Tuesday, 6 October 2015

[amdavadis4ever] આવતી કાલ માટેનો નોસ ્ટૅલ્જિયા આજે બનાવીએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧૯૭૨ની બીજી ઑકટોબરે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંની શહનાઈથી એની મંગળ શરૂઆત થઈ. દૂરદર્શનની. મુંબઈમાં. પ્રસારણ શરૂ થતાં પહેલાં તીણી સિસોટી સાથે એક બ્લેક ઍન્ડ વ્હાઈટ ઈમેજ આવે- ફોક્સ અને કૉન્ટ્રાસ્ટ ઍડજસ્ટ કરવા માટે અગાસી પર જઈને ત્રણ પાંખિયાવાળું ઊંચું- લાંબું એન્ટેના ઍડજસ્ટ કરવાનું. પ્રસારણ શરૂ થતાં પહેલાં ઉદાસ ટ્યૂનમાં સારે જહાં સે અચ્છા જેવી શરણાઈ વાગે. શરૂમાં તો બાતમ્યા, આમચી માતી આમચી માણસં જેવા બોરિંગ પ્રોગ્રામ આવે. પણ ગુરુવારે છાયાગીતમાં ફિલ્મી ગીતો બતાવે. રવિવારે કોઈ જૂની હિન્દી ફિલ્મ લગાડે. ધીમે ધીમે જાહેરખબરો આવતી થઈ. સિરિયલો બનતી થઈ. ૧૯૮૨માં એશિયાડની સાથે કલર ટીવી આવ્યું. હમ લોગ, બુનિયાદ, જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ, રામાયણ, નુક્કડ, મહાભારત. વરસાદને લીધે કે પછી તકનીકી સમસ્યાને લીધે વારંવાર એક પાટિયું દેખાય: ઉપર દૂરદર્શનનો લોગો નીચે સૂચના- સૉરી ફૉર ધ ઈન્ટરપ્શન. માલગુડી ડૅઝ-ત નાના તનાના ના... ધ લ્યુસી શો. સંતાકૂકડી, યુવદર્શન. ઘેરબેઠાં. વૉટ્સ ધ ગુડ વર્ડ. ૧૯૮૩ની વર્લ્ડ કપ લાઈવ. મિલે સૂર મેરા તુમ્હારા...

કેવા સરસ દિવસો હતા. સ્મરણો, નોસ્ટૅલ્જિયા. કાકાસાહેબ કાલેલકર કંઈક આવા મતલબનું લખ્યું હતું કે અતીતને ઓવારે બેસીને છબછબિયાં કરી લેવાના હોય એમાં ડૂબકી મારીને તર્યા કરવાનું ન હોય. વારંવાર મનને સમજાવ્યા પછી પણ આદત છૂટતી નથી. ગમે તે ઘડીએ ભૂતકાળમાં સરી પડે છે અને તે હિ ના દિવસા ગતા: ના અફસોસ સાથે મન પાછું વર્તમાનમાં આવે છે.

પાંચ- પંદર- પચ્ચીસ કે પાંત્રીસ વર્ષ પહેલાંના સમયગાળાની સ્મૃતિઓનુું રેશમ પંપાળતી વખતે ભૂલી જઈએ કે હવે પછીનાં પાંચ- પંદર- પચ્ચીસ કે પાંત્રીસ વર્ષ પછી જે કિનખાબી ક્ષણો લાગતી હશે તે આજની હશે. પણ અત્યારે આજનો આ સમય ખરબચડો લાગે છે.

જે નોેસ્ટૅલ્જિયા ફરી જીવવાનું મન થાય છે તે દિવસોમાં એવી તો કોઈ સભાનતા નહોતી કે ચાલો, કંઈક એવું જીવી લઈએ જેની સ્મૃતિ ભવિષ્યમાં આપણા માટે મૂડી બની જાય.

સાહજિક રીતે જિવાતું ગયું. દિવસો જોડીતોડીને જિંદગી આગળ વધતી ગઈ. છતાં એ દિવસોની યાદ આજે રોમાંચક લાગે છે.

નોસ્ટૅલ્જિયાની કિંમત જો ખરેખર સમજાઈ ગઈ હોય તો આટલું કરીએ? આજે જે જિંદગી જીવાઈ રહી છે એના માટે થોડાક સભાન બનીએ, કૉન્શ્યસ બનીએ. આજે શું કરીએ છીએ, આજે શું વાંચીએ- જોઈએ- સાંભળીએ છીએ, આજે કોને મળીએ છીએ- ક્યાં જઈએ છીએ. આ બધા માટે સહેજ વધુ સભાનતા કેળવીએ. કારણ કે ભવિષ્યમાં આજનો આ દિવસ તમારા નોસ્ટૅલ્જિયાનો હિસ્સો બની જવાનો છે. તમારા અતીતને ભવિષ્યમાં ભવ્યતાનો ઓપ આપવો હોય તો આજે આટલું અમથું આ નાનકડું કામ કરવું પડે.

અને થોડીક વસ્તુઓ નાની સરખી પેટીમાં સાચવી રાખીએ. ટ્રેનની ટિકિટ, સેલફોન પર લીધેલા ફોટાની પ્રિન્ટ, ઈમેલનો પ્રિન્ટઆઉટ, કરિયાણાવાળાનું બિલ, કુરિયરની રસીદ, હૉટેલનું બિલ, રૂપિયાનો સિક્કો, દસ રૂપિયાની નોટ, આજનું આ છાપું...

આજે સોશ્યલ મીડિયામાં સિત્તેરના દાયકા સુધી ચલણમાં હતાં એવાં રેડિયો/ ટીવી લાયસન્સ જોવા મળે છે ત્યારે કેવો રોમાંચ થાય છે. ત્રણ રૂપિયે લિટર પેટ્રોલનું બિલ કે આઠ આનાના મસાલા ડોસાનું બિલ જોવા મળે છે ત્યારે કેવી થ્રિલ થાય છે.

મોંઘવારી. આઝાદી પહેલાં પણ લોકોને મોંઘવારી નડતી. પચ્ચીસ વર્ષ પહેલાં પણ નડતી અને પચ્ચીસ વર્ષ પછી પણ નડશે. મારે હિસાબે એ નૉન-ઈશ્યુ છે. રાજકારણીઓ અને મીડિયા માટેનો ઈશ્યૂ છે- એમના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ સંકળાયેલા છે અને આપણે એમની વાતોમાં આવી જઈને મોંઘવારીના નામનો કકળાટ કરીને આપણી અચ્છી-ખાસી જિંદગીમાં ક્લેશ પાથરી દઈએ છીએ. જે પૈસા હાથમાં આવે છે એમાંથી જે કંઈ બચત થઈ, જે કંઈ વાપરી શકાય, જે કંઈ વસાવી શકાય તેમાં ખર્ચ કરવાનો. પૈસા ઓછા પડે તો વધારે કમાવવાની કોશિશ કરવાની. ન થઈ શકે તો જે મળે છે તે પૂરતા છે એવું માનીને ઍડજસ્ટમેન્ટ કરીને આનંદમાં રહેવાનું. પણ મનમાં કજિયો નહીં રાખવાનો કે આ મોંઘવારીમાં પૈસા નથી એટલે શોષાવું પડે છે. આગળ કહ્યું એમ મોંઘવારી સનાતન છે. વાસ્તવમાં મોંઘવારી જેવો શબ્દ જ જીવનમાંથી કાઢી નાખવાનો. કોઈ વસ્તુ ન પોસાય એવી હોય એટલે મોંઘી લાગે એ સ્વાભાવિક છે. પણ મોંઘી વસ્તુ લઈ લીધા પછી જીવ નહીં બાળવાનો કે હાય, હાય, કેટલી મોંઘી ખરીદી થઈ ગઈ. બાય ધ વે અંગ્રેજીમાં તમને જે ચીજ ન પોસાય એવી હોય તેને કોસ્ટલી કહેવાય અને એ જ ચીજ જેને પોસાય એવી હોય એના માટે તે એક્સપેન્સિવ હોય. ગુજરાતીમાં કોસ્ટલીને મોંઘી અને એક્સપેન્સિવને કિંમતી કહેવાય? ક્યાંક તમને પાંત્રીસ લાખનો જે હાર કોસ્ટલી લાગ્યો એ નીતાબેન માટે એક્સપેેન્સિવ કહેવાય (જોકે, નીતાબેન માટે તો આવો હાર ચીપ કહેવાય.)

આજનો દિવસ કકળાટ માટે નથી, આ સમયગાળો ફ્રસ્ટ્રેશન બહાર કાઢયા કરવાનો નથી, વર્તમાન ફરિયાદો કરવા માટે નથી. પ્રસન્ન રહેવા માટે છે, આનંદથી જીવવા માટે છે, તમે કેટલા નસીબદાર છો એવો અહેસાસ કરવા માટે છે. કારણ કે આવતી કાલે તમને આ જ દિવસો નોસ્ટૅલ્જિયા બનીને યાદ આવવાના છે. ત્યારે તમને લાગવાનું છે કે કેવા સરસ દિવસો હતા. ત્યારે એવું લાગે એટલા માટે આજે જીવીને એવું લાગવું જોઈએ કે કેટલા સરસ દિવસો છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment