Sunday, 25 December 2016

[amdavadis4ever] વહુનાં અપમાન રમાબેન ચૂપચ ાપ ગળી જતાં. .....જે ઘરમાં પોતાને કોઈ ઈચ્છતું ના હો ય ત્યાં કેવી રીતે રહેવાય?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રમાબેન દેશમાં જવાનાં છે એવું સાંભળ્યું એટલે નવાઈ લાગી, કારણ કે છેલ્લાં સત્તર અઢાર વર્ષથી તેઓ અમેરિકામાં જ હતાં.

એમને એક જ દીકરો છે શતાયુ, એ અમેરિકા ભણવા આવ્યો હતો ને પછી અહીં જ સ્થાયી થયો હતો. એ અને એની પત્ની નીલા બેઉ જોબ કરતાં હતાં.

શતાયુના પ્રથમ સંતાન ઋતના જન્મ સમયે રમાબેન અને એમના પતિ પ્રશાંતભાઈ અહીં આવેલા પણ છએક મહિનામાં પાછાં જતાં રહેલાં. પછી દીકરી ઈશાનો જન્મ થયો ત્યારે રમાબેન અને પ્રશાંતભાઈ ફરીથી આવ્યાં હતાં અને રોકાઈ ગયા ત્યારે દેશમાં પાછા જવાનું ક્યારેક મન થઈ આવતું, પણ નીલા અને શતાયુ કહેતાં, "તમે જાઓ તો તો આ છોકરાંઓ રડી રડીને અધમૂઆ થઈ જાય. જુઓને એમને તમારી કેટલી માયા છે, હવે દેશમાં જવાનું જ નથી.

એમની વાત તો સાચી હતી. ઋત અને ઈશા દાદા દાદીનાં જ ખૂબ હેવાયાં હતાં. પાંચેક વરસ પછી પ્રશાંતભાઈનું હાર્ટફેઈલથી અવસાન થયું, ત્યાર પછી રમાબેન ભારત ગયાં જ નહિ. અમેરિકામાં જ રોકાઈ ગયાં. પૌત્રપૌત્રી એમના શ્ર્વાસપ્રાણ થઈ ગયા હતા. પ્રશાંતભાઈના મૃત્યુનો ઘા પણ એ બાળકોના લીધે જ વિસારે પાડી શક્યાં હતાં.

પ્રશાંતભાઈ યાદ આવે ને રમાબેન રડે તો બાળકો 'ના, દાદી ના' કહીને આંસુ લૂંછવા ને પંપાળવા માંડતાં. દાદીને ગળે વળગીને વહાલ કરતા. રમાબેન હસે ત્યારે જ બાળકો નોર્મલ બનતાં, ને હસી ઊઠતાં. દાદીને જરાય ઉદાસ તેઓ જોઈ શકતા નહિ. આવા છલકાતા પ્રેમમાં રમાબેનનાં વર્ષો, મહિનાઓ, દિવસો ને ક્ષણેક્ષણ પસાર થવા માંડ્યા.

ક્યારેક તો રમાબેનને થતું ઓહો, આટલું બધું સુખ કોઈક નસીબદારને જ મળે. મારે ક્યાંય મન મારવું નથી પડતું.

ઋત ને ઈશા ભણવામાં હોશિયાર હતાં. હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરીને ઋત મેડિકલમાં દાખલ થયો ને ઈશા લો કૉલેજમાં. બેઉ ઘરથી દૂર બીજા શહેરમાં ભણવા ગયાં.

હવે રમાબેન સૂનાં પડી ગયાં. ઘરમાં એમને કોઈની સોબત ના રહી. શતાયુ અને નીલા તો એમની જોબ અને હરવા ફરવામાં, મિત્રો અને પાર્ટી, પ્રોગ્રામમાં વ્યસ્ત રહેતાં. રમાબેન સાથે વાત કરવાનો સમય એમની પાસે ન હતો.

રમાબેન અકળાવા માંડ્યા, ઉદાસ રહેવા માંડ્યાં. વળી પાછું જાતે ને જાતે મનને મનાવતા કે જીવનની અવસ્થા બદલાય એમ આવા ફેરફાર તો આવવાનાં જ. બાળકો નાના હોય ત્યાં સુધી એમનું વિશ્ર્વ નાનું હોય, ત્યારે માબાપ કે દાદાદાદી એમાં છવાયેલાં રહે પછી એમનું જગત મોટું થતું જાય ને માબાપ દાદાદાદી એક બાજુ રહી જાય. એટલે ઉદાસ થયે ના ચાલે.

મારે મન બીજે પરોવવું જોઈએ. આવું વિચારીને એ વાંચવામાં, ધ્યાન અને યોગમાં રસ લેવા માંડ્યાં. પણ ચિત્ત આખો દિવસ એમાં ચોંટેલું ના રહે.

રમાબેન જ્યારે જ્યારે મને મળે ત્યારે પોતાના મનની વાતો કરે અને દરેક વખતે પોતાની ઉદાસીનતા માટે પોતાને જ દોષી માને. કહે, "આ મારું મન કોઈની સાથે વાતો કરવા હસવા બોલવા જ કેમ ઝંખી રહ્યું છે! બીજા ઘરડાંની જેમ હું ચૂપચાપ ઘરના એક ખૂણામાં માળા લઈને જાપ કરવા કેમ બેસી નથી રહેતી. મને કેમ વાતે વાતે ઓછું આવી જાય છે.

હું કહેતી, "તમે બહારનાં લોકોને હળવા મળવાનું રાખો. એટલે મન મોકળું, હળવું રહેશે!

"શી રીતે હળવા મળવા જાઉં? કોણ મને લઈ જાય? મને ડ્રાઈવિંગ નથી આવડતું, મારી પાસે કાર નથી ને આપણા ઈન્ડિયાની જેમ અહીં રિક્ષાઓ નથી, બસની પણ ઈન્ડિયા જેવી સગવડ નથી. અમુક રોડ પર જ બસ મળે. ઘર બહાર શી રીતે જાઉં?

"સંબંધીઓને ટેલિફોન કરતા હો તો?

"ટેલિફોન? ના ભાઈ એમના ટેલિફોનનો હું ઉપયોગ નથી કરતી. અમારી નીલાને એ ઓછું ગમે. અરે, મંદિરમાં જઈએ ને કોઈ ઓળખાણ થાય તો ય એને ના ગમે. બબડે કે હવે એના ઘરનાં આમંત્રણો સ્વીકારશો નહિ. કોઈ જમવાનું આમંત્રણ આપે તો ખાલી હાથે જવાય નહિ. વળી એના ઘેર મહેમાનગતિ માણી આવીએ તો આપણે એને આપણા ઘેર બોલાવવા પડે. એટલે હું કોઈની સાથે સંબંધ વધારતી જ નથી.

"તમારે સોશિયલ વેલ્ફેરના મહિને ચારસો પાંચસો ડૉલર તો આવતા હશે એનો ઉપયોગ કરોને. આ અમેરિકા દેશમાં ઘરડાં ક્યાં કોઈનાં ઓશિયાળાં રહે છે, સરકાર એમને સાચવે છે, તમે શું કામ મૂંઝાવ છો?

મારી વાતના જવાબમાં એ હસ્યાં, એવું ફિક્કું હસ્યા કે એના દ્વારા ઘણું બધું કહેવાઈ ગયું.

એમને દીકરાનું ઘર પોતાનું ન હતું લાગતું. નીલા એમને એવા અંતરે રાખતી હતી કે એ ઘર એમને પારકું જ લાગે. પોતાના પૈસા પોતાના ના લાગે. પંડનો દીકરોય પારકો જ લાગે. રમાબેન નીલા છંછેડાય કે નારાજ થાય એવું 

એક પગલુંય ભરતાં નહિ, એક શબ્દ એની સામે બોલતાં નહીં.

દિવસ જાય એમ પોતાની ઉંમર વધતી જાય છે, શરીરનું કૌવત ઓછું થતું જાય છે, માટે ભવિષ્યમાં દીકરા વહુની સાથે રહેવું સલાહભર્યું છે, એમાં જ સલામતી છે એવું સમજીને એ નાનાં મોટાં અપમાનો, અવગણના ગળી જતાં ને ચૂપ રહેતાં. 
પણ એમણે જોયું કે નીલા વધારેને વધારે તોછડો વ્યવહાર કરતી થઈ છે. એને રમાબેનની હાજરી ગમતી નથી. રમાબેન રસોઈ કરે, લોન્ડ્રી કરે, ઘરની સફાઈ કરે પણ દીકરાવહુના આવવાના સમયે પોતાની રૂમમાં ભરાઈ જતાં. ક્યાંય દીકરા વહુની આડે ઊતરતાં ન હતાં, છતાં નીલા એમના પર ખિજવાયેલી જ રહેતી. શતાયુના દેખતાં એ અપમાન કરતી પણ શતાયુ માની તરફેણમાં એક શબ્દ બોલી શકતો નહીં, નીલાને અટકાવી શકતો નહિ કે ટોકી શકતો નહિ કે પાછળથી નીલાની ગેરહાજરીમાં માને સાંત્વન આપી શકતો નહિ.

રમાબેન પોતાની જાતને સંકોરીને રહેતાં હતાં, પણ હવે એમના માટે રહેવું અસહ્ય થઈ ગયું. જે ઘરમાં પોતાને કોઈ ઈચ્છતું ના હોય ત્યાં કેવી રીતે રહેવાય?

અને એમણે કહ્યું, 'હું દેશમાં જઈશ.' નીલાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો, "હા હા જાઓ. શતાયુએ પૂછ્યું. 'તને ત્યાં ફાવશે'. રમાબેન કંઈ જવાબ આપે એ પહેલાં નીલા બોલી, 'ઘડપણમાં તો વતનમાં જ ગમે. ધર્મધ્યાન થાય. કથાકીર્તન થાય, આત્માનું કલ્યાણ થાય.'

નીલાની કહેવાની રીત જ એવી હતી કે રમાબેન એમની બાકીની જિંદગી દેશમાં જ ગાળે. રમાબેને દેશમાં જવાની વાત મને કહેવડાવી, એટલે હું એમને મળવા ગઈ.

જઈને જોઉં છું તો બે ત્રણ જરીની સાડીઓ ખોલીને રમાબેન બેઠાં છે. સામે થોડા પોપલીન અને સાટીનના ટુકડાઓ, કાગળ, પેન્સિલ, સોય-દોરો, ગુંદર છે અને હાથમાં કાતર છે. અનુકૂળ પડે એ રીતે સાડીમાંથી કટકા કાપીને પેચવર્ક કરતા હતા. એકાગ્રચિત્તે એ કામ કરતાં હતાં અને આકર્ષક કલાત્મક રીતે કૃતિ તૈયાર થતી હતી.

સસ્મિતવદને ઉમળકાથી એમણે મને આવકારી, પણ તેઓ એમની ઉદાસી છુપાવી ના શક્યાં.

'મેં પૂછ્યું,' તમારા લગ્ન સમયની સાડીઓ લાગે છે.

"હા, વરસો જૂની. પણ જુઓને એનું પોત કેવું મજબૂત છે. આટલી મુલાયમ છે, છતાં ક્યાંયથી પોત ચિરાયું નથી, ફસકાયું નથી, વેરાયું નથી. સાચી જરીનું કેવું મીનાકારી જેવું નકશીકામ પાલવ અને બોર્ડરમાં છે.

"આવી સાડીઓ પર કાતર ફેરવતાં જીવ ના ચાલે, હું બોલી.

"હા કાપતા જીવ તો નહતો ચાલતો પણ એમના ગયા પછી આવી સાડીઓ હું નથી પહેરતી. નીલા પ્રસંગ હોય ત્યારે ક્યારેક પહેરતી અને પહેર્યાં પછી મને પાછી આપી દેતી ને હું મારી બેગમાં મૂકી દેતી. પણ હવે હું ઈન્ડિયા જવાની છું તો એને આપવા માંડી તો કહે મને બીજાની પસંદગીમાં રસ નથી. બીજાનું પહેરેલું હું પહેરતી નથી.

આવું સાંભળીને મને એક ઝાટકો તો લાગ્યો, પણ એનું બોલવું ના સાંભળ્યું હોય એમ હું બોલી, હું તારી મા છું, મારું પહેરેલું પહેરવામાં વાંધો ના હોય.

તરત એ બોલી, મારી મા તો એ જેણે મને જન્મ આપ્યો છે. માણસને મા એક જ હોય બબ્બે નહિ.

હું તો ડઘાઈ ગઈ. થયું જેની સાથે મારા અનેકાનેક સંસ્મરણો જડાયાં છે એવી આ માંગલિક સાડીઓ કોને આપી જાઉં?

મેં ઈશાને પૂછ્યું તો કહે સોરી દાદીમા મને સાડી પહેરવામાં રસ નથી.

પૌત્ર ઋતને પૂછ્યું તો કહે, દાદીમા મારી વહુ સાડી પહેરશે જ એવું હું વચન ના આપી શકું પણ તમે આપી જશો તો સાચવીશ જરૂર.

એનો ઉત્તર એકદમ નિખાલસ, એના પ્રમાણિક હૃદયમાંથી આવેલો સાચો અને યોગ્ય ઉત્તર હતો. મેં વિચાર્યું સાડીઓ એને આપું તો એના કબાટમાં કોઈ ખૂણામાં પડી રહે, અંધારામાં સડ્યા કરે, કદી સૂર્ય પ્રકાશ જુએ જ નહિ, એ તો મને ગમે નહિ.

હવે જો ઈન્ડિયા લઈ જઈને કોઈને આપું તો હા, હા, કહીને લે ખરા પણ જરીકસબવાળાને વેચીને આ સાડીમાંથી પૈસા ઊભા કરે એવી રીતે આપ્યાનો શું અર્થ? આટલાં વરસો પછી એમને મારા માટે એવો સ્નેહ તો ના જ જળવાયો હોય કે મારી આપેલી ભેટને મારી યાદ તરીકે સાચવે.

હું મનોમન એટલી વલોવાયા કરતી હતી કે કોને આપું મારી આ સાડીઓ? સાથે સાથે મનમાંથી એક સવાલ પણ ઊઠે કે મારી ચીજો કોઈને વારસામાં આપવાનો આ તે કેવો મોહ? એ ચીજો સચવાય એવી ઝંખના કેમ? આ નબળાઈએ મને કેવી વિવશ બનાવી દીધી છે. જો મારે આપવી જ છે તો સગાં સિવાય બીજાને પણ આપી શકું, અને તરત મને યાદ આવી મારી અમેરિકન સખી માર્થા. પાછો વિચાર આવ્યો કે માર્થા ભારતીય સાડીને શું કરે, એ પહેરે નહિ, હા, સાચવીને કબાટમાં મૂકી રાખે. એ તો બરાબર નહિ.

તો શું કરું. શું કરું. એમ વિચારતી હતી ને ત્યાં પેચવર્કથી ચાકળા બનાવવાનું સૂઝયું. એક બે ચાકળા, એકાદ પર્સ અને એક ફાઈલ બનાવીશ જેનો માર્થા હોંશથી ઉપયોગ કરશે.

આ ચીજો બનાવતાં હું મારા ભૂતકાળમાં ફરી એક વાર ડૂબી ગઈ. આનંદે આવ્યો અને આંસુ પણ આવ્યાં. કંઈક ગળગળા અવાજે ભાવમાં તણાતાં રમાબેને કહ્યું.

પછી જાણે સ્વગત બોલતાં હોય એમ એ બોલ્યાં, "માણસે નોર્મલ, સ્વાભાવિક સ્વસ્થ રહેવાય કેવા અસ્વાભાવિક પ્રયત્ન કરવા પડે છે. સ્વસ્થ રહેવું, પ્રસન્ન રહેવું એય કસોટી છે.

જ્યારથી ઈન્ડિયા જવાનું નક્કી કર્યું છે ત્યારથી હું સતત પ્રાર્થના કરું છું કે કોઈના માટે મને દુર્ભાવ ના જાગો, બધાં માટે સમભાવ પ્રગટો. દશે દિશાએથી મને શુભ વિચાર પ્રાપ્ત થાઓ.

અને એક વાત કહું. હું આવી પ્રાર્થના કર્યા કરતી હતી ત્યારે મને થયું સારું છે મારી નીલા આખાબોલી છે, સાચાબોલી છે, એણે મને સારું લગાડવા સાડીઓ લીધી હોત ને ક્યાંક ફેંકી દીધી હોત તો! એણે અને છોકરાંઓએ મારી આગળ મનની સાચી વાત કહી તો મને ય ખ્યાલ આવ્યો કે ખરેખર મારે મારી સાડીઓનું શું કરવું જોઈએ.

માર્થા આ ભેટો લઈને એટલી ખુશ થશે. પ્રેમથી એ એની ભીંત પર ચાકળા લગાવશે. ફાઈલ ટેબલ પર મૂકશે ને પર્સ હાથમાં લઈને ફરશે. ઈશા અને ઋતનેય પૂછીશ કે બનાવું તમારા માટે ડેકોરેશનનો પીસ? નીલા રસ બતાવશે તો એનેય બનાવી આપીશ.

હું બોલી, "રમાબેન સારું છે તમે આર્ટીસ્ટ છો, તમે ઘવાઓ છો તોય ટટ્ટાર રહો છો, ધૂળમાં રગદોળાતાં નથી. કોઈને વગોવતા નથી કે ફરિયાદ નથી કરતાં. તમારી જાતને સંભાળી લો છો!

"કોને ખબર કેમ મને રોતલ બનવું નથી ગમતું. આ વીતેલો સમય ફરી આવવાનો છે! તો રડીને શું કામ વેડફવો? રડીને નિર્બળ બનવું, દયાપાત્ર બનવું, ના ભાઈ ના આપણને એવું ના ગમે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment