Saturday, 26 September 2015

[amdavadis4ever] ટ્રાફિક જામ કરે જીવનના ચક્કાજામ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તાજેતરમાં શહેરમાં બે હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની સર્જરીઓ થઈ ને ધબકતા હૃદયને દર્દી સુધી પહોંચાડવા ટ્રાફિક પોલીસ, વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓએ ખાસ કૉરિડૉર ઊભો કરી ચોક્કસ સમયમાં રસ્તો કાપ્યો એવા સમાચાર જાણીને આપણું દિલ હાથીકદનું બનીને ઊછળ્યું હતું, પણ ટ્રાફિક જામમાં બેસી રહીને માણસને હાથીપગો થઈ ગયો એવું જાણ્યું નથી તોય ઑટોરિક્ષામાં કે ટેક્સીમાં પ્રસૂતિ થઈ, વ્યક્તિને હૉસ્પિટલમાં પહોંચાડતા ઍમ્બ્યુલન્સમાં તેનું મૃત્યુ થયું, દસ્તાવેજો માગનારા પોલીસને ક્રોધે ભરાઈ ડ્રાઈવરે ફટકાર્યો, મિજાજમાં વ્યક્તિ વાહન છોડીને રિક્ષા કરીને રવાના થઈ ગઈ જેવા સમાચારો વાંચીને છાપાની ઘડી વાળી છે કે ટીવીની ચૅનલ બદલી છે. જોકે આપણે નથી જાણતા ટ્રાફિક જામ કેવા સંકટો લાવે છે. ૧૯૯૩ની હોલીવૂડની સાઈકોલોજિકલ ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'ફોલિંગ ડાઉન'માં લગ્નભંગ થયેલો અને બેકાર ભૂતપૂર્વ લશ્કરી એન્જિનિયર વિલિયમ ફોસ્ટરની ભૂમિકા અમેરિકન ઈંગ્લિશ ફિલ્મોના જાણીતા અભિનેતા માઈકલ ડગ્લસે ભજવી છે, તે એક દૃશ્યમાં ટ્રાફિક જામમાં અટવાઈ ગયો છે અને રોષે ભરાઈને કાર ત્યજી દઈને ચાલવા માંડે છે ને તોફાને ચડે છે.

ટ્રાફિકનો અર્થ જાણકારો એવો કરે છે કે, રસ્તામાં રાહદારીઓ, રખડતા કે દોરી લઈ જવાતા જનાવરો, ખાનગી-જાહેર વાહનો, બસો, માલવાહક વાહનો વગેરે હોતાં તે ટ્રાફિક બને છે. વાહનવ્યવહાર કે પરિવહન એવું આપણે કહીએ છીએ. આ પરિવહન યોગ્ય રીતે, ખોટકાયા વગર, અખંડિત પ્રવાહ પેટે ચાલ્યા કરે એ માટે ટ્રાફિક માટેના કાયદા દરેક દેશમાં ઘડી કાઢવામાં આવ્યા છે, છતાં ટ્રાફિક ક્ધજેશન- ટ્રાફિક જામ-વાહનવ્યવહારનો ભરાવો થાય જ છે. ટ્રાફિક ઓર્ગેનાઈઝ્ડ ન હોય એટલે કે નિયમબદ્ધ ન હોય તો ટ્રાફિક જામની અવસ્થા સતત હોઈ શકે. ટ્રાફિક શબ્દનો મૂળ અર્થ ટ્રેડ છે (જે આજે પણ છે), આ શબ્દ જૂની ઈટાલિયન ભાષા પરથી ઊતરી આવ્યો છે. ક્રિયાપદ (વર્બ) છે, ટ્રાફિકેર અને નામ (નાઉન) છે, ટ્રાફિકો. આ મૂળ ઈટાલિયન શબ્દનું મૂળ સંદિગ્ધ છે. ટ્રાફિક જામ થવાનાં કારણોમાં રસ્તાનો ક્ષમતાથી અનેકગણો વધુ વપરાશ, ઓછી ગતિ અને પ્રવાસનો લાંબો સમય જેવી બાબતોનો સમાવેશ જાણકારો કરે છે. આ કારણોસર વાહનોની લાંબી કતારો ઊભી થાય છે. ક્યારેક સતત ચાલતા વાહનોના પ્રવાહમાં ભંગાણ પડતા ટ્રાફિક જામ સર્જાય છે. વારંવાર કે લાંબો સમય ટ્રાફિક જામમાં સપડાતો ડ્રાઈવર હતાશ થઈને મગજ ગુમાવી બેસે છે અને 'રોડ રેજ'માં સંડોવાઈ જાય છે, જેને આપણે ડ્રાઈવર 'ગાંડો થયો' કહીએ છીએ.

ટ્રાફિક જામ કે ટ્રાફિક સ્નાર્લને કારણે વ્યક્તિગત અને રાજ્યગત કે શહેરને થતા આર્થિક નુકસાનીનો પાકો અંદાજ મૂકી શકાતો નથી. ટ્રાફિક જામને 'ટ્રેજેડી ઑફ કૉમન્સ' તરીકે જોવાય છે, જેમાં એક હદની તકલીફ પછી દરેક વ્યક્તિ પોતાને મનફાવે એમ વર્તે છે છેવટે દરેક જણ વાહનોના ભરાવાનો ભોગ બની બેસે છે. આમ તો એની વ્યાખ્યા વ્યાપક છે. ટ્રેજેડી ઑફ ધ કૉમન્સનો સંબંધ સીધો સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ-ટકાઉ વિકાસ, આર્થિક વૃદ્ધિની અવ્યવસ્થા, પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વૉર્મિંગની ડિબેટ સુધી લંબાય છે. અર્થશાસ્ત્રી એન્થની

ડાઉન્સ દલીલો કરતા 'રશ અવર' દરમિયાનના ટ્રાફિક જામને અપરિહાર્ય-અનિવાર્ય ગણાવે છે. મૂડીવાદી દેશમાં માલસામાન પ્રાઈસિંગથી (ચૂકવવાની શક્તિ આધારિત) અથવા ક્યુઈંગ દ્વારા (વહેલો તે પહેલોના ધોરણે) ફાળવવામાં કે આપવામાં આવે છે. ટ્રાફિક સ્નાર્લ-અપ એ બીજા પ્રકારમાં આવે છે. નવા રસ્તા બાંધીને અથવા છે તે રસ્તા ખાસ્સા પહોળા કરીને ટ્રાફિક સ્નાર્લ અપ કેટલેક અંશે દૂર કરી શકાય, પણ વાહનોની સંખ્યા મર્યાદિત રાખી શકાય તો જ એ આવકાર્ય છે. આવા ટ્રાફિક જામને કારણે બગડી જાય તેવી સામગ્રી જો સમયસર ન પહોંચાડી શકાય તો એ નુકસાન છે, તેવી જ રીતે નોકરિયાતોને સમય અને વેતન બેઉની હાનિ સહન કરવી પડે. મોટા કોન્ટ્રેક્ટો થતા અટકી પડતા તેમાં પણ નાણાકીય નુકસાન અગણિત હોય છે. પરીક્ષાર્થીઓ, બીમારો, નવી નોકરી માટે જનારાઓને જે નુકસાન થાય છે એની કલ્પના પણ આપણે કરતા નથી.

ટ્રાફિક ક્ધજેશન કે ટ્રાફિક સ્નાર્લ અપની નકારાત્મક અસરો જોઈએ. તેને કારણે મોટરિસ્ટો અને પેસેન્જરોનો સમય વેડફાય છે જેને ઓપર્ચ્યુનિટી કોસ્ટ કહે છે. ટ્રાફિકમાં સપડાયેલા મોટા ભાગના લોકો માટે એ બિનઉત્પાદક કાળ છે. ક્ધજેશન પ્રાદેશિક આર્થિક તંદુરસ્તી બગાડે છે. વિલંબનું પરિણામ કર્મચારીઓના કામ પર, મીટિંગોમાં, ભણવામાં મોડા પડવામાં આવે છે જેનાથી વેપારી હિતને નુકસાન થાય છે. શિસ્તભંગના પગલાં લેવાતા અંગત નુકસાન થાય છે. ચોક્કસ ટ્રાવેલ ટાઈમ નિર્ધારિત કરવાની અક્ષમતા, ડ્રાઈવરોને ફાળવાયેલા પ્રવાસ સમયમાં વધારો થાય છે એટલે ચુકવણી વધે છે. સમય બિનઉત્પાદક કાર્યમાં વપરાઈ જાય છે. મોંઘા ભાવનું અને ચોકસાઈથી વાપરવાનું બળતણ વેડફાય છે. વાહનો દ્વારા કાર્બન ડાયોક્સાઈડ વછોડવામાં આવતાં હવામાં પ્રદૂષણ વધે છે. ટ્રાફિકમાં ચાલુ વાહન લાંબો સમય ખડું રહેતાં તેની જાળવણીના ખર્ચમાં વધારો થાય છે. મોટરિસ્ટોના આરોગ્યમાં ખરાબી વધે છે. તેની તંગદિલી વધે છે અને તાણને પગલે રસ્તામાં અકસ્માતોનું પ્રમાણ પણ વધે છે. ઈમરજન્સી માટેના વાહનો (ઍમ્બ્યુલન્સ, તબીબી વાહનો)ના અટવાઈ જવાનું પ્રમાણ વધે છે. ભરાવામાંથી છૂટવા વાહનો વૈકલ્પિક માર્ગો શોધવા માંડતાં નાના અને અંદરના રસ્તા પર ટ્રાફિક વધતા એ રસ્તાઓ પરની શાંતિનો ભંગ થવા લાગે છે. આવા સ્પીલ ઑવરને કારણે તે વિસ્તારોની સુવિધા જોખમમાં આવી પડે છે અને રિઅલ એસ્ટેટના ભાવોને અસર પહોંચે છે. આખું વિશ્ર્વ ટ્રાફિકના ભરાવાથી પીડાય છે. મેલબર્ન, સિડની, બ્રિસબૅન અને પર્થ જેવા મોટા અને મહત્ત્વના ઑસ્ટ્રેલિયન શહેરોમાં ગિરદીના સમય-પીક-અવર્સમાં મોટા પાયે વાહનોનો ભરાવો અનુભવાય છે અને પ્રચંડ વિલંબ સહેવો પડે છે. બાંગલાદેશમાં ઢાકાનો ટ્રાફિક ભરાવો તો અસહ્ય હોય છે. સામાન્યપણે આધુનિક યુગના શહેરોમાં તેના કુલ વિસ્તારના ૨૫ ટકા રસ્તા માટે ફાળવેલા હોવા જોઈએ, પણ ઢાકામાં માત્ર સાત જ ટકા રસ્તા ટ્રાફિક માટે ફાળવાયા છે, વળી શહેરમાં રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો અભાવ છે. સંગઠિત શહેરી આયોજન કાર્યનો અભાવ છે તો ડ્રાઈવિંગનાં ધોરણો પણ ભારે કંગાળ છે. ટાઈમ મેગેઝિને જણાવ્યા અનુસાર બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં વિશ્ર્વની સૌથી ખરાબ ટ્રાફિક વ્યવસ્થા છે. કેનેડામાં ટોરોન્ટોને થોડા વર્ષો અગાઉ સૌથી વધુ ટ્રાફિક જામ ધરાવતું શહેર ગણાવાયું હતું. ચીનમાં હેઈબી પ્રાંતમાં નેશનલ હાઈવે પર ૧૧૦ ટ્રાફિક જામ જોવાયા હતા. આ પ્રાંતને વિશ્ર્વના સૌથી વધુ ખરાબ વાહનોના ભરાવાનો પ્રાંત કહેવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે પર ૧૦૦ કિલોમીટરથી વધુ અંતરનો ટ્રાફિક જામ જોવા મળવો સહજ છે. ૨૦૧૦ના વર્ષ બાદ બીજિંગે શહેરના ખરાબમાં ખરાબ ટ્રાફિક જામને દૂર કરવા કઠોરમાં કઠોર પગલાં જાહેર કર્યા હતા. ઈન્ડોનેશિયાના જકાર્તામાં મોટા અને મહત્ત્વના હાઈવે પર રોજ જ વાહનોના પ્રચંડ ભરાવાનો અનુભવ કરે જ છે. દરરોજ એક સ્થળે એક જ રીતે ટ્રાફિકનો ભરાવો થાય છે. વિશ્ર્વની સૌથી લાંબી ટ્રાન્સજકાર્તા બસ સિસ્ટમ છે. ટ્રાફિક જામમાં ન્યૂઝી લૅન્ડ, ટર્કી, બ્રિટન પણ પાછળ નથી. ભારતના મોટા શહેરોમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે, જેને કોઈ રીતે અટકાવી શકાય એમ નથી. અમેરિકામાં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે દેશના ૭૫ જેટલા સૌથી મોટા મેટ્રોપાોલિટન વિસ્તારોમાં ૩.૬ અબજ વાહન કલાકો વેડફાયા હતા. ૨૧.૬ અબજ લિટર બળતણ વેડફાયું હતું. ૬૭.૫ અબજ ડૉલરનું ઉત્પાદન-નુકસાન થયું હતું.

આમ ટ્રાફિક જામ, ટ્રાફિક સ્નાર્લ અપ કે વાહનોના ભરાવાથી કોઈ બચી શક્યું નથી. આ તો રોડ ટ્રાફિકના ભરાવાની વાત થઈ છે. એર-ટ્રાફિક ભરાવો પણ આગવી બાબત છે. બંદરો પર જહાજોના ભરાવાના કારણે પણ નાણાકીય નુકસાની થયા કરતી હોય છે. અનેક માનવ કલાકો બિનઉત્પાદક વેડફાતા રહે છે. માત્ર અને માત્ર જનતાની અને વહીવટીતંત્રની પ્રબળ ઈચ્છાશક્તિ આવા અબજો ડૉલરોના નુકસાનને રોકી શકે. બહુ મોટી, ઝીણવટભરી, દૂરંદેશી આયોજનવાળી સિસ્ટમને અમલમાં લાવ્યા વિના એ શક્ય નથી. અહીં આપણે મોટરિસ્ટોની માનસિક અને શારીરિક તંદુરસ્તી પર થતી ગંભીર અસરોની અને જન્મ લેનારાં, ગર્ભસ્થ બાળકોના આરોગ્યની સ્થિતિ વિશે વાત કરી નથી એ વિશે સેપરેટ વાત કરવી પડે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment