Saturday 30 July 2016

[amdavadis4ever] દૂધ: માંસાહા ર કે શાકાહાર?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બંગાળી સ્ત્રીઓ મીઠા પાણીની માછલી ખાય છે એટલે એમની આંખો સારી હોય છે. 'મદ્રાસી' ભાત ખાય છે, એટલે બુદ્ધિવાળા છે. જાપાની દૂધ પીતા નથી પણ બહુ સ્ફૂર્તિવાળા છે. હરિયાણાના જાટ દૂધ પીએ છે એટલે તગડા છે. શીખો સુવ્વર ખાય છે એટલે જબરા છે. અફઘાનો ઘેટાનું માંસ ખાય છે એટલે એમનાં માથાં ઘેટા જેવાં હોય છે. અમેરિકનો ગાયનું માંસ ખાય કે એટલે 'બીફી' અથવા હૃષ્ટપૃષ્ટ હોય છે. ગોવાનીઝ દરિયાના ખારા પાણીની માછલી ખાય છે એટલે સરસ ખાઈ શકે છે. કેરાલાની છોકરીઓ કોપરાનું તેલ ખાય છે એટલે હિંદુસ્તાનમાં સૌથી ઝડપથી દોડી શકે છે. ગુજરાતીઓ છએ છ સ્વાદનાં ભજિયા ખાય છે એટલે અનુકૂલન કે એડ્જસ્ટમેન્ટના ઉસ્તાદ છે.

આ બધાં જ વિધાનો તોફાની છે, અને તર્કથી પર છે. ક્યારેક મનમાં એક માન્યતા ઘર કરે છે અને પછી આપણે એ માન્યતાને અનુરૂપ વિધાન કરીએ છીએ. ત્રણ વર્ષ પહેલાં શ્રી અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘ નામની એક સંસ્થાએ એક જાહેરખબર આપી હતી. એ જાહેરખબરમાંથી એક અંશ: 'સાવધાન! ગાંધીજીએ ઈંડાં ન ખાધાં તો જીવી ગયા...' આ જાહેરખબરમાં આગળ લખ્યું છે: 'મહાત્મા ગાંધીજીએ મરણપથારીએ હોવા છતાં વેગવેજિટેરિયન(?) ઈંડું ન ખાધું તો તેઓ બચી ગયા અને દેશને આઝાદી અપાવતા ગયા.'

મહાત્મા ગાંધીજી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની બાબતમાં ગુજરાતી સદ્ગૃહસ્થો માટે બૅરોમિટરરૂપ છે. એટલે આ વિશે એક અક્ષર પણ લખાય નહીં. ઈંડું ખાવું કે ન ખાવું એ ગુજરાતી હેમલેટ જેવો પ્રશ્ર્ન નિરુત્તર રહે છે. પણ ગાંધીજીએ એક વાર લખ્યું હતું કે જેને દૂધ પીવામાં બાધ ન હોય એને ઈંડાં ખાવામાં બાધ ન હોવો જોઈએ! હવે બીજો અને વધારે જટિલ પ્રતિપ્રશ્ર્ન: જો ઈંડા નૉનવેજિટેરિયન હોય તો દૂધ નૉન-વેજિટેરિયન ગણાય? દૂધ માંસાહાર કહેવાય કે શાકાહાર? મારા અત્યંત નમ્ર મત પ્રમાણે દૂધ નૉન-વેજિટેરિયન ગણાવું જોઈએ...

શાકભાજીવાદીઓ અથવા શાકાહારીઓ મને ઘણી વાર જુલમી દલીલબાજો લાગ્યાં છે. હમણાં મુંબઈમાં એક પ્રદર્શન ભરાયું જેમાં બતાવાયું હતું કે માંસાહાર વિના પણ માણસ સ્વસ્થ રહી શકે છે. આ વાત સાથે સહમતી જ હોય. માંસાહાર કે શાકાહાર દરેક વ્યક્તિનો વ્યક્તિગત શોખ કે જરૂરિયાત છે. પણ આ પ્રદર્શન, જેનું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાટિલ-લિંગેકરે ઉદ્ઘાટન કર્યું હતું. એવી વાત કહેતું હતું જે તર્કશુદ્ધ નથી અને પ્રામાણિક પણ નથી. એમાં હતું કે કેટલાક મહાન રમતવીરો વેજિટેરિયન છે. આ મહાન રમતવીરોનાં નામો હતાં: પ્રકાશ પદુકોણ, પી. ટી. ઉષા અને વિજય મરચંટ! આ પ્રદર્શન એક જૈન સંતને અર્પણ કરવામાં આવ્યું હતું. શાકાહાર કે અહિંસા કે જૈન ધારા વિશે કોઈ મતભેદ કે મનભેદ નથી... પણ હકીકતદોષ આપણને ખોટે માર્ગે લઈ જાય છે. વિજય મરચંટ મહાન છે અને શાકાહારી છે એ કબૂલ, પણ ઉષા કે પ્રકાશ પદુકોણ શાકાહારી છે? આપણે ગમે ત્યારે ગમે તે વિધાન કરી શકીએ છીએ અને એ વિધાન કરવાની હિંમત કાબિલે-દાદ છે! પણ પી. ટી. ઉષા શાકાહારી નથી. ઉષાની માતા લક્ષ્મીને આ પ્રદર્શનના શાકભાજીવાળાઓ કરતાં જરૂર વધારે ખબર હશે એમ માનીને આપણે આગળ ચાલીએ. માતા લક્ષ્મીનો લૉસ ઍન્જેલિસ ઑલમ્પિક્સ પછી આપેલા એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે ઉષા બહુ ઓછું ખાય છે. (કઈ માતા આવી શિકાયત નથી કરતી?) અને ખાવામાં ચિકન ગમે છે...

હવે પ્રકાશ પદુકોણ! ૧૯૮૦માં લગભગ બધી જ મહત્ત્વપૂર્ણ વિશ્ર્વ બૅડમિન્ટન સ્પર્ધાઓ જીતી લીધા પછી પ્રકાશે ડેન્માર્કના કોપન હેગનમાં ઘર વસાવ્યું. યુરોપમાં એના કોચે કહ્યું કે પ્રકાશે 'એનિમલ પ્રોટીન' લેવું જ પડશે અને પ્રકાશ નોન-વેજિટેરિયન બની ગયો. પ્રકાશ પદુકોણે કબૂલ કર્યું કે સ્ટેમિના અથવા શારીરિક સહનશક્તિ માંસાહારથી વધી છે.

અહિંસા પ્રસારક ટ્રસ્ટનું પ્રદર્શન આપણને ગમે તે કહે પણ પી. ટી. ઉષા અને પ્રકાશ પદુકોણ શાકાહારી નથી. એક શાકાહારી સભામાં એક સુખી ગોળમટોળ ગુજરાતી કવિ પણ ચડી ગયો હતો અને ધડાધડ શાકાહારનાં વખાણ કરતો જતો હતો. એને જોઈને ઉત્તરપ્રદેશના એક લોકગીતની એક લીટી યાદ આવી ગઈ: 'ગોશ્ત ખાયે ગોશ્ત બઢે, સાગ ખાયે હોજરી!' (માંસ ખાવાથી માંસ વધે છે અને શાક ખાવાથી પેટ વધે છે). હા, વિનુ માંકડ શાકાહારી હતા, મહાત્મા ગાંધી શાકાહારી હતા, કહેવાય છે કે વિશ્ર્વ બૉક્સિગં ચૅમ્પિયન જો લુઈ પણ શાકાહારી હતો. અંગ્રેજ કવિ શેલી (કે કીટ્સ) અને જ્યોર્જ બનાર્ડ શૉ શાકાહારી હતા. પણ એટલે શું? એનાથી શાકાહારના પુરસ્કર્તાઓએ ગર્વોન્નત થવા જેવું નથી. જગતના ઈતિહાસમાં સૌથી ક્રૂર સિતમગરોમાંનો એક જેણે ૬૦ લાખ યહૂદીઓની કતલ કરાવી અને કરોડો નિર્દોષ મનુષ્યોનો ધ્વંસ કરાવી દીધો એ માણસ પણ શાકાહારી હતો! એ શાકાહારી સિતમગરનું નામ ઍડોલ્ફ હિટલર...

એટલે શાકભાજી ખાશો તો હિટલર બની શકશો એવો તર્ક પણ કરી શકાય નહીં!

હિંદુસ્તાનમાં જ શાકભાજીવાદીઓ આટલા ગંભીર અને અંતિમવાદી બની જાય છે, અને તાર્કિક વાત સાંભળવા તૈયાર નથી. ગોરિલો વેજિટેરિયન છે. હાથી વેજિટેરિયન છે, ઘોડો વેજિટેરિયન છે... અને ગધેડો પણ વેજિટેરિયન છે! શાકભાજી ખાવાથી તમારામાં ઘોડાની શક્તિ કે ગધેડાની ભક્તિ ગમે તે આવી શકે છે! શાકભાજી એને માટે કેટલા જવાબદાર છે? કરોડો વર્ષો પહેલાં ઝાડ ઉપર જ આખી જિંદગી ગુજારનારા આપણા પૂર્વજ વનમાનુષ વાનરો પ્યોર વેજિટેરિયન હતા... આજે એમના વંશજ આપણે પણ પ્યોર વેજિટેરિયન રહેવું જ જોઈએ એવી દલીલ બહુ તર્કસંગત લાગતી નથી...! અને શાસ્ત્રોમાં પણ કહ્યું જ છે ને જીવ: જીવસ્ય જીવનમ્! (એક જીવન બીજા જીવનો ભક્ષ કરીને જીવે છે).

જીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા આધુનિક વિજ્ઞાને ભૂંસી નાખી છે. વનસ્પતિમાં જીવ છે. પ્રવાહીમાં કીટાણું જીવાણું છે. જીવશાસ્ત્ર ઘણાં બધાં નામો ગણાવે છે. માઈક્રોબ, બેક્ટેરિયા ફૂંગી, એલ્જી, ઑર્ગેનિઝમ, માઈક્રોઑર્ગેનિઝમ... જેના કદાચ ગુજરાતી ભાષામાં પર્યાય નથી. પણ જૈન દર્શનમાં જરૂર છે! આ બધાનો સંહાર પણ હિંસા છે અને શાકાહારીઓએ એનો સંતોષકારક જવાબ શોધવો પડશે. માંસાહારમાં પ્રોટીન મળી રહે છે. શાકાહારીઓનો તર્ક છે કે દાળ અને કઠોળમાં પણ પ્રોટીન છે. માંસાહાર શા માટે કરવો? પણ વેજિટેબલ-પ્રોટીન અને એનિમલ-પ્રોટીનની કક્ષાઓ જુદી છે એ વાત તરફ ધ્યાન દોરાયું નથી. રશિયાના મોસ્કોની ફૅકલ્ટી ઑફ ન્યૂટ્રીશનના અધ્યક્ષ પ્રોફેસર પેટ્રોવ્સ્કી બહુ જ સ્પષ્ટ માને છે કે... 'પશુ-પ્રોટીનની ગેરહાજરીમાં વેજિટેબલ પ્રોટીન ક્યારેય પૂરક બની શકે નહીં.'

ખેર, આ બધી તો જ્ઞાન-વિજ્ઞાનની ગમ્મતો છે. શાકાહારીઓના આક્રમણ અને સામે માંસાહારીઓએ શું ખોવાનું છે? કાર્લ માર્ક્સની ભાષામાં કહીએ તો... ગુજરાતમાં માંસાહાર સિવાય હવે કંઈ જ ખોવાનું નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment