ્ધો અશક્ત હતા તેમને હાથમાં ઊંચકીને અમે ગરબે ઘૂમ્યા હતા. અમારા લાભાર્થીઓને સમય-સમયે નાસ્તા અને જરૂરિયાતની ચીજોની કિટ પણ મળે છે. ટૂંકમાં કહું તો એક દીકરો મા-બાપનું જે રીતે ધ્યાન રાખે એવું અમે આ વૃદ્ધોનું રાખીએ છીએ. અમારા લાભાર્થીઓમાં જ્ઞાતિ-જાતિનો કોઈ ભેદભાવ નથી. નૉન-ગુજરાતીઓ પણ અમારા લાભાર્થીઓના લિસ્ટમાં છે. ટૂંકમાં કહું તો જે નિ:સહાય વૃદ્ધો વિશે ડૉક્ટરે થોડા વર્ષો પહેલાં કહી દીધું હતું કે તેઓ બે-ચાર મહિનાથી વધુ સમય નહીં કાઢી શકે તેઓ અમારા દૈનિક ભોજનનો લાભ લઈને હજી આજે પણ જીવનની મોજ માણી રહ્યા છે.'

ડૉ. ઉદય મોદીએ બીજા બે રસપ્રદ કિસ્સા જણાવ્યા હતા. તેમણે કહ્યું, 'સિનિયર સિટિઝન્સના બર્થ-ડે અને મૅરેજ ઍનિવર્સરીની ઉજવણીની વાત કરું તો એક વાર કેટલાક કૉલેજ-સ્ટુડન્ટ્સ મારી પાસે આવ્યા અને કહે કે અમે અમારા ખર્ચે આ વડીલોના સપરમા દિન સેલિબ્રેટ કરીશું. તેઓ મને કહે કે તમે વૃદ્ધો માટે આટલું બધું કરો છો તો અમે પણ કેમ પાછળ રહી જઈએ.'

'મુંબઈ સમાચારે' શ્રવણ ટિફિન સેવા હેઠળ ભોજનનો લાભ લેતા કેટલાક લાભાર્થીઓને મળ્યા હતા અને તેમણે ડૉ. મોદી તથા વિજયભાઈ પારેખ

અને તેમના સ્ટાફની ભરપેટ પ્રશંસા કરી હતી. ઘરમાં એકલા જ રહેતા ભુપેન્દ્ર પંડ્યાએ કહ્યું હતું કે 'અમને ખૂબ સ્વાદિષ્ટ, ઉત્તમ અને ગુણવત્તાનું મફત ભોજન નિયમિત પહોંચાડવામાં આવે છે.'

૭૦ વર્ષ પાર કરી ચૂકેલા નગીનદાસ મહેતાએ કહ્યું કે 'અમને ડૉ. મોદીસાહેબ, વિજયભાઈ અને તેમના સ્ટાફ દ્વારા ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવે છે. ભોજન ખૂબ સારું હોય છે અને નિયમિત સમયે મળી જાય છે. હું ઘણા વર્ષોથી આ ટિફિન સર્વિસનો લાભ લઉં છું.'

૮૦ વર્ષના વલ્લભદાસ સોની અને તેમના પત્ની હંસાબેન સોની પણ ઘણા વર્ષોથી આ ટિફિન સેવાનો લાભ લે છે. હંસાબેને આ સેવા વિશે ખૂબ વખાણ કરતા 'મુંબઈ સમાચાર'ને કહ્યું હતું કે 'અમારે કોઈ સંતાન નથી, પરંતુ અમારા માટે તો ડૉ. મોદી જ અમારો દીકરો છે.'

'મુંબઈ સમાચારે' ટિફિન સેવાના લાભાર્થી વૃદ્ધોની મુલાકાત લીધી ત્યારે તેમણે ડૉ. મોદી, વિજયભાઈ અને તેમના સ્ટાફ પર આશીર્વાદનો જાણે વરસાદ વરસાવ્યો હતો. દાતાઓ-અગ્રણીઓને કહેવાનું મન થાય છે કે તમે પણ શ્રવણ ટિફિન સેવાનો લાભ લેતા વૃદ્ધોના ઘરે મુલાકાત લેશો તો તેમની હાલત જોઈને તમારું હૃદય પણ દ્રવી ઊઠશે. જોકે, શ્રવણ ટિફિન સેવાથી તેમને કેટલો બધો સંતોષ થાય છે અને આ સેવા તેમના જીવનને કેવી રીતે ધબકતું રાખે છે એ જાણવાનો લાભ પણ મળશે.

જુગ-જુગ જીવો ડૉ. ઉદય મોદી. વિજયભાઈ પારેખ, તમને પણ અભિનંદન. આવી શુભકામના તમને કેમ ન આપીએ? માનવતાનું આ ઉમદા કાર્ય કરવા જ તો તમે જન્મ લીધો છે એવા આશીર્વાદ તમને વડીલો તરફથી મળતાં જ હશે. તમારા લાભાર્થી વૃદ્ધોની આવરદા વધે એ ઈશ્ર્વરના જ હાથમાં છે એ વાત સાચી, પરંતુ તમે પણ તેમનું જીવન લંબાવવામાં સહભાગી છો. ભાયંદર અને આસપાસના વિસ્તારોમાં રહેતા 'પુત્રો'ને સંદેશ આપવાનો કે તમે ક્યારેય તમારા મા-બાપને તરછોડશો નહીં. તેમણે બીજા પર અવલંબવું પડે એવો સમય નહીં આવવા દેતાં, પરંતુ જો તમે લાજ-શરમ છોડીને તેમને તરછોડવાના જ હો તો યાદ રાખજો....તમારા મા-બાપની ભોજનની તથા બીજી જીવન-જરૂરિયાતોની કાળજી રાખવા ડૉ. ઉદય મોદી અને વિજયભાઈ પારેખ બેઠાં જ છે અને તેમનો સ્ટાફ એ માટે અડીખમ ઊભો જ છે.

સલામ કરીએ છીએ 'શ્રવણ ટિફિન સેવા'ને, સ્વ. શ્રી હિંમતલાલ હરજીવનદાસ મોદી ચૅરીટેબલ ટ્રસ્ટને તથા એની સાથે સંકળાયેલા તમામને. ખાસ કરીને ડૉ. ઉદય મોદી અને વિજય પારેખને 'સમાજના રત્નો' કહીએ તો પણ અતિશ્યેાક્તિ નહીં કહેવાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment