Sunday 10 July 2016

[amdavadis4ever] કચ્છી ઓર્કે સ્ટ્રા નામે એકતા સંગીતન ી અનેરી પહેલ

 


સફેદ રણની જેમ કચ્છી સંગીતનીયે એક અલગ પહેચાન છે. દાયકાઓથી કચ્છી વાદ્યકાર કે ગાયક દેશ-વિદેશમાં પોતાના કલા-કૌશલ્યના કામણથી નામના મેળવતા રહ્યા છે. સિત્તેરના દાયકામાં દિલ્હીના રાષ્ટ્રીય ટેલિવિઝન પર જાણીતા હિન્દી સર્જક કમલેશ્ર્વરે પહેલીવાર કચ્છી નવા વર્ષ નિમિત્તે કાર્યક્રમ રજૂ કર્યો હતો તેમાં ગાયિકા ધનબાઇ કારા "બાઇ મુંજો ગોલાડો મીઠો... લોકગીત લાક્ષણિક અદાથી ગાઇને નાના પડદે છવાઇ ગઇ હતી. એ જ અરસામાં પેરિસના વિશ્ર્વ મેળાના આરંભે મુન્દ્રાના સુલેમાન જુમાએ નગારાવાદન એફિલ ટાવર સમીપે કર્યું એનેય બહોળી પ્રસિદ્ધિ મળી હતી. તો '૮૦ના દાયકામાં ભુજમાં આઇ.એન.ટી. સંસ્થાના મોભી પ્રવીણભાઇ જોશી (રાજકોટ)ની પહેલથી કચ્છી માલધારી સંગીત મહોત્સવે ત્રણ દિવસ સુધી ધૂમ મચાવી હતી. તેમાં કચ્છી વાદ્યકારો, ગાયકો અને કલાકારોને પોતીકી પરંપરા અનુસારની સંગીતકલા પેશ કરવાની તક મળી હતી. એ મહોત્સવમાં માલો રબારી નામનો એક ઢોલી પહેલીવાર સ્ટેજ પર પેશ થયો હતો અને શ્રોતાઓ વાહવાહ પોકારી ઊઠ્યા હતા. જો કે, કચ્છી વાદ્યકારો અને ગાયકોને આકાશવાણી ભુજ કેન્દ્રએ પણ વિસ્તૃત રીતે પેશ થવાની તક આપી એ પણ નોંધવા જેવું છે. 

ખેર, પણ કચ્છના આગવા સંગીતની છૂટીછવાઇ પેશગી સમયના બદલાવ સાથે પ્રગતિ સાધતી રહી છે. માત્ર ધનબાઇ કારા કે સુલેમાન જુમા જ નહીં જોડિયા પાવાનો ઉસ્તાદ મુસા ગુલામ જત, મોરચંગમાં માહિર પઠાણ સામત સાજન, મોરલી બીન પર શાસ્ત્રીય રાગ છેડનાર સૂરજનાથ અને ડંકાનાથ વાદી અને ધનબાઇ ગઢવી સહિતના અનેક નામી-અનામી કલાકારોએ કચ્છી ગીત-સંગીતને ઘેર ઘેર જાણીતું કરવામાં ભાગ ભજવ્યો છે.

પણ કચ્છના છેક છેવાડે રણ, દરિયા કે પછી વાગડના ખડીર જેવા ખૂણાના કોઇ ગામડે પેઢી દર પેઢીથી ગવાતી કે વગડાવાતી સંગીત પરંપરાને અનેક જાતિઓ સાચવીને બેઠી છે એનું શું ? દા.ત. ફકીરાણી જત, હરિજન, ભીલ, ફકીર બારોટ, મદારી, વાદી જેવી જાતિઓના આગવા ગીત-સંગીતથી સામાન્ય કચ્છીજન પરિચિત નથી. તેઓ પણ આપણી કલાના એક આગવી પરંપરાના ઉપાસક છે અને તેમના તરફ જો યોગ્ય ધ્યાન નહીં અપાય તો એમની લાક્ષણિક્તાઓ લુપ્ત થઇ જશે. સંભવત: આવા ખ્યાલથી જ ભૂકંપ પછીના સમયમાં કચ્છી સંગીત પરંપરાઓના વ્યવસ્થિત દસ્તાવેજીકરણની પહેલ થઇ છે.

આમ તો કચ્છ મહિલા વિકાસ સંગઠને ભૂકંપ પહેલાં જ 'કુંજલ પાંજે કચ્છજી' નામે એક શ્રેણી આકાશવાણી ભુજ પરથી રજૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ પંચાયતીરાજમાં મહિલા નેતૃત્વની જાગૃતિનો હતો, પણ એને લીધે કચ્છના અંતરિયાળ અને છેક છેવાડાના વિસ્તારોની વાસ્તવિક્તાઓ સામે આવવા 

લાગી હતી. તેમાં કચ્છી સંગીત પરંપરાનીયે ખબર પડેલી. એ પછી 'કચ્છ લોકજી વાણી' અને 'મુસાફરી' સિરિયલો શરૂ થઇ અને સંગીત પરંપરા તેમ જ કચ્છી ગામડાનું દસ્તાવેજીકરણ હાથ ધરાયું હતું.

આ પ્રક્રિયા દરમ્યાન એક એવી લાગણી વ્યક્ત થઇ કે કચ્છને ખૂણે ખૂણે જે સંગીત કલાકારો પથરાયેલા છે, તેમને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તો રોજીરોટીનું એક સાધન તેમના માટે ઊભું થઇ શકે. જેમ રાજસ્થાનમાં પર્યટન-પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે સાથે ગામઠી લોકકલાકારોનેય કમાણીનું વ્યાપક સાધન મળી રહે છે તેમ કચ્છમાં પણ થઇ શકે. ૨૦૦૪થી રણોત્સવ આમેય ઝડપથી લોકપ્રિય થઇ રહ્યો હતો. તેથી મહિલા વિકાસ સંગઠનની પહેલથી જ ૨૦૦૮માં કચ્છ સંગીત સાધક સંઘની રચના થઇ અને ભારમલ સંજોટ એના કો-ઓર્ડિનેટર બન્યા. તેમણે કલાકારોને સંગઠિત કરવા માંડ્યા અને એક ટીમ બનાવી જુદા જુદા શહેરોમાં કચ્છી ગીત-સંગીત રેલાવીને કચ્છીયતને ઊજાગર કરતા રહ્યા. દિલ્હી, વડોદરા, બનારસ, બેંગ્લોર ઉપરાંત માંડવી, નલિયા, હોડકોમાંયે કચ્છી કાર્યક્રમ થયા. ૨૦૧૦ની ૨૬મી જાન્યુઆરીએ ભૂકંપની દશમી વરસીએ ભુજના હમીરસરના કિનારે ૮૩ કલાકારોએ જાહેર કાર્યક્રમ આપ્યો, એની ભરપેટ પ્રશંસા ભુજવાસીઓએ કરી એટલું જ નહીં ત્રીસ હજારનું ડોનેશન ઘોરરૂપે સ્વયં ધરી દીધું. આને લીધે કલાકારોનો ઉત્સાહ ઓર વધ્યો અને ૨૦૧૧માં ભુજના ટાઉનહોલમાં વર્કશોપ યોજ્યો તેમાં આ સરહદી જિલ્લાના અસલ અને તડપદા કહી શકાય એવા ૩૫૦ જેટલા કલાકારો ઊમટી પડ્યા. ચર્ચાના અંતે 'સૂરવાણી' સંગઠન રચાયું આ સાથે છેવાડાના ગામોમાં પડેલી પ્રતિભાઓની ખોજ અને પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે 'રેયાણ'નો પ્રયોગ હાથ ધરાયો. ભારમલ અને અન્ય ચારેક કલાકારો એક ગામ પસંદ કરે અને ત્યાં જાય. રાતે ગામ લોકો અને સ્થાનિક કલાકારોને ભેગા કરી ચર્ચા કરે અને સંગીતનીયે રમઝટ બોલાવે. આમ થવાથી વાદ્યકારો અને ગાયકોને એક્સપોઝર મળી રહે છે. સાડા ત્રણ વર્ષમાં ૩૬ ગામડામાં 'રેયાણ' કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડાયા છે.

ગયા વર્ષે એક નવો અને રચનાત્મક મોડ મુંબઇના માટુંગાના કાર્યક્રમથી આવ્યો. બન્યું એવું કે લાલ રાંભિયાએ 'કલાવારસો'ના ઉપક્રમે ભારમલ સંજોટના નેજા હેઠળ કચ્છી કલાકારોને ત્રણ દિવસીય કાર્યક્રમમાં બોલાવ્યા. એ વખતનું તેમનું પરફોર્મન્સ જોઇને શાસ્ત્રીય સંગીતથી વાકેફ એવા એક કચ્છી મહાજન દેવેન્દ્રભાઇ પાસુને તેમનામાં કાંઇક ખૂટતું હોય એવો આભાસ થયો. રણનું સંગીત રાજસ્થાનના કલાકારોયે રજૂ કરે છે અને કચ્છી કલાકારોયે પીરસે છે, પણ બંનેની સ્ટેજ પરની વર્તણૂક, હાવભાવ અને તૈયારીમાં દેખીતો ફેરફાર નજરે પડે છે. રાજસ્થાની કલાકારો વ્યાવસાયિક રીતે તમામ પ્રકારે તૈયાર છે, જ્યારે કચ્છી કલાકારો રિયાઝ અને પદ્ધતિસરના સંગીતની જાણકારીના અભાવે સમૂહ એટલે કે વૃંદ સંગીત કે ગાયકીમાં પાછા પડે છે. રાજસ્થાની કલાકારો જુદા જુદા વાજિંત્રો સાથે જુગલબંધી સૂર અને લય સાથે કરી શકે છે. સમૂહ ગીત કે યુગલ ગીત વખતે તમામ વાજિંત્રો સાથે ઓરકેસ્ટ્રા રૂપે ટ્યુનિંગ પણ રાજસ્થાની મંચ પર જોવા મળે છે, પણ આપણા કલાકાર એ કરી શકતા નથી.

બીજા અર્થમાં કહીએ તો એક વ્યાવસાયિક કલાકાર અને વૃંદ તરીકે કચ્છીઓને તૈયાર કરવા જરૂરી છે એવું લાગતાં દેવેન્દ્રભાઇ અને લાલભાઇએ ભારમલને વિશ્ર્વાસમાં લઇને ચર્ચા કરી. અંતે એવું નક્કી થયું કે કચ્છી લોકગીત અને સંગીતને શાસ્ત્રીય પરંપરાની સમજ સાથે પેશ થઇ શકે એ માટે કલાકારોને તાલીમ આપવી અને રિયાઝ પણ કરાવવી. દેવેન્દ્રભાઇએ નાણાકીય જવાબદારી સ્વીકારી લીધી અને કલા-વારસોના નેજા હેઠળ ભારમલ સંજોટે લાલભાઇની સલાહ મુજબ કચ્છી ઓર્કેસ્ટ્રા સર્જીને કચ્છી લોકસંગીતની હાર્મની અને મેલેડી વહેતી કરવાનું બીડું ઝડપી લીધું.

પણ આ માટે કલાકાર સમયનો ભોગ આપવા તૈયાર થાય એ જરૂરી હતું. જુદા જુદા વાદ્યકાર અને ગાયક મળીને લગભગ દોઢેક ડઝન કલાકાર તૈયાર થયા. ભારમલે રૂદ્રમાતા ડેમના પરિસરમાં મડબ્લોકના ઝૂંપડાવાળી વસાહતમાં પોતાનું એક નિવાસ અલગ ફાળવીને 'રિયાઝ શાળા' શરૂ કરી. તેમણે આ માટે બૅન્કમાંથી લોન લીધી અને ઘરના નાણાંયે ખર્ચ્યા. કચ્છી સંગીતથી પરિચિત એવા અમદાવાદના મ્યુઝિક ડાયરેક્ટર દેવલ મહેતા પણ તાલીમ આપવા માટે રિયાઝ શાળા સાથે જોડાયા. જાણીને નવાઇ લાગશે કે શંકર બારોટ, દાના ભારમલ, વાલજીભાઇ જોગી, નામેરી પરમાર, શાંતા અને સવિતા બારોટ, કનુ ભીલ, કાનજીભાઇ રાણા, રમણીક પરમાર, હીરા અજુ, પરબત જોગી, આદમ લતીફ, વાઘા કારા, મયૂર આચાર્ય, રોહન ત્રિપાઠી, ડંકાનાથ વાદી, નૂરમામદ અને ગીતા કોળી સહિતના કલાકારો આજે સૂર અને તાલની જાણકારી મેળવીને પોતાની ગાયકી અને સંગીતને વધુ આકર્ષક-અસરકારક બનાવી શક્યા છે, બનાવી રહ્યા છે. છેલ્લાં એક વર્ષમાં કુલ ૫૬ દિવસ સુધી આ વૃન્દે રૂદ્રમાતા ડેમના પરિસરમાં રિયાઝ કરી છે. તેમને સંગીતના ફિક્સ સ્કેલ, ટાઇમ સેન્સ સહિત ઓર્કેસ્ટ્રાના રૂપમાં પરફોર્મ કરવા તૈયાર કરાયા છે. રિયાઝ શાળામાં અદ્યતન રેકોર્ડિંગ સ્ટુડિયોમાં વપરાય એવી મોંઘી સાઉન્ડ સિસ્ટમ વસાવાઇ છે. દર મહિને ત્રણથી ચાર દિવસ સતત રિયાઝ ચાલે છે. સૌ કલાકારો અહીં જ રોકાય છે અને તાલીમ સાથે સાધનાયે કરે છે.

નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના કચ્છની સૌ જ્ઞાતિઓના સંગીત વારસાને 'એક્તા સંગીત'ના નામે સાકાર કરવાનું સપનું કચ્છી લોકગાયક અને જૈન શ્રેષ્ઠીએ સેવ્યું હતું તે હવે સાકાર થઇ રહ્યું છે. આ વૃન્દે માંડવી, ભુજ, મુંબઇ જેવા સ્થળે જાણકાર લોકો વચ્ચે કાર્યક્રમ રજૂ કર્યા છે. એમનામાં આવેલો બદલાવ જોઇ શકાય છે. વ્યાવસાયિક સ્પર્શ દેખાઇ રહ્યો છે. એમનો દેખાવ જોયા પછી હવે બીજા કલાકારોનેય લાગે છે. શાસ્ત્રીય તાલીમથી વ્યાવસાયી સંગીતમાં આગળ વધવાની શક્યતાઓ-તક વધી જાય છે. સંભવ છે આવી જ તાલીમ લઇને આવતીકાલે કોઇ અજાણ્યા કચ્છી કલાકાર આજના વિખ્યાત મૂરા લાલા, ઇસ્માઇલ મારા, ઓસમાણ મીર, જીવીબેન કાપડી, લક્ષ્મણ બારોટ કે અમીના મીરે હાંસલ કરેલી સિદ્ધિના શિખરે પહોંચી જશે. ભારમલ સંજોટ કહે છે કે, કલા-વારસોની નેમ કચ્છના દૂર દૂરના ગામડામાં રહેતા સેંકડો કલાકારો પોતાની કલા-સંગીતના માધ્યમથી નાણાં કમાઇ શકે અને રાજસ્થાનના કલાકારો જેવી જ વ્યાવસાયિક અભિગમ ધરાવતી પેઢી તૈયાર કરવાની છે અને એના એક ભાગરૂપે જ કચ્છી ઓર્કેસ્ટ્રા તૈયાર કરાયું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment