Friday, 6 November 2015

[amdavadis4ever] જૂનાગઢ : આઝાદ ી, આરઝી હકૂમત અને છેલ્લા નવા બ (છપ્પનવખારી)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જૂનાગઢ : આઝાદી, આરઝી હકૂમત અને છેલ્લા નવાબ

સોલંકીકાળથી લઈને નવાબીકાળ સુધી જૂનાગઢનો રાજકીય ઇતિહાસ એવો દિલધડક છે કે એના પરથી મેગા બજેટ ટીવી સિરીઝ કે ફિલ્મો બનાવી શકાય. બૌદ્ધ સાધુઓએ ત્યાં ધ્યાનસાધનાઓ કરી છે, તો નાગા બાવાઓએ ધૂણી ધખાવી છે. અશોકનો શિલાલેખ ત્યાં છે, તો નબાવીકાળના ભવ્ય દરવાજાઓ આજે પણ નગરના દરવાન બનીને ઊભા છે. વનૌષધિઓનો અંબાર સંઘરીને ગીરનું જંગલ બેઠું છે. સાવજોની ડણક ગિરનારનાં શૌર્યની ઝાંખી કરાવે છે. શોધ-સંશોધનમાં રસ હોય એને એક વખત જૂનાગઢની છાલક લાગે તો મરજીવાની જેમ એ જૂનાગઢમાંથી કદી બહાર જ ન નીકળી શકે, એટલું ભર્યુંભર્યું છે. શંભુપ્રસાદ દેસાઈ,પરિમલ રૂપાણી, એસ. વી. જાની, પ્રદ્યુમ્ન ખાચર તેમજ તેમની અગાઉ કેટલાક ઇતિહાસના જાણકારોએ જૂનાગઢ પર સંશોધન કરીને સરસ દસ્તાવેજીકરણ કર્યું છે.
અંગ્રેજોએ દેશ પર શાસન તો કર્યું જ હતું પણ દેશ આઝાદ થયો ત્યારે દેશ બેધારી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. ૧૯૪૭માં ૧૫ ઓગસ્ટ નજીક હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટનાં બંને ગૃહોએ ૧૮ જુલાઈ, ૧૯૪૭ના દિવસે એક ખરડો પસાર કર્યો હતો, જેને બ્રિટિશ તાજની મંજૂરી મળતાં એ ખરડો કાયદો થયો, જે હિંદ સ્વાતંત્ર્ય ધારા તરીકે ઓળખાયો, એમાં હિંદુસ્તાનના બે ભાગ કરવાની જોગવાઈ હતી તથા દેશી રાજ્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી. એ કાયદાનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી તમામ દેશી રાજ્યો પર બ્રિટિશ હકૂમતનો અંત આવતો હતો અને જે રાજ્યે ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડાવું હોય તે જોડાઇ શકે. ૧૫ ઓગસ્ટ પહેલાં સામેલ થવાનું હતું. સરદાર પટેલની મહેનતથી મોટાભાગનાં રજવાડા ભારતીય સંઘમાં જોડાવા માંડયાં અને ભારતનો એક નકશો તૈયાર થવા માંડયો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે એવી હલચલ વેગ પકડી રહી હતી. ૧૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજાએ એક અખબારી યાદી જાહેર કરીને એને રદિયો આપ્યો હતો પણ ચિત્ર ઊંધું હતું. નવાબે જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં જોડાય એવી અખબારી યાદી જાહેર કરી હતી પણ ભારતમાં જોડાવાની જાહેરાત જૂનાગઢે કરી નહોતી. અફવાબજાર ગરમ હતું.
૭-૮ જૂન ૧૯૪૭ના રોજ તળ મુંબઈના માધવબાગમાં કાઠિયાવાડ પ્રજા-સંમેલન મળ્યું હતું, જો જૂનાગઢ પાકિસ્તાનમાં જાય તો કટોકટીને પહોંચી વળવા કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કરવામાં આવી હતી, જેમાં રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણી હતા. ૧૯૩૯માં સ્થાપાયેલાં જૂનાગઢ રાજ્ય પ્રજામંડળને ફરી સક્રિય કરવાનું વિચારવામાં આવ્યું. જૂનાગઢ પ્રજામંડળે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને પટ્ટાભી સીતારામૈયાને ટેલિગ્રામ કરીને જૂનાગઢની બહુમતી પ્રજાનાં હિતમાં પોતાની વગનો ઉપયોગ કરવા વિનંતી કરી. આ સભાએ આવેદનપત્ર પાઠવીને જૂનાગઢ નવાબને ભારતમાં જોડાવા વિનંતિ કરી પણ નવાબ પાકિસ્તાનમાં જોડાવા માટે આંતરિક હિલચાલ કરી રહ્યા હતા, જેનું કારણ હતું જૂનાગઢ રાજ્યના દીવાન શાહનવાઝ ભુટ્ટો. જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ માટેનું કોઈ ભૌગોલિક કે સાંસ્કૃતિક કારણ નહોતું. જૂનાગઢમાં ૮૨ ટકા પ્રજા હિંદુ હતી, તે ભારતમાં જોડાવા માગતી હતી પણ ઇચ્છા પ્રગટ કરવાની શક્તિ નહીં. સામે પક્ષે નવાબ પણ નિર્ણય લેવામાં મોળા હતા, ભુટ્ટો એનો જ ફાયદો ઉઠાવતા હતા. સરદાર પટેલે નવાબને સમજાવવા વી. પી. મેનનને મોકલ્યા પણ ભુટ્ટોએ તેમને મળવા જ ન દીધા. આ તમામ હિલચાલ વચ્ચે નવાબે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી. દેશમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં.
૩૦.૯.૪૭ના રોજ આરઝીના સૈનિકોએ રાજકોટમાં આવેલો ઉતારો કબજે કર્યો. એ પછી અમરાપુર, નવાગઢ, ગાઝકડા વગેરે ગામો કબજે થયાં. જૂનાગઢ તો સાવ ખાલી ભાસતું હતું. નવાબ તો કેશોદથી પ્લેન પકડીને કરાચી રવાના થઈ ગયા હતા. શાહનવાઝ ભુટ્ટો અને પોલીસ કમિશનર નકવી આરઝીનો પ્રતિકાર કરવા પ્રવૃત્ત થયા. એ વખતે કરાચી ભાગી ગયેલા નવાબે ભુટ્ટોને સંદેશ મોકલ્યો કે નિર્દોષ પ્રજાનું લોહી ન રેડાય તે માટે ભારત સરકારની શરણાગતિ સ્વીકારવી. ૯.૧૧.૧૯૪૭ના રોજ આરઝી હકૂમતનાં સૈનિકો જૂનાગઢમાં પ્રવેશ્યાં અને ઉપરકોટ પર ધ્વજ ફરકાવ્યો. એ જ વખતે શાહનવાઝ ભુટ્ટો કેશોદનાં એરપોર્ટ પરથી પ્લેન પકડીને પાકિસ્તાન પલાયન થઇ ગયા. રાજકોટના રિજિયોનલ કમિશનર નિલમભાઈ બુચે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ વહીવટી કબજો લીધો. સરદાર પટેલ ૧૩.૯.૪૭ના રોજ જૂનાગઢ આવ્યા હતા અને પ્રજાને તેમજ ખાસ કરીને મુસ્લિમોને શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તથા મિલિટરી શહેરમાં ગોઠવી દેવાઈ હતી.
શાહનવાઝ ભુટ્ટોની સલાહને અનુસરીને જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન-ત્રીજાએ પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું એ મહાન ભૂલ હતી. જૂનાગઢમાં બસ્સો વર્ષનાં નવાબી શાસન દરમ્યાન કેટલાંક નમૂનેદાર કામો થયા છે, જે છેલ્લા નવાબની ભૂલને કારણે દબાઇ ગયાં છે. આપણે પણ ઇતિહાસનું મંથન કરીને એ કાર્યો યાદ કરવાં જોઈએ. નવાબે કરેલી ભૂલ મહાન હતી પણ માત્ર એ ભૂલને આધારે જ તેમને મૂલવીએ અને તેમનાં સારાં કાર્યોને નજરઅંદાજ કરીએ એ ઇતિહાસનું ગેરવાજબી મૂલ્યાંકન કર્યું કહેવાય. આપણો દેશ તો લોકશાહી મૂલ્યોને વરેલો છે. નવાબ પલાયન થયા પછી પણ રેફરન્ડ્મ લઇને જૂનાગઢની જનતાનો મત લેવામાં માનતા હોઈએ તો બાબી નવાબોનાં સારાં કાર્યોને આપણે બિરદાવવાં રહ્યાં. એવાં કેટલાંક નમૂનેદાર કાર્યો જોઈએ.
 જૂનાગઢમાં નવાબીકાળના બેનમૂન દરવાજા અને મકબરાઓ છે. એવા દરવાજા અને કોતરણીવાળા મહાબત ખાનના અને બ્હાઉદ્દીન મકબરા ધરોહર છે પણ અફસોસ કે એની જાળવણી પ્રત્યે ભયંકર બેદરકારી રાખવામાં આવી રહી છે. માત્ર 'રક્ષિત સ્મારક'નું પાટિયું મૂકી દેવાથી સ્મારકનું રક્ષણ થતું નથી. અશોકના શિલાલેખની છત બે વર્ષ પહેલાં તૂટી ગઇ પછી એ મહાન શિલાલેખ અવાવરૂ અવસ્થામાં પડયો છે. આ સ્થળોની માવજત કરીને જૂનાગઢને મહત્ત્વનાં ટૂરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી શકાય એમ છે. એ સરવાળે રાજ્યની તિજોરીના લાભમાં છે. જૂનાગઢને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસ થયા જ છે, યાત્રિકોની સંખ્યા વધી છે, પણ હજી થોડા વધારે પ્રયાસની જરૂર છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment