Wednesday, 28 December 2016

[amdavadis4ever] સ્મારકના સર્જનહાર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોટાભાગના લોકો ઇતિહાસ પ્રત્યે સૂગ ધરાવતા હોય છે. જોકે, એમાં એમનો દોષ નથી, કારણ કે આપણને જે રીતે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ પદ્ધતિ જ ઢંગધડા વગરની હોય છે. પાણીપતનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું, મૌર્ય શાસનકાળ કયો અને રાણા પ્રતાપનો જન્મ કઈ સાલમાં ક્યાં થયો હતો જેવી બાબતોને વિશેષ મહત્ત્વ અપાય છે. મોહનદાસ કરમચંદ ગાંધી કઈ પરિસ્થિતિ કે સંજોગોને કારણે મહાત્મા ગાંધી થયા એ પ્રક્રિયા સમજવાને પ્રાધાન્ય જવલ્લે જ અપાય છે. એ જ રીતે એડોલ્ફ નામનું બાળક કયા કારણસર ઘાતકી હિટલર બન્યું એ જાણવાનો અને એ જાણીને સમજવાના પ્રયત્નો પણ ભાગ્યે જ થાય છે. જો આ રીતે ઇતિહાસ ભણાવાય તો એ ચોક્કસ રસપ્રદ બની રહે અને એમાંથી એક નવી કેડી કે દિશા મળી રહે અને એક હિટલર ઓછો પાકે કે એક ગાંધીજી વધુ નિર્માણ થઇ શકે. એ જ પ્રકારે મહાનુભાવોના શિલ્પ કે સ્થાપત્ય જોઈને જો તેમનાં વ્યક્તિત્વ પારખી શકાય તો આવતી કાલ માટે એમાંથી એક દૃષ્ટિ મળવાની સંભાવના રહેલી છે. કબૂલ કે મુંબઇ નજીક અરબી સમુદ્રમાં શિવાજીની નવી પ્રતિમા તૈયાર કરવા માટે જે ગંજાવર ખર્ચ થવાનો છે એની ટીકા થઇ રહી છે. એટલા પૈસા તો ખેડૂતો માટે સિંચાઈ યોજનાઓ માટે કે ગ્રામ્ય વિસ્તારોમાં સડકો બનાવવા માટે ખર્ચવા જોઇએ જેવી ઘણી દલીલો થઇ રહી છે, એના પર વિચાર પણ થવો જોઈએ. સાથે સાથે સોશ્યલ મીડિયા પર શિવાજીના પૂતળાનું સમર્થન કરતી વાતો પણ ફરી રહી છે. એમાં જણાવાયું છે કે આ પ્રતિમા એક વિશિષ્ટ પ્રકારની ધાતુના મિશ્રણમાંથી બનાવવામાં આવી હોવાથી એમાંથી ખાસ્સી માત્રામાં વીજશક્તિ ઉત્તપન્ન થઇ શકે છે.

જોકે, શિવાજીની પ્રતિમા બનાવવાની જવાબદારી જેમને સોંપાઈ છે એ પિતા પુત્ર રામ સુતાર અને અનિલ સુતાર તો પોતાનું કામ કઈ રીતે ટકોરાબંધ નીવડે એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમની દલીલ છે કે પ્રતિમાને કારણે ઇતિહાસ જળવાય છે અને સ્મૃતિમાં રહે છે. વાત તો તેમની સાચી છે અને અહીં આપણે તેમના યોગદાનની વાત કરવી છે.

રામ સુતારનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૫ના દિવસે મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંદુર ગામમાં થયો હતો. પરિવાર આર્થિક રીતે શ્રીમંત ન હોવાને કારણે બાળપણ સંઘર્ષમાં વીત્યું. જોકે, બાળક રામમાં રહેલી આવડત શ્રીરામ કૃષ્ણ જોશી (જે પછી એમના ગુરુજી બન્યા)ના ધ્યાનમાં આવી અને તેમણે તરુણ વયના રામને મુબઇની જે. જે. કૉલેજ ઑફ આર્ટ્સમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો. ગુરુએ ચીંધેલો મારગ કેટલો યોગ્ય હતો એની પ્રતીતિ બહુ જલદી થઇ ગઇ, કારણ કે અહીંના અભ્યાસ દરમિયાન રામ સુતારની પ્રતિભા ખીલવા લાગી અને આ હોનહાર વિદ્યાર્થી કાયમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ આવ્યો. ૧૯૫૩માં કોર્સ પૂરો થયો ત્યારે તેમને પ્રતિષ્ઠિત ગણાતા મેયો ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. અત્યંત ઝળહળતી કારકિર્દી પછી તેમના કાર્યકાળનો પ્રારંભ થયો આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટના મૉડલર તરીકે. પહેલી જ જવાબદારી મહત્ત્વની અને વિશાળ ફલકની હતી. રામ સુતાર ન તો ગભરાયા કે ન નર્વસ થયા. કામ હતું આપણા વૈભવશાળી ઇતિહાસમાં આદરભર્યું સ્થાન ધરાવતી અજંતા અને ઇલોરાની ગુફાના શિલ્પોને મૂળ સ્વરૂપમાં લાવવાનું. કામ અઘરું હતું, પણ ખૂબ જ મહેનત અને લગનથી તેમણે એ કામ પૂરું કર્યું અને મોટા ભાગના શિલ્પોને મૂળ સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવામાં સફળતા મેળવી. આ દરમિયાન તેમનાં લગ્ન થઇ ગયાં હતાં અને ૧૯૫૭માં તેમના એકમાત્ર પુત્ર અનિલનો જન્મ થયો. ત્રણેક વર્ષ નોકરી કર્યા પછી ૧૯૬૦થી તેમણે ફ્રીલાન્સિંગ શરૂ કર્યું અને કૃષિ મેળાના મુખ્ય પ્રવેશદ્વાર પરના બે સ્મારકો સાથે એક યશસ્વી અને તેજસ્વી કારકિર્દીનો પ્રારંભ થયો.

પ્રતિમા કે સ્મારક ગમે એવા મહાકાય કે વિશાળ કદના કેમ ન હોય, પોતાની ભવ્ય અને વિશાળ કારકિર્દી દરમિયાન રામ સુતારે દરેક કામમાં નિપુણતા દેખાડી છે અને કામ પૂરું થયા પછી એ કૃતિઓ જોનારા લોકોની આંખો પહોળી થઇ ગઇ છે. પહેલી વાર તેમને નામના મળી ગાંધી સાગર ડૅમ પર તૈયાર કરેલા ચમ્બલ સિમ્બોલિક મૉન્યુમેન્ટથી. આ ૪૫ ફૂટ ઊંચું ભવ્ય સ્મારક માત્ર એક જ શિલામાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. એ સ્મારક માતા ચમ્બલ અને તેના બે સંતાન મધ્ય પ્રદેશ અને રાજસ્થાન આ બે રાજ્યો વચ્ચેના ભાઇચારાનું પ્રતીક હતું. જનતા તો આ કળાકૃતિથી આભી બની ગઇ હતી, પણ સોનામાં કેસરની સુગંધ ભળે એમ એ સ્મારક જોઇને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પણ પ્રભાવિત થઇ ગયા.

રામ સુતારની કારકિર્દી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી હતી. ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્ય પ્રધાન, ભારતના ચોથા ગૃહ પ્રધાન અને વરિષ્ઠ રાજનેતા પંડિત ગોવિંદ વલ્લભ પંતનું તેમણે બનાવેલું પ્રથમ પૂતળું છે જે ખાસ્સું ગાજ્યું અને વખણાયું. આજે પણ રેલ ભવનમાં એ ઊભું છે. રામભાઉ આ કામને અત્યંત મહત્ત્વનું ગણાવે છે કારણ કે એ જાહેરમાં મુકાયા પછી અન્ય લોકો કે સંસ્થા તરફથી તેમને કામ મળવા લાગ્યા. ૧૯૭૦ના દાયકામાં આ પ્રવૃત્તિને વેગ મળ્યો. એ સાંભરીને અનિલ સુતાર જણાવે છે, 'ગાંધીજીની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ક્લચરલ રિલેશન્સ દ્વારા વિદેશી સરકારોને ગાંધીજીની પ્રતિમાઓ ભેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું. સરકારે આ કામ માટે ૧૫ કલાકારોની પસંદગી કરીને તેમને તેમના મૉડલ મોકલવા માટે જણાવ્યું. આ શિલ્પીઓએ મોકલેલી તેમની પ્રતિકૃતિની તસવીરો અલગ અલગ દેશોને મોકલી આપવામાં આવી. મજાની વાત તો એ થઇ કે બધા જ દેશોએ પિતાશ્રીના મૉડલને પસંદ કર્યું. એ દિવસથી આજ દિન સુધીમાં પિતાશ્રીએ બનાવેલી ગાંધીજીની પ્રતિમાઓએ વિશ્ર્વના ૨૦૦થી વધુ દેશમાં સ્થાન ગ્રહણ કર્યું છે.'

રામ સુતારે ઘણી કળાકૃતિઓ બનાવી છે પણ એમાંથી એમને સંસદ ભવનની બહાર મૂકવામાં આવેલી ગાંધીજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમા માટે તેમને વિશેષ ગર્વ છે. સ્વસ્થ અને તેજસ્વી ચહેરા પર ઝળકતા નિર્મળ હાસ્યવાળી આ પ્રતિમા ઇતિહાસવિદોમાં પણ આદરનું સ્થાન ધરાવે છે. ગાંધીજીના ચહેરા પર રેલાયેલા સ્મિતની પાછળ દયા અને કરુણાના ભાવ રહેતા જેને રામ સુતાર આબાદ રીતે ઝડપી શક્યા છે એવો અભિપ્રાય દિલ્હીના ઇતિહાસવિદ્ તેમ જ શિલ્પકાર દીપક કનાલે વ્યક્ત કર્યો છે. અન્ય એક શિલ્પકારના કહેવા મુજબ રામભાઉના શિલ્પોમાં ગાંધીજીના મનોભાવ બહુ સરસ રીતે ઉપસી આવે છે. રામ સુતારની કારકિર્દીની બીજી એક યશકલગી સાબિત થઇ શકે છે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની વિશાળ પ્રતિમા તૈયાર કરવાનું કામ પણ તેમને સોંપ્યું છે. સરદાર પટેલ અને શિવાજીની પ્રતિમાઓ તૈયાર કરવી એ રામ સુતાર માટે એક મોટો પડકાર છે. ખાસ તો એટલા માટે કે કલાકૃતિઓ નીરખવાની લોકોની સમજ હવે પહેલા કરતા વધુ વિસ્તરી છે અને સૂક્ષ્મ સુધ્ધાં બની હોવાથી બારીકીઓ પાર વધુ ધ્યાન અપાતું થયું છે. બીજી એક ખાસ વાત એ છે કે ગાંધીજી કરતા સરદાર અને શિવાજીની વિચારધારામાં ઘણું અંતર છે, પણ આ વાતથી સુતાર પિતા-પુત્ર મૂંઝાય એવા નથી. 

સરદારના સ્મારક વિશે રામ સુતારે જણાવ્યું કે 'આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રતિમાની ઊંચાઇ ૫૨૨ ફૂટ હશે અને વજન આશરે ૧૬૦૦ ટન (સોળ લાખ કિલો) હશે. એમના મસ્તકનો વ્યાપ જ ૭૦ ફૂટનો હશે. આ પ્રતિમા પ્રતિકૂળ સંજોગોમાં એકતાનું પ્રતીક છે. એનું કામ પૂરું કરતા બે વર્ષ લાગશે.'

શિવાજીની પ્રતિમા વિશે અનિલ સુતારે આપેલી માહિતી મુજબ 'સ્મારક સ્થળે કામ શરૂ કરવાને હજી વાર છે એ વાત ખરી, પણ અમે ઘણી પૂર્વતૈયારી કરી લીધી છે. મુંબઇનું હવામાન ભેજવાળું હોવાથી સ્મારક બનાવવા માટે ઇરાદાપૂર્વક મિશ્ર ધાતુ કાંસા (બ્રૉન્ઝ)ને ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રૉન્ઝમાં ૮૮ ટકા તાંબુ હોય છે. દૂરથી જોતી વખતે સિંહાસન પર આરુઢ થયેલી વ્યક્તિ નાની લાગે જ્યારે અશ્ર્વારૂઢ પ્રતિમા ઊંચી લાગે અને એ ભવ્ય પણ લાગે. આ જ કારણસર શિવાજી મહારાજની આ પ્રકારની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે.'

૯૧ વર્ષના રામ સુતાર કુદરતને પોતાના શિક્ષક ગણાવી કહે છે, 'પ્રકૃતિ પાસેથી હું જે કંઇ શીખ્યો છું એ અનુભવ મારા કામમાં ઊતરે છે. કુદરત શ્રેષ્ઠ શિક્ષકની ગરજ સારતો હોય છે. ક્યારેક તો કામ પૂરું થયા પછી મને જ આશ્ર્ચર્ય થાય છે કે શું મેં જ આ બનાવ્યું છે? કલાકારે કાયમ પોતાના કલ્પનાના ઘોડા છુટ્ટા મૂકી દેવા જોઇએ.'

----------------------------

બે ઉન્નત પ્રતિમાની સરખામણી

રામ સુતાર અને અનિલ સુતાર શિવાજી મહારાજના પૂતળાની સાથે સાથે ગુજરાતમાં ઊભા કરવામાં આવનાર સરદાર વલ્લભભાઇ પટેલની ભવ્ય પ્રતિમા માટે પણ કામ કરી રહ્યા છે. આ સંદર્ભમાં માહિતી આપતા અનિલ સુતારે જણાવ્યું કે 'સરદાર પટેલની પ્રતિમાની ઊંચાઇ ૫૨૨ ફૂટ હશે જ્યારે શિવાજી મહારાજાની પ્રતિમા આશરે ૪૦૦ ફૂટ ઊંચી હશે. આ ફરકનું કારણ એવું છે કે સરદાર પટેલનું પૂતળું ઊભું હશે જ્યારે શિવાજી અશ્ર્વારુઢ અવસ્થામાં હશે. જોકે, શિવાજીની પ્રતિમાની ચબૂતરા પાસેથી (એટલે કે સમુદ્ર સપાટીથી) ગણીએ તો ૬૮૯ ફૂટ હશે. સરદાર પટેલના પૂતળાની ઊંચાઇ નદીની સપાટીથી ૬૦૭ ફૂટ હશે.' સરદાર પટેલના આ સ્મારકનું નામકરણ એકાત્મકતાનું સ્મારક (સ્ટેચ્યૂ ઑફ યુનિટી) તરીકે કરવામાં આવ્યું છે અને સરદાર સરોવર ડૅમ નજીક આવેલા સાધુ બેટ પર ઊભું કરવામાં આવી રહ્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment