Thursday, 7 July 2016

[amdavadis4ever] શું દિગંત મન થી બીમાર હતો?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દિગંત, વિલાસબહેનનો દીકરો બે દિવસથી ગુમ હતો. સગાંવહાલાં અને મિત્રવર્તુળમાં બધે તપાસ કરાવી પણ કયાંયથી દિગંતનો પત્તો ના મળે.

વિલાસબહેન અને સુરેશભાઇને ઊંડે ઊંડે આશા હતી કે દીકરો ચોક્કસ ઘેર પાછો આવશે. ત્રણેક મહિના પહેલાં એ આવી જ રીતે ગુમ થઇ ગયો હતો અને કોઇ સગાંવહાલાંના ત્યાંથી કે પરિચિત સ્થળેથી નહીં પણ છેક ક્ધયાકુમારીથી એનો પત્તો લાગ્યો હતો. ત્યાં કોઇ ગુજરાતી સજ્જન સાથે એનો મેળાપ થયો અને એ સજ્જન શિક્ષિત, સંસ્કારી અને સ્નેહાળ હતા, એમણે કુનેહથી દિગંત પાસેથી ફોન નંબર લઇને સુરેશભાઇને ખબર આપી હતી અને સુરેશભાઇ દિગંતને હેમખેમ ઘેર પાછો લઇ આવ્યા હતા.

વિલાસબહેન અને સુરેશભાઇ ટેલિફોન પાસેથી ખસતાં ન હતાં. એમને હતું આ વખતે ય કયાંકથી કોઇ અજાણ્યા પ્રદેશમાંથી કોઇ અપરિચિત સજજન દીકરાના સમાચાર આપશે.

પણ ના, આ વખતે એવું કાંઇ ના થયું, પરંતુ પોલીસચોકીથી ત્રીજા દિવસે ફોન આવ્યો કે વિના વિલંબે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચો. સુરેશભાઇ એમના ભાઇ સુમંતને લઇને તરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. એમને એવું હતું કે દિગંત માંદો હશે કે એને અકસ્માત થયો હશે અને દાકતરી સારવારની જરૂર હશે. તેથી દવાખાનામાં દાખલ કર્યો હશે પણ આ શું પોલીસ તેમનો કોઇ વોર્ડમાં નહીં પણ શબઘર લઇ ગયો. ત્યાં દિગંતની લાશ હતી. દિગંતની ફોદાઇ ગયેલી લાશ જોઇને ક્ષણાર્ધ તો સુરેશભાઇ પોતે દીકરાને ઓળખી શકયા નહીં. પણ પોલીસે કહ્યું કે એના ખિસ્સામાંથી નામ, સરનામા તથા ટેલિફોન નંબર સાથેની ચિઠ્ઠી, પ્લાસ્ટીકની કોથળીમાં કાળજીપૂર્વક મૂકેલી મળી આવી છે, સાથે માબાપને સંબોધીને કોઇ ચિઠ્ઠી ન હતી. દિગંત સંયુકત કુટુંબનું ફરજંદ હતો. ઘરમાં મમ્મી, પપ્પા, નાનો ભાઇ ઉપરાંત કાકા કાકી અને વિધવા ફોઇ પણ હતાં. બધાં સાથે રહેતાં હતાં. સ્નેહથી રહેતાં હતાં. પણ દિગંતની દુનિયા નિરાળી હતી. એમાં કોઇ સ્વજનને સ્થાન ન હતું. તેથી આ દુનિયા છોડતી વખત કોઇનાયે નામે સંદેશો મૂકવાની, પોતાના મનની વાત- વ્યથા જણાવવાની ઊલટ જ નહીં જાગી હોય. અંતિમ સફરે ઉપડતાં કોઇનો ય વિચાર એને આવ્યો નહીં હોય.

સુમંતે ઘેર ફોન કર્યો અને જણાવ્યું કે દિગંતનું ડેડબોડી લઇને અમે આવીએ છીએ.

ડેડબોડી? વહાલા દીકરાનું ડેડબોડી? એટલે કે દિગંત હવે આ દુનિયામાં નથી. એણે જાતે જ પોતાના જીવનનો અંત આણ્યો છે. ઓહ આ દીકરો પોતાનું પ્રથમ સંતાન, રૂડો, રૂપાળો, હસમુખો, ચેતનવંતો, એને જોઇને પોતે કેટલું હરખાતી હતી. આ દીકરાની કેટલી કાળજી રાખીને મોટો કર્યો હતો. એને નખમાં ય રોગ ન હતો. નાખી નજર પહોંચે મૃત્યુ તો શું કોઇ રોગ દેખાતો ન હતો, એ દીકરો હવે નથી. શું કામ એણે આપઘાત કર્યો.

એક ચીસ પાડીને વિલાસબહેન ભોંયે પટકાયાં. કેટલાય પ્રયત્નો પછી એમને ભાન આવ્યું. ભાન આવ્યું પણ એમનો વિલાપ, હૈયાફાટ રૂદન તો અટકતું જ નથી. સાથે સાથે બધા સ્વજનો રડે છે. વિલાસબહેનનાં માસી રંભાબહેન શાણાં હતા. એ બોલ્યાં, 'બેટા વિલાસ, દીકરો ગુમાવ્યાનુું દુ:ખ ભયંકર, કારમું છે. ગમે તેટલા માથા પછાડીશ, રૂદન કરીશ દીકરો તો ગયો એ પાછો નહીં આવે પણ તારે સુરેશભાઇને સાચવવાના છે, એમણે ય દીકરો ગુમાવ્યો છે. તું અત્યારે તારું હૈયું ઠાલવી લે પણ સુરેશભાઇ આવે ત્યારે હિંમત રાખજે.'

અને સુરેશભાઇ તથા સુમંત દિગંતનું મૃતશરીર લઇને આવ્યા ત્યારે ખરેખર વિલાસબહેને હિંમત રાખી હતી અને બોલ્યાં હતા, 'દીકરો પ્રભુએ આપ્યો હતો અને એમણે જ પાછો લઇ લીધો.'

'પણ આપણે એનું જતન ના કરી શકયાં. વિલાસ આપણને માબાપ થતા ન આવડું. કેવો રૂડો રૂપાળો ડાહ્યો દીકરો હતો.'

વિલાસબેન મનોમન બબડયાં, 'એ રૂપાળો હતો એ જ મોકાણ હતી ને!'

વાત કદાચ સાચી હતી. દિગંત દેખાવે મનમોહક આકર્ષક હતો. કિશોરાવસ્થા વટાવી પછી તો એની ઊંચાઇ, પહોળાઇ, એનું હાસ્ય, એનો અવાજ બધું જ પ્રભાવશાળી હતું. ગમે તેની મિમિક્રી એ આબાદ કરતો. પ્રાથમિક શાળામાં હતો ત્યારથી એ નાટકમાં ભાગ લેતો હતો. પ્રાર્થના મંદિરમાં રોજ એ પ્રાર્થના ગવડાવતો. એ નાચતો, કૂદતો, રમવામાં અને ભણવામાં કાયમ આગળ રહેતો. એ બધાને પ્રિય હતો. બધા એની પ્રશંસા કરતા પણ એને કદી અભિમાન ન હતું આવ્યું, એ કદી ઉદ્દત ન હતો બન્યો. માબાપનો એ આજ્ઞાકિંત દીકરો હતો.

ઘરમાં મમ્મી પપ્પા, કાકા કે ફોઇ એને ઉંચા સાદે કંઇ કહે તો એ કદી ખરાબ ન લગાડતો કે સામો જવાબ ના આપતો.

આવો ડાહ્યો દીકરો, કેટકેટલી આશા એના માટે સેવાતી હતી અને અચાનક દીવો બુઝાઇ ગયો.

સુરેશભાઇ તથા વિલાસબહેન કાયમ એની આગળ સ્વબળે પ્રગતિ સાધનાર મહાન પુરુષોની વાતો કરતાં ને કહેતાં દીકરા તું ધારે તો આવો મોટો માણસ બની શકે. ઈતિહાસમાં તારુ નામ સુવર્ણ અક્ષરે લખાશે.

એના સહાધ્યાયીઓ કહેતાં તું આટલી આકર્ષક પર્સનાલિટી ધરાવે છે, તું સ્ટાર બનજે તું કરોડો કમાઇશ અને આપણા દેશવાસીઓ જ નહીં બધાં તારું નામ જાણશે. તું વર્લ્ડ ફેઇમસ બનીશ. કોઇ કહેતું તું અભિનેતા ના બને તો નેતા બનજે. બધા તું કહે એમ કરશે. તું રાજાની જેમ સત્તા ભોગવીશ.

દિગંત પોતાના વિશે રંગીન સ્વપ્નાં જોતો થઇ ગયો હતો પણ કેવી રીતે સ્વપ્નાં સાકાર કરવાં? પોતાની રીતે એ પ્રયત્ન કરતો હતો પણ એ પાછો પડતો હતો. તે નિરાશ, ઉદાસ થઇ જતો કે મારામાં બધું છે તો કેમ હું કંઇ કરી શકતો નથી. નિષ્ફ્ળતા રાતદિવસ એને કોરી ખાતી. ઘરમાં અને બહાર બધાંની સાથે હળવા મળવાનું, હસવાને બોલવાનું ઓછું ને ઓછું થતું ગયું. કોઇ એની સાથે વાત કરવા જાય તો એ ચિડાઇ જતો. એ ઘરમાં સંયુકત કુટુંબમાં રહેતો હતો. પણ કોઇનો પ્રેમ એને સ્પર્શી શકતો નહીં. ભર્યા ભર્યા ઘરમાં એ જાણે એકલો પડી ગયો હતો. વિલાસબહેન એક જાગ્રત મા હતી. એ બાળઉછેર અને મનોવિજ્ઞાન વિશે ઘણું વાંચતા, વિચારતાં, તેથી તેમને એટલું સમજાતું હતું કે દીકરાના મનમાં કોઇ ઉલ્કાપાત સર્જાયો છે. એ હતાશામાં સરતો જાય છે. બીજી શારીરિક બીમારીની જેેમ હતાશાના પણ ઉપાય વેળાસર કરવા જોઇએ. આવી વ્યક્તિ વધારે પડતી ભાવુક અને સંવેદનશીલ હોય છે. દુનિયાદારીનું એને સાચું જ્ઞાન હોતું નથી. માટે જીવનમાં અડીખમ ટકી રહેવા માટે એને અઢળક પ્રેમની જરૂર પડે છે. એકલો નથી, બધાં એની સાથે છે. એની વારંવાર ખાતરી કરાવવી પડે છે. એને સલાહ- સૂચનની નહીં પણ ઉષ્મા અને હુંફની જરૂર હોય છે.

વિલાસબહેન મનોચિકિત્સકના સૂચનને અનુસરતાં તેઓ દીકરાને કંઇ પૂછતાં નહીં કે સલાહ આપતાં નહીં, પણ એમના આંખ, કાન દીકરા તરફ મંડાયેલા જ રહેતા. એ દીકરાનું મન વાંચવા પ્રયત્ન કરે છે. એમને આશા હતી કે દીકરો હતાશામાંથી ઉપર ઊઠશે પણ દીકરો જ હવે તો નથી રહ્યો. 

વિલાસબહેન પોતાની જાતને અપરાધૂ માને છ કે પોતે કયાં ભૂલ ખાધી? કેમ દીકરાને પોતાના પ્રેમની ખાતરી ના થઇ?

દીકરો નિર્બળ મનનો ન હતો. વિલાસબેનના સાસરી અને પિયરમાં કોઇએ આપઘાત કર્યો ન હતો. બધાં ઝિંદાદિલીથી જીવ્યાં હતાં. તો દીકરાના મનમાં આટલી બધી નકારાત્મકતા કયાંથી ઊભરાઇ. એના જીવનમાં દેખીતી એવી કોઇ ઘટના ઘટી ન હતી કે એ આવું અંતિમ પગલું ભરે! દીકરાના મનનો તાગ હું કેમ પામી ન શકી? મારો પ્રેમ, મારી સાવધાની, મારી કાળજી કયાં થાપ ખાઇ ગયાં? વિલાસબહેનના મનમાં અનેક પ્રશ્ર્નો ઊઠે છે પણ જવાબ નથી મળતો. એમના જીવનમાં અંદર ને બહાર બધે અંધારું જ અંધારું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment