Saturday, 26 September 2015

[amdavadis4ever] વૃદ્ધત્વ: સફેદ વાળ તમ ારી પોતાની સિદ્ધિ છે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૯૬ વર્ષીય જ્હોન કેનેથ ગોલબ્રેઈથ પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં ભારતના અમેરિકન રાજદૂત હતા, જ્હોન કેનેડીએ એમને ઇંડિયા મોકલ્યા હતા. ગોલબ્રેઈથ આજે જીવિત છે અને એમનું સ્થાન વિશ્ર્વના મહાન અર્થશાસ્ત્રીઓમાં ગણાય છે. લંડનના 'ઓબ્ઝર્વર' દૈનિકમાં (ઓક્ટોબર ૧૦, ૨૦૦૪) એમને એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો અને એમણે ઉત્તર આપ્યો: મારાં ૯૦ પ્લસ વર્ષોમાં મને ભવિષ્ય ક્યારેય આટલું સાફ જોવા મળ્યું નથી! લાંબી જિંદગી જીવનારા મનીષી ભવિષ્યને સાફ જોઈ શકે છે. લંડન 'ટાઈમ્સ'ના ડિસેમ્બર ૮, ર૦૦૪ના અંકમાં ૭૫ વર્ષીય લેખક એલ આલ્વારેઝને પુછાયેલા પ્રશ્ર્નના ઉત્તર રૂપે એ કહે છે: જીવનમાં યોગ્ય વ્યક્તિ મળવી એ નસીબનો બહુ જ મોટો આશીર્વાદ છે, પણ એને માટે પણ અત્યંત સખત પરિશ્રમ કરવો પડે છે. આ બંને બૌદ્ધિકોના ઉત્તરોની પાછળ એક છાયા પડી રહી છે અને એ છાયા છે: વૃદ્ધાવસ્થા, બુઢાપો. સૂર્યાસ્ત પછીનો ઘેરાતો અંધકાર, જીવનનાં આશીર્વાદો અને સાફ ભવિષ્યની પાછળ જ અંતિમ સત્ય ઊભું છે: અવસાન! અને દેહાવસાન પછી શું થવાનું છે, ક્યાં જવાનું છે? મિત્ર અને સંસ્કૃતજ્ઞ બકુલ રાવળે ભગવદ્ગીતામાં શ્રી ભગવાને કહેલો એક શ્ર્લોક સંભળાવ્યો અને એ પછી કોઈ પ્રશ્ર્ન રહેતો નથી. શ્ર્લોક છે: ન તદ્ ભાસયતે સૂર્યો/ન શશાંકો ન પાવક:/યદ્ ગત્વા ન નિવર્તન્તે/તદ્ ધામ પરમં મમ! શ્રીકૃષ્ણ કહે છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી, જ્યાં ચંદ્ર નથી, જ્યાં અગ્નિ નથી, જ્યાં ગયા પછી કોઈ પાછું આવતું નથી, એ મારું પરમધામ છે...!

આ શ્ર્લોક પછી પાંચ શ્ર્લોકો આવે છે અને ભગવાન કૃષ્ણ છઠ્ઠા શ્ર્લોકમાં એક રહસ્ય મૂકે છે: યત્ આદિત્યગતમ્ તેજ:/જગત ભાસયતે અખિલમ્/યત્ ચન્દ્રમસિ યતં્ ચ અગ્નૌ/તત તેજ: વિદ્ધિ મામકમ્! જે સૂર્યનું તેજ પૂરા વિશ્ર્વને પ્રકાશિત કરે છે, જે તેજ ચંદ્રમાં સ્થિત છે, જે તેજ અગ્નિમાં છે એને તું મારું જ તેજ જાણ! જ્યારે આ તેજ ઝાંખું પડતું જાય છે ત્યારે શિક્ષિતોમાં આયુષ્ય અને અર્ધશિક્ષિતોમાં અવસ્થા નામના શબ્દો ફોકસમાં આવતા જાય છે. વૃદ્ધાવસ્થા. વૃદ્ધત્વ. બુઢાપો, ઘડપણ બધા જ શબ્દોનો અર્થ એક જ છે, ભૂંસાતા મેઘધનુષ્યને સ્પર્શ કરવાની મૌસમ છે. બુઢાપો કામ્પારી વાઈન જેવો છે, જીભ પર મીઠો લાગે છે (લોકો આદર આપે છે.) અને ગળાની નીચે જ્યારે વાઈન ઊતરે છે ત્યારે કડવો લાગે છે. બુઝુર્ગ એક ગુજરાતી શબ્દ છે, જેનું ગોત્ર ફારસી બોઝોર્ગ છે. 

બોઝોર્ગ એટલે મોટું. બોઝોર્ગતર અને બોઝોર્ગતરીન જેવા શબ્દો પણ ફારસીમાં છે, પણ આપણે બુઝુર્ગ સુધી આવીને અટકી ગયા છીએ. વૃદ્ધત્વ આવે એ કોઈને ગમતું નથી અને વૃદ્ધત્વ ન આવે એ પણ કોઈને ગમતું નથી. દરેક સ્થિતિ માટે ઉર્દૂના હુક્કાબરદારો જેવા શાયરો એકાદ શેર લઈને હાજર થઈ જ જાય છે: જાન સે અચ્છી જવાની જાયેગી/મૌત સે બદતર બુઢાપા આયેગા! દાંત વગરના શાયરોને કોઈએ અપાવેલાં કિમામવાળાં પાન ચાવવાની તકલીફ પડે જ છે... 

વૃદ્ધત્વ અને એકલતા એકબીજાના પર્યાય છે. ઘણા ખરાં માણસોને પોતાની ઉત્તરાવસ્થાનું આયોજન કરતાં આવડતું નથી. ચિત્રકાર લિયોનાર્દો દ' વીંચીએ મર્દાઈથી છલકતી વ્યાખ્યા આપી છે: જો તમે એકલા છો તો તમે નવા પુરુષ બનો છો! વૃદ્ધાવસ્થામાં માણસને મૃત્યુનો ડર લાગવો જોઈએ પણ ઘણા વૃદ્ધોને જીવતા રહેવાનો... જીવનનો ડર લાગવા માંડે છે! વૃદ્ધત્વ રોગ નથી, મશીનનો થાક છે, શરીરના પૂર્જાઓમાં વેર એન્ડ ટેર છે. આ અવસ્થામાં તમે સેન્થેટિક જ્ઞાન અને સ્વચ્છ જ્ઞાનને છૂટાં પાડી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરી લો છો: દિમાગ વધારે ધારદાર બને છે એવું હવે વિજ્ઞાન માનતું થયું છે. એકલતાની પ્રયોગશાળામાં વૃદ્ધત્વ લિટમસ પેપર છે જે જીવનની દિશા સ્પષ્ટ કરે છે. પ્રકૃતિ બહુ ક્રૂર માતા છે અને સમયના ધોધમાર આવેગને રોકી શકાતો નથી. એની મૂર્ખ લલનાઓ અને એમના ચક્રમ આશિકોને ખબર પડતી નથી. પ્રકૃતિના નિયમ વિરુદ્ધ જીવનારને પ્રકૃતિ જરૂર સખત સજા કરે છે. ૬૦મા વર્ષ પછી ૬૧મું વર્ષ જ આવવાનું છે, ૫૯માં નથી જ આવતું અને 'ક્વોલિટી ટાઈમ' તથા 'ક્વોલિટી લાઈફ' જેવા શબ્દો આપણી ભાષામાં નથી, પણ હોવા જોઈએ. બધી જ ઇંદ્રિયો બધા જ વિષયોના ભોગ-ઉપભોગ કરી શકે. અને કરતી રહે એ બુઢાપો પુણ્યાત્માઓને જ મળે છે...!

વૃદ્ધત્વ નામની વિભાવના મનુષ્યના વિશ્ર્વની જ ઊપજ છે? જંગલનાં પ્રાણીઓમાં વૃદ્ધત્વ જેવું નથી. અશક્ત પશુને સશક્ત પશુ મારી નાખે છેે, ખાઈ જાય છે, 'જીવો જીવસ્ય જીવનમ્'નો સિદ્ધાંત એ જંગલનો નિયમ છે. ગુલાબના ફૂલને વૃદ્ધત્વ નથી, છોડ પર ગુલાબના ફૂલને વૃદ્ધ થતાં જોયું છે? ગુલાબના ફૂલના કિસ્મતમાં જ વૃદ્ધત્વ નથી. એ કળી હોય, અર્ધ-વિકસિત હોય, જવાન હોય, ખીલી ઊઠે ત્યારે જ એને કતલ કરીને, શિરચ્છેદ કરીને, ગુલદસ્તામાં સજાવીને મૂકવામાં આવે છે, અને એ જ એનું મુકદ્દર છે. પાળેલાં જાનવરો લાંબું જીવે છે, કુટુંબ છે માટે મનુષ્યોમાં વૃદ્ધો લાંબું જીવી શકે છે. અને વૃદ્ધત્વની વ્યાખ્યા કે પરિભાષા જુદા જુદા જીવો માટે જુદી જુદી છે. કાકાકૌઆ, કાચબા, હાથી એકસો વર્ષો સુધી જીવી ગયાનાં પ્રાણીશાસ્ત્રમાં દૃષ્ટાંતો છે. મનુષ્યનું વૃદ્ધત્વ પહેલાંના જમાનામાં પ૦થી ૬૦ની વચ્ચે આવી જતું હતું. આજે ૨૧મી સદીમાં જગતભરમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, અને ૬૦થી ૭૦ અથવા એ પછીના વર્ષો માટે બુઢાપો શબ્દ છે. ૭૫મે વર્ષે માણસે વિચારવું જોઈએ કે હવે જવાની નથી! અને એનો અર્થ એ નથી કે વૃદ્ધત્વ આવી ગયું છે. જે માણસ નિવૃત્ત, નિષ્પ્રવૃત્ત, નિવર્તમાન થઈ જાય છે એને શારીરિક વૃદ્ધત્વ જલદી આવી જાય છે. ઉંમર એ માનસિક સ્થિતિ છે, એને વર્ષોની ગણતરી સાથે માત્ર એક સતહી સંબંધ છે. અને એક જ માણસના શારીરિક ઉંમર, માનસિક ઉંમર, બૌદ્ધિક ઉંમર એમ જુદી જુદી ઉંમરો હોઈ શકે છે. માખી ૩ દિવસમાં 'વૃદ્ધ' થઈ જાય છે, અને સસલાને વૃદ્ધ થતાં ૩ વર્ષ લાગે છે. કૂતરાનું એક વર્ષ મનુષ્યનાં દસ વર્ષો જેટલું ગણાય છે. કૂતરો ૮-૧૦ વર્ષ જીવી જાય તો એ પૂરી જિંદગી જીવ્યો છે એમ ગણાય છે. ઘોડો ૧૫ વર્ષ પછી થાકતો હોય છે. હિંદુસ્તાનમાં ૮૦ વર્ષ પછી રાજકારણીઓ રાજ્યોના રાજ્યપાલ બનતા હોય છે! બૂઢા થવાની જેવી મજા ઇંડિયામાં છે એવી મજા દુનિયામાં બીજે ક્યાંય નથી... ચિતા ઉપર પણ એમને માટે 'સ્વર્ગસ્થ' કે 'કૈલાસવાસી' જેવા એક શબ્દનો જન્મ થતો 

હોય છે. 

એક ઋષિ અને ઋષિપત્નીને શિવના આશીર્વાદથી માર્કણ્ડેય નામના પુત્રનો જન્મ થયો. પણ એક પૂર્વશર્ત હતી: આ બાળક અત્યંત તેજસ્વી હશે પણ ૧૬ વર્ષે એનો દેહાંત થશે, અથવા એ મૂઢમૂર્ખ રહેશે અને ૧૦૦ વર્ષ જીવશે! પસંદ કરો. ઋષિયુગલે પુત્ર માટે ૧૬ વર્ષનું આયુષ્ય પસંદ કર્યું. માર્કણ્ડેયને આ ખબર પડી ત્યારે એ એક શિવલિંગને ચોંટેલો રહ્યો, યમરાજ આવ્યા, માર્કણ્ડેયને પકડવા માટે ગાળિયો ફેંક્યો, ગાળિયો ભૂલથી શિવલિંગને ભરાઈ ગયો, લિંગમાંથી કોપાયમાન શિવ પ્રકટ્યા, યમને લાત મારીને બેશુદ્ધ કરી નાખ્યો અને માર્કણ્ડેયને શાશ્ર્વત યુવતાના આશીર્વાદ આપ્યા. ખ્રિસ્તી ધર્મમાં દીર્ઘાયુષ્યની વાત બાઈબલના જેનેસીસ (પ:ર૭)માં આવે છે. મેથ્યુસેલાહ ૯૬૯ વર્ષો જીવે છે. આપણાં શાસ્ત્રોમાં સેંકડો વર્ષો જીવનારાં પાત્રો બેશુમાર છે. અબ્દપૂર્તિ એટલે એક વર્ષ અને શતાબ્દ પૂર્તિ એટલે એકસો વર્ષ.

ઉત્તરાવસ્થામાં ગરીબી અને મોહતાજી જોવી અને જીવવી પડે એનાથી વધીને કોઈ અભિશાપ નથી. નાની વયે પ્રસિદ્ધ થઈ ગયેલા ફિલ્મસ્ટારો અને રમતવીરો જ્યારે બેરોજગાર થઈ જાય છે ત્યારે એમની હાલત દયાપાત્ર બની જાય છે. દરેકને જિંદગીમાં એક દશક કમાવાનો મળી રહે છે. અને દરેકને ભવિષ્ય માટે આયોજન કરતાં આવડતું નથી. પાછલાં વર્ષો જિંદગીની બધી જ મજાઓ સંતોષથી કરવાનાં વર્ષો છે. અને બધાને એ મજાઓ કરતાં આવડતી નથી. સફેદ વાળ એ તમારી પોતાની સિદ્ધિ છે, ભગવાને મોકલ્યા નથી. આલ્બેર કામ્યુએ લખ્યું હતું: ૪૦ વર્ષ પછી તમારા ચહેરા પરની દરેક રેખા માટે તમે જવાબદાર છો...!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment